હેડ્રિયન (જ. 24 જાન્યુઆરી 76, ઇટાલિકા, બેટિકા, સ્પેન; અ. 10 જુલાઈ 138, બેઈઆ, નેપલ્સ પાસે) : રોમન સમ્રાટ. તેનું લૅટિન નામ પુબ્લિયસ ઇલિયસ હેડ્રિયનસ હતું. ઈ. સ. 85માં તેના પિતા અવસાન પામ્યા ત્યારે તેને તેના પિતરાઈ ટ્રાજનના રક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો. ટ્રાજન ઈ. સ. 117માં અવસાન પામ્યો પછી હેડ્રિયન સમ્રાટ બન્યો. તે વહીવટદાર તરીકે ઘણો કાર્યક્ષમ પુરવાર થયો. તેણે સેનેટ સાથે સારા સંબંધો રાખ્યા. તેણે કાયમી અને શક્તિશાળી અધિકારીઓ નીમ્યા. તેણે ઈ. સ. 121–122માં ઇંગ્લૅન્ડની ઉત્તરે આશરે 117 કિમી. લાંબી પથ્થરની મજબૂત દીવાલ બંધાવી. તેનાથી ઇંગ્લૅન્ડને ઉત્તરમાંથી થતાં આક્રમણોથી રક્ષણ આપવાનો ઇરાદો હતો. તે ‘હેડ્રિયન વૉલ’ નામથી જાણીતી થઈ. સમગ્ર સામ્રાજ્યમાં સરહદોના સંરક્ષણને મજબૂત કરવામાં આવ્યું. તેણે અનેક શહેરો અને નગરોમાં જાહેર બાંધકામનાં કાર્યો દ્વારા સુધારા કર્યા. તેણે ઇટાલી માટે ટપાલની સુવિધામાં સુધારો કર્યો. તેણે રોમન કાયદાનો સંગ્રહ તૈયાર કરાવ્યો. હેડ્રિયન પોતે શિક્ષિત તથા કવિ હતો અને ગ્રીક સંસ્કૃતિનો પ્રશંસક હતો. તે સંગીત, ચિત્રકામ તથા ગણિતશાસ્ત્રમાં નિષ્ણાત હતો. ઈ. સ. 132–135 દરમિયાન પેલેસ્ટાઇનમાં યહૂદીઓએ બળવો કર્યો, જે તેણે નિર્દયતાથી કચડી નાખ્યો. તેણે ઇજિપ્તમાં એન્ટિનુપોલિસ અને થ્રેસમાં હેડ્રિયનોપલ નામનાં બે નગરો વસાવ્યાં. તેણે એથેન્સમાં ઝિયસનું ભવ્ય મંદિર પૂરું કરાવ્યું.
જયકુમાર ર. શુક્લ