હેડગેવાર, (ડૉ.) કેશવ બળિરામ (જ. 1 એપ્રિલ 1889, નાગપુર; અ. 21 જૂન 1940, નાગપુર) : ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને હિંદુ રાષ્ટ્રની વિચારધારાના પ્રખર સમર્થક. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મજબૂત બનાવી ભારતને સ્વબળ અને વૈભવ સાથે સમગ્ર વિશ્વમાં ટોચના સ્થાને લઈ જવાના પ્રયત્નો જીવનભર કર્યા. સમાજમાં રહેતી સામાન્ય વ્યક્તિઓ સમાન વ્યવહાર દ્વારા પરસ્પર સમરસ થાય તે જોવાની તેમની ઇચ્છા હતી. નિ:સ્વાર્થભાવ, વિચારોની તર્કબદ્ધતા, મધુર સ્વભાવ, નિષ્કલંક ચારિત્ર્ય, પ્રયત્નશીલતા એ તેમના ગુણો હતા. તેઓ સાદું જીવન જીવવાના હિમાયતી હતા. તેમણે એક વાર કહેલું કે, ‘ભોગવિલાસનાં સાધનો ઉપલબ્ધ છે એટલે તેનો ઉપયોગ કરવો એ બરાબર નથી. સીધી-સાદી વસ્તુઓનો ઉપયોગ કાયમને માટે કરવો તે ઉત્તમ છે.’ તેઓ જ્યાં જતા ત્યાં તેમનો વર્તાવ સહજ અને ખૂબ જ આત્મીયતાપૂર્ણ રહેતો હતો. તેઓ સાદગીભર્યા જીવનના આગ્રહી હતા. 1929માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઉચ્ચાવચકક્ષીય (hierarchical) રચના કરવામાં આવી ત્યારે તેમને સરસંઘચાલકનું પદ એનાયત કરવામાં આવ્યું. ત્યારથી જીવનપર્યંત (1940) તેઓ સરસંઘચાલક રહ્યા હતા.

સમાજનું સંગઠન કરનારાઓએ પોતાના વ્યવહારમાં નાની નાની વાતો અંગે સૌથી વધુ સાવધ રહેવું જોઈએ તેવો તેમનો આગ્રહ હતો એટલું જ નહીં, સ્વયં પોતે આ દૃષ્ટિએ ઉદાહરણ પૂરું પાડ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ નિયત સમયે જ થાય એવી પ્રણાલિકા તેમણે ઊભી કરી અને તેનું પાલન કર્યું. તેમનું ભાષણ અત્યંત સ્પષ્ટ, સરળ ભાષામાં અને સુગમ રહેતું હતું; પરંતુ તેની પાછળ હૃદયની લાગણી રહેતી. તેમના જીવનમાં કૃતિ અને ઉક્તિ બંને પક્ષ પ્રબળ અને પ્રભાવી હતા. તેમના જીવન પર સ્વામી રામદાસના ‘દાસબોધ’ તથા લોકમાન્ય ટિળકના ‘ગીતારહસ્ય’ની ઘણી અસર પડેલી જણાય છે. સુનિશ્ચિતતા અને સંયમ એમના પત્રલેખનની વિશેષતા હતી. સક્રિય અને સન્નિષ્ઠ વ્યક્તિ કોઈ પણ પક્ષ કે વિચારની હોય, તેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વર્તુળમાં લાવવા માટે પોતે તેને મળતા અને તેના મનમાં સંઘ માટે પ્રેમ પેદા કરવાનો પ્રયત્ન કરતા રહેતા હતા. તેમનામાં અદભુત સહજતા અને આકર્ષકતા હતી. અનન્ય દેશપ્રેમ, હિંદુત્વ પ્રત્યેની નિષ્ઠા અને આત્યંતિક શિસ્તબદ્ધ સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને વિકસાવવામાં તેમણે પાયાની ભૂમિકા ભજવી હતી. હજારો લોકોનું મજબૂત સંગઠન તેમણે ઊભું કરી બતાવ્યું. તેઓ સદાય જાગ્રત રહ્યા અને પોતાની સાથે અસંખ્ય લોકોને જાગ્રત કરી દીધા. સમાજના દોષો-અવગુણોને પોતાના સમજી તેને દૂર કરવા માટે સતત પ્રયાસો કર્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રચંડ શિસ્તબદ્ધ અને રાષ્ટ્રવાદી સંગઠન બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી.

(ડૉ.) કેશવ બળિરામ હેડગેવાર

તેઓ પ્રારંભે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર હતા. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ તેમણે સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી કારાવાસ વેઠેલો. લોકમાન્ય ટિળકે ‘કેસરી’ દ્વારા ‘પૈસા ફંડ’ની યોજના મૂકેલી. નાગપુરમાં આ વિચારને સાકાર કરવા વિદ્યાર્થી કેશવ હેડગેવાર સક્રિય બન્યા હતા.

26 સપ્ટેમ્બર, 1905માં બંગાળના ભાગલાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેના વિરોધમાં સંપૂર્ણ બંગાળે 16 ઑક્ટોબર 1905ને ‘શોક-દિવસ’ તરીકે મનાવ્યો. નાગપુરમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા. 1907 કે 8ની વિજયાદશમીના સરઘસમાં કિશોર કેશવ હેડગેવારે ‘વંદે માતરમ્’નો જયઘોષ કરાવી રાવણવધની નવી પ્રતીકાત્મક સમજ પૂરી પાડી. આથી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તેમના પર રાજદ્રોહનો ખટલો ચલાવવા પ્રયાસો આરંભાયા, પણ અન્યોની સમજથી તે પડતા મુકાયા. 1908માં તેમની શાળાના નિરીક્ષણ માટે આવેલા નિરીક્ષકનું સ્વાગત પ્રત્યેક વર્ગમાં ‘વંદે માતરમ્’ની ઘોષણાથી થયું. નાગપુરમાં આવાં કંઈક પરાક્રમો આ દેશપ્રેમી કિશોરે કર્યાં હતાં, જેને કારણે તેઓ ‘નાગપુરના ટિળક’ તરીકે જાણીતા થયા હતા.

દિલાવરસિંહ દી. ઝાલા

રક્ષા મ. વ્યાસ