હેડકી (hiccup hiccough)
February, 2009
હેડકી (hiccup, hiccough) : ઉરોદરપટલના વારંવાર થતા સંકોચનોથી લેવાતા ઊંડા શ્વાસમાં વચ્ચે સ્વરછિદ્ર(glottis)ના સંકોચનથી કે તેના ઢાંકણ જેવા અધિસ્વરછિદ્ર (epiglottis) દ્વારા અટકાવ આવે અને અવાજ ઉત્પન્ન થાય તે. છાતી અને પેટની વચ્ચે ઉરોદરપટલ(thoraco-abdominal diaphragm)નું સંકોચન થાય ત્યારે તે નીચે ઊતરે છે અને ફેફસાંમાં હવા ભરાય છે. જ્યારે તેનું સતત સંકોચન (spasm) થાય ત્યારે તે સતત નીચે ઊતરેલો રહે છે. ફેફસાંમાં શ્વાસનળી અને શ્વસનનલિકાઓ દ્વારા હવા આવે છે. નાક કે મોંમાંથી આવેલી હવા સ્વરપેટી(larynx)માં થઈને શ્વાસનળીમાં આવે છે.
હેડકી : સ્વરપેટી(larynx)માંનું સ્વરછિદ્ર (glottis) બંધ હોય ત્યારે ઉરોદરચેતા(phrenic nerve)ના ઉત્તેજનથી ઉરોદરપટલ (thoraco-abdominal diaphragm) વારંવાર સંકોચાય ત્યારે હેડકી આવે છે : (1) સ્વરપેટી, (2, 3) ઉરોદરચેતાઓ, (4) ઉરોદરપટલ.
સ્વરપેટીમાં 2 સ્વરરજ્જુઓ (vocal cords) અને તેમને ખેંચતા સ્નાયુઓ વડે એક છિદ્રવાળો પડદો બને છે, જે શ્વસનમાર્ગમાં આડો રહેલો હોય છે. આ સંરચનાને સ્વરયંત્ર કહે છે અને તેમાંના છિદ્રને સ્વરછિદ્ર કહે છે. સ્વરરજ્જુ પર સ્નાયુઓનાં સંકોચનો (contractions) કે વારંવારનાં સતત સંકોચનો(spasmotic contractions)થી સ્વરરજ્જુ પર ખેંચાણ-ઢીલ થયાં કરે છે અને તેથી સ્વરછિદ્ર નાનુંમોટું થાય છે. તેને કારણે શ્વસનમાં વારંવાર અવરોધ આવે છે અને સ્વરરજ્જુના ખેંચાણ-ઢીલથી ઉદભવતી ધ્રુજારી અવાજ કરે છે. ક્યારેક સ્વરછિદ્ર પરનું ઢાંકણ અધિસ્વરછિદ્ર સ્વરછિદ્રને ઢાંકી દે છે. આ સમગ્ર ક્રિયાને ‘હેડકી આવવી’ કહે છે. તેમાં ઉરોદરપટલ 1 મિનિટમાં વારંવાર સંકોચન પામે છે. મોટે ભાગે હેડકી આપોઆપ શમે છે પરંતુ ક્યારેક સારવારની જરૂર પડે છે.
કારણો : કેન્દ્રીય અને પરિઘીય ચેતાતંત્ર ઉરોદર પટલચેતા (phrenic nerve) વડે ઉરોદરપટલનું અને બહુવિસ્તારી ચેતા (vagus nerve) વડે અન્નનળી અને પેટના અવયવોનું નિયમન કરે છે. ઈજા, ચેપ, ઝેરી પદાર્થની અસર થઈ હોય કે દારૂ જેવું ઉત્તેજક પીણું પિવાયું હોય ત્યારે આ ચેતાઓ સંક્ષોભિત થાય છે અને તેથી હેડકીની તકલીફ થઈ આવે છે. કૅન્સરની સારવારમાં વપરાતાં ઔષધો ઘણી વખતે હેડકી કરે છે. ક્યારેક શરીરમાંની ગાંઠ સીધેસીધી આ ચેતાઓને સંક્ષોભિત કરીને હેડકી કરે છે. સારણી 1 અને સારણી 2માં તેનાં મુખ્ય કારણોની યાદી આપેલી છે.
સારણી 1 : હેડકીનાં કારણો
ક્રમ | જૂથ | ઉદાહરણ | |
(અ) | કેન્દ્રીય ચેતાતંત્ર | – | મસ્તિષ્કશોથ (encephalitis) |
– | ખોપરીમાંની મગજની ગાંઠો, લોહી વહેવું કે મગજનાં આવરણો પર ચેપજન્ય સોજો (તાનિકાશોથ, meningitis) | ||
– | મૂત્રપિંડ-નિષ્ફળતા, ન્યુમોનિયા, નજલો વગેરેમાં ચયાપચયી વિષકારી દ્રવ્યો થાય અને ચેતાતંત્રનું સંક્ષોભન કરે. | ||
– | મોટી ઉંમરે કરોડરજ્જુ અને મસ્તિષ્ક-પ્રકાંડમાં ઉદભવતા વિકારો હિસ્ટીરિયા | ||
(આ) | ઉરોદરપટલીય ચેતા(phrenic nerve)નું સંક્ષોભન | – | ચેપ, ગાંઠ કે ઈજાને કારણે ડોક, છાતી કે ઉરોદરપટલની નજીકની ચેતા અસરગ્રસ્ત |
(ઇ) | ચેતાપરાવર્તીય ક્રિયા (reflex) | – | જઠર, યકૃત તથા અન્ય અવયવોમાંથી ઉદભવતી સંવેદનાઓ ચેતાપરાવર્તી ક્રિયા દ્વારા હેડકી કરે |
ક્રિશ્ચિયન સ્ટ્રૉસ અને તેમના સાથીદારોએ સૂચવ્યું છે કે દેડકા જેવા ઉભયજીવીઓમાંથી ઉત્ક્રાંતિ પામીને માનવ ઉદભવ્યો છે માટે તેમની હવા ગળવાની ક્રિયાનો હેડકી એક અવશિષ્ટ (remnant) ભાગ છે. તેના કારણે કાલપૂર્વ જન્મેલા (born premature) નવજાત શિશુઓ તેમનો 2.5 % સમય હેડકીમાં ગાળે છે. હેડકીને ગુજરાતીમાં ‘વાધણી’ પણ કહે છે.
સારણી 2 : વિવિધ સ્થિતિઓ તથા વિકારો જેમાં હેડકી જોવા મળે છે.
1. | કાર્બોનેટેડ પીણાં | 9. | ઘણી ખાંસી ચડવી | 17. | ગળાને પાછળ તરફ ખેંચવું |
2. | ખોરાક વખતે પાણીની ઊણપ | 10. | અતિશય મદ્યપાન | 18. | સ્વરપેટી પર સોજો |
3. | ખૂબ ઝડપથી ખાવું | 11. | મોટેથી રડવું | 19. | એસિડિટીમાં છાતીમાં બળતરા થવી |
4. | ભૂખ લાગી જવી | 12. | ધુમાડો કે નશાકારક ધૂમ્રપાન | 20. | કાનના ઢોલનું સંક્ષોભન |
5. | ગરમ ખોરાક સાથે ઠંડું પાણી લેવું | 13. | શરીરમાં ક્ષારોનું અસંતુલન | 21. | ઉરોદરપટલ ચેતા પર દબાણ કે સંક્ષોભન |
6. | ઓડકાર આવવા | 14. | લાંબો સમય બોલ્યા કરવું | 22. | અન્નનળીમાં ખોરાકનો અટકાવ |
7. | ગરમ અને તીખી વસ્તુ ખાવી | 15. | ગળું સાફ કરવામાં જોર કરવું | 23. | કૅન્સર માટેની ઔષધ-ચિકિત્સા (કીમોથૅરાપી) |
8. | જોરથી હસવું | 16. | મોર્ફિન કે અન્ય અફીણાભ ઔષધ-સેવન | 24. | શીશી સૂંઘાડી બેભાન કરવું |
સારવાર : સામાન્ય રીતે હેડકી સારવાર વગર શમે છે. ક્યારેક અતિતીવ્ર વિકારમાં હેલોપેરિડોલ, મેટોક્લોપ્રેમાઇડ અથવા ક્લોરપ્રૉમેઝિનનો ઉપયોગ કરાય છે. વધુ તીવ્ર કિસ્સામાં બૅક્લોફેન વપરાય છે. ક્ષાર-આયનોના અસંતુલનને દૂર કરવું, ઉરોદરપટલ ચેતા કે બહુવિસ્તારી ચેતાના સંક્ષોભનના કારણને દૂર કરવું વગેરે પણ ઉપયોગી રહે છે. આ ઉપરાંત વિવિધ ઘરવૈદાના ઉપચારો પણ કરાતા જોવા મળે છે.
શિલીન નં. શુક્લ