હેક્સર–ઓહલિન પ્રમેય : આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનાં મૂળભૂત કારણો પર પ્રકાશ પાડતો સિદ્ધાંત. હેક્સર (1879–1952) અને બર્ટિલ ઓહલિન (1899–1979) નામના બે સ્વીડિશ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો આંતરરાષ્ટ્રીય વેપારનો આધુનિક સિદ્ધાંત અહીં જુદો પડે છે. દેશ દેશ વચ્ચેનો વેપાર તેમની સાધનસંપત્તિ(factor endowment)નું પ્રમાણ અલગ અલગ હોય છે તેને કારણે ઉદભવે છે એવો મત તેઓ વ્યક્ત કરે છે. ચીજના ને સાધનના ભાવોના આંતરસંબંધો, સાધનરોકાણ ને ઉત્પાદન વગેરેના આ અભિગમમાં વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે; કેમ કે ઉત્પાદનનાં સાધનોની પરિસ્થિતિ પર તેમાં સ્પષ્ટ રીતે ભાર મૂકવામાં આવ્યો છે. રિકાર્ડોના સિદ્ધાંત કરતાં આ સિદ્ધાંત વધુ ફલદાયી અભિગમ દર્શાવનાર લેખાય છે.

કુદરતે બધા દેશો વચ્ચે તમામ સાધનો સમાન રીતે વહેંચ્યાં નથી. પ્રયત્નપ્રાપ્ત સાધનોય દેશે દેશે જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. એક દેશ પાસે જમીન વધુ છે ને વસ્તી ઓછી. બીજા દેશમાં જનસંખ્યા ઘણી છે પણ જમીનની અછત છે. મૂડી ને યોજક-શક્તિ પણ દેશો જુદા જુદા પ્રમાણમાં ધરાવે છે. સાધનોની આ અસમાન વહેંચણીને કારણે દેશ દેશ વચ્ચે સાધનના ભાવોમાં તફાવત પેદા થાય છે. દેશમાં વિપુલ હોય તે સાધનના ભાવ ઓછા હોય છે ને જે સાધનની અછત હોય તેના ભાવ વધુ હોય છે.

આ સિદ્ધાંતમાં બીજી પાયાની વાત એ છે કે વધુ વેતન, વ્યાજ કે નફો મળતો હોય ત્યારે મજૂર, મૂડી ને યોજક જેવાં સાધનો દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં સરળતાથી જાય છે; પરંતુ એક દેશમાંથી બીજા દેશમાં એટલી સરળતાથી તે જઈ શકતા નથી. સાધનોની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ગતિશીલતા વચ્ચેનો તફાવત મહત્વનો છે. દેશના પ્રદેશો વચ્ચેના સાધનના ભાવના તફાવત લાંબું ટકતા નથી, ઓછા ભાવ ધરાવનાર પ્રદેશોમાંથી વધુ ભાવ મળે તે પ્રદેશ તરફ સાધનો ખસે છે ને આ તફાવતો હોય ત્યાં સુધી સાધનોની હેરફેર ચાલુ રહે છે. દેશના એક ભાગ ને બીજા ભાગ વચ્ચે સાધનોના ભાવો, સાધનોની ગતિશીલતાને કારણે લગભગ સમાન બનવા તરફનું વલણ દાખવે છે.

દેશ દેશ વચ્ચે આમ બનવા પામતું નથી. વધુ આવક મળતી હોય ત્યારે પણ સાધનો પોતાનો દેશ છોડી પરદેશ જવાની તત્પરતા પ્રમાણમાં ઓછી દાખવે છે. પરદેશનાં રીતરિવાજ ને સંસ્કૃતિ જુદાં હોય છે, ત્યાંની સરકાર અને તેની આર્થિક અને અન્ય નીતિ જુદી હોય છે, ચલણ પણ જુદું હોય છે; ત્યાં સગાવહાલાંની હૂંફ વગર અજાણી પ્રજા વચ્ચે જીવવાનું હોય છે. અહીંની સલામતી છોડી અનેક અનિશ્ચિતતાઓનો ત્યાં સામનો કરવો પડે છે. દેશ દેશ વચ્ચે સાધનોની ગતિશીલતા આ કારણોને લીધે ઓછી કે નહિવત્ હોય છે એટલે સાધનોની આવક તેમજ ભાવોના તેમની વચ્ચેના તફાવતો ટકી રહે છે, અદૃશ્ય થવાનું વલણ ધરાવતા નથી – એ ધારણા પર ઓહલિનનો સિદ્ધાંત રચાયેલો છે.

કુદરતે પ્રદેશો અને દેશો વચ્ચે સાધનો જુદા જુદા પ્રમાણમાં અસમાન રીતે વહેંચ્યાં છે એટલે તેમના ભાવોમાં ને તેમની આવકોમાં તફાવતો પેદા થાય છે; પરંતુ પ્રદેશ પ્રદેશ વચ્ચેના આ તફાવત સાધનોની ગતિશીલતાને કારણે ઘટે છે ને અદૃશ્ય થાય છે, જ્યારે સાધનોની અલ્પ ગતિશીલતાને કારણે દેશ દેશ વચ્ચેના આ તફાવત નોંધપાત્ર રીતે ઓછા થતા નથી. એક દેશમાં શ્રમિકની વિપુલતાને કારણે રોજીના દર નીચા હોય છે તો બીજો દેશ કામદારોની તંગી અનુભવે છે ને તેમને ઊંચા દરે રોજી ચૂકવે છે. વ્યાજના ને નફાના દર કેટલાક દેશોમાં ઓછા હોય છે તો કેટલાકમાં ઊંચા. એક દેશ પૂરી ખેડી પણ ન શકાય એટલી વિપુલ જમીન ધરાવે છે, બીજા દેશોમાં જમીનની તીવ્ર અછત જોવા મળે છે.

સાધનોની છત-અછત અને સાધનોના ભાવો જુદા જુદા દેશમાં અલગ અલગ હોય છે તે હકીકત સાથે બીજી એક વાત મૂકીએ. બધી ચીજોના ઉત્પાદનમાં ચારેય સાધનોની જરૂર તો પડે છે, પણ અલગ અલગ ચીજોના એકમ જુદા જુદા પ્રમાણમાં આ સાધનોની અપેક્ષા રાખે છે. કેટલીક ચીજો શ્રમ વધુ માગે છે ને મૂડી ઓછી તો બીજી કેટલીક ચીજો મૂડી વધુ પ્રમાણમાં માગે છે, તેમને બનાવવામાં શ્રમનો વપરાશ ઓછો થાય છે. ઘઉંના ઉત્પાદનમાં જમીન ને શ્રમ વધુ વપરાય, મૂડી પ્રમાણમાં ઓછી. મોટરકાર બનાવવામાં મૂડીની જરૂર વધુ રહે, શ્રમની ઓછી ને જમીનની તો તેથીયે ઓછી. એક ચીજના એકમને પેદા કરવા માટે આવશ્યક સાધનસંયોજનમાં શ્રમનું પ્રમાણ વિશેષ હોય છે, એને શ્રમપ્રધાન (labour – intensive) ચીજ કહી શકાય. સાધનસંયોજનમાં મૂડી વધુ માગતી ચીજને મૂડીપ્રધાન (capital intensive) ચીજ ગણવામાં આવે છે. જુદી જુદી ચીજો પેદા કરવા માટે જુદા જુદા પ્રમાણમાં સાધનોને સંયોજવાં પડે છે.

આથી શ્રમપ્રધાન ચીજ બનાવવાનું જ્યાં શ્રમ વિપુલ ને સસ્તો હોય તે દેશને અનુકૂળ પડે છે. મૂડીની છત હોય, વ્યાજના દર નીચા હોય તેવા દેશોને મૂડીપ્રધાન ચીજો બનાવવી સસ્તી પડે છે. દેશોએ સ્વાવલંબી ન બનવું જોઈએ, પણ પોતાની પાસેનાં ઉત્પાદનનાં સાધનો તેમજ તેમના ભાવ જોઈને જે ચીજ બનાવવામાં પોતાને અનુકૂળતા હોય તે ચીજ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ચીજ પછી વિશ્વબજારોમાં વેચી તેના બદલામાં અન્ય ચીજો બીજા દેશો પાસેથી મેળવવી જોઈએ, એમ આ આધુનિક તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. આ શ્રમવિભાજનથી વિશ્વને સમગ્ર રીતે લાભ થશે ને વેપારથી જોડાયેલા વિશ્વના દેશોને પોતાને પણ લાભ થશે એવો આ સિદ્ધાંતનો પુરસ્કાર કરનાર અર્થશાસ્ત્રીઓનો દાવો છે.

શ્રમ વધુ ધરાવનાર દેશમાંથી, શ્રમની કિંમત ઓછી હોય તેવા દેશમાંથી, શ્રમનું પ્રત્યક્ષ રૂપમાં તો વધુ કિંમત મળતી હોય તેવા દેશ તરફ સ્થળાંતર થતું નથી; પરંતુ શ્રમપ્રધાન ચીજના પરોક્ષ રૂપમાં શ્રમની અછત ધરાવતા દેશમાં તે જાય છે. તેવું જ મૂડીના કિસ્સામાં પણ બને છે. મૂડી પ્રત્યક્ષ રૂપમાં ભાવ વધુ મળતા હોય તેવા દેશ તરફ ખસી શકતી નથી; પરંતુ તે મૂડીપ્રધાન ચીજોનું રૂપ લે છે ને પછી વિકાસના રૂપમાં મૂડીની અછત ધરાવતા દેશમાં પ્રવેશે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આમ સાધનોની નહિ પણ સાધન સમાવતી ચીજોની દેશ દેશ વચ્ચે હેરફેર થાય છે. સાધનોની ગતિશીલતાનું સ્થાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર લે છે.

વિપુલ સાધનને સમાવતી ચીજોના વિકાસને કારણે તે સાધનની માગ દેશમાં વધે છે ને તેની સાપેક્ષ વિપુલતા ઓછી થાય છે. અછત ધરાવતા સાધનની પેદાશની દેશ આયાત કરે છે ત્યારે આ સાધનની અછત પ્રમાણમાં દેશમાં ઓછી થાય છે. નિકાસોને કારણે વિપુલ ને સસ્તા સાધનની કિંમત દેશમાં વધે છે. આયાતને કારણે અછત ધરાવતાં મોંઘાં સાધનના ભાવ દેશમાં ઘટે છે. ભારતમાંથી ઘઉંની નિકાસ થશે ત્યારે ખેતીમાં રોકાયેલાં શ્રમ, જમીન જેવાં સાધનોના ભાવ વધશે. કાપડની આયાત થશે તો મૂડીની અછત ઘટશે ને તેના ભાવ પણ ઓછા થશે.

ચોક્કસ ધારણાઓવાળી પરિસ્થિતિમાં છેવટે આ વલણને કારણે સાધનોના ભાવ બે દેશ વચ્ચે લગભગ સમાન બનશે એમ હેક્સર–ઓહલિનના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે.

સાધનોની સાપેક્ષ વિપુલતા અનુસાર દેશે ચીજ પેદા કરવી જોઈએ, મૂડી વધુ હોય તો મૂડીપ્રધાન અને શ્રમ વધુ હોય તો શ્રમપ્રધાન ચીજ પેદા કરવા પર તેણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સિદ્ધાંતની સાધન-વિપુલતાના અર્થ અનુસાર બે અલગ અલગ રજૂઆત થઈ છે. એક વ્યાખ્યા અનુસાર ભારતમાં ઇંગ્લૅન્ડ કરતાં શ્રમની કિંમત અને મૂડીની કિંમતનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં શ્રમની વિપુલતા છે એમ કહેવાય. સાધનની કિંમત (સાપેક્ષ કિંમત) પરથી તેની વિપુલતા કે અછત અહીં ઠરાવવામાં આવે છે. બીજી વ્યાખ્યામાં સાધનોના ભૌતિક જથ્થા પરથી તેમની વિપુલતા ઠરાવાય છે. ભારતમાં ઇંગ્લૅન્ડ કરતાં મજૂર-મૂડી પ્રમાણ વધુ હોય તો તે શ્રમની દૃષ્ટિએ સમૃદ્ધ ગણાય છે. ઓહલિન પોતે સાધનના ભાવો પરથી દેશમાં કયા સાધનની વિપુલતા છે તે ઠરાવવાનું પસંદ કરે છે ને તે પરથી પોતાનો સિદ્ધાંત તારવે છે. બે દેશ, બે ચીજ, બે સાધનના સંદર્ભમાં વિકસાવવામાં આવેલા હેક્સર-ઓહલિનના સિદ્ધાંત પાછળ બીજી કેટલીક ધારણાઓ પણ રહેલી છે. (1) વાહનવ્યવહારનો ખર્ચ થતો નથી ને વેપારના માર્ગમાં અન્ય કોઈ અવરોધ નથી. (2) સાધનોના ને ચીજવસ્તુઓના બજારમાં પૂર્ણ હરીફાઈ છે. (3) સ્થિર મળતરનો નિયમ કામ કરે છે. (4) બે ચીજો અલગ અલગ સાધનોનો ઘનિષ્ઠ ઉપયોગ કરે છે, અલગ અલગ સાધનોની પ્રધાનતા ધરાવે છે. (5) બંને દેશોમાં કાપડ સમાન ઉત્પાદનપદ્ધતિથી પેદા થાય છે ને ઘઉં પેદા કરવાની પદ્ધતિ પણ સમાન છે. (6) પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રવર્તે છે. આ ધારણાઓ સાથેની પરિસ્થિતિમાં સાધનોની ગતિશીલતાને કારણે નહિ પણ વેપાર દ્વારા સાધનોના ભાવો દેશ દેશ વચ્ચે આંશિક રીતે સમાન બનવાનું વલણ દાખવશે, આ વાત ઓહલિનને પગલે પગલે અર્થશાસ્ત્રીઓ શાસ્ત્રીય રીતે પુરવાર કરે છે.

ડેવિડ રિકાર્ડોના અભિગમ કરતાં હેક્સર–ઓહલિનનો અભિગમ ઘણી બાબતોમાં ચઢિયાતો છે તેમ છતાં પ્રશિષ્ટ અને નૂતન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની રિકાર્ડો અને હેક્સર–ઓહલિને રજૂ કરેલી આ વિચારણા સ્થગિત સ્વરૂપની છે, અર્થતંત્રમાં એક ચોક્કસ સમયના બિંદુએ શું બનશે તેનું એ વર્ણન કરે છે. સાધનોની વૃદ્ધિ થતી હોય અને યંત્રવિજ્ઞાનમાં ફેરફાર આવતા હોય ત્યારે શું થશે તેનો નિર્દેશ કે સમજૂતી આ તુલનાત્મક લાભના સિદ્ધાંત આપતા નથી. ચોક્કસ સમયના બિંદુએ સમતુલા ક્યારે સ્થપાશે તે આ સિદ્ધાંતો દર્શાવે છે. વળી તેમાં પુરવઠાનાં પરિબળોનો જ વિચાર કરવામાં આવ્યો છે. દેશ કઈ ચીજો આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદશે ને વેચશે એ પ્રશ્ન ઉકેલવામાં માગનાં પરિબળો પણ ભાગ ભજવે છે તેની અહીં અવગણના કરવામાં આવી છે.

બદરીપ્રસાદ મા. ભટ્ટ