હેઇડન્સ્ટમ વર્નર વૉન (Heidenstam Verner Von)
February, 2009
હેઇડન્સ્ટમ, વર્નર વૉન (Heidenstam, Verner Von) (જ. 6 જુલાઈ 1859, ઑલ્શમ્માર, સ્વીડન અ. 20 મે 1940, ઓવ્રેલિડ) : 1916ના સાહિત્ય માટેનાં નોબેલ પુરસ્કારના વિજેતા. સ્વીડનના કવિ અને નવલકથાકાર. સ્વીડનમાં વાસ્તવવાદની વિરુદ્ધ જે ચળવળ થઈ તેના તેઓ પુરસ્કર્તા હતા. સાહિત્યમાં તરંગ, સૌંદર્ય અને રાષ્ટ્રીય અસ્મિતાને આવકારનારાઓમાં તેઓ આગલી હરોળના લેખક હતા. ગર્ભશ્રીમંત કુટુંબના લાડકા પુત્ર. બાળપણમાં સૌ કોઈનું ધ્યાન ખેંચતા. રાજાનો પોશાક પહેરતા ત્યારે દાદીમા ઘરના બધા સેવકોને વર્નરના આદેશને તાબે થવાનું કહેતાં. જોકે શાળામાં તેઓ સાધારણ વિદ્યાર્થી હતા. છોકરીઓ સાથે રમવાનું તેમને વિશેષ ગમતું. 16 વર્ષની ઉંમરે પોતાના ભાઈ અર્નસ્ટ વૉન સાથે મધ્યપૂર્વના દેશો, ગ્રીસ, ઇટાલી વગેરે દેશોની મુસાફરી કરેલી. આવા જ એક પ્રવાસમાં ભાષાશાસ્ત્રી કાર્લો લૅન્ડબર્ગ તેમની સાથે હતા. આ બધાની અસર તેમનાં શરૂઆતનાં કાવ્યો પર સ્પષ્ટ વરતાય છે.
વર્નર વૉન હેઇડન્સ્ટમ
પિતા કર્નલ ગુસ્તાફે પુત્રની રહેણીકરણી સુધારવા પ્રયત્ન કરેલો, પણ તેમાં ઝાઝી સફળતા મળેલ નહિ. જ્યૉં લીઑન જેરૉમ પાસે પૅરિસમાં ઇકૉલ દે બૉઆર્ટ્સમાં કલાનો અભ્યાસ કરવા માટે મોકલેલ, પરંતુ કલાકાર થવા માટે તેમણે ઉત્સાહ બતાવેલો નહિ. 1980માં સ્વીડન પરત થયા બાદ તેઓ એમિલિયા ઉઝાલા સાથે, પિતાની મરજી વિરુદ્ધ લગ્નગ્રંથિથી જોડાયેલા. ફિનિશ કવિ ઝેચ્રિસ તોપેલિયસે તેમની શરૂઆતની કવિતાની પ્રશંસા કરેલી. પછીનાં વર્ષોમાં હેઇડન્સ્ટમ પત્ની સાથે ઇટાલી, ફ્રાંસ અને નૉર્વેમાં રહેલા.
1886માં હેઇડન્સ્ટમે સ્વિટ્ઝર્લૅન્ડમાં જૂનો મહેલ ખરીદેલો. જાણીતા લેખક ઑગસ્ટ સ્ટ્રિન્ડબર્ગ તેમને મળવા આ મહેલમાં આવેલા. 1887માં પોતાની જાગીરમાં રહેવા માટે સ્વીડન પરત આવેલા. અસાધ્ય માંદગીને લીધે પિતા ગુસ્તાફે આપઘાત કરેલો. પોતાના પુત્રની કવિતાના સંગ્રહ ‘પિલ્ગ્રિમેજ ઍન્ડ વૉન્ડર યર્સ’(1888)ને તેઓ જોઈ શકેલા નહીં. ‘ઍન્ડિમિયૉન’ (1889) તેમની પ્રથમ નવલકથા હતી. દમાસ્કસની પશ્ચાદભૂમિકામાં લખાયેલી આ વાર્તામાં લેખકે યુરોપની અસર તળે પૂર્વની સંસ્કૃતિના પતનની વાત કરી છે. ‘રેનેસાં’ (1890) પત્રિકા છે. ‘હૅન્સ ઍલિનસ’ (1892) ગદ્યપદ્યમાં લખાયેલ આત્મકથનાત્મક નવલકથા છે. ‘ડિક્ટર’ (1895) કાવ્યસંગ્રહ છે. ‘ઑહ્ સ્વીડન, સ્વીડન, નેટિવ લૅન્ડ અવર અર્થલી હોમ, ધ હેવન ઑવ્ અવર લૉન્ગિગ !’માં આપણને રાષ્ટ્રકવિનાં દર્શન થાય છે. ‘ધ લાયન્સ કેજ’ અરેબિયન નાઇટ્સની શૈલીમાં લખાયેલી ઐતિહાસિક તરંગકથા છે. હેઇન્ટમનો રસ સ્વીડનના ઇતિહાસમાં છે. ‘ધ ચાર્લ્સમૅન’ (1897–1898) લોકપ્રિય નવલકથા છે. રાજા ચાર્લ્સ બારમાની એ ઐતિહાસિક કથા છે. લેખક પોતે પોલ્ટવાનાં યુદ્ધક્ષેત્રોમાં જઈ આવેલા.
પ્રથમ પત્નીનું 1893માં અવસાન થતાં હેઇટનસ્ટમે ઑલ્ગા વિબર્ગ સાથે પુનર્લગ્ન કર્યું, પરંતુ તે લગ્નનો વિચ્છેદ થયો. જોકે લગ્નપ્રસંગ અત્યંત રોમૅન્ટિક અને ભવ્ય બન્યો હતો. આ લગ્ન વખતે મહેમાનોને રૉમન ટૉગાનો પહેરવેશ ધારણ કરાવાયો હતો. આ માટે એક ‘ઇવૉઇ’ સામયિકનો વિશેષ અંક પ્રગટ કરવામાં આવ્યો હતો. 1900માં કવિએ ગ્રેટા શોબર્ગ સાથે ત્રીજું લગ્ન કર્યું. આ લગ્ન પણ સફળ રહ્યું નહીં. ‘હેલિગા બર્ગિટટાસ પિલ્ગ્રિમ્સફાર્જદ’ (1901), ‘ફૉકુંગાત્રાદેત’ (બે ગ્રંથોમાં 1905–1907) સ્વીડનના અતીતનું વર્ણન કરે છે. ‘સ્વેન્સ્કાર્ન ઑચ દેરાસ હૉવદિંગર’ (190-1910)માં પણ સ્વીડનના રાજ્યની વાત છે. રૂઢિચુસ્ત જમીનદારો હેઇડન્સ્ટમને ફાલતુ માણસોનો કવિ ગણતા. જોકે પાછળથી કવિએ પોતાના ક્રાન્તિકારી આદર્શોને છોડી દીધા હતા અને અમીર-ઉમરાવોના પક્ષમાં રહ્યા હતા.
‘ન્યા ડકટર’ (1915) કાવ્યસંગ્રહ અને ‘નાર કસ્તાંજેર્ના બ્લૉમેદ’ (1941) પિતાના મધુર સંભારણાંની આત્મકથાત્મક સ્મરણકથા છે. છેલ્લે લેક વેતર્નને કિનારે ઑવરલિડમાં તેમણે નવું ઘર બંધાવેલું. ત્યાં તેમની માનસિક અને ભૌતિક રીતે તબિયત કથળેલી. કવિ-નવલકથાકારને પ્રજા લગભગ વીસરી ગઈ હતી. સ્ટ્રિન્ડબર્ગે તો હેઇડન્સ્ટમને ‘સ્વીડનના સૌથી મોટા મૂર્ખ માણસ’ તરીકે ઓળખાવેલા. હેઇન્સ્ટમના સમસ્ત સર્જનનું પ્રકાશન 23 ગ્રંથોમાં 1943થી 1945માં થયેલું. છેલ્લાં પચ્ચીસ વર્ષ કવિએ લગભગ કશું લખ્યું નહોતું.
વિ. પ્ર. ત્રિવેદી