હેકમન, જેમ્સ (. 19 એપ્રિલ 1944, અમેરિકા) : શિકાગો યુનિવર્સિટીના અર્થમિતિશાસ્ત્રના પ્રાધ્યાપક અને ઈ. સ. 2000 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ખાસ પસંદ કરવામાં આવેલા નમૂનાઓના વિશ્લેષણની પદ્ધતિઓને લગતા તાર્કિક સિદ્ધાંતો તારવવા માટે તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે અને આ નોબેલ પારિતોષિકના સહવિજેતા કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલેના પ્રોફેસર ડૅનિયલ મૅકફૅડેને આર્થિક વિશ્લેષણની જે પદ્ધતિઓ વિકસાવી છે તે હવે પછીના અર્થશાસ્ત્રીઓ દ્વારા હાથમાં લેવાતા પ્રયુક્ત વિશ્લેષણકાર્યમાં મદદરૂપ નીવડે તેવી છે એવું આશાસ્પદ વિધાન આ પારિતોષિક માટે અર્થશાસ્ત્રીઓની પસંદગી કરનાર સ્વીડિશ અકાદમીએ કર્યું છે. કોઈ પણ વિષય માટે નોબેલ પારિતોષિક વિજેતાઓની પસંદગી કરતી વેળાએ અત્યાર સુધી નોબેલ સમિતિએ એવા સંશોધકોની તપાસ કરી છે જેમણે તેમના વિષયોમાં વિશ્લેષણની નવી પદ્ધતિઓ વિકસાવવાનો સફળ પ્રયાસ કર્યો હોય. અર્થશાસ્ત્ર માટેના ઈ. સ. 2000 વર્ષ માટેના વિજેતાઓની પસંદગી પણ આ જ ધોરણ મુજબ કરવામાં આવી હતી.

જેમ્સ હેકમન

અર્થમિતિશાસ્ત્ર દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતિઓમાં પ્રો. જેમ્સ હેકમનના યોગદાનનો વ્યાપ ખૂબ વિશાળ છે. એકમલક્ષી વર્તનની જે સંશોધનપ્રક્રિયામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હોય છે, તેમાં અધિકૃત આંકડાકીય માહિતીનો અભાવ એ ઘણી અડચણો  ઊભી કરતું પરિબળ સાબિત થતું હોય છે એવો અત્યાર સુધીનો વૈશ્વિક અનુભવ છે. તેથી કેટલીક વાર કેટલાંક નિરીક્ષણો સાચાં લાગતાં હોય, ઉપયુક્ત લાગતાં હોય, તોપણ માત્ર આંકડાકીય માહિતીના અભાવે અથવા તે માહિતી મેળવવા માટે થતા જંગી ખર્ચને ટાળવા માટે વિશ્લેષણની પ્રક્રિયામાંથી તે નમૂનાઓ પડતા મૂકવા પડે છે અને તેટલે અંશે તે વિશ્લેષણ જાણે કે પૂર્વગ્રહયુક્ત હોય એવા સંભવિત આરોપમાંથી તે કદાચ છટકી શક્યું નથી; દા. ત., મકાનવિહોણા ગરીબો, ભટકતી જાતિઓ વગેરેની અધિકૃત આંકડાકીય માહિતી કાં તો ઉપલબ્ધ થતી નથી અથવા તે ઉપલબ્ધ કરવા માટે જે પ્રયાસ કરવા પડે છે તેના પર સમય અને નાણાંનો જંગી ખર્ચ કરવો પડે છે. તેવી જ રીતે ક્ષણિક અથવા અશાશ્વત અથવા અનિયમિત આવક પર ગુજરાન કરતા લોકોના નમૂનાઓ પણ માહિતીની અનિશ્ચિતતાને લીધે વિશ્લેષણમાંથી પડતા મૂકવા પડે છે. આંશિક સમતુલાના અભ્યાસમાં આ પ્રકારની સાર્વત્રિક મર્યાદાઓ વિશેષ રૂપે જોવા મળતી હોય છે. આર્થિક વિશ્લેષણમાંથી આ રીતે બાકાત રહી જતાં અવલોકનો કે નિરીક્ષણોને અભ્યાસની પ્રક્રિયામાં કેવી રીતે આવરી લઈ શકાય તે અંગે પ્રોફેસર હેકમને આંકડાકીય પદ્ધતિઓ વિકસાવી છે. તેમણે વિકસાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કુલ શ્રમદળમાં મહિલા શ્રમિકોની બાબતો, સ્થળાંતર કરનાર શ્રમિકોની બાબતો, ધનની હેરફેર-(remittances)ની બાબતો, જીવતા લોકોની બાબતો અને કૌટુંબિક વર્તનને તથા વસ્તીશાસ્ત્રને લગતી બાબતોના વિશ્લેષણ માટે હેકમને કરેલ છે અને તે દ્વારા આંકડાશાસ્ત્રીય માહિતી અંગેની મોટી અડચણ દૂર કરવાનો પ્રયાસ તેમણે કર્યો છે. વળી, કેટલાક લોકો સ્થળાંતર કેમ કરતા નથી, કેટલાક ઉચ્ચશિક્ષણ કેમ લેતા નથી અથવા કેટલીક સ્ત્રીઓ કમાણી કરવાને બદલે ઘરમાં જ રહેવાનું કેમ પસંદ કરતી હોય છે  આવી બાબતોનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં હેકમને મહત્તમ તુષ્ટિગુણને લગતી વિભાવના-(hypothesis)નો ઉપયોગ કર્યો છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે