હૅસ્લોપ-હેરિસન

February, 2009

હૅસ્લોપ-હેરિસન (જ. 10 ફેબ્રુઆરી 1920, મિડલ્સબરો, યૉર્કશાયર; અ. 7 મે 1998, લેમેન્સ્ટર, હિયરફોર્ડશાયર) : વનસ્પતિવિજ્ઞાની. તેઓ જ્હૉન વિલિયમ–હેરિસન અને ક્રિસ્ટિયન(ની હૅન્ડરસન)નાં ત્રણ બાળકો પૈકી સૌથી નાના પુત્ર હતા. તેમણે કિંગ્સ કૉલેજમાંથી 1941માં વનસ્પતિવિજ્ઞાનમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતાસહ પ્રાપ્ત કરી. તેમણે તરત જ રેડિયોસ્થાનનિર્ધારણ-(radiolocation)નો અભ્યાસ કર્યો અને ઑર્કનેઝમાં બિનલશ્કરી અધિકારી તરીકે પુરવઠા ખાતામાં થોડો સમય સેવા આપી. 1944માં તેમણે ઑર્કનેઝ છોડ્યું અને મુખ્ય REME વર્કશૉપના નિયંત્રણ હેઠળ કપ્તાન તરીકે ઍન્ટિ-ક્રાફ્ટ કમાન્ડમાં જોડાયા અને ચાલુ રડાર ઉપકરણના ફેરફારો પર કાર્ય કર્યું. 1945ના પાછળના ઉનાળામાં અંતે તેમણે શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.

તેમણે કિંગ્સ કૉલેજ, ન્યૂકૅસલ-અપઑન-ટાઇનમાં કૃષિ-વનસ્પતિવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે એક વર્ષ માટે સેવા આપી. તે દરમિયાન તેમણે ‘આઉટર હૅબ્રિડ્સ, સ્કાર્પ આઇલૅન્ડની પરિસ્થિતિવિદ્યા અને વનસ્પતિ અનુક્રમણ (succession)’ પર સંશોધનાત્મક નિબંધ લખી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1946માં તેઓ ક્વિન્સ યુનિવર્સિટી, બેલ્ફાસ્ટના વનસ્પતિવિજ્ઞાન વિભાગમાં વ્યાખ્યાતા તરીકે નિયુક્ત થયા. તેમણે ‘સેલિક્ષમાં આંતરલિંગતા (intersexuality) અને વિવિધ પ્રજાતિઓમાં લિંગ અભિવ્યક્તિનું પ્રાયોગિક નિયંત્રણ’ પર મહાનિબંધ લખી ત્રણથી ઓછાં વર્ષમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. આ દરમિયાન તેમણે ઑર્કિડ પર ક્ષેત્રીય અભ્યાસ કરી તેનાં પરિણામો પણ પ્રકાશિત કર્યાં. આ અભ્યાસ મુખ્યત્વે ઇનર અને આઉટર હૅબ્રિડ્સના દ્વીપોમાં તેમણે કર્યો. તે પૈકી તેમનું કેટલુંક કાર્ય ‘ટ્રાન્સૅક્શન્સ ઑવ્ ધી બૉટનિકલ સોસાયટી ઑવ્ એડિનબરો’માં ડેક્ટિલૉર્કિડ્સની વસ્તીનું પરિસ્થિતિવિજ્ઞાન બાહ્યાકારવિદ્યા, કોષવિદ્યા અને પ્રજનન-પદ્ધતિઓના સંદર્ભમાં વર્ણવવામાં આવ્યું હતું; જે હવે પ્રજાતિ ડેક્ટિલૉર્હાઇઝાના સભ્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તેમનાં વનસ્પતિ વર્ગીકરણવિજ્ઞાન(plant taxonomy)નાં ગતિશીલ પાસાંઓનાં સ્પષ્ટ દૃષ્ટાંતોને કારણે 1950માં યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં તેઓ વનસ્પતિવિજ્ઞાનના વ્યાખ્યાતા અને 1953માં વર્ગીકરણવિજ્ઞાનના રીડર બન્યા. 1953માં રૉયલ સોસાયટી ઑવ્ એડિનબરોના ફેલો તરીકે નિયુક્ત થયા. તે જ વર્ષે તેમના વિચારો ‘ન્યૂ કૉન્સેપ્ટ ઇન ફ્લાવરિંગ-પ્લાન્ટ ટેક્સોનોમી’ નામના નાના પુસ્તકમાં સચોટ રીતે અભિવ્યક્ત થયા, જેનાથી વર્ગીકરણવિજ્ઞાન વિષયને નવી દિશા મળી અને વનસ્પતિ-ઉદવિકાસ તથા વનસ્પતિ-વર્ગીકરણ વિશેના તે સમયના વિચારો પર પ્રભાવ પડ્યો.

હૅસ્લોપ-હેરિસન

સપ્ટેમ્બર 1950માં જ્હૉન હૅસ્લોપ-હેરિસને ડૉ. યૉલેન્ડ મેસે (વ્યાખ્યાતા, વનસ્પતિવિજ્ઞાન, બેડફોર્ડ કૉલેજ, લંડન) સાથે લગ્ન કર્યાં. જીવનપર્યંતના સહકારના આ શુભારંભે સંશોધનની જ્યોત પ્રજ્વલિત રાખી. સર ઍરિક ઍશ્બે(કુલપતિ, ક્વિન્સ યુનિવર્સિટી)ના પ્રોત્સાહનથી જ્હૉન હૅસ્લોપ-હેરિસન 1954માં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે બેલ્ફાસ્ટ પાછા ફર્યા. ઍશ્બેએ કુલપતિના નિવાસસ્થાનના ઉદ્યાનના ખૂણામાં હૅસ્લોપ-હેરિસનને વનસ્પતિ-ઉછેરગૃહ (phytotron) બનાવવાની અનુમતિ આપી. આ સ્થળેથી હૅસ્લોપ-હેરિસન અને યૉલેન્ડે સપુષ્પ વનસ્પતિઓમાં અંગજનન (organogenesis) ઉપર પર્યાવરણીય અને રાસાયણિક નિયંત્રણનો અભ્યાસ કર્યો. 1960માં યુનિવર્સિટી ઑવ્ બર્મિંગહામે તેમને વનસ્પતિવિજ્ઞાનના સ્થાપક પ્રાધ્યાપક તરીકે નિમંત્રણ પાઠવ્યું. તેમના અથાગ પરિશ્રમથી યુનિવર્સિટીના પાંચ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું અને ‘સ્કૂલ ઑવ્ બાયૉલૉજિકલ સાયન્સીઝ’નું નિર્માણ કરવામાં આવ્યું. તેઓ 1962થી 1967 સુધી આ સંસ્થાના અધ્યક્ષ રહ્યા. તેમણે પર્ણની પેશીમાં રહેલા હરિતકણોની અતિસૂક્ષ્મરચનાનો અભ્યાસ કર્યો અને પછી પરાગરજની અતિસૂક્ષ્મરચના અને લઘુબીજાણુજનન(micro-sporogenesis)ની પ્રક્રિયાનાં અન્વેષણનો પ્રારંભ કર્યો. 1967માં ‘ટ્રેએલ ક્રિસ્પ ઍવૉર્ડ’ દ્વારા તેમણે કરેલી સૂક્ષ્મદર્શિકી(micro-scopy)માં પ્રગતિને માન્યતા મળી. 1967થી 1971 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ ડેવલપમેન્ટ, યુનિવર્સિટી ઑવ્ વિસ્કોન્સિનમાં વનસ્પતિવિજ્ઞાનના તેઓ અધ્યક્ષ રહ્યા. આ સમયગાળા દરમિયાન તેમણે અને તેમનાં પત્ની યૉલેન્ડે પરાગરજની દેહધર્મવિદ્યા ઉપર સંશોધનો ચાલુ રાખ્યાં. તેમના અવલોકન મુજબ, પરાગરજ જ્યારે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગરજની બાહ્ય દીવાલમાંથી પ્રોટીન મુક્ત થાય છે. આ અવલોકનોએ અંત:જાતીય (intraspecific) અસંગતતા(incompatibility)ના નિર્ધારણમાં કોષ-પરખની ક્રિયાવિધિઓના પ્રદાનના વિશાળ વ્યાપવાળા ભાવિ અભ્યાસનો પાયો નાખ્યો. તેમણે પરાગરજ જ્વર (hay-fever) તરીકે જાણીતા રોગની સમજૂતી આપી. 1971માં હૅસ્લોપ-હેરિસનને ‘ઍર્ડટ્મેન ઇન્ટરનૅશનલ મેડલ ઑવ્ પૅલીનોલૉજી’ અને 1974માં ધી કૂર્ક ઍવૉર્ડ ઑવ્ ધી અમેરિકન એકૅડેમી ઑવ્ ઍલર્જી’નો પુરસ્કાર પ્રાપ્ત થયો. 1970માં રૉયલ સોસાયટી, લંડનના ફેલો તરીકે અને 1971માં રૉયલ બૉટનિક ગાર્ડન્સ, ક્યૂના નિયામક તરીકે નિયુક્ત થયા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી સંશોધનસંસ્થાઓ, વૈજ્ઞાનિક સમિતિઓ અને સલાહકાર મંડળોમાં સેવાઓ આપી : અધ્યક્ષ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બાયૉલૉજી (1974–1977); ઉપાધ્યક્ષ, લિનિયન સોસાયટી ઑવ્ લંડન (1973–1976); ઉપાધ્યક્ષ, બૉટનિકલ સોસાયટી ઑવ્ ધી બ્રિટિશ આઇલ્સ; સભ્ય, ‘ધી બ્રિટિશ ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સ’ (વિભાગ Kના અધ્યક્ષ, 1974); અધ્યક્ષ, ‘ધી થ્રિટન્ડ પ્લાન્ટ્સ કમિટી ઑવ્ ધી ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્સર્વેશન ઑવ્ નેચર ઍન્ડ નૅચરલ રિસોર્સિઝ’ એ સન્માનો ઉપરાંત યૉલેન્ડને લીવરહુમ ફેલોશિપનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. ભારતની કેટલીક સમિતિઓના સભ્ય; સભ્ય, એકૅડેમિક એડવાઇઝરી કાઉન્સિલ ઑવ્ ધી ન્યૂ યુનિવર્સિટી ઑવ્ અલ્સ્ટર, કોલરેન.

હૅસ્લોપ-હેરિસન મૂળભૂત સંશોધક વનસ્પતિવિજ્ઞાની હોવાથી ક્યૂના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું. યુનાઇટેડ સ્ટેટ્સમાં ટૂંકો સમય વિશ્રામ ગાળ્યા પછી યુનિવર્સિટી કૉલેજ ઑવ્ વેલ્સ, ઍબરિસ્ટ્વિથની રૉયલ સોસાયટીના સંશોધક પ્રાધ્યાપક બન્યા. રૉયલ સોસાયટી, લીવરહુમ ફાઉન્ડેશન વગેરે સંસ્થાઓના સહકારથી પતિ-પત્ની બંનેએ ‘ધી વેલ્શ પ્લાન્ટ બ્રીડિંગ સ્ટેશન’માં 1985 સુધી કાર્ય કર્યું. નિવૃત્તિ પછી પણ આ દંપતીએ પરાગનલિકાની વૃદ્ધિ અને દેહધર્મવિદ્યા પર કેટલાંક વર્ષો સુધી ઍબરિસ્ટ્વિથમાં સંશોધનો ચાલુ રાખ્યાં. ત્યાર પછી લેમેન્સ્ટરમાં પોતાના ઘેર પ્રયોગશાળા બનાવી દંપતી જીવનપર્યંત સંશોધનક્ષેત્રે સક્રિય રહ્યાં.

તેમણે તેમનાં પત્ની યૉલેન્ડ, પ્રા. હ્યુગ ડિકિન્સન, પ્રા. બ્રુસ નોક્સ અને તેમની સાથે કાર્ય કરતા સંશોધક વિજ્ઞાનીઓના સહકારથી સંશોધનો કર્યાં. તેઓ ઉત્સાહી હતા અને તેમની સૂક્ષ્મદર્શિકીમાં અદભુત કુશળતાથી તે કોઈ પણ નવી તકનીકી ઝડપથી ગ્રહણ કરી લેતા હતા. તેમના સૂક્ષ્મારેખ (micrograph) અત્યંત સુંદર હતા.

હૅસ્લોપ-હેરિસનનું પ્રકાશન ખૂબ બહોળું હતું. તેમનાં સંશોધનપત્રોમાં સંખ્યાબંધ નોંધપાત્ર સમીક્ષાઓનો સમાવેશ થાય છે; જે તેમના વનસ્પતિવિજ્ઞાનના વિલક્ષણ જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે. તેઓ ‘ધી આઇરિશ નેચરાલિસ્ટ્સ’ જરનલ (1947–1950) અને ‘ધી ઍનલ્સ ઑવ્ બૉટની(1961–1967)ના સંપાદક અને અન્ય દસ સામયિકોના સંપાદક મંડળના સભ્ય હતા. તેમણે યુ. કે. અને અન્ય દેશોમાં અનેક વ્યાખ્યાનો આપ્યાં. 1983માં રૉયલ સોસાયટીએ પ્રા. હૅસ્લોપ-હેરિસન અને ડૉ. યૉલેન્ડને ડાર્વિન ચંદ્રક સંયુક્તપણે આપીને આ દંપતીના જીવનપર્યંતના પરસ્પરના સહકારને બિરદાવ્યો. તેમના અન્ય પુરસ્કારોમાં રૉયલ સોસાયટી ઑવ્ એડિનબરોનો કીથ ચંદ્રક, 1984; કોમરોવ ઇન્સ્ટિટ્યૂટ, એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, યુ.એસ.એસ.આર.નો નાવાશિન ચંદ્રક, 1991; લિનિયન સોસાયટીનો વનસ્પતિવિજ્ઞાન માટે લિનિયન ચંદ્રક, 1996 અને રૉયલ સોસાયટીના રૉયલ ચંદ્રક, 1996નો સમાવેશ થાય છે.

સપુષ્પ વનસ્પતિઓ લિંગી પ્રજનનની તેમણે આપેલી સમજૂતી તેમનું આજે પણ અત્યંત નોંધપાત્ર પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ પટેલ