હૅલોથેન : ક્લૉરોફૉર્મના જેવું રાસાયણિક બંધારણ ધરાવતું, શસ્ત્રક્રિયા માટે દર્દીને બેભાન કરતું બાષ્પીભવનશીલ (volatile) પ્રવાહી ઔષધ. સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિ હોય અને ઝડપથી બાષ્પીભવન થઈને ઊડી જાય તેવા બેભાન કરતાં ઔષધોના સમૂહને બાષ્પીભવનશીલ સર્વાંગી નિશ્ચેતકો (volatile general anaesthetics) કહે છે. તેમાં ડાયઇથાઇલ ઈથર, હૅલોથેન, એન્ફ્લ્યૂરેન, આઇસોફ્લ્યૂરેન, ઇથાઇલ ક્લોરાઇડ તથા ટ્રાઇક્લૉરોઇથાયલિનનો સમાવેશ થાય છે. તે ઘણાં કાર્યક્ષમ તથા લોહી, પાણી અને કોષપ્રવાહીમાં સુદ્રાવ્ય ઔષધો છે. વાયુમય સર્વાંગી નિશ્ચેતકો કરતાં તેમની બેભાન કરવાની ક્રિયાની શરૂઆત અને તેમનો અંત ધીમાં રહે છે.
હૅલોથેનનું રાસાયણિક બંધારણ અને ગુણધર્મો : હૅલોથેન ક્લૉરોફૉર્મ જેવા બંધારણ(સંરચના)વાળું ફ્લોરિનયુક્ત દ્રવ્ય છે. (આકૃતિ 1). તે ભારે, રંગવિહીન, વિશિષ્ટ ફળ સમાન મીઠી ગંધવાળું પ્રવાહી છે; જેને પીળાશ પડતી કાચની બાટલીમાં રાખવામાં આવે છે. તે 50° સે.ના તાપમાને ઊકળે છે; પરંતુ ક્ષારદ દ્રવ્ય(alkali)ની હાજરીમાં સ્થિર સ્થિતિમાં રહે છે. તે સ્ટીલ, પિત્તળ, તાંબું તથા રબર સાથે વિક્રિયા કરે છે.
આકૃતિ 1 : હૅલોથેનનું રાસાયણિક બંધારણ (સંરચના, structure) 2-બ્રૉમો-2-ક્લૉરો-1,1,1-ટ્રાઇફ્લોરોઇથેન
શારીરિક અસરો : ઑક્સિજન સાથે 2 %થી 3 %ની સાંદ્રતાથી સંમિશ્રિત હૅલોથેનની બાષ્પ ઝડપથી સર્વાંગી નિશ્ચેતના (બેભાનાવસ્થા) આણે છે અને તેને 1 %થી 2 %ની સાંદ્રતાએ ઑક્સિજન અને નાઇટ્રસ ઑક્સાઇડ સાથે આપ્યા કરવાથી સર્વાંગી નિશ્ચેતનાની સ્થિતિ જળવાઈ રહે છે. તેની ચોક્કસ સાંદ્રતા જાળવી રાખવા માટે એક વિશિષ્ટ ઉપકરણની જરૂર પડે છે. શ્વાસમાં લેવાયા પછી તે લોહી દ્વારા શરીરમાં મગજ સુધી પ્રસરે છે. 24 કલાકમાં આશરે 60 %થી 80 % વાયુ ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે, જ્યારે બાકીનો 20 % વાયુ શરીરમાં ચયાપચયી ક્રિયા દ્વારા નિષ્ક્રિય બને છે એવું મનાય છે.
આકૃતિ 2 : હૅલોથેન
નિશ્ચેતક તરીકે ઉપયોગ : શસ્ત્રક્રિયા માટે દર્દીને શીશી સૂંઘાડવાની કે બેભાન કરવાની ક્રિયાને શાસ્ત્રીય પરિભાષામાં નિશ્ચેતના (anaesthesia) કહે છે અને તેવું કરતા ઔષધને નિશ્ચેતક (anaesthetic) કહે છે. તેના જ્ઞાતા તબીબને નિશ્ચેતનાવિદ (anaesthetist) કહે છે. હૅલૉથેન એક નિશ્ચેતક ઔષધ છે. તેના વપરાશના કેટલાક લાભો છે; જેમ કે, તે જ્વલનશીલ (inflammable) નથી. શ્વસનમાર્ગમાં ચચરાટ કે સંક્ષોભન (irritation) કરતો નથી અને ફળ જેવી સુગંધને કારણે નિશ્ચેતનાની શરૂઆતમાં તેને વાપરવામાં કોઈ ન ગમે તેવી સંવેદના સર્જાતી નથી. તે ગળું તથા સ્વરપેટી સાથે સંકળાયેલી ચેતાપરાવર્તી ક્રિયાઓ(reflexes)ને નિષ્ક્રિય કરે છે અને તેથી નિશ્ચેતનાના સમય દરમિયાન શ્વાસનળીમાં કોઈ નલિકા નાખવાની ક્રિયા (નલિકાનિવેશન, intubation) કરવી સરળ રહે છે. તે સમયે સ્વરપેટીના સ્નાયુઓનું અને શ્વસનનલિકાના સ્નાયુઓનું સતત સંકોચન, ખાંસી ચડવી વગેરે તકલીફો થતી નથી. ખરેખર તો તે સમયે શ્વસનનલિકાઓ પહોળી થાય છે. તે કાર્યક્ષમ નિશ્ચેતક છે અને તેથી નિશ્ચેતનાની શરૂઆત અને ઝડપ સરળ રહે છે. તે નિયંત્રિત રીતે લોહીના દબાણમાં ઘટાડો કરીને શસ્ત્રક્રિયાના વિસ્તારમાં તેનું પરિભ્રમણ ઘટાડે છે.
જોકે તેના થોડા ગેરલાભો પણ છે. તેના વપરાશ માટે વિશિષ્ટ ઉપકરણની જરૂર પડે છે. તેનાથી પેટના સ્નાયુઓનું શિથિલીકરણ અધૂરું રહે છે. માટે પેટની શસ્ત્રક્રિયામાં સાથે સ્નાયુશિથિલક (muscle relaxant) ઔષધની જરૂર પડે છે. તે દુખાવાની સંવેદનાને ઓછા પ્રમાણમાં ઘટાડે છે. અમુક અંશે તે શ્વસનક્રિયા ઘટાડે છે. તે ક્યારેક ખોપરીની અંદરનું તથા વિકારવશ (susceptible) વ્યક્તિઓમાં ઘાતક કક્ષાનું લોહીનું દબાણ વધારે છે. તેમને અનુક્રમે અંત:કર્પરી અતિપ્રદમ (increased intracranial tension) અને ઘાતક અતિરુધિરદાબ (malignant hypertension) કહે છે. હૃદયના સ્નાયુઓના કાર્યને દબાવીને શરીરમાં લોહીનું દબાણ ઘટાડે છે તથા ક્યારેક હૃદયના ધબકારાને અનિયમિત કરે છે. શસ્ત્રક્રિયા પછી માનસિક કાર્ય ધીમે ધીમે પાછું આવે છે. નિશ્ચેતનાના અંત સમયે ધ્રુજારી થઈ આવે છે. તે યકૃતકોષો(hepatic or liver cells)ના સૂક્ષ્મકાયીય ઉત્સેચકો(microsomal enzymes)ને ક્રિયાશીલ કરે છે. ક્યારેક તેના ચયાપચયી શેષ ટ્રાયફ્લૂરો-એસિટાયલ ક્લોરાઇડની અસરથી યકૃતમાં કોષનાશ (necrosis) પણ થાય છે.
શિલીન નં. શુક્લ