હૅલિફૅક્સ સેવિલ જ્યૉર્જ

February, 2009

હૅલિફૅક્સ, સેવિલ જ્યૉર્જ (જ. 11 નવેમ્બર 1633, થૉર્નહિલ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1695, લંડન) : બ્રિટનના રાજનીતિજ્ઞ અને રાજકીય નિબંધકાર. ઇંગ્લૅન્ડ ઉપરાંત ફ્રાન્સ અને ઇટાલીમાં પણ તેમણે શિક્ષણ લીધું હતું.

ક્રૉમવેલના મૃત્યુ પછી ચાર્લ્સ બીજાને માટે તેમણે કામ કર્યું. 1669માં કમિશનર ઑવ્ ટ્રેડ તરીકે તેમની નિમણૂક થઈ. 1672માં તેઓ પ્રિવી કાઉન્સિલના સભ્ય બન્યા. 1682માં તેમને માર્ક્વિઝ ઑવ્ હૅલિફૅક્સનું બિરુદ મળ્યું. જેમ્સ બીજાના સમયમાં તેઓ પ્રિવી કાઉન્સિલના પ્રમુખ બન્યા. ટેસ્ટ ઍક્ટ અને હેબિયસ કૉર્પસ ઍક્ટને નાબૂદ કરવા સામે વિરોધ કરવા બદલ તેઓ બરતરફ થયા હતા. હૅલિફૅક્સ આ પછીથી વિરોધપક્ષ સાથે સંકળાયેલા. વિલિયમ ત્રીજાને તાજનશીન બનાવવા તેમણે પ્રયત્ન કર્યો હતો.

સેવિલ જ્યૉર્જ હૅલિફૅક્સ

હૅલિફૅક્સે કેટલાક રાજકીય નિબંધો લખ્યા છે. આવાં પૅમ્ફ્લેટોમાં ‘મૅક્સિમ્સ ઑવ્ સ્ટેટ’, ‘ધ કેરેક્ટર ઑવ્ ટ્રિમફ’, ‘ઍનેટૉમી ઑવ્ ઇક્વિવેલન્ટ’ અને ‘લેટર ટુ અ ડિસેન્ટર’નો સમાવેશ થાય છે. તેમનાં બધાં પુસ્તકોનો એક સંગ્રહ 1912માં પ્રસિદ્ધ થયો હતો. તેમના વૈચારિક વિરોધાભાસોથી તેઓ ‘ટ્રિમર’ (‘Trimmer’) તરીકેનું બિરુદ પામ્યા હતા.

મહેન્દ્ર ઠા. દેસાઈ