હૅમ્લેટ : શેક્સપિયરના તે જ નામ ધરાવતા જાણીતા નાટક પર આધારિત ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1948. ભાષા : અંગ્રેજી, શ્વેત અને શ્યામ. નિર્માતા : રેજિનાલ્ડ બૅક, લૉરેન્સ ઑલિવિયર. દિગ્દર્શક : લૉરેન્સ ઑલિવિયર. કથા : વિલિયમ શેક્સપિયરના નાટક પર આધારિત પટકથા. સંગીત : વિલિયમ વૉલ્ટન. છબિકલા : ડૅસમન્ડ ડિકિન્સન. મુખ્ય કલાકારો : લૉરેન્સ ઑલિવિયર, નોર્મન વૂલૅન્ડ, બેસિલ સિડની, ઇલિન હેરલી, ફેલિક્સ એઇલમેર, જીન સિમોન્સટેરેન્સ મોર્ગન.
વિલિયમ શેક્સપિયરના આ નાટક પરથી ચલચિત્રો જેટલી સંખ્યામાં બન્યાં છે એટલાં ચલચિત્રો વિશ્વની બીજી કોઈ એક સાહિત્યિક કૃતિ પરથી કદાચ બન્યાં નહિ હોય. આ બધાં ચિત્રોમાં 1948માં નિર્માણ પામેલું અને લૉરેન્સ ઑલિવિયર દિગ્દર્શિત અને અભિનીત આ ચિત્ર શિરમોર ગણાય છે. શેક્સપિયરની કૃતિને પડદા પર કઈ રીતે રજૂ કરી શકાય અને તેનું અર્થઘટન કેવું કરવું જોઈએ તેના માપદંડ આ ચિત્રે સ્થાપ્યા હોવાનું સમીક્ષકો કહે છે. નાટકની પ્રસ્તાવનામાં શેક્સપિયરે પોતે કહ્યું છે કે હૅમ્લેટની આ કરુણાંતિકામાં તેની સૌથી મોટી સમસ્યા એ છે કે તે પોતે કોઈ નિર્ણય પર આવી શકતો નથી. ઑલિવિયરે પણ એ જ વિકલ્પ પસંદ કર્યો છે અને હૅમ્લેટની અનિર્ણાયકતા અંગે કોઈ ઊંડું અર્થઘટન આપવાનો પ્રયાસ કર્યો નથી.
હૅમ્લેટ ડેન્માર્કનો રાજકુમાર છે. તેના રાજવી પિતા મૃત્યુ પામ્યા છે. કથાના પ્રારંભે પિતાનું ભૂત હૅમ્લેટને મળવા આવે છે અને તેને કહે છે કે તેમના ભાઈ ક્લાઉડિયસે તેમની હત્યા કરી હતી. ક્લાઉડિયસ રાજા બની ગયો અને હૅમ્લેટની માતા ગર્ટ્રુડ સાથે લગ્ન કરી લીધાં છે. હૅમ્લેટ વિટ્ટેમબર્ગ ખાતે શાળામાં હતો તે દરમિયાન આ બધું બની ગયું હતું. પિતાનું ભૂત ઇચ્છે છે કે હૅમ્લેટ તેના કાકા સાથે બદલો લે. કથા આગળ વધે છે તેમાં હૅમ્લેટ એ નિર્ણય કરી શકતો નથી કે પિતાની હત્યા કરનાર કાકા સાથે બદલો લેવો કે કેમ. હૅમ્લેટે એ પણ નિર્ણય લેવાનો છે કે કાકાની સાથે લગ્ન કરનારી પોતાની માતાનું શું કરવું, અને કાકાના મુખ્ય સલાહકાર પોલોનિયસનું શું કરવું ? આ બધા વચ્ચે હૅમ્લેટની પ્રેમિકા ઓફેલિયા પણ છે, જે હૅમ્લેટના અસહ્ય વર્તનને કારણે મૂંઝાયેલી રહે છે. હૅમ્લેટ અંત સુધી તે શું કરવું અને શું ન કરવુંની દ્વિધામાં ફસાયેલો રહે છે અને કોઈ નિર્ણય પર પહોંચી શકતો નથી, અને અંતે કરુણાંતિકા સર્જાય છે. હૅમ્લેટનું પાત્ર વિશ્વસાહિત્યમાં સર્જાયેલાં ખૂબ જ જટિલ અને મનોહર પાત્રોમાંનું એક છે. આ ભૂમિકાને લૉરેન્સ ઑલિવિયરે પડદા પર જીવંત કર્યું છે. તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ કલાનિર્દેશન (રોજર કે. ફુર્સ, કારમૅન ડિલોન), શ્રેષ્ઠ પોશાક (રોજર કે. ફુર્સ) એમ શેક્સપિયરની કૃતિઓ પરથી જેટલાં પણ ચિત્રો બન્યાં છે તેમાં આ એકમાત્ર ચિત્ર એવું છે જેને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ અભિનેતા આ બંને ઑસ્કાર મળ્યા હોય.
બ્રિટનની રાણીએ લૉરેન્સ ઑલિવિયરને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો તે નિર્ણયમાં આ ચલચિત્રનો ફાળો ઘણો મોટો હતો.
આ ચલચિત્રનું રશિયન સંસ્કરણ રશિયન ભાષામાં નિર્માણ થયું હતું જે તકનીકની દૃષ્ટિએ સાપેક્ષ રીતે ચઢિયાતું હતું એવો અભિપ્રાય સમીક્ષકોએ વ્યક્ત કર્યો હતો.
હરસુખ થાનકી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે