હૃદ્-ફેફસીરોગ (corpulmonale)
February, 2009
હૃદ્-ફેફસીરોગ (corpulmonale) : શ્વસનતંત્રના વિકારને કારણે હૃદયના જમણા ક્ષેપકની સંરચના અને ક્રિયામાં ફેરફાર થવો તે. તેને ફેફસી હૃદ્રોગ (pulmonary heart disease) પણ કહે છે. તેમાં મુખ્ય ફેરફાર છે જમણા ક્ષેપકના સ્નાયુની અતિવૃદ્ધિ (hypertrophy). જો ઉગ્ર (ટૂંકા સમયથી શરૂ થયેલો) ફેફસીરોગ હોય તો જમણું ક્ષેપક પહોળું થાય છે. હૃદયનું જમણું ક્ષેપક લવચીકતા (elasticity) ધરાવે છે માટે તે ફેફસી પ્રધમની(pulmonary trunk)માં દબાણ વધે ત્યારે પહોળું થાય છે. જ્યારે આવું વધેલું દબાણ લાંબો સમય રહે તો તેના પ્રતિભાવ રૂપે જમણા ક્ષેપકના સ્નાયુની અતિવૃદ્ધિ થાય છે. આ વિકારમાં કારણરૂપ તકલીફ ફેફસાંનાં રુધિરાભિસરણમાં હોય છે. તે લાંબા સમયના ફેફસાના રોગમાં ઑક્સિજનની ઉદભવતી ઊણપને કારણે ફેફસાની નસોમાં સંકોચન(વાહિનીસંકોચન, vasoconstriction)ને કારણે થાય છે. કોઈ અન્ય કારણે જમણા ક્ષેપકની અતિવૃદ્ધિ કે પહોળા થવાનો વિકાર થાય તો તેને હૃદ્-ફેફસીરોગ કહેવાતો નથી. જો તેની સારવાર ન કરાય તો તે હૃદયના જમણા ભાગની નિષ્ફળતા અને તેથી મૃત્યુ નિપજાવે છે.
ફેફસાંમાંની નસોમાં દબાણ વધે તેને ફુપ્ફુસીય (ફેફસી) અતિદાબ અથવા અતિપ્રદમ (pulmonary hypertension) કહે છે. ફેફસાંની નસો સંકોચાય (ફેફસીવાહિની સંકોચન), તેની નસોની રચનામાં વિષમતા હોય, લોહીની શ્યાનતા (viscocity) વધી હોય કે કોઈ જાણીતા કારણ વગર અજ્ઞાતમૂલ (idiopathic) અથવા પ્રારંભિક ફેફસી અતિદાબ થાય તો તે ફેફસાંની નસોમાં દબાણ વધે છે જે હૃદ્-ફેફસીરોગ કરે છે.
વિવિધ રોગોમાં ઉપર જણાવેલી રુગ્ણક્રિયાપ્રવિધિ (pathological mechanism) ઉદભવે છે, જેમ કે દીર્ઘકાલી શ્વસનિકારોધજન્ય ફેફસીરોગ (chronic obstructive pulmonary disease – COPD); ઈજા કે શસ્ત્રક્રિયાને કારણે ફેફસાનો થોડો ભાગ નાશ પામે; રજદૂષિત ફેફસીરોગ (pneumoconiosis) જેમાં સિલિકા, ઍસ્બેસ્ટૉસ જેવા કણો અને તાંતણાંઓ ફેફસાંને નુકસાન કરીને રોગ કરે છે; સારકોઇડોસિસ નામનો રોગ; પીઠના પ્રથમ 4 મણકા થોડા ખસે (અલ્પભ્રંશ, subluxation), અંતર્રોધી નિદ્રાકાલીન અશ્વસન (obstructive sleep apnoea) વગેરે. અંતર્રોધી નિદ્રાકાલીન અશ્વસનમાં દર્દી રાત્રે થોડાક સમય માટે શ્વાસ લેતો અટકી જાય છે.
જમણા ક્ષેપકની વધતી નિષ્ફળતાને કારણે હૃદય પેશીમાંનું લોહી ફેફસાં તરફ ઑક્સિજન મેળવવા માટે ધકેલી શકતું નથી; તેથી શરીરના શિરાતંત્રમાં લોહી ભરાય છે. તેને રુધિરભારિતા (congestion) કહે છે. યકૃત(liver)માં રુધિરભારિતા થવાથી ત્યાં અલ્પ-ઑક્સિજનતા (hypoxia) તથા મેદામ્લીય વિષમતા (fatty change) ઉદભવે છે. આવું યકૃતની સપાટી તરફના યકૃતકોષો(hepatocytes)માં થાય છે. તેને કારણે યકૃતનો દેખાવ બદલાય છે. તેને જાતિફલરૂપ યકૃત (nutmeg liver) કહે છે. જાતિફલ અથવા જાતિપત્રીને ગુજરાતીમાં જાયફળ કહે છે અને તેના છોડાને જાવંત્રી કહે છે. યકૃતનો દેખાવ તેવો થઈ જાય છે.
નિદાનમાં 3 પ્રમુખ પરીક્ષણો છે – છાતીનું એક્સ-રે-ચિત્રણ, હૃદ્-વીજાલેખ (electrocardiograpm, ECG, EKG) તથા હૃદ્-પ્રતિઘોષાલેખ (echocardiograpm). એક્સ-રે-ચિત્રણમાં જમણા ક્ષેપકની અતિવૃદ્ધિ, જમણા કર્ણકનું પહોળા થવું, ફુપ્ફુસીય (ફેફસી) ધમની મોટી થવી, ફેફસાંના પરિધીય કિનારે નસોની છાયાઓ ઓછી દેખાવી વગેરે ચિહનો મળી આવે છે. હૃદયના વીજ-આવેગોનો આલેખ(ECG)માં જમણા ક્ષેપકની અતિવૃદ્ધિ, હૃદયની જમણી તરફ વળેલી વીજ-અક્ષ (દક્ષિણવર્તી વીજાક્ષતા, right axis deviation), V1 વીજાગ્રમાં મોટો ‘R’ તરંગ અને ઊંધો ‘T’ તરંગ વગેરે ચિહનો જોવા મળે છે. હૃદયના અશ્રાવ્યધ્વનિ (ultrasound) વડે લેવાતા હૃદયના ધ્વનિચિત્રણ(sonography)ને હૃદ્-પ્રતિઘોષાલેખ (echocardio-grapm, ECHO) કહે છે. તેમાં જમણા ક્ષેપકનું પહોળા થવું અને જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચેના ત્રિદલ કપાટ(tricuspid valve)માંથી લોહી વિપરીત માર્ગે પાછું કર્ણકમાં જાય છે તે દર્શાવી શકાય છે. લોહીના આવા વિપરીત (અવળા) વહનને ત્રિદલીય વિપરીતવહન (tricuspid regurgitation) કહે છે.
સારવાર : વિકારના કારણને દૂર કરવા કે તેની સારવાર કરવાને પ્રાથમિકતા અપાય છે. મૂત્રવર્ધક (diuretic) ઔષધ વડે જમણા ક્ષેપકની નિષ્ફળતા ઘટાડાય છે. જો ફેફસાંની ધમનીમાં ગુલ્મસ્થાનાંતરતા (embolism) વડે અંતર્રોધ થયો હોય તો સામાન્ય રીતે પ્રતિગુલ્મન-ઔષધો (anticoagulants) અપાતાં હોય છે; પરંતુ જો સાથે હૃદ્-ફેફસીરોગ થાય તો તેનું વિલયન (lysis) કરાય છે. તેને ગુલ્મવિલયન (thrombolysis) કહે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઔષધ વડે લોહીના ગઠ્ઠાને ઓગાળવાની ક્રિયાને ગુલ્મવિલયન કહે છે જ્યારે લોહીને વધુ ગંઠાતું અટકાવવા પ્રતિગુલ્મન ઔષધો અપાય છે. જો દર્દીને COPDનો વિકાર હોય તો લાંબા સમય માટે ઑક્સિજન આપવાની ક્રિયા કરાય છે. હૃદ્-ફેફસીરોગ હૃદ્-નિષ્ફળતા કરે તો ફેફસાંમાં પ્રવાહી ભરાય (ફેફસી જળશોફ, pulmonary oedema), પગ પર સોજા (જળશોફ, oedema) થાય, યકૃતમાં લોહી ભરાવાથી દુખાવા સાથેની યકૃતીય રુધિરભારિતા (liver congestion) થાય અને તે મોટું થાય છે તથા તેને સ્પર્શ કરવાથી તે દુખે છે (સ્પર્શવેદના, tenderness). ડોકમાંની કંઠશિરા(jugular vein)માં દબાણ વધે છે. આવા સમયે મૂત્રવર્ધક આપીને પેશાબ વધારાય છે તથા નાઇટ્રેટ્સ આપીને નસોને પહોળી કરાય છે. આમ અનુક્રમે હૃદય પરનો પૂર્વભાર (preload) અને ઉત્તરભાર (afterload) ઘટાડાય છે. હૃદયની સંકોચનશીલતા (contractitity) વધારવા સિલ્ડેનેફિલ અથવા ટેડૅલૅફિલ નામના ફૉસ્ફોડાય ઇસ્ટરેઝ નિગ્રહકો વપરાય છે. જમણા હૃદયની નિષ્ફળતા થાય તો તે પીડાકારક ટૂંકો જીવનકાળ સૂચવે છે.
શિલીન નં. શુક્લ