હૃદ્-ફેફસીયંત્ર (heart-lung machine) : હૃદય પરની શસ્ત્રક્રિયા કરતી વખતે હૃદયને ધબકતું બંધ કરવા તેનું તથા ફેફસાંનું કાર્ય કરતું કૃત્રિમ યંત્ર. તેને હૃદ્-ફેફસી ઉપમાર્ગ (cardiopulmonary bypass) પણ કહે છે. તેની મદદથી રુધિરાભિસરણ તથા લોહીનું ઑક્સિજનીકરણ (oxygenation) કરાય છે. તે એક પ્રકારનો પ્રણોદક (pump) છે. તેથી તેને હૃદ્-ફેફસી પ્રણોદક (heart-lung pump) પણ કહે છે. શસ્ત્રક્રિયા વખતે આ યંત્ર ચલાવીને દર્દીની સંભાળ રાખતા વ્યાવસાયિકોને અવસરણવિદો (perfusionists) કહે છે. તેમાં શરીરમાંનું લોહી બહાર યંત્રમાં જતું હોવાથી તેવા રુધિરાભિસરણને બહિર્દેહી (extra-corporeal) રુધિરાભિસરણ કહે છે.

હૃદ્-ફેફસીયંત્ર (heart-lung machine)

હૃદયના ખંડોને ખોલવાની કે તેને લોહી પહોંચાડતી મુકુટ-ધમની(coronary artery)માં અંતર્રોધ હોય ત્યારે ઉપમાર્ગ-નિરોપ (bypass graft) મૂકવાની શસ્ત્રક્રિયામાં રુધિરાભિસરણ અને ઑક્સિજનનો પુરવઠો જાળવી રાખવા તેનો ઉપયોગ કરાય છે. શરીરનું તાપમાન ઘટાડવાની ક્રિયાને અલ્પ-ઉષ્મન (hypothermia) કહે છે. તેવી સ્થિતિમાં 45 મિનિટ સુધી રુધિરાભિસરણ બંધ હોય તોપણ દર્દી જીવિત રહી શકે છે. પૂર્ણકાય અલ્પોષ્મન (total body hypothermia) કરવા માટે હૃદ્-ફેફસીયંત્ર ઉપયોગી છે.

શરીરમાંનું લોહી યંત્રમાં લઈ જવા માટે એક નલિકા દર્દીના જમણા કર્ણક, મહાશિરા (vena cava) કે જંઘાશિરા(femoral vein)માં મુકાય છે. તેને યંત્રમાં લઈ જવાય છે, જ્યાં તેને ગળાય છે, ઑક્સિજનયુક્ત કરાય છે. ઠંડું કે હૂંફાળું કરાય છે અને ફરીથી શરીરમાં પાછું મોકલાય છે. લોહીને પાછું મોકલવા એક નલિકા આરોહી મહાધમની (ascending aorta) કે જંઘાધમની(femoral artery)માં મુકાય છે. લોહી જામી જતું અટકાવવા હિપેરિન અપાય છે. શસ્ત્રક્રિયાને અંતે પ્રોટામિન સલ્ફેટ આપીને હિપેરિનનું કાર્ય સમાપ્ત કરાય છે. સમગ્ર પ્રક્રિયા વખતે શરીરનું તાપમાન 28° સે.થી 32° સે. વચ્ચે રખાય છે. તેથી અમુક અંશે અલ્પોષ્મન (hypothermia) પણ કરાય છે. ઠંડા પાડેલા લોહીની શ્યાનતા (viscocity) વધે છે માટે પ્રવાહી વડે તે ઘટાડવામાં આવે છે.

હૃદયના એકમાર્ગી કપાટો(valves)ને બદલવા કે તેનું સમારકામ કરવાની શસ્ત્રક્રિયામાં તથા મુકુટધમની ઉપમાર્ગ(coronary bypass)ની શસ્ત્રક્રિયામાં તે ઉપયોગી છે. કેટલાક જન્મજાત હૃદ્-વિકારો(congenital heart disorders)ની શસ્ત્રક્રિયા સમયે પણ તે ઉપયોગી છે. આ ઉપરાંત હૃદય-પ્રત્યારોપણ (heart transplantation), મોટી નસો પહોળી થઈને વાહિનીપેટુ (aneurysm) કરે તો તેના સુરચનાકરણ(repair)માં, ફેફસી ધમનીમાંથી લોહીનો ગઠ્ઠો દૂર કરવાની શસ્ત્રક્રિયામાં હૃદ્-ફેફસીયંત્ર ઉપયોગી રહે છે.

ઇતિહાસ : 1951માં ડૉ. ક્લેરેન્સ ડેનિસે પ્રથમ બહિર્દેહી રુધિરાભિસરણનો પ્રયત્ન કર્યો; પરંતુ કૂતરાઓ પરના સફળ પ્રયોગોને અંતે 1953માં જૉન ગિબ્બને સફળતાપૂર્વક પ્રથમ વાર હૃદ્-ફેફસીયંત્રને વાપરી બતાવ્યું.

હૃદ્-ફેફસીયંત્રમાં સિલિકોન રબર કે PVCની બનેલી નળીઓ (tubing), પ્રણોદક (pump), ઑક્સિજનદાબક (oxygenator) અને નલિકાઓ (cannulae) વપરાય છે. પ્રણોદક 2 પ્રકારના હોય છે – લહરિગતિક (roller or peristaltic) અને કેન્દ્રાપસારી (centrifugal). કેન્દ્રાપસારી પ્રણોદક હાલ વધુ વપરાશમાં છે, કેમ કે રુધિરકોષોને તે ઓછી ઈજા પહોંચાડે છે. લોહીમાં ઑક્સિજન ઉમેરાય અને અંગારવાયુ નીકળી જાય તે માટેની સંયોજનાને ઑક્સિજનદાયક કહે છે. તે પણ 2 પ્રકારનાં હોય છે – પટલીય (membranous) અને પરપોટાકારી (bubbling). પહેલામાં ઑક્સિજન વાયુ અને લોહી વચ્ચે એક પડદો હોય છે, જે લોહીના કોષોને થતી ઈજા ઘટાડે છે. હાલ ઑક્સિજનદાબક સંયોજનામાં લોહીનો ગઠ્ઠો ન જામે માટે તેને હિપેરિનનું આવરણ ચડાવવામાં આવે છે. શિરાલક્ષી નલિકા (venous cannulae) શરીરમાં લોહી બહાર લઈ જાય છે, જ્યારે ધમનીલક્ષી નલિકા લોહીને શરીરમાં પાછું લાવે છે. હૃદય-સ્નાયુને નિષ્પંદ કરતા ઔષધીય દ્રાવણને હૃદ્-લક્ષી નલિકા દ્વારા સીધું હૃદયમાં નખાય છે. આને કારણે હૃદયના સંકોચન-વિકોચનો બંધ થાય છે. તેને હૃદ્-નિષ્પંદન (cardioplegia) કહે છે. આમ 2 જુદા જુદા વહનપથ (circuits) દ્વારા સમગ્ર કાર્ય થાય છે – એકમાં શિરામાર્ગી લોહી શરીર બહાર હૃદ્-ફેફસીયંત્રમાં લઈ જઈને ધમનીમાર્ગમાં પાછું મોકલાય છે અને બીજામાં હૃદયમાં હૃદ્-નિષ્પંદક ઔષધ આપવાની ક્રિયા થાય છે.

આનુષંગિક તકલીફો : તેના વપરાશથી અવસરણોત્તર સંલક્ષણ (postperfusion syndrome), રુધિરકોષોનું તૂટવું (રક્તકોષવિલયન, haemolysis), કેશવાહિની ઝરણ સંલક્ષણ (capillary leak syndrome), નળીઓમાં લોહીનો ગઠ્ઠો જામવો, વાતશલ્ય સ્થાનાંતરતા (air embolism) જેમાં હવાનો પરપોટો ધમનીમાં અંતર્રોધ કરે, લોહીનું શરીર તથા યંત્રની બહાર વહી જવું વગેરે વિવિધ તકલીફો અને સમસ્યાઓ ઉદભવી શકે છે. તેથી તેનો ઉપયોગ શસ્ત્રક્રિયાના થોડાક કલાકો સુધી સીમિત રાખવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ