હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs) : હૃદયના એકમાર્ગી કપાટો(valves)ના બંધ થવાથી, ક્યારેક ખૂલવાથી તથા હૃદયની દીવાલ કે તેના ખંડમાં ભરાતા લોહીમાં ઉદભવતી ધ્રુજારીને કારણે સામાન્ય અને વિષમ સ્થિતિમાં વિવિધ પ્રકારના ધ્વનિરવ ઉદભવે તે. તે હૃદરોગના નિદાનમાં ઉપયોગી છે. તેમને સંશ્રવણક (stethoscope) નામના સ્પર્શપટલ (diaphragm) અને નળીઓવાળા ઉપકરણ વડે સાંભળી શકાય છે. તેનો એક છેડો વ્યક્તિની છાતી પર અને બીજો છેડો તબીબના બંને કાનમાં મુકાય છે. દર્દીની છાતી પર મુકાતા ભાગને રવગ્રાહક (chest piece) કહે છે અને તે 2 પ્રકારના હોય છે – સ્પર્શપટલવાળો રવગ્રાહક અને ઘંટાકાર રવગ્રાહક. કાનમાં મુકાતી નળીઓના છેડાને કર્ણમોગરા (ear nobes) કહે છે.

ક્ષેપકો સંકોચાય ત્યારે લોહી પાછું કર્ણકોમાં ન જાય માટે તેમની વચ્ચેના કર્ણક-ક્ષેપકીય કપાટો (atrioventricular valves) બંધ થાય છે. તે સમયે પ્રથમ હૃદ્ધ્વનિ (heart sound) ઉત્પન્ન થાય છે. આ સમયે ક્ષેપકના સંકોચનકાળ(systole)ની શરૂઆત હોય છે. બીજો હૃદ્ધ્વનિ ક્ષેપકના સંકોચનકાળના અંતે ઉદભવે છે, ત્યારે ક્ષેપકોમાંથી બહાર નીકળતી ધોરી ધમનીઓ(મહાધમની, aorta તથા ફેફસી પ્રધમની, pulmonary trunk)ના મુખ પાસેના કપાટો (અર્ધચંદ્રાકાર કપાટો, semilunar valves) બંધ થાય છે; જેથી કરીને સંકોચનકાળને અંતે ક્ષેપકો પહોળા થવા માંડે (વિકોચનકાળ, diastole) ત્યારે ધોરી ધમનીઓમાંનું લોહી ક્ષેપકોમાં પાછું ન આવી જાય. સામાન્ય રીતે પહેલો અને બીજો હૃદ્-ધ્વનિ સંભળાય છે તે અનુક્રમે ‘લબ’ અને ‘ડબ’ એવા પ્રકારના રવ છે, માટે હૃદયના ધબકારાને ‘લબ-ડબ’ કહે છે. પહેલા અને બીજા ધ્વનિ કરતાં બીજા અને પહેલા ધ્વનિ વચ્ચે થોડું વધુ અંતર હોય છે. આવા સુસ્પષ્ટ અવાજોને હૃદ્-ધ્વનિ કહે છે. આ ઉપરાંત વિકારની સ્થિતિમાં ત્રીજો અને ચોથો હૃદ્-ધ્વનિ પણ સંભળાય છે. જ્યારે કપાટ વિકૃત થયો હોય તો તેમના ખૂલવા(ઉન્મીલિત, opening)ના સમયે ઉદભવતો ધ્વનિ ટૂંકો અને વધુ તીવ્રતાવાળો હોય છે. તેને ઉન્મીલિત ‘ફટ્’કાર (opening snap) કહે છે. હૃદ્ધ્વનિઓ વિશે સારણીમાં દર્શાવ્યું છે.

સારણી : હૃદ્ધ્વનિઓ (heart-sounds)

ક્રમ હૃદ્ધ્વનિ કાલક્રમ વિશેષતા ક્રિયાપ્રવિધિ (mechanism) વિશિષ્ટ નોંધ
1. પ્રથમ (S1) ક્ષેપકના કોચન- કાલ(systole)ની શરૂઆતમાં એક અને અખંડ (single) અથવા ક્યારે સહેજ દ્વિરવી (split) ‘લબ’ જેવો અવાજ કર્ણક-ક્ષેપકીય કપાટો (atrio- ventricular valves)  દ્વિદલ (mitral) તથા ત્રિદલ (tricuspid) કપાટો  ના બંધ થવાથી (અ) મોટો થાય  પાંડુતા (anaemia)  સગર્ભાવસ્થા, અતિગલગ્રંથિતા(hyper thyroidism), દ્વિદલીય સંકીર્ણતા (mitral stenosis); (આ) નાનો થાય  હૃદ્-નિષ્ફળતા,  દ્વિદલીય વિપરીતમાર્ગી વહન (mitral regurgitation)
2. દ્વિતીય (S2) ક્ષેપકના સંકોચન-કાળના અંતે ઉચ્છ્વાસમાં અખંડ, અંત:શ્વાસમાં દ્વિરવી (split) ‘ડબ’ જેવો અવાજ ક્ષેપક અને ધોરી નસો વચ્ચેના અર્ધચંદ્રાકાર કપાટો(semi- lunar valves)ના બંધ થવાથી. તેમને મહાધમનીય (A2) અને ફુપ્ફુસીય (P2) દ્વિતીય ધ્વનિ કહે છે. કર્ણકપટલ-છિદ્ર (atrial septal defect) હોય તો તેનો દ્વિરવ (split) નિશ્ચિત સમયનો હોય છે, જ્યારે પુંજશાખારોધ(bundle branch block)માં દ્વિ-રવનો સમયગાળો વધઘટ થાય છે.
3. તૃતીય (S3) S2 પછી; તરત

વિકોચનકાળ-

(diastole)ની

શરૂઆતના ભાગમાં

મોટે ભાગે ત્રણેય હૃદ્ધ્વનિ

અશ્વતાલ અથવા ઘોડદોડધ્વનિ

(gallop) જેવો અવાજ કરે છે.

ક્ષેપકની દીવાલમાંથી ઉદભવે છે. યુવાનો અને સગર્ભાવસ્થામાં

સામાન્ય રૂપે તથા હૃદ્-નિષ્ફળતા અને દ્વિદલીય વિપરીતમાર્ગી વહનમાં વિકારસૂચક હાજરી.

4. ચતુર્થ (S4) S1 પહેલાં; વિકોચન- કાળના અંતે ક્ષેપકમાંથી ઉદભવે. ડાબા ક્ષેપકની દીવાલ જાડી

થઈ હોય તો થાય છે.

5. સંકોચનકાલીય

ક્લિક (systole

click)

સંકોચનકાળની

શરૂઆતમાં કે મધ્યે

‘ક્લિક’ એવો રવ. વિકારયુક્ત કપાટ(valve)ના

ખૂલવાનો અવાજ

અર્ધચંદ્રાકાર કપાટોની સંકીર્ણતામાં સંભળાય  કૃત્રિમ કપાટો (arti-ficial valve) હોય તો ઉદભવે.
6. ઉન્મીલિત

‘ફટ્’કાર

(opening snap)

વિકોચનકાળના

શરૂઆતના ભાગે

ટૂંકો ‘ફટ્’ જેવો રવ. દ્વિદલ કીર્ણતા(mitral

stenosis)માં તથા કૃત્રિમ કપાટ હોય તો તે ઉદભવે.

થોડો લાંબો સમય ચાલતા, ક્યારેક કોઈ વિકારની હાજરી સૂચવતાં લીલાં પાંદડાંમાંથી પવન વહે તેવો રવ ઉત્પન્ન થાય ત્યારે તેને મર્મર (murmur) કહે છે. તેઓ બે હૃદ્ધ્વનિની વચ્ચે, કોઈ હૃદ્ધ્વનિ પછી તરત કે તેના પહેલાં એમ વિવિધ રીતે જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ ગંભીર વિકાર વગર ઉત્પન્ન થતી મર્મર મૃદુ, સંકોચનકાળની મધ્યે અને અન્યત્ર ફેલાયા વગર વક્ષાસ્થિ(sternum)ની ડાબી કિનારીએ સંભળાય છે. વિકારને કારણે સર્જાતી મર્મર સામાન્ય રીતે જે તે વિકૃતિને સ્થાનેથી લોહીના વહનની દિશામાં પણ સંભળાય છે, આને તેનો ફેલાવો (radiation) કહે છે.

હૃદ્મર્મર : નોંધ : (1) પ્રથમ હૃદ્ધ્વનિ, (2) દ્વિતીય હૃદ્ધ્વનિ, (3) ક્લિક, (4) ઉદઘાટક ફટ્કાર (opening snap), (5) બહિ:ક્ષેપ સંકોચનકાલી મર્મર (ejection systolic murmur), (6) પૂર્ણ સંકોચનકાલી મર્મર (pansystolic murmur), (7) વિલંબિત સંકોચનકાલી મર્મર (late systolic murmur), (8) પ્રારંભિક વિકોચનકાલી મર્મર (early diastolic murmur), (9) પૂર્વસંકોચનકાલી તીવ્રન (presystolic ecentuation), (10) મધ્ય વિકોચનકાલી મર્મર (mid-diastolic murmur)

મર્મરના પરીક્ષણમાં તેનો હૃદ્ધ્વનિ સાથેનો કાળક્રમ (timing), તેનો અવાજ મોટો છે કે નાનો અને તેનું કક્ષાવાર વિભાગીકરણ, કયા સ્થાને તેને શ્રેષ્ઠતમ સાંભળી શકાય છે અને ક્યાં તે ફેલાય છે તે તથા રવની ગુણવત્તા વગેરેનો સમાવેશ થાય છે. તેમને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાય છે – સંકોચનકાલી (systolic), વિકોચનકાલી (diastolic) અને સતત (continuous). ક્ષેપકો સંકોચાય તે સમયગાળાને સંકોચનકાળ (systole) કહે છે અને તે પહોળું થાય તે સમયગાળાને વિકોચનકાળ (diastole) કહે છે. સંકોચનકાલી મર્મરો ત્રણ પ્રકારની છે : મધ્ય, અંત્ય અને પૂર્ણ. મધ્ય સંકોચનકાલી મર્મરની તીવ્રતામાં અધિવર્ધન (crescendo) અપવર્ધન (decrescendo) એમ વધઘટ થાય છે. પૂર્ણ સંકોચનકાલી મર્મર પ્રથમ હૃદ્ધ્વનિથી શરૂ થઈને બીજા ધ્વનિની પેલે પાર સુધી જાય છે. દ્વિદલ કે ત્રિદલ વાલ્વ બંધ થયા પછી પણ તેમાંથી લોહી વિપરીત માર્ગે કર્ણકમાં જતું હોય (regurgitation) તો આવો મર્મર રવ ઉદભવે છે. બે ક્ષેપકો વચ્ચેના પડદામાં કાણું હોય (ક્ષેપકપટલ છિદ્ર, ventricular septal defect) તોપણ થાય છે. જો હૃદયના સ્નાયુની રુગ્ણતા થઈ હોય તેવા વિકારને હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardio-myopathy) કહે છે. તેમાં ક્યારેક હૃદ્-સ્નાયુ જાડો બને છે. તેવે સમયે અંત્ય સંકોચનકાલી મર્મર ઉદભવે છે. દ્વિદલ કપાટમાં દલભ્રંશ (prolapse) થયેલો હોય (દ્વિદલ કપાટીય દલભ્રંશ, mitral valve prolapse) તોપણ ક્લિક રવ થઈને અંત્ય સંકોચનકાલી મર્મર ઉત્પન્ન થાય છે. જ્યારે હૃદયમાંનો એકમાર્ગી કપાટ (વાલ્વ) બંધ થાય ત્યારે તેમાંની એક પાંખડી (દલ) નીચે તરફ થોડી ખુલ્લી રહી જાય તેને દલભ્રંશ કહે છે.

વિકોચનકાલી મર્મરો બે પ્રકારની છે – આરંભીય (early) અને મધ્ય. આરંભીય વિકોચનકાલી મર્મર ક્ષેપકમાંથી નીકળતી ધોરી ધમનીઓના મુખદ્વાર પરના કપાટોમાંથી વિપરીત માર્ગે લોહી પાછું ક્ષેપકમાં આવતું હોય ત્યારે ઉદભવે છે, દા. ત., મહાધમનીય વિપરીત-માર્ગીવહન (aortic regurgitation) અને ફુપ્ફુસીય (ફેફસી) વિપરીતમાર્ગી વહન (pulmonary regurgitation) કહે છે. દ્વિદલ અને ત્રિદલ કપાટો સાંકડા થાય તો તેને સંકીર્ણતા (stenosis) કહે છે. તેવે સમયે ઉન્મીલિત ‘ફટ્’કાર રવ પછી મર્મર રવ ઉદભવે છે, જે પહેલા મોટા થયેલા હૃદ્ધ્વનિ પર જઈને અટકે છે. તેમાં પહેલો હૃદ્ધ્વનિ થાય તેની સહેજ પહેલાં (પૂર્વસંકોચનકાલ, presystole સમયે) આ મર્મરની તીવ્રતા વધે છે. તેને પૂર્વસંકોચનકાલી અતિતીવ્રન (presystolic eccentuation) કહે છે. દ્વિદલીય કપાટની સંકીર્ણતામાં ઉદભવતી મર્મર ડાબી બાજુ બગલની નીચે સુધી ફેલાય છે.

જ્યારે મહાધમની અને ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની વચ્ચે જોડાણ કરતી અને ગર્ભમાં રહેલી ધમનીનલિકા (ductus arterious) નામની નસ પુખ્ત વયે પણ પહોળી રહી જાય તો તેને ધમનીનલિકાકીય વિવૃત્તતા (patent ductus arterious) કહે છે. જેમાંથી સંકોચનકાળ અને વિકોચનકાળ એમ બંને સમયે લોહી વહે છે. તેથી તે સતત મર્મર ઉત્પન્ન કરે છે. તેને હૃદય બહાર ઉત્પન્ન થતા અન્ય અવાજોથી અલગ પાડવામાં આવે છે.

શિલીન નં. શુક્લ