હૃદ્તાલભંગ (cardiac arrhythmia) : હૃદયના ધબકારા(સ્પંદનો, beats)ની અનિયમિતતા થવી તે. તેને હૃદ્-અતાલતા પણ કહે છે. હૃદયના કર્ણકમાં આવેલી વિવર-કર્ણક પિંડિકા (sino atrial node, SA node) હૃદયનાં સંકોચનોને નિયમિત સ્વરૂપે પ્રેરે છે. માટે તેને નૈસર્ગિક ગતિપ્રેરક (natural pacemaker) કહે છે. હૃદયના ધબકારાની ગતિને હૃદ્તાલ અથવા હૃદગતિતાલ (cardiac rhythm) કહે છે. તે દર મિનિટે 60–100 નિયમિત સમયાંતરે થતા ધબકારા (સ્પંદનો) કરાવે છે. આને હૃદયનો સામાન્ય સ્પંદન દર અથવા હૃદ્-સ્પંદન દર (heart rate) કહે છે. ડાબી બાજુના હાંસડીના હાડકા(જત્રુકાસ્થિ, clavicle)ના મધ્યબિન્દુથી નીચે તરફ કાલ્પનિક રેખા 5મી અને 6ઠ્ઠી પાંસળી વચ્ચેની જગ્યાને જ્યાં છેદે છે ત્યાં સામાન્ય રીતે હૃદયનું સ્પંદન અનુભવી શકાય છે. તેને શિખરસ્પંદન (apex beat) કહે છે. તે સ્થળે છાતીમાં હૃદયનો જે ભાગ હોય છે તેને હૃદ્શિખર (cardiac apex) કહે છે. શિખરસ્પંદનને હાથ વડે સ્પર્શીને અનુભવી શકાય છે. હાંસડીના હાડકાના મધ્યમાંથી નીકળતી આ કાલ્પનિક રેખાને મધ્યજત્રુકાસ્થિ રેખા (mid-clavicular line) કહે છે.

વિવર-કર્ણક પિંડિકામાં ઉદભવેલો આવેગતરંગ સૌપ્રથમ કર્ણકનું સંકોચન કરે છે. પહેલાં કર્ણક અને પછી ક્ષેપકો સંકોચાય તે માટે કર્ણક અને ક્ષેપક વચ્ચે તથા ક્ષેપકની અંદર આવેગવાહી વિશિષ્ટ પેશી આવેલી છે. જેમાં કર્ણક-ક્ષેપકીય પિંડિકા (atrio ventricular node, AV node), કર્ણક-ક્ષેપકીય પુંજ (AV bundle), ડાબી અને જમણી ક્ષેપકીય પુંજશાખા (bundle branch) તથા પર્કિન્જિના તંતુઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર સમૂહને આવેગવાહી પ્રણાલી (conduction system) કહે છે. તેને કારણે પ્રથમ કર્ણકો અને પછી ક્ષેપકો સંકોચાય છે અને તેથી પ્રથમ કર્ણક-ક્ષેપકીય કપાટો (atrioventricular valves) તથા ક્ષેપકો અને તેમાંથી નીકળતી ધોરી નસો વચ્ચેના અર્ધચંદ્રાકાર કપાટો(semi lunar valves)માંથી અનુક્રમે પ્રથમ અને દ્વિતીય હૃદ્ધ્વનિ (heart sounds) ઉદભવે છે. તેમની વચ્ચેના સમયાંતરો નિશ્ચિત અને નિયમિત હોય છે. તે એક વિશિષ્ટ હૃદ્તાલ(cardiac rhythm)નું સર્જન કરે છે. તેનો ‘લબ-ડબ’ જેવા ઉચ્ચારણ જેવો ધ્વનિ છે.

હૃદ્સ્પંદન દર (heart rate), હૃદ્તાલ (cardiac rhythms) તથા આવેગવાહી પ્રણાલી(conduction system)માં વિકાર ઉદભવે ત્યારે તેને હૃદ્તાલભંગ (cardiac arrhythmia) કહે છે. તેમને 5 જૂથમાં વહેંચાય છે : વિવર-કર્ણક પિંડિકાના તાલવિકારો, કર્ણકના તાલવિકારો, કર્ણક-ક્ષેપકીય પિંડિકાના તાલવિકારો, ક્ષેપકીય તાલવિકારો અને પુંજશાખાકીય રોધ(bundle branch block)ના વિકારો.

વિવર-કર્ણક પિંડિકા અથવા ક-વિ પિંડિકા(sino atrial node, SA node)ના માં તાલબદ્ધ આવેગ ઉદભવે નહિ ત્યારે વિવિધ પ્રકારના તાલભંગ થાય છે. વિવર અતાલતા (sinus arrhythmia), વિવર મંદતાલતા (sinus bradycardia) તથા વિવર દ્રુતતાલતા (sinus tachycardia), કર્ણકીય કાલપૂર્વસ્પંદન (atrial premature beat), કર્ણકીય દ્રુતતાલતા (atrial tachycardia), કર્ણકીય અવસ્પંદન (atrial flutter) તથા કર્ણકીય વિસ્પંદન (atrial fibrillation) કર્ણકીય તાલભંગનાં ઉદાહરણો છે. કર્ણક-ક્ષેપકીય પિંડિકા અથવા ક-ક્ષ પિંડિકા(AV node)માંથી આવેગવહન બરાબર ન થાય ત્યારે વિવિધ તાલભંગવિકારો થાય છે, દા. ત., ક-ક્ષ પિંડિકાલક્ષી પુન:પ્રવેશ દ્રુતતાલતા (AV nodal reentry tachycardia) અને ક-ક્ષપિંડિકાલક્ષી પુન:પ્રવેશક (reentrant) દ્રુતતાલતા. છેલ્લા વિકારને વોલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટ સંલક્ષણ (syndrome) કહે છે. જ્યારે ક-વિપિંડિકા (SA node) કે ક-ક્ષપિંડિકા (AV node) સંબંધિત દ્રુતતાલતા થાય ત્યારે ECGમાં એક-સરખો આલેખ જોવા મળે છે.

આકૃતિ 1 : વિવિધ પ્રકારના હૃદ્તાલભંગમાં હૃદવીજાલેખો (ECG)

માટે તેમને સંયુક્ત રૂપે અધિક્ષેપકીય દ્રુતતાલતા (supra ventricular tachycardia) કહે છે. જો હૃદયની ગતિ ઝડપી પણ તાલભંગવાળી હોય તો તેવી સ્થિતિને દ્રુતતાલભંગતા (tachy-arrhythmia) કહે છે.

વિવર-કર્ણકીય પિંડિકા સંબંધિત તાલભંગ (SA node arrythmia) : સામાન્ય શ્વસનક્રિયા દરમિયાન તથા ઊઠતાં-બેસતાં ક-વિપિંડિકામાંથી ઉદભવતા આવેગો વચ્ચેના અંતરાલમાં વધઘટ જોવા મળે છે. તેને વિવર-અતાલતા (sinus arrhythmia) કહે છે. નાનાં બાળકોમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. અનૈચ્છિક ચેતાતંત્રના વિકારમાં તેની ગેરહાજરી હોય છે. જ્યારે હૃદયના ધબકારા નિયમિત હોય પરંતુ 60/મિનિટથી ઓછા હોય તો તેને મંદતાલતા (bradycardia) કહે છે. જો તે 100/મિનિટથી વધુ હોય તો તેને દ્રુતતાલતા (tachycardia) કહે છે. જ્યારે તે સામાન્ય ક-વિ પિંડિકા(SA node)માંથી ઉદભવતા આવેગો વડે સર્જાય ત્યારે તેમને અનુક્રમે વિવર-મંદતાલતા (sinus bradycardia) અને વિવર-દ્રુતતાલતા (sinus tachycardia) કહે છે. હૃદયરોગનો હુમલો થયો હોય, ક-વિ પિંડિકા(SA node)નો વિકાર હોય, શરીરનું તાપમાન ઘટ્યું હોય, અલ્પગલગ્રંથિતા(hypothyroidism)નો વિકાર થયો હોય, પિત્તમાર્ગમાં અંતર્રોધથી કમળો થયો હોય, ખોપરીની અંદર ગાંઠ કે અન્ય કારણે દબાણ વધ્યું હોય કે બીટા-રોધકો, ડિગોક્સિન કે વેરાપામિલ જેવી દવાઓ લેવાયેલી હોય તો વિવર મંદતાલતા થાય છે. અજંપો, તાવ, પાંડુતા (anaemia), હૃદ્-નિષ્ફળતા (heart failure), ગલગ્રંથિ વિષાક્તતા (thyrotoxicosis), ધૂલિવર્ણકકોષાર્બુદ (pheochromocytoma), શ્વસન-નલિકાઓને પહોળી કરતી (શ્વસનિકાવિસ્ફારકો, branchodilator) દવાઓ વગેરે વિવર-દ્રુતતાલતા કરે છે.

કર્ણકીય દ્રુતતાલભંગો (atrial tachyarrhythmias) : તેમાં 4 પ્રમુખ તાલભંગવિકારો છે : કાલપૂર્વ કર્ણક સ્પંદન (premature atrial beat), કર્ણકીય દ્રુતતાલતા (atrial tachycardia), કર્ણકીય અવસ્પંદન (atrial flutter) અને કર્ણકીય વિસ્પંદન (atrial fibrillation). સામાન્ય વિવર-કર્ણકીય આવેગ (sinus impulse) આવે અને કર્ણકના સ્નાયુને ઉત્તેજિત કરે તે પહેલાં જો કર્ણકમાં જ કોઈ આવેગ ઉત્પન્ન થઈને કર્ણકનું સંકોચન કરાવે તો તેને કાલપૂર્વ કર્ણક સ્પંદન (premature atrial beat) કહે છે. તેની પછી આવતું સ્પંદન મૂળ સમયે જ આવતું હોવાથી બે સ્પંદનો વચ્ચેનો સમયગાળો વધે છે જેથી નાડીના ધબકારા(સ્પંદન)ને સંસ્પર્શન (palpitation) વડે નોંધવામાં આવે ત્યારે જાણે એક સ્પંદન ચૂકી જવાયો હોય તેવો ભાસ થાય છે. તેથી તેને ચૂકી ગયેલ સ્પંદન (missed beat અથવા dropped beat) કહે છે. તેને હૃદવીજાલેખ (ECG) પર નોંધી શકાય છે અને તેમાં QRS–T તરંગો સામાન્ય હોઈ તે કોઈ પણ વિકાર કે તકલીફ કરતું નથી. કર્ણકના સ્નાયુઓની સ્વયંચલિતા (automaticity) વધે (દા. ત., વિવર-કર્ણક પિંડિકાનો રોગ, ડિગોક્સિનની ઝેરી અસર) કર્ણકનું ઉત્તેજન દર્શાવતા ‘P’ તરંગોનો ઘાટ બદલાય છે અને ખૂબ ઝડપથી સ્પંદનો થાય છે. તેને કર્ણકીય દ્રુતતાલતા કહે છે. તેને બીટા-રોધકો તથા પ્રતિ-તાલભંગ ઔષધો(anti-arrhythmic drugs)ના પ્રથમ 2 વર્ગની દવાઓ વડે નિયંત્રણમાં લઈ શકાય છે.

જમણા કર્ણકમાં વિકારજન્ય મોટા પુન:પ્રવેશ વૃત્તપથ (reentry circuit) વડે જમણા કર્ણકનું સતત ઉત્તેજન થાય ત્યારે કર્ણકનું સ્પંદન દર 300/મિનિટ જેટલું થઈ જાય છે. તેને કર્ણકીય અવસ્પંદન (atrial flutter) કહે છે. તે સમયે કર્ણક-ક્ષેપક પિંડિકામાં વહનરોધ ઉદભવે છે, જે 4 : 1, 3 : 1 કે 2 : 1 જેટલો હોય છે. તેને કર્ણક-ક્ષેપકરોધ (atrioventricular block) કહે છે. તેને કારણે ક્ષેપકનું સ્પંદન દર અનુક્રમે 75, 100 કે 150 જેટલો રહે છે. ECGમાં કરવતના દાંતા જેવા ‘P’ તરંગો (કર્ણકનું ઉત્તેજન) જોવા મળે છે અને વચ્ચે 2 : 1થી 4 : 1ના ઘટેલા પ્રમાણમાં ‘QRS’ તરંગો (ક્ષેપકનું ઉત્તેજન) જોવા મળે છે, એટલે કે દર 2થી 4 ‘P’ તરંગે એક QRS તરંગ આવે છે. શીર્ષધમની વિવર (carotid sinus) નામની ડોકમાં આવેલી ધમનીમાંના એક ચેતાસ્વીકારક(nerve receptor)વાળા વિસ્તાર પર આંગળી વડે મર્દન (massage) કરવાથી કર્ણકના અવસ્પંદનીય તરંગોને ECGમાં દર્શાવી શકાય છે. ક્ષેપકના સ્પંદનદરને નિયંત્રિત કરવા ડિગોક્સિન, બીટા-રોધકો કે વેરાપામિલ વપરાય છે. ઘણા કિસ્સામાં સીધા તરંગવાળા વીજપ્રવાહ (DC) વડે હૃદયના સ્પંદનનો તાલ પાછો મેળવાય છે. તેને હૃદ્-નિવર્તન (cardio-version) કહે છે. વારંવાર થતા હુમલામાં એમિડેરોન, પ્રોપેફિનોન કે ફ્લેકેનિડ નામનાં ઔષધો ઉપયોગી રહે છે. છેલ્લી દવા સાથે બીટારોધક અપાય છે. વારંવાર થતા હુમલાની સારવારમાં નિવેશિકામાર્ગી ઉત્તેજનાબિંદુનાશ (catheter ablation) નામની સારવાર કરાય છે, જેમાં શિરામાર્ગે નિવેશિકાનળી (catheter) નાંખીને કર્ણકના જે ભાગમાં વિકારકારી ઉત્તેજનાબિંદુ ઉદભવ્યું હોય ત્યાં વીજાગ્રો (electrodes) પહોંચાડાય છે અને તેમની મદદથી તેનો નાશ કરાય છે. તે 90 % કિસ્સામાં સફળ રહે છે.

કર્ણકીય વિસ્પંદન (atrial fibrillation) નામના કર્ણકીય તાલભંગવિકારમાં બહુ જાણીતી ‘અનિયમિતતાવાળી અનિયમિત’ નાડી (irregularly irregular pulse) જોવા મળે છે. તે લાંબા સમય સુધી તેવી સ્થિતિમાં રહે છે અને દર્દીને પણ ખાસ તકલીફ હોતી નથી. મોટી ઉંમરે તેનું પ્રમાણ વધે છે. યુકેમાં પુખ્તવયની 0.5 % વ્યક્તિઓમાં તે જોવા મળે છે; પરંતુ 70 વર્ષે 2 %થી 5 % અને 80 વર્ષે 9 % દર્દીઓમાં તે હોય છે. તેમાં અનેક એકબીજા સાથે જોડાતા પુન:પ્રવેશી વૃત્તપથો (reentry circuits) હોય છે. પહોળા થયેલા કર્ણકમાં પણ તે લાંબા સમય સુધી થાય છે. ECGમાં કર્ણકનાં સ્પંદનો રૂપે ‘P’ તરંગો હોતા નથી; પરંતુ તલરેખા (base line) વાંકીચૂકી હોય છે અને ક્ષેપકનાં સ્પંદનો રૂપે QRS તરંગો હોય છે, જે અનિયમિત રીતે આવતા જોવા મળે છે. તેમને અંતરાંતરિત (intermittent અથવા paroxysmal), પ્રલંબિત (persistent) અને સદાકાલી (permenant) એમ 3 પ્રકારમાં વહેંચાય છે. અંતરાંતરિત જાતે શમે છે. પ્રલંબિતને દવાઓથી કે વીજપ્રવાહ વડે શમાવીને વિવરતાલ(sinus rhythm)ને પુન:સ્થાપિત કરી શકાય છે. તેને અનુક્રમે ઔષધીય (રાસાયણિક) અને વિદ્યુતીય હૃદ્-નિવર્તન (cardioversions) કહે છે. મોટા ભાગના કિસ્સામાં કારણરૂપ વિકારના વિકાસ સાથે કર્ણક-વિસ્પંદનનો વિકાર સદાકાલી અથવા કાયમી બની જાય છે.

કર્ણક વિસ્પંદનનાં મુખ્ય કારણોમાં મુકુટધમનીય રોગ અને હૃદયરોગનો હુમલો, હૃદયના કપાટવિકારો (valvular heart disease) ખાસ કરીને આમવાતી દ્વિદલકપાટીય રોગ (rheumatic mitral valve disease), લોહીનું ઊંચું દબાણ, વિવર-કર્ણક પિંડિકાનો રોગ, અતિગલગ્રંથિતા (hyperthyroidism), મદ્યપાન, હૃદ્સ્નાયુરુગ્ણતા (cardiomyopathy), છાતીમાં ચેપ લાગવો, ફેફસાંની ધમનીમાં અન્યત્રથી છૂટો પડીને આવેલો લોહીનો ગઠ્ઠો જામી જવો (ફેફસી શલ્યસ્થાનાંતરતા, pulmonary embolism), પરિહૃદ્કલા(peri-cardium)ના રોગો તથા અજ્ઞાતમૂલ (idiopathic) જેમાં કોઈ સુસ્પષ્ટ કારણ જોવા ન મળે વગેરેનો સમાવેશ થાય છે.

તેને કારણે દર્દી છાતીમાં હૃદયના ધબકારાનો અનુભવ કરે છે (હૃદ્સ્પંદાનુભૂતિ, palpitation), તેને શ્વાસ ચડે છે અને થાક લાગે છે. ક્યારેક હૃદ્-નિષ્ફળતા થઈ આવે છે. લોહીનું દબાણ ઘટે તો અંધારાં આવે તથા છાતીમાં દુખે છે. જોકે 20 %થી 50 % દર્દીઓને કોઈ તકલીફ હોતી નથી. જોકે તે હૃદયરોગથી થતા મૃત્યુદરને બમણો કરે છે અને અનેક દર્દીઓને ખૂબ તકલીફ પહોંચાડે છે.

દરેક પ્રકારના હૃદવિસ્પંદનનું નિદાન ECGની મદદથી થાય છે. અંતરાંતરિત હૃદવિસ્પંદનની ઘણી વખત સારવાર કરવાની જરૂર હોતી નથી. જરૂર પડ્યે બીટા-રોધકો વપરાય છે. પ્રૉપેફિનોન અને ફિલકેનિડ વડે તેના હુમલા થતા ઘટાડી શકાય છે; પરંતુ તેમને હૃદયરોગના હુમલા પછી કે ડાબા ક્ષેપકની દુષ્ક્રિયાશીલતા (dysfunction) હોય તો આવી શકતા નથી. એમિડેરોન વડે તેની આડઅસરો ઘટાડી શકાય છે. ડિગોક્સિન અને વેરાપામિલ ક્ષેપકના ધબકારાનો દર ઘટાડે છે. રેડિયો ફ્રિક્વન્સી વડે વિકારબિન્દુનાશ (ablation) તથા અતિક્રમણશીલ ગતિપ્રેરણ (overdrive pacing) વડે પણ હૃદવિસ્પંદનને નિયંત્રણમાં લઈ શકાય છે. પ્રલંબિત અને સદાકાલી હૃદવિસ્પંદનના વિકારોમાં વીજ-નિવર્તન (electroversion) અથવા ઔષધો (બીટા-રોધકો, એમિડેરોન) વડે તાલભંગનું નિયમન કરાય છે અથવા ક્ષેપકનાં સંકોચનોને નિયંત્રિત કરીને હૃદયના ધબકારાનો દર અંકુશમાં લેવાય છે. તે માટે ડિગોક્સિન, બીટા-રોધકો, વેરાપામિલ, ડિલ્ટિઆઝેમ વગેરે ઔષધો ઉપયોગી છે.

હૃદવિસ્પંદનના દર્દીમાં હૃદવિસ્પંદનના નિયંત્રણની સારવાર સમયે હૃદયના કર્ણકમાં જમા થયેલા લોહીના ગઠ્ઠામાંથી નાના ગઠ્ઠાઓ છૂટા પડે છે. તે નસ દ્વારા વહીને અન્યત્ર કોઈ નાની ધમનીમાં ફસાય છે. તેને શલ્યસ્થાનાંતરતા (embolism) કહે છે. શલ્યસ્થાનાંતરતા (embolism) ઘટાડવા માટે પ્રતિરુધિરગુલ્મકો (anticoagulants) વપરાય છે.

અધિક્ષેપકીય દ્રુતતાલતા (supra ventricular tachycardia) : સાંકડા QRS તરંગોવાળા, હૃદયના ધબકારાની વધેલી ગતિવાળા વિકારોને સંયુક્ત રીતે અધિક્ષેપકીય દ્રુતતાલતા કહે છે. તેમાં ક-ક્ષ પિંડિકા સંબંધિત પુન:પ્રવેશી દ્રુતતાલતા (AV nodal reentry tachycardia) તથા વોલ્ફ-પાર્કિન્સન વૉલ્ફ સંલક્ષણ સાથેનો કર્ણક-ક્ષેપકીય પુન:પ્રવેશક દ્રુતતાલતા(atrioventricular reentrant tachycardia)નો સમાવેશ થાય છે. લક્ષણો સર્જતા અને તકલીફો આપતા હુમલાને રોકવા ફિલકેનિડ, પ્રૉપેફિનોન અને એમિડેરોન વપરાય છે; પરંતુ નિવેશિકામાર્ગી વિકારબિન્દુનાશ (catheter ablation) વધુ સચોટ ઉપાય ગણાય છે.

ક્ષેપકીય દ્રુતતાલભંગતાઓ (ventricular tachyarrhymias) : ક્ષેપકમાંથી ઉદભવતો આવેગ જ્યારે ક્ષેપકનું સંકોચન કરાવે ત્યારે આ પ્રકારની વિષમતાઓ સર્જાય છે. તેમાં ક્ષેપકીય કાલપૂર્વ સ્પંદન (ventricular ectopic beat) તથા ક્ષેપકીય દ્રુતતાલતા-(ventricular tachycardia, VT)નો સમાવેશ થાય છે.

ક્ષેપકીય કાલપૂર્વ સ્પંદનના ECGમાં ‘P’ તરંગ હોતો નથી અને QRSનો દેખાવ વિષમ હોય છે. તે પહોળા અને અનિયમિત આકારના હોય છે. તેમનું ઉદગમસ્થાન એક હોય તો તેમનો આકાર સમાન રહે છે, પણ જો વધુ સ્થાનેથી ઉદગમ પામતા હોય તો વિવિધ આકારના QRS જોવા મળે છે. ક્યારેક તે 2 કે 3ની જોડમાં આવે છે. જો દર્દીમાં વારાફરતી વિવર-કર્ણક પિંડિકા દ્વારા ઉદભવતો વિવર-તાલ (sinus rhythm) અને ક્ષેપકીય કાલપૂર્વ સ્પંદનસમૂહથી ઉદભવતો ક્ષેપકીયતાલ એમ બંને થયા કરે તો તેને ક્ષેપકીય દ્વૈતોદગમિતા (bigeminy) કહે છે. દરેક કાલપૂર્વ સ્પંદન પૂરતા પ્રમાણમાં લોહી ધકેલી ન પણ શકે માટે તેનો નાડીતરંગ કાંડા સુધી પહોંચી શકતો નથી. તેથી હાથની નાડી અનિયમિત બને છે. મોટા ભાગના દર્દીઓને તકલીફ થતી નથી. હૃદયના રોગને આધારે કાલપૂર્વ ક્ષેપકીય સ્પંદનને જોખમી કે સાદું ગણવામાં આવે છે, જેમ કે હૃદયરોગના હુમલાના દર્દીમાં 10/કલાકના દરે આવતાં આવાં સ્પંદનોની સારવાર કરવાનું સૂચવાય છે. ક્યારેક તે ડિગોક્સિનની ઝેરી અસરને કારણે પણ થાય છે; પરંતુ એકથી વધુ સંખ્યામાં આવતાં કાલપૂર્વ સ્પંદનોને કારણે લોહીના દબાણ અને રુધિરાભિસરણમાં ઘટાડો થાય તો તેની સારવાર જરૂરી બને છે. આવી સ્થિતિને રુધિરસંગતિક વિષમતા (haemodynamic abnormality) કહે છે.

ક્ષેપકીય દ્રુતતાલતા (VT) સામાન્ય રીતે હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીના વિકારો કે હૃદ્સ્નાયુરુગ્ણતાના વિકારમાં થાય છે. આ સંજોગોમાં તે રુધિરસંગતિક વિષમતાઓ થઈ આવે છે અને તે જોખમી પણ નીવડી શકે છે. સામાન્ય રીતે તેમનો સ્પંદનદર 120/મિનિટથી વધુ હોય છે. જો તે 120/મિનિટથી ઓછો હોય તો તેને સ્વત:ક્ષેપકીય તાલ (idioventricular rhythm) કહે છે, જે સામાન્ય વિવર-કર્ણકીય તાલ (sinus rhythm) કરતાં સહેજ વધુ ઝડપી હોય છે અને તે મુકુટધમનીના રોગથી વિકારગ્રસ્ત ક્ષેપકમાં ફરીથી રુધિરાભિસરણ શરૂ થઈ રહ્યું છે તેવું દર્શાવે છે. પેશીને લોહી મળે તેને રુધિરનું પરિસરણ (perfusion) કહે છે. માટે ફરીથી શરૂ થતા રુધિરાભિસરણને કારણે ઉદભવતી ક્ષેપકીય દ્રુતતાલતાને પુન:પરિસરણીય તાલભંગ (reperfusion arrhythmia) કહે છે. તેનો સ્પંદનદર ઓછો હોવાથી તેને ક્ષેપકીય મંદ દ્રુતતાલતા (slow VT) કહે છે.

જો ક્ષેપકીય દ્રુતતાલતા(VT)ના દર્દીમાં લોહીનું ઉપરનું દબાણ 90 મિમિ. પારાથી ઘટે તો તરત સારવાર શરૂ કરાય છે. વીજતરંગ વડે આઘાત આપીને કરતા DC કાર્ડિયોવર્ઝન (સુરેખ તરંગ હૃદનિવર્તન, direct current cardioversion) વડે અને ત્યારબાદ ઔષધો વડે ફરીથી VT ન થાય તેની સારવાર અપાય છે. જો સ્થિર સ્થિતિ હોય તો નસ વાટે એમિડેરોન અપાય છે. લિગ્નોકેઇન પણ આપી શકાય, પણ તે હૃદ્સ્નાયુનું અવદમન (suppression) કરે છે. સાથે સાથે લોહીમાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ, ઑક્સિજન અને અમ્લતા વગેરેની વિષમતા હોય તો તે દૂર કરાય છે.

ક્યારેક ECGના QRS સંકુલો સતત એવી રીતે બદલાય કે જાણે તે તલીય રેખાની આસપાસ ગોળ ફરતા હોય. તેને વ્યાવૃત્તબિન્દુતા (twisting points) કહે છે. તેમાં ક્યારેક ક્ષેપકીય વિસ્પંદન (ventricular fibrillation) થઈ આવે છે જે જીવનને અતિશય જોખમી હોય છે. આ દર્દીઓના ECGમાં QT અંતરાલ (QT interval) લાંબો હોય છે. તેનાં પ્રમુખ કારણોમાં લોહીમાં વીજવિભાજ્યો(પોટૅશિયમ, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ વગેરે)ની અલ્પતા; કેટલાક જન્મજાત વિકારો તથા કેટલાંક ઔષધોની અસરનો સમાવેશ થાય છે. ડિસોપારેમાઇડ, સોટાલોલ, એમિઓડેરોન, ક્લોરપ્રોમેઝિન, એરિથ્રોમાયસિન વગેરે ઔષધોથી આ પ્રકારનો વિકાર થાય છે.

વિવર-કર્ણક પિંડિકા(SA node)માં મોટી ઉંમરે વિષમતા ઉદભવે ત્યારે તેને વિવર-કર્ણક વ્યાધિ (sino atrial disease) કહે છે. તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તેના મૂળ કારણ રૂપે તે પિંડિકામાં તંતુમયતા (fibrosis) કે અલ્પરુધિરવાહિતા (ischaemia) થાય છે. એટલે કે તેમાં તંતુઓ વિકસે છે અથવા તેમાં લોહીનું પરિભ્રમણ ઘટે છે. તેમાં વિવર-મંદતાલતા (sinus bradycardia), વિવર-સ્તંભન (sinus arrest) અથવા વિવર-કર્ણકીયરોધ (sino-atrial block), અંતરાંતરિત અધિક્ષેપકીય દ્રુતતાલતા (paraxysmal supra ventricular tachycardia), અંતરાંતરિત કર્ણકીય વિસ્પંદન (paraxysmal atrial fibrillation), કર્ણક-ક્ષેપકીય રોધ (AV block) વગેરે વિવિધ પ્રકારની તાલભંગ વિષમતાઓ થાય છે. તેમાં અનુક્રમે હૃદયના ધબકારાનો દર ઘટે છે, વિવરકર્ણક પિંડિકામાં આવેગ ઉદભવતો બંધ થઈ જાય છે, તેમાં ઉદભવતો આવેગ કર્ણકમાં વહન પામતો નથી, હૃદયના ધબકારાનો દર અતિશય વધી જાય છે. વારંવાર કર્ણકીય વિસ્પંદન થાય છે તથા કર્ણકમાંથી ક્ષેપકમાં આવેગનું વહન થતું નથી. તેને કારણે દર્દીને પોતાના ધબકારાની સભાનતાથી તકલીફ થાય છે (palpitation), અંધારાં આવે છે, મૂર્ચ્છા થાય છે વગેરે ઉદભવે છે. આવા દર્દીઓને કાયમી ગતિપ્રેરક (permanant pacemaker) મૂકવામાં આવે છે.

કર્ણકક્ષેપકીય અને પુંજશાખામાં રોધ (atrioventricular AV and bundle branch block) : જેમ હૃદયની પિંડિકાઓ કે વિકારગ્રસ્ત સ્નાયુપેશીમાં ઉત્તેજનશીલતા (excitability) વધે ત્યારે કાલપૂર્વ સ્પંદનો, દ્રુતતાલતા (tachycardia) તથા વિસ્પંદન (fibrillation) અને અવસ્પંદન (flutter) થાય છે તેમ જ્યારે હૃદયમાંના આવેગવહનતંત્ર(conducting system)માં વિષમતા ઉદભવે ત્યારે આવેગ(impulse)ના વહનમાં અટકાવ ઉદભવે છે. તેને આવેગરોધ (block) કહે છે. તેના મુખ્ય બે પ્રકારો છે – કર્ણક-ક્ષેપકરોધ (AV block) અને પુંજશાખારોધ (bundle branch block).

કર્ણક-ક્ષેપકરોધમાં કર્ણકમાંનો આવેગ ક્ષેપકમાં પહોંચે તેમાં વિલંબ થાય છે અથવા તે સાવ અટકી પડે છે. તેને આધારે તેની 3 કક્ષાઓ નક્કી કરાયેલી છે. પ્રથમ કક્ષાના કર્ણક-ક્ષેપકરોધમાં વિલંબ જોવા મળે છે તેથી ECGમાં PR અંતરાલ (PR interval) 0.2 સેકન્ડથી વધુ થાય છે. બીજી કક્ષાના રોધમાં PR અંતરાલ ક્રમશ: વધતો રહે છે જેથી છેવટે એક ‘P’ તરંગ પછી ‘QRS’ તરંગ આવતો નથી એટલે કે તે કર્ણકના સંકોચન પછી ક્ષેપકનું સંકોચન થતું નથી. આને મોબિટ્ઝ(Mobitz)નો પ્રથમ પ્રકારનો આવેગવહનરોધ પણ કહે છે. ત્યારપછી આખું ચક્ર વારંવાર થયા કરે તો તેને વેન્કેબૅક(wenckebach)ની ઘટના કહે છે. બીજી કક્ષાના કર્ણક-ક્ષેપકરોધનો બીજો ઉપપ્રકાર છે મોબિટ્ઝના બીજા પ્રકારનો આવેગવહનરોધ જેમાં PR અંતરાલ વધતો નથી; પરંતુ દર બીજા કે ત્રીજા ‘P’ તરંગે એક QRS આવતો નથી. આવું કર્ણક-ક્ષેપક પિંડિકામાંથી નીકળતા હિઝ(His)ના બંડલમાં કે તેની નીચેના આવેગવહનતંત્ર(પુંજશાખા કે પર્કિન્જીનાં તંતુઓ)માં વિષમતા થવાથી થાય છે.

ત્રીજી કક્ષાના કર્ણક-ક્ષેપકીય રોધમાં કર્ણકમાંથી કોઈ પણ આવેગ ક્ષેપકમાં જતો નથી. તેથી કર્ણક અને ક્ષેપક અલગ અલગ પોતાની રીતે ધબકે છે અને તેથી ‘P’ તરંગો અને ‘QRS’ તરંગો વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. તેને કારણે હૃદયના ધબકારા અને નાડીના ધબકારાનો દર ઘટીને 25થી 50/મિનિટ જેટલો થઈ જાય છે. તે શ્રમ કરવાથી વધતો નથી. ત્રીજી કક્ષાના કર્ણક-ક્ષેપકીય રોધને પૂર્ણહૃદરોધ (complete heart block) પણ કહે છે. તેનાં કારણોમાં તંતુમયતા (fibrosis), હૃદયરોગનો હુમલો, હૃદયમાં લોહીના પરિભ્રમણમાં ઘટાડો, હૃદયમાં ચેપને કારણે ગૂમડું થાય કે અન્ય પ્રકારે ચેપ ઉદભવે, ઈજા થાય કે ડિગોક્સિન કે બીટારોધક ઔષધની ઝેરી અસર હોય વગેરેનો સમાવેશ થાય છે.

બીજી અને ત્રીજી કક્ષાના કર્ણક-ક્ષેપકરોધમાં જ્યારે ક્ષેપકનું સંકોચન થતું નથી ત્યારે તેને ક્ષેપકીય અસંકોચનતા (ventricular asystole) કહે છે. તે સમયે મગજમાં લોહી જતું ન હોવાથી દર્દીને વારંવાર મૂર્ચ્છા આવી જાય છે. તેને સ્ટોક્સ-આદમ્સ(Stokes-Adams)ના હુમલા કહે છે. તેમાં ક્યારેક બેહોશી સાથે આંચકી (convulsion) આવે છે. લાંબો સમય જો ક્ષેપકીય અસંકોચનતા રહે તો મૃત્યુ નીપજે છે.

કર્ણક-ક્ષેપકીય આવેગવહનરોધના વિકારમાં એટ્રોપિન, આઇસોપ્રિનાલિન, થોડાક સમય માટે ગતિપ્રેરક(pacemaker)નો ઉપયોગ વગેરે ઉપયોગી છે. જો આ વિકાર દીર્ઘકાલી હોય તો લક્ષણરહિત દર્દીમાં ખાસ કશું કરવાનું જરૂરી હોતું નથી, પણ જો તે તકલીફો કરે તો કાયમી ગતિપ્રેરક (permanent pacemaker) મૂકવામાં આવે છે.

પુંજશાખારોધ (bundle branch block) અને અર્ધરોધ (hemiblock) : કર્ણક-ક્ષેપક પિંડિકામાંથી હિઝનો પુંજ (bundle of His) નીકળે છે, જે ડાબા અને જમણા ક્ષેપકો વચ્ચેના પડદાની બંને સપાટીઓ એક એક શાખા મોકલે છે. તેને પુંજશાખા (bundle branch) કહે છે. તે સમગ્ર ક્ષેપકમાં શાખા-પ્રશાખાઓ દ્વારા ફેલાઈને છેવટે પર્કિન્જીના તંતુઓ દ્વારા સ્નાયુકોષોના સંપર્કમાં આવે છે. તેમના દ્વારા વહન પામેલો આવેગ જે તે સ્નાયુકોષોને ઉત્તેજીને સંકોચન કરાવે છે. જ્યારે પુંજશાખામાં અટકાવ ઉદભવે ત્યારે તેને પુંજશાખારોધ (bundle branch block, BBB) કહે છે. તેને કારણે ડાબા અને ક્ષેપકના બધા સ્નાયુતંતુઓના સંકોચનમાં થોડો વિલંબ થાય છે માટે QRS તરંગોની પહોળાઈ વધે છે. વળી તેમાં વહનપથ પણ બદલાય છે તેથી તેમના આકારમાં પણ વિષમતા આવે છે. બે પ્રકારના પુંજશાખારોધ છે – ડાબી પુંજશાખાનો રોધ (L–BBB) અને જમણી પુંજશાખાનો રોધ (R–BBB). ડાબી પુંજશાખામાં બે પુંજિકાઓ (fascicles) હોય છે – અગ્રસ્થ (anterior) અને પશ્ચસ્થ (posterior). કોઈ એક પુંજિકામાં વહનરોધ થાય ત્યારે તેને અર્ધરોધ (hemiblock) કહે છે. જમણો પુંજશાખારોધ ક્યારેક સામાન્ય સ્થિતિરૂપે જોવા મળે છે. જ્યારે જમણા ક્ષેપકની અતિવૃદ્ધિ થઈ હોય, કર્ણકપટલછિદ્ર (atrial septal defect) નામની બે કર્ણકો વચ્ચેના પડદામાં કાણું હોવાની વિકૃતિ થયેલી હોય તથા હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીમાં અંતર્રોધ થવાથી વિકાર થયો હોય તો જમણો પુંજશાખારોધ (R-BBB) થાય છે. મુકુટધમની રોગ, લોહીનું ઊંચું દબાણ, મહાધમનીના એકમાર્ગી કપાટ(valve)ની વિકૃતિ તથા હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) નામનો વિકાર વગેરે વિવિધ વિષમતાઓમાં ડાબો પુંજશાખારોધ (L-BBB) થાય છે.

આકૃતિ 2 : કાયમી ગતિપ્રેરકનું અંત:સ્થાપન (implatation of permanant pacemaker) : (1) ઊર્ધ્વમહાશિરા (superior venacava), (2) જમણું કર્ણક (right atrium), (3) જમણી કર્ણિકા (right auricle), (4) ત્રિદલીય કપાટ (tricuspid valve), (5) જમણા ક્ષેપકનું શિખર (apex of the right ventricle), (6) અવજત્રુકાશિરા (subclavian vein), (7) કાયમી ગતિપ્રેરક (pace maker)

પ્રતિહૃદતાલભંગ ઔષધો (anti-arrhythmic drugs) : તેમને 4 વર્ગોમાં વહેંચવામાં આવે છે : પ્રથમ વર્ગનાં ઔષધો (ક્વિનિડિન, ડાયસોપાયરેમાઇડ, લિડોકેઇન  લિગ્નોકેઇન, મેક્સિલેટિન, ફ્લેકેનિડ, પ્રોપાફેરોન વગેરે) હૃદ્સ્નાયુની ઉત્તેજનશીલતા (excitability) ઘટાડે છે અને આવેગનું વહન ઘટાડે છે. બીજા વર્ગનાં ઔષધો (એટેનેલોલ, બાઇસોપ્રોલોલ, મેટોપ્રોલોલ, એલ-સોટાલોલ વગેરે) બીટારોધકો (beta blockers) છે. ત્રીજા વર્ગનાં ઔષધો (એમિડેરોન, ડી-સોટાલોલ) હૃદ્સ્નાયુતંતુના ઉત્તેજન સમયે ઉદભવતા ક્રિયાવિભવ(action potential)ને લંબાવે છે. ચોથા વર્ગનાં ઔષધો (વેરાપામિલ અને ડિલ્ટિએઝિ) મંદ કૅલ્શિયમ વિનિમયપથ(slow calcium channel)માં વહનરોધ કરે છે. આ વર્ગીકરણમાં એટ્રોપિન ડિગોક્સિન અને એડિનોસાઇન જેવાં ઔષધોને સમાવિષ્ટ કરાયેલાં નથી; પરંતુ તે હૃદતાલભંગના વિકારોમાં ઉપયોગી છે. એમિડેરોન એવું ઔષધ છે જે ત્રીજા વર્ગમાં મૂકવામાં આવ્યું છે; પરંતુ તે 4 વર્ગનાં ઔષધો જેવી અસરો ધરાવે છે.

આ બધાં ઔષધો ઝેરી છે માટે સૌમ્ય (તકલીફ ન કરતા) તાલભંગ(arrhythmia)માં વપરાતાં નથી. દારૂ, ચેપ, અમ્લતાવિકાર (acidosis), અતિગલગ્રંથિતા (hyperthyroidism), કેફિન, લોહીમાં મૅગ્નેશિયમનું ઘટેલું પ્રમાણ વગેરે વિવિધ વિકારકારી પરિબળો હોય તો તેમની સારવાર કરાય છે. ઓછામાં ઓછાં ઔષધો અને ઓછામાં ઓછી માત્રા વડે સારવાર કરાય છે. લાંબા સમયની સારવાર હોય તેવા દર્દીઓને નિયમિતપણે તપાસતા રહેવામાં આવે છે.

ચિકિત્સીય ક્રિયાવિધિઓ (therapeutic procedures) : ઔષધો ઉપરાંત કેટલીક વીજલક્ષી ભૌતિક ક્રિયાઓ પણ તાલભંગના વિકારમાં લાભદાયી રહે છે. દા. ત., બાહ્ય કે અંત:સ્થાપિત (implanted) નિર્વિસ્પંદન (defibrillation) અને હૃદનિવર્તન (cardioversion), નિવેશિકામાર્ગી ઉત્તેજન વીજપથનાશ (catheter ablation), ટૂંકા સમય માટેનો કે કાયમી ગતિપ્રેરક (pacemaker), હૃદ્-પુન: સમકાલીકરણ ચિકિત્સા (cardiac resynchronisation therapy) વગેરે.

છાતી પર મૂકેલા બે વીજાગ્રો (electrodes) વડે ભારે માત્રામાં વીજતરંગ આપીને હૃદયને સંપૂર્ણપણે અધ્રુવિત (depolarised) કરાય છે. તેને કારણે એક ટૂંક સમયનો અસંકોચનકાળ (asystole) ઉદભવે છે. સામાન્ય રીતે ત્યારપછી સામાન્ય વિવરજનિત હૃદ્તાલ (sinus rhythm) ઉદભવે છે. આને નિર્વિસ્પંદન (defibrillation) અથવા હૃદ્નિવર્તન કહે છે. તેમાં ટૂંકા ગાળાનો અતિઊર્જાવાન સુરેખ તરંગ (high energy direct current) વડે હૃદયને આઘાત (shock) અપાય છે. તેને સુરેખતરંગાઘાત (DC Shock) અથવા બાહ્ય નિર્વિસ્પંદન (external defibrillation) કહે છે. નિર્વિસ્પંદન કરતા યંત્રને નિર્વિસ્પંદક (defibrillator) કહે છે. ક્ષેપકીય વિસ્પંદન(ventricular fibrillation)ના વિકારમાં તે જીવનરક્ષક છે. હાથ કે ડોકની નસ દ્વારા હૃદયમાં અંત:સ્થાપનશીલ નિર્વિસ્પંદક (implantable defibrillator) મૂકીને પણ સારવાર આપી શકાય છે.

વૉલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટના સંલક્ષણમાં અને અન્ય પુન:પ્રવેશી દ્રુતતાલતા(tarchycardia)વાળા તાલભંગના વિકારમાં નસ વાટે નિવેશિકાનળી(catheter)ને હૃદયમાં પ્રવેશ અપાય છે. વિકાર સર્જતા અતિઉત્તેજનશીલ પેશીપથ કે વીજવૃત્તપથ(circuit)ને શોધી કાઢીને તેનો રેડિયોફ્રિક્વન્સી (ગરમી) કે શીતન(freezing)ની પ્રક્રિયા વડે નાશ કરાય છે. તેને નિવેશિકામાર્ગી ઉત્તેજનશીલ પથનાશ (catheter ablation) કહે છે.

હૃદયમાં કૃત્રિમ ગતિપ્રેરક(artificial pacemaker)ના વીજાગ્રો મૂકીને તેને ધબકતું રાખવા માટે અંશકાલીન કે પૂર્ણકાલીન ગતિપ્રેરકો ઉપલબ્ધ છે. હૃદ્-પુન:સમકાલીકરણ ચિકિત્સા (cardiac resynchronisation therapy) નવી ઉમેરાયેલી ચિકિત્સાપદ્ધતિ છે. તેમાં વીજાગ્રોની મદદથી ડાબા ક્ષેપકની દીવાલ તથા તેના આંતરક્ષેપકીય પટલ(interventricular septum)ને એક સાથે ઉત્તેજિત કરી શકાય છે. જ્યારે ડાબી પુંજશાખામાં વહનરોધ થયો હોય (ડાબો પુંજશાખારોધ, L-BBB) ત્યારે તે ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ