હૃદય-રુધિરવાહિની તંત્ર (રચના અને કાર્ય)

(cardiovascular system)

હૃદય, લોહીની નસો વગેરે રુધિરાભિસરણ કરાવતા અવયવોના સમૂહનું તંત્ર. તેના મુખ્ય અવયવો છે હૃદય, ધમનીઓ (arteries), શિરાઓ (veins), કેશવાહિનીઓ (capillaries) અને લસિકાવાહિનીઓ (lymphatics), હૃદય પ્રણોદક(pump)નું કાર્ય કરે છે અને તે લોહીને ધમનીમાં ધકેલે છે.

આકૃતિ 1 : હૃદયની સંરચના (અ, આ, ઇ) : (1) હાંસડી (clavicle), (2) અન્નનળી, (3) શ્વાસનળી, (4) ફેફસું, (5) ઊરોદરપટલ (diaphrgm), (6) હૃદય, (7) પરિહૃદ્કલા (pericardium), (8) મહાધમની (aorta), (9) જમણી અવજત્રુકા (subclavian) શિરા, (10) અધોમહાશિરા (inferior vena cava), (11) ઊર્ધ્વ મહાશિરા (superior vena cava), (12) ફેફસી પ્રધમની (pulmonary trunk), (13) ફેફસી શિરા, (14) ડાબી અવજત્રુકા (subclavian) શિરા, (15) ડાબી ફેફસી ધમની, (16) જમણી ફેફસી ધમની, (17) ફેફસી શિરા, (18) મહાધમની-કપાટ (aortic valve), (19) દ્વિદલીય કપાટ (bicuspid valve), (20) ફેફસી કપાટ (pulmonary valve), (21) ત્રિદલીય કપાટ (tricuspid valve), (22) આંતરક્ષેપક પટલ (interventricular septum), (23) સ્તંભીય સ્નાયુ (papillary muscle).

હૃદય : તે પોલો સ્નાયુનો બનેલો અવયવ છે. તેનું વજન આશરે 342 ગ્રામ હોય છે અને તે દિવસમાં 1 લાખ વખત ધડકીને 60 હજાર માઈલ (96 હજાર કિલોમિટર) લાંબી લોહીની નસોમાં 5.25 લિટર/મિનિટના દરે લોહી ધકેલે છે. તે છાતીના પોલાણમાં બે ફેફસાંની વચ્ચે, મધ્યવક્ષ (mediastinum) નામના વિસ્તારમાં આગળના ભાગે અને મધ્યરેખા તથા અમુક અંશે (B ભાગ) તેની ડાબી બાજુ આવેલો અવયવ છે. તે બુઠ્ઠી ટોચવાળો શંકુ આકારનો અને વ્યક્તિની બંધ મુઠ્ઠીના કદનો અવયવ છે. તેની લંબાઈ 12 સેમી., પહોળામાં પહોળા ભાગની પહોળાઈ 9 સેમી. અને જાડાઈ 6 સેમી. હોય છે. તેની બુઠ્ઠી ટોચને શિખર (apex) અથવા હૃદ્શિખર (cardiac apex) કહે છે, જે તેના ડાબા ક્ષેપકની ટોચ વડે બને છે. તે હૃદયની આગળ અને નીચેની તરફ ગોઠવાયેલી હોય છે. છાતીમાં મધ્યરેખાથી 7.5–8 સેમી. દૂર અને ડાબી બાજુ 5 અને 6 ક્રમાંકની પાંસળીઓ વચ્ચે તેના ધબકારાને હાથ વડે સ્પર્શી શકાય છે. સામાન્ય રીતે સ્થાન ડાબી હાંસડીના હાડકા(જત્રુકાસ્થિ, clavicle)ના મધ્યબિંદુમાંથી દોરાયેલા લંબ પર હોય છે. આ લંબને અર્ધજત્રુકાસ્થિ રેખા (mid clavicular line) કહે છે. હૃદશિખર (cardiac apex) અથવા હૃદયના શિખર ઉપરાંત તેની 4 કિનારીઓ (borders), પાયો (base) અને 2 સપાટીઓનું પણ વર્ણન કરવામાં આવે છે. તેની ડાબી કિનારી મુખ્યત્વે ડાબા ક્ષેપક વડે તથા તેનો સૌથી ઉપરનો ભાગ ડાબા કર્ણક વડે બને છે. તે છાતી પર ડાબી બાજુ ઉપર મધ્યરેખા પાસે બીજા કાસ્થિ-પર્શૂકા જોડાણ (costochondrial junction) એટલે કે બીજી પાંસળી પાસેથી શરૂ થઈને નીચે 5મી આંતરપર્શૂકા સ્થાન (intercostal space) એટલે કે 5મી અને 6ઠ્ઠી પાંસળીઓની વચ્ચે તથા મધ્યરેખાથી ડાબી તરફ આશરે 7.5–8 સેમી.ના અંતરે હૃદ્શિખર સુધી લંબાયેલી હોય છે. ઉપરની કિનારી બંને કર્ણકો અને હૃદયમાંથી નીકળતી ધોરી નસો બનાવે છે. જમણી કિનારી મધ્યરેખાથી જમણી તરફ સહેજ જમણી તરફ ઊપસી આવતી વક્રરેખા બનાવે છે, જે જમણા કર્ણક વડે બને છે. નીચલી કિનારી જમણું ક્ષેપક બનાવે છે અને જમણી કિનારીના નીચલા છેડેથી હૃદ્શિખર સુધી લંબાય છે. હૃદયની 3 સપાટીઓનું વર્ણન કરાયેલું છે – પાયો અથવા મૂલપૃષ્ઠતલ (base), આગળની (અગ્રસ્થ, anterior) સપાટી અને નીચલી સપાટી અથવા અધ:પૃષ્ઠતલ (inferior surface). પાયાની સપાટી અથવા પાયાનું પૃષ્ઠતલ (surface) ડાબા કર્ણક વડે બને છે અને હૃદયની પાછળ અને ઉપરની તરફ હોય છે. તે પીઠના 5માથી 9મા કરોડના મણકાની સામે હોય છે. તેનો ઉપરનો છેડો ડાબી બાજુ પાંસળીની નીચે આગળ તરફ હોય છે. હૃદયની આગળની સપાટીને પર્શૂકા-વક્ષાસ્થિ પૃષ્ઠતલ (sternocostal surface) અથવા અગ્રસ્થ પૃષ્ઠતલ (anterior surface) કહે છે. તે જમણું કર્ણક અને જમણું ક્ષેપક બનાવે છે. તેની નીચલી સપાટી અથવા અધ:પૃષ્ઠતલ ઊરોદરપટલ (diaphragm) પર હોય છે અને તેથી તેને ઊરોદરપટલીય પૃષ્ઠતલ (diaphragmatic surface) કહે છે. તે મુખ્યત્વે ડાબા ક્ષેપકથી અને અમુક અંશે જમણા ક્ષેપકથી બને છે.

હૃદયની બહાર 2 પડવાળું આવરણ આવેલું છે. તેને પરિહૃદ્-કલા (pericardium) કહે છે. બહારના તંતુમય (fibrous) પડને તંતુમય પરિહૃદ્-કલા (fibrous pericardium) કહે છે, જે જાડું હોય છે, મોટી નસો તથા ફેફસાના બાહ્ય આવરણ–(પરિફેફસી-કલા, pleura)-સાથે જોડાયેલું હોય છે. આ ઉપરાંત તે ઊરોદરપટલ અને છાતીનાં હાડકાંનાં પિંજરની સાથે પણ જોડાયેલું હોય છે. હૃદયને તેના યોગ્ય સ્થાને જાળવી રાખે છે તથા તેને વધુ પડતું પહોળું થઈ જતું અટકાવે છે. આમ તે તેનાં કદ અને આકાર જાળવી રાખે છે. પરિહૃદ્-કલાનું અંદરનું પડ સતરલીય (serous) અને પાતળું છે. તંતુમય પડ અને સતરલીય પડને સંયુક્ત રીતે પરિધીય પરિહૃદ્-કલા (parietal pericardium) કહે છે, જે હૃદયની બહારની સપાટી પરની અવયવી પરિહૃદ્-કલા (visceral pericardium) સાથે હૃદયના પાયા (અધ:પૃષ્ઠતલ, base) આગળ સળંગ જોડાયેલી હોય છે. પરિહૃદ્-કલામાં પીડાકારક સોજો આવે (ચેપ કે ઈજાને કારણે) તો તેને પરિહૃદ્-કલાશોથ (pericarditis) કહે છે.

હૃદયની દીવાલમાં 3 સ્તર હોય છે – અંદરની અંત:હૃદ્-કલા (endocardium), વચ્ચેનો અને મુખ્ય હૃદ્-સ્નાયુપટ (myocardium) અને બહારની અધિહૃદ્-કલા (epicardium) અથવા અવયવી પરિહૃદ્-કલા (visceral pericardium). હૃદયના બહારના આવરણ(પરિહૃદ્-કલાનાં પડો)ની વચ્ચે આવેલી જગ્યાને પરિહૃદ્-ગુહા (pericardial cavity) કહે છે, જેમાં પરિહૃદ્-જલ (pericardial fluid) ભરાયેલું હોય છે. તે હૃદયના ધબકારા વખતે ઘર્ષણ થતું અટકાવે છે.

હૃદ્-સ્નાયુપટ(myocardium)માં હૃદયનો સ્નાયુ આવેલો છે. હૃદ્-સ્નાયુ અનૈચ્છિક, રેખાંકિત અથવા રૈખિક (striated) અને શાખામય (branched) તંતુઓની બનેલી પેશી છે. હૃદયના સંકોચન માટે તે જવાબદાર છે. અંદરના પાતળા સંયોજીપેશી(connective tissue)ના બનેલા પડને અંત:હૃદ્-કલા (endocardium) કહે છે. તેમાં લોહીની નસો તથા અરૈખિક સ્નાયુતંતુઓના પુંજો (bundles) હોય છે. તે હૃદયના પોલાણ પર આચ્છાદન (lining) કરે છે. તે હૃદયના એકમાર્ગી કપાટો (valves) તથા તેમના હલનચલનમાં સક્રિય સ્નાયુબંધો(tendons)નું પણ આવરણ બનાવે છે. તે ધોરી નસોની અંત:સ્તરિકા (intima) નામના અંદરના આવરણ સાથે સળંગ જોડાયેલું હોય છે. આ ત્રણેય સ્તરોમાં ચેપ કે ઈજાથી પીડાકારક સોજો આવે તો તેને પરિહૃદ્-કલાશોથ (pericarditis), અધિહૃદ્-કલાશોથ (epicarditis), હૃદ્-સ્નાયુશોથ (myocarditis) તથા અંત:હૃદ્-કલાશોથ (endo-carditis) કહે છે.

હૃદયના ખંડો : હૃદયમાં 4 ખંડો આવેલા છે – 2 ઉપરના અને 2 નીચેના ખંડો. ઉપરના બે ખંડોને ડાબું અને જમણું કર્ણક (atrium) અને નીચેના ખંડોને ડાબું અને જમણું ક્ષેપક (ventricle) કહે છે. કર્ણકના ઉપરના છેડાવાળો ભાગ કૂતરાના કાન જેવો હોવાથી તેને કર્ણક કહે છે. આ કાન જેવા ભાગને કર્ણિકા (auricle) કહે છે. અંગ્રેજી શબ્દ atriumને ગુજરાતીમાં પ્રવિષ્ટક (પ્રવેશ ખંડ) કહેવાય. હૃદયમાં પાછું આવતું લોહી આ પ્રવેશખંડ(કર્ણક)માં આવે છે; પરંતુ કર્ણક શબ્દ પ્રચલિત અને રૂઢ થયેલો છે. નીચલા ખંડોમાંથી લોહી ધમનીઓમાં ધકેલાય છે (ક્ષેપન, ફેંકવું), માટે તેને ક્ષેપક કહે છે. બંને કર્ણક અને બંને ક્ષેપક વચ્ચે અનુક્રમે આંતરકર્ણકીય (interatrial) અને આંતરક્ષેપકીય (interventricular) પડદા (પટલ, septum) આવેલા છે. કર્ણક અને ક્ષેપકની સ્નાયુપેશીને તંતુમય (fibrous) પેશીની સંરચના એકબીજીથી અલગ પાડે છે. આ તંતુમય પેશીમાં હૃદયના એકમાર્ગી કપાટો (valves) આવેલા છે. તેમને હૃદ્-કંકાલ (cardiac skeleton) પણ કહે છે. હૃદયની બહારની સપાટી પર જોવા મળતો ખાંચો આ હૃદ્-કંકાલની તંતુમય પેશીનું સ્થાન દર્શાવે છે. તેને મુકુટીય ગર્ત (coronary sulcus) કહે છે. તે બહારથી કર્ણક અને ક્ષેપકને અલગ પાડે છે. મુકુટીય ગર્ત હૃદયને ગોળ ફરતી હોય છે અને તેમાં હૃદયને લોહી પૂરું પાડતી ધમનીઓ હૃદધમનીઓ અથવા મુકુટધમનીઓ (coronary arteries) આવેલી છે.

આકૃતિ 2 : હૃદયની સંરચના : (1) ઊર્ધ્વ મહાશિરા (superior vena cava), (2) અધોમહાશિરા (inferior vena cava), (3) જમણું કર્ણક (atrium), (4) જમણું ક્ષેપક (ventricle), (5) ડાબું કર્ણક, (6) ડાબું ક્ષેપક, (7) મહાધમની (aorta), (8) ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની (pulmonary trunk), (9) ત્રિદલ કપાટ (tricuspid valve), (10) દ્વિદલ કપાટ (bicuspid/mitral valve), (11) ફુપ્ફુસીય (ફેફસી) કપાટ (pulmonary valve), (12) મહાધમની કપાટ (aortic valve), (13) ડાબી ફુપ્ફુસીય (ફેફસી) ધમની (pulmonary artery), (14) જમણી ફુપ્ફુસીય (ફેફસી) ધમની.

શરીરમાંથી પાછું આવતું લોહી જમણા કર્ણકમાં આવે છે. તેમાં 2 ધોરી શિરાઓ ખૂલે છે. માથા અને ઉપરનાં ગાત્રો(હાથ)માંથી આવતું લોહી ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) અને શરીરના બાકીના બધા ભાગોમાંથી આવતું લોહી અધ:મહાશિરા (inferior vena cava) દ્વારા આવે છે. હૃદયમાંથી પાછું આવતું લોહી મુકુટીય શિરાવિવર (coronary sinus) નામની પહોળી શિરા જેવી નલિકા દ્વારા જમણા કર્ણકમાં ઠલવાય છે. જમણા કર્ણકમાંથી લોહી જમણા કર્ણક-ક્ષેપકીય કપાટ (atrioventricular valve) અથવા ત્રિદલીય કપાટ (tricuspid valve) દ્વારા જમણા ક્ષેપકમાં જાય છે. જમણું ક્ષેપક તેમાં રહેલા લોહીને ફુપ્ફુસીય પ્રધમની (pulmonary trunk) દ્વારા બહાર ધકેલે છે, જે જમણી અને ડાબી ફુપ્ફુસીય (ફેફસી) ધમનીઓ (pulmonary arteries) દ્વારા અનુક્રમે ડાબા અને જમણા ફેફસાંમાં લોહી મોકલે છે. ઑક્સિજનયુક્ત થયેલું ફેફસાંમાંનું લોહી 4 ફુપ્ફુસીય (ફેફસી) શિરાઓ (pulmonary veins) દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાય છે, જે ડાબા કર્ણક ક્ષેપકીય કપાટ અથવા દ્વિદલ કપાટ (mitral valve) દ્વારા ડાબા ક્ષેપકમાં આવે છે. ડાબા ક્ષેપકમાંથી લોહી મહાધમની(aorta)માં ફેંકાય છે. જમણા અને ડાબા ક્ષેપકો તથા ફુપ્ફુસીય પ્રધમની અને મહાધમની વચ્ચે અનુક્રમે ફુપ્ફુસીય (ફેફસી) કપાટ (pulmonary valve) અને મહાધમનીય કપાટ (aortic valve) આવેલા છે. આ ચારેય કપાટો લોહીનું એકમાર્ગી વહન થવા દે છે, કર્ણકમાંથી ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી જે તે ધોરી ધમનીમાં. મહાધમનીના 3 ભાગો છે – આરોહી (ascending), કમાન અથવા ધનુષાકાર (arch) અને અવરોહી (descending). અવરોહી મહાધમની જ્યારે છાતીમાં હોય ત્યારે તેને વક્ષીય (thoracic) અને પેટમાં હોય ત્યારે તેને ઉદરીય (abdominal) મહાધમની કહે છે. તેની શાખા-પ્રશાખાઓ શરીરનાં વિવિધ અંગો, ગાત્રો અને અવયવોને લોહી પહોંચાડે છે. ક્ષેપકોની દીવાલ કર્ણકની દીવાલ કરતાં જાડી હોય છે અને ડાબા ક્ષેપકને સમગ્ર શરીરમાં લોહી પહોંચાડવાનું હોવાથી તે સૌથી જાડી દીવાલ ધરાવે છે.

હૃદયના એકમાર્ગી કપાટો (valves) : હૃદયના ખંડો સંકોચાય ત્યારે તેમાંનું લોહી હૃદયના અન્ય ખંડમાં કે હૃદયની બહાર ધકેલાય છે. તેનું વહન આગળની તરફ જ રહે તે માટે એક દિશામાં ખૂલતા છિદ્રરક્ષકો અથવા એકમાર્ગી કપાટો(valves)ની સંયોજના (device) બનાવવામાં આવેલી છે. કર્ણકમાંનું લોહી ક્ષેપકમાં જાય; પરંતુ વિપરીત માર્ગે ક્ષેપકમાંથી કર્ણકમાં ન આવે તે માટે કર્ણક-ક્ષેપકીય કપાટો (atrio-ventricular valves) છે. જમણો કપાટ 3 પાંખડીઓવાળો એટલે કે ત્રિદલ કપાટ (tricuspid valve) છે, જ્યારે ડાબી બાજુ પર બે પાંખડીવાળો દ્વિદલ કપાટ (bicuspid અથવા mitral valve) હોય છે. આ પાંખડીઓ (દલ) તંતુમય પટ્ટી જેવા પ્રવર્ધો (projections) છે, જે હૃદયની દીવાલના તંતુમય ભાગ(મુકુટીય ગર્ત)માંથી ક્ષેપકના પોલાણમાં ઊગી આવેલા હોય છે. તેમના પર અંત:હૃદ્-કલાનું આવરણ હોય છે. ક્ષેપકની સ્નાયુમય દીવાલમાંથી સ્તંભીય સ્નાયુઓ (papillary muscles) નામના સ્નાયુસ્તંભો (muscle columns) ક્ષેપકના પોલાણમાં ઊગી આવેલા હોય છે, જેમના ઉપરના છેડે રજ્જુમય સ્નાયુબંધો (chordae tendineae) હોય છે. રજ્જુમય સ્નાયુબંધો તંતુમય સંરચના છે અને કપાટની પાંખડીઓની ધાર પર જોડાય છે. જ્યારે કર્ણક સંકોચાય ત્યારે તેમાંનું લોહી ખુલ્લા કર્ણક-ક્ષેપકીય કપાટ દ્વારા ક્ષેપકમાં આવે છે, પણ જ્યારે ક્ષેપક સંકોચાય ત્યારે સ્તંભીય સ્નાયુઓ પણ સંકોચાઈને કર્ણક-ક્ષેપકીય કપાટની પાંખડીઓને એકબીજી જોડે પાસપાસે રાખીને તે કપાટને બંધ રાખે છે જેથી લોહી પાછું વિપરીત માર્ગે (retrograde) કર્ણકમાં જઈ શકતું નથી; પરંતુ ક્ષેપકમાંથી નીકળતી ધોરી ધમનીમાં પ્રવેશે છે : ડાબી બાજુના બે પાંખડીવાળા દ્વિદલ કપાટમાં એક પાંખડી મોટી અને બીજી નાની હોય છે. તેથી તેનો આકાર પોપના ટોપ જેવો હોય છે તેથી તેને પોપટોપ કપાટ (mitral valve) પણ કહે છે.

ક્ષેપકમાંથી ધોરી ધમનીમાં જવાના માર્ગમાં ધોરી ધમની ખૂલે તે છિદ્ર પરના એકમાર્ગી રક્ષક કપાટો અર્ધચંદ્રાકાર (semilunar) હોય છે અને તેથી તેમને અર્ધચંદ્રાકાર કપાટો (semilunar valves) કહે છે. જમણા ક્ષેપકમાંથી લોહી ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમનીમાં પ્રવેશે છે. ફેફસી પ્રધમનીના ખૂલવાના છિદ્ર પરના કપાટને ફુપ્ફુસીય (ફેફસી) કપાટ (pulmonary valve) કહે છે. તેવી જ રીતે ડાબા ક્ષેપકમાંથી મહાધમની(aorta)માં પ્રવેશતા લોહીના વહનનો માર્ગ એકદિશ રહે તે માટે તેમની વચ્ચે જે અર્ધચંદ્રાકાર કપાટ આવેલો છે તેને મહાધમની કપાટ (aortic valve) કહે છે. અર્ધચંદ્રાકાર કપાટની પાંખડીઓ ધમનીના પોલાણ તરફ વળેલી હોય છે અને તેથી તેઓ ક્ષેપકમાંથી ધોરી ધમનીમાં લોહીને વહેવા દે છે; પરંતુ વિપરીત માર્ગે તે ધોરી ધમનીમાંથી પાછું ક્ષેપકમાં આવી શકતું નથી. જો કપાટમાં વિકાર ઉદભવે તો કાં તો તે સાંકડો (સંકીર્ણ, stenosed) થાય છે અથવા તો તે બંધ થાય ત્યારે થોડાક પ્રમાણમાં લોહીને પાછું વિપરીત માર્ગે અવળી દિશામાં વહેવા દે છે. અનુક્રમે પ્રથમ વિકારને કપાટની સંકીર્ણતા (stenosis of the valve) કહે છે, જ્યારે બીજા વિકારને વિપરીતવાહિતા (regurgitation) અથવા અપર્યાપ્તતા (insufficiency) કહે છે. આવા સમયે શસ્ત્રક્રિયા કરીને કે કૃત્રિમ કપાટ(artificial valve)નું અંત:સ્થાપન (implantation) કરીને સારવાર કરાય છે. સન 1982ની 2જી ડિસેમ્બરે વિશ્વનું સૌપ્રથમ કૃત્રિમ કપાટનું માનવશરીરમાં અંત:સ્થાપન કરાયું હતું.

હૃદયના ખંડોનું સંકોચન અને આવેગવહનપ્રણાલી (conduction system) : હૃદયના બંને કર્ણકો અને બંને ક્ષેપકોનાં સંકોચનોનું નિયમન અનૈચ્છિક ચેતાતંત્ર તથા હૃદયમાંનું આવેગ-(impulse)-વહનતંત્ર કરે છે. તેથી બંને કર્ણકો અને બંને ક્ષેપકો એકસાથે સંકોચાય છે; પરંતુ કર્ણકોનો સ્નાયુ સંકોચાય ત્યારે ક્ષેપકોનો સ્નાયુ અને ક્ષેપકોનો સ્નાયુ સંકોચાય ત્યારે કર્ણકોના સ્નાયુ શિથિલ થાય છે. જે ખંડનો સ્નાયુ સંકોચાય તે ખંડ પણ સંકોચાય છે અને તેને ખંડસંકોચન (systole) કહે છે; દા. ત., કર્ણકીય સંકોચન (atrial systole) અને ક્ષેપકીય સંકોચન (ventricular systole). જે ખંડનો સ્નાયુ શિથિલ (relaxed) થાય છે તે ખંડ પહોળો થાય છે અને તેને ખંડવિકોચન (diastole) કહે છે; દા. ત., કર્ણકીય વિકોચન (atrial diastole) અને ક્ષેપકીય વિકોચન (ventricular diastole) કહે છે. જ્યારે ખંડ સંકોચાય ત્યારે તે લોહીને બહાર ફેંકે છે અને જ્યારે તે વિકોચન પામે ત્યારે તે લોહીને મેળવે છે.

સૌપ્રથમ બંને કર્ણકો સંકોચાય અને તે પછી બંને ક્ષેપકો સંકોચાય. જ્યારે કર્ણકો વિકોચન પામે અને ફરીથી કર્ણકો સંકોચાય ત્યારે ક્ષેપકો વિકોચન પામે એવું સદંતર નિયમિતપણે ક્રમિક ધોરણે થયાં કરે છે. હૃદયના ચારેય ખંડો વચ્ચે તાલબદ્ધ રીતે સંકોચન-વિકોચનનાં ચક્રો ચાલ્યાં કરે તે માટે હૃદયની અંદર જ આંતરિક આવેગ વહન કરતી પ્રણાલી ઉપલબ્ધ હોય છે. તેઓ વિશિષ્ટીકૃત (specialised) સ્નાયુતંતુઓ છે, જે સંકોચનના સંદેશારૂપી વિદ્યુતીય આવેગ(electrical impulse)નું સર્જન અને વહન કરે છે. આ વિદ્યુતીય આવેગ અથવા વીજાવેગ હૃદયના સ્નાયુતંતુઓનું ઉત્તેજન કરીને તેમને સંકોચન માટે પ્રેરે છે.

આવેગવહન-પ્રણાલીમાં વિવરકર્ણકીય પિંડિકા (sinoatrial node, SA node), કર્ણક ક્ષેપકીય પિંડિકા (atrioventricular node, AV node), કર્ણક ક્ષેપકીય અથવા હિઝનો પુંજ (atrioventricular bundle, AV bundle અથવા His bundle), પુંજશાખાઓ (bundle branches) તથા પર્કિજી અથવા અંતિમ તંતુઓ(purkinje fibres)નો સમાવેશ થાય છે. આવેગ વહન-પ્રણાલીના તંતુઓ ગર્ભના વિકાસ-સમયે વિશિષ્ટીકૃત તંતુઓરૂપે વિકસે છે. તેઓ સંકોચનશીલતા (contractibility) ગુમાવે છે અને આવેગવહનશીલતા(conductivity)નો ગુણ પ્રાપ્ત કરે છે.

ડાબા કર્ણકમાં જ્યાં ઊર્ધ્વ મહાશિરા ખૂલે છે ત્યાંના એક નાના વિસ્તારને વિવર (sinus) કહે છે. તેમાં વિવર-કર્ણક-પિંડિકા આવેલી છે. તેને વિવરપિંડિકા (sinus node) પણ કહે છે. તે હૃદગતિપ્રેરક (pace-maker) પેશી ધરાવે છે, જે સંકોચનના સંદેશરૂપ વીજાવેગ(વિદ્યુતીય આવેગ)નું તાલબદ્ધ રીતથી સર્જન કરે છે. અનૈચ્છિક તંત્ર વિવરપિંડિકા દ્વારા કયા વેગે હૃદયના ધબકારા થવા જોઈએ તે અંગેનું નિયમન થાય છે. વિવરપિંડિકામાં ઉદભવતો વીજાવેગ સૌપ્રથમ બંને કર્ણકોમાં પ્રસરીને તેમને સંકોચાવે છે અને પછી વહીને કર્ણક-ક્ષેપકીય પિંડિકા(AV node)ને ઉત્તેજિત કરે છે. કર્ણક-ક્ષેપકીય પિંડિકા બંને કર્ણકોની વચ્ચે આવેલા પડદા જેવા આંતરકર્ણકીય પટલ(interatrial septums)ના નીચેના છેડે આવેલી છે માટે તે કર્ણકના ઉત્તેજનમાં સૌથી છેલ્લે ઉત્તેજિત થાય છે.

આકૃતિ 3 : હૃદયનું આવેગવહન તંત્ર : (1) ઊર્ધ્વ મહાશિરા (superior vena cava), (2) કર્ણક (atrium), (3) ક્ષેપક (ventricle), (4) વિવર કર્ણક પિંડિકા (sinoatrial node), (5) કર્ણકક્ષેપક પિંડિકા (atrioventricular node), (6) હિઝનો પુંજ (His Bundle), (7) પુંજશાખા (bundle branch), (8) પર્કિન્જીના તંતુઓ, (9) ડાબું કર્ણક, (10) જમણું કર્ણક, (11) ડાબું ક્ષેપક, (12) જમણું ક્ષેપક, (13) છાતીનું પોલાણ, (14) છાતીના પોલાણમાં હૃદય.

ઉત્તેજિત કર્ણક-ક્ષેપકીય પિંડિકા(AV node)માંનો વિદ્યુતીય આવેગ તેની સાથે જોડાયેલા કર્ણક-ક્ષેપકીય પુંજ (AV bundle) દ્વારા વહન પામીને ક્ષેપકોમાં પ્રવેશે છે. AV bundle હૃદ્-કંકાલમાં થઈને બે ક્ષેપકો વચ્ચેના પડદા –  આંતરક્ષેપકીય પટલ (interventricular septums) પર આવે છે, જ્યાં તે 2 શાખાઓમાં વિભાજિત થાય છે. ડાબી પુંજશાખા (left bundle branch) ડાબા ક્ષેપકને અને જમણી પુંજશાખા (right bundle branch) જમણા ક્ષેપકને ઉત્તેજિત કરે છે. આ પુંજશાખામાંથી અંતિમ તંતુઓ અથવા Purkinje તંતુઓ નીકળે છે, જે હૃદ્-સ્નાયુકોષોને ઉત્તેજિત કરીને ક્ષેપકનું સંકોચન કરાવે છે. હૃદયની આવેગવહન-પ્રણાલીમાં વિકાર થાય ત્યારે કૃત્રિમ ગતિપ્રેરક (artificial pacemaker) તથા ઔષધો વડે સારવાર કરાય છે. વીજ-આવેગને કારણે હૃદયના સ્નાયુઓનો વીજભાર બદલાય છે તેને વિધ્રુવીકરણ (depolarisation) કહે છે જે તેમનું સંકોચન કરે છે. થોડા સમય પછી તેઓ પોતાનો મૂળ વીજભાર પાછો મેળવે છે. તેને પુન:ધ્રુવીકરણ (repolarisation) કહે છે. હૃદયના ખંડોના સંકોચન સમયે થતા વીજ-આવેગના વહનને શરીરની સપાટી પર વીજાગ્રો (electrode) મૂકીને આલેખના સ્વરૂપે નોંધ મેળવી શકાય છે. તેને હૃદવીજાલેખ અથવા વીજહૃદાલેખ (electrocardiogram, ECG, EKG) કહે છે. તેની નોંધ મેળવતા ઉપકરણને હૃદવીજાલેખક અથવા વીજહૃદાલેખક (electrocardio-graph) કહે છે. જ્યારે કર્ણકમાંથી વીજ-આવેગ પસાર થઈને તેનું સંકોચન કરાવે ત્યારે પ્રથમ તરંગ નોંધાય છે. તેને સ્થાપિત પ્રણાલિકાથી ‘P’ તરંગ કહે છે. તે કર્ણકનું સંકોચન દર્શાવે છે. ત્યારપછી રેખાની નીચે તરફ જતો Q, પછી ઉપર તરફ જતો R અને છેલ્લે ફરીથી નીચે જતો S તરંગ જોવા મળે છે. તેને QRS તરંગ (સંકુલ તરંગ) કહે છે, જે ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે. P અને QRS તરંગો વચ્ચેની સીધી લીટીને PR અંતરાલ (PR interval) કહે છે. ‘P’ તરંગ વખતે કર્ણકો વિધ્રુવિત (depolarised) થાય છે. ત્યારપછી ફરીથી તેઓ પુન:ધ્રુવિત (repolarised) થાય તે સમયગાળામાં ક્ષેપકો વિધ્રુવિત થાય છે. (QRS તરંગ) અને પુન:ધ્રુવિત (repolarised) થાય છે. ક્ષેપકો પુન:ધ્રુવિત થાય છે ત્યારે ‘T’ તરંગ ઉત્પન્ન થાય છે. હૃદયનું ડાબું ક્ષેપક જમણા ક્ષેપક કરતાં જાડી દીવાલ ધરાવે છે. તેથી બંનેના વિધ્રુવીકરણ–પુન:ધ્રુવીકરણમાં થોડો તફાવત રહે છે, તે S અને T તરંગો વચ્ચે ST કાલખંડનું સર્જન કરે છે. Qથી T તરંગોવાળો કાલખંડ Q–T કાલખંડ (QT interval) ક્ષેપકોમાં વીજ-આવેગનું વહન દર્શાવે છે. આમ ‘P’ તરંગ કર્ણકોનું વિધ્રુવીકરણ તથા સંકોચન દર્શાવે છે, PR કાલખંડ SA Nodeથી AV Node વચ્ચેના આવેગવહનનો સમય દર્શાવે છે. QRS ડાબા અને જમણા ક્ષેપકોનું વિધ્રુવીકરણ અને સંકોચન દર્શાવે છે અને T તરંગ ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ દર્શાવે છે. હૃદયના વીજ-આલેખ દ્વારા જે તે ખંડના સંકોચન, તેમાં થતા વીજ-આવેગ વહન વગેરે વિષે માહિતી મળે છે; જેમ કે, હૃદયરોગના હુમલામાં હૃદયના સ્નાયુનો કોઈ ભાગ મરી જાય તો તે સમયે ઊંડો Q તરંગ, નાનો થયેલો R તરંગ અને ઉપર ઊંચકાયેલો ST કાલખંડ જોવા મળે છે. બે P તરંગો વચ્ચેનું અંતર, જો કાલપૂર્વ ધબકારા થતા હોય તો ઘટતું-વધતું રહે છે. જો ક્ષેપકમાં કાલપૂર્વ ધબકારો ઉદભવે તો P તરંગ વગર જ QRS–T તરંગો થઈ આવે છે. આમ હૃદવીજાલેખ હૃદયના વિવિધ વિકારો અને રોગોમાં નિદાનોપયોગી માહિતી આપે છે.

હૃદયનું રુધિરાભિસરણ : હૃદયના પોષણ માટે હૃદયની ધમનીઓનું વ્યવસ્થિત તંત્ર ગોઠવાયેલું છે. તેને હૃદ્-રુધિરાભિસરણ (cardiac circulation) અથવા મુકુટધમનીય રુધિરાભિસરણ (coronary circulation) કહે છે. હૃદયના પોષણ માટે લોહીનો પુરવઠો આપતી ધમનીઓને મુકુટધમનીઓ (coronary arteries) કહે છે. મહાધમનીના ઉપર જતા ભાગ આરોહી મહાધમની(ascending aorta)માંથી ડાબી મુકુટધમની (left coronary artery) અને જમણી મુકુટધમની (right coronary artery) નીકળે છે. ડાબી મુકુટધમનીની 2 શાખાઓ છે – અગ્રસ્થ આંતરક્ષેપકીય શાખા (anterior intervertebral branch) અથવા અગ્રસ્થ અવરોહી ધમની (anterior descending artery) અને વલયવર્તી કે વૃત્તવર્તી શાખા (circumflex branch). પ્રથમ ધમની બંને ક્ષેપકો જ્યાં ભેગા થાય તે બહારની સપાટી પરની ખાંચ(અગ્રસ્થ આંતરક્ષેપકીય ગર્ત, anterior intervertebral sulcus)માં નીચે ઊતરીને બંને ક્ષેપકોની દીવાલને ઑક્સિજનયુક્ત લોહી પૂરું પાડે છે. વલયવર્તી શાખા ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકની દીવાલને ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડે છે. ડાબી મુકુટધમનીના તેની શાખાઓ વિભાજિત થયા પહેલાંના ભાગને ડાબી પ્રમુખ મુકુટધમની (left main coronary artery) પણ કહે છે. તે શરીરને લોહી પહોંચાડતા ડાબા ક્ષેપકના ઘણા મોટા ભાગને ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડે છે. માટે તેમાં ઉદભવતો અંતર્રોધ અથવા અટકાવ (obstruction) ઘણો મહત્વનો વિકાર સર્જે છે.

જમણી મુકુટધમની જમણા કર્ણકની નીચે હૃદયને ગોળ ફરતી જમણી અને પાછળની તરફ જાય છે અને તે પશ્ચસ્થ આંતરક્ષેપકીય ધમની (posterior intervertebral artery) તથા કિનારીગત (marginal) શાખામાં વિભાજિત થાય છે. તે હૃદયના બંને ક્ષેપકોની પાછળ તરફની દીવાલને ઑક્સિજનયુક્ત લોહી પૂરું પાડે છે.

હૃદયના સ્નાયુઓમાં ઉદભવતા અંગારવાયુ અને અન્ય ચયાપચયી કચરાને દૂર કરવા માટેની શિરાઓ મુકુટવિવર અથવા મુકુટીય શિરાવિવર (coronary sinus) દ્વારા જમણા કર્ણકમાં ખૂલે છે. મુકુટવિવરની દીવાલ પાતળી હોય છે અને તેમાં સ્નાયુતંતુઓ હોતા નથી. મુકુટવિવરમાં મહાહૃદ્-શિરા (great cardiac vein) અને મધ્ય હૃદ્-શિરા (middle cardiac vein) ખૂલે છે. પ્રથમ શિરા હૃદયના આગળના ભાગમાંથી અને બીજી શિરા હૃદયના પાછળના ભાગમાંથી લોહી પાછું મેળવે છે.

હૃદયની ધમનીમાં અંતર્રોધ ઉત્પન્ન થાય ત્યારે હૃદયના સ્નાયુને ઑક્સિજનનો પુરવઠો મળતો બંધ થાય છે. તે સમયે પીડા ઉદભવે તો તેને હૃદ્-પીડ અથવા હૃદવેદના (angina pectoris) કહે છે. ત્યારે ક્યારેક હૃદયના સ્નાયુઓમાં નબળાઈ ઉત્પન્ન થાય છે અથવા તેનો કેટલોક ભાગ મૃત્યુ પામે છે. તેમને અનુક્રમે અલ્પરુધિરવાહિતા (ischaemia) અને હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction) કહે છે.

હૃદ્ચક્ર (cardiac cycle) : હૃદયના કર્ણકો અને ક્ષેપકોનાં સંકોચન અને વિકોચનનાં ચક્રો નિરંતર ચાલે છે. તે સમયે કર્ણકમાં લોહી પ્રવેશે (કર્ણકીય વિકોચન, atrial diastole), કર્ણકમાંથી લોહી ક્ષેપકમાં જાય (કર્ણકીય સંકોચન), જ્યારે ક્ષેપકો પહોળા થઈ રહેલા હોય (ક્ષેપકીય વિકોચન) અને ત્યારબાદ ક્ષેપકના સંકોચનથી લોહી શરીરમાં ધકેલાય. ક્ષેપકના સંકોચન સમયે કર્ણક પહોળું થઈ રહ્યું હોય (કર્ણકીય વિકોચન) અને તેથી તે શરીરમાંથી લોહી મેળવી રહ્યું હોય છે. આ ચક્રીય ક્રિયાઓના સમયે ધમનીમાંનું દબાણ, કર્ણકમાંનું દબાણ તથા ક્ષેપકમાંનું દબાણ મપાય છે, જેમાં પણ ચક્રીય ફેરફારો થતા રહે છે. હૃદયનો વીજાલેખ પણ હૃદયના આ ચક્રીય ફેરફારો સાથે સુસંગત રીતે સમજી શકાય છે. હૃદયના કપાટોના ખોલબંધ સમયે ધ્વનિ અથવા અવાજ ઉત્પન્ન થાય છે. તેને હૃદ્-ધ્વનિ (heart sound) કહે છે. તેમને સંશ્રવણનલિકા (stethoscope) વડે સાંભળી શકાય છે અને ધ્વનિ-આલેખક (phonographs) વડે નોંધી પણ શકાય છે.

આકૃતિ 4 : હૃદ્ચક્ર (cardia cycle)

હૃદ્-ચક્રના અભ્યાસમાં હૃદયના ખંડોનાં સંકોચન-વિકોચન, ધમની તથા કર્ણક અને ક્ષેપકમાંના દબાણના ફેરફારો, હૃદ્વીજાલેખ તથા હૃદ્-ધ્વનિ(ધબકારાના અવાજો)ને એક સમયરેખા પર એકત્રિત કરીને સમજવામાં આવે છે. આમ હૃદ્-ચક્રનો અભ્યાસ હૃદયના કાર્ય વિષે માહિતી આપે છે.

હૃદયના ખંડોના સ્નાયુઓનાં શિથિલન અને સંકોચન તથા હૃદય-કપાટો(heart valves)નાં ખોલ-બંધ થવાની ક્રિયાને કારણે હૃદયના ખંડોમાં લોહીનું વહન થાય છે અને તેમાંનાં દબાણોમાં ફેરફાર થાય છે. તે સમયે કર્ણક-ક્ષેપકમાં વીજ-આવેગનું વહન થાય છે, જેને ECG વડે નોંધી શકાય છે તથા હૃદયના ધબકારા હાથ પણ સાંકળી શકાય છે. તેને આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે. આ સમગ્ર ક્રિયાને સમયરેખા પર આલેખવામાં આવે છે.

હૃદયધ્વનિ (heart sound) : હૃદયના ખંડોનાં સંકોચનોને કારણે નહિ, પરંતુ કપાટના બંધ થવાથી હૃદયના ખંડોમાંના લોહીમાં ઉદભવતાં અનિયમિત વમળોના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. પ્રથમ હૃદ્-ધ્વનિ (first heart sound) કર્ણક-ક્ષેપકીય કપાટોના બંધ થવાથી ઉદભવે છે અને તે ‘લબ’ જેવો અવાજ હોય છે. તે મોટો અને લાંબો અવાજ હોય છે. બીજો હૃદ્-ધ્વનિ ટૂંકો અને તીક્ષ્ણ હોય છે – ‘ડપ’. તે અર્ધચંદ્રાકાર કપાટોના બંધ થવાથી થાય છે. પ્રથમ અને બીજા ધબકારા વચ્ચેના સમયગાળા કરતાં લગભગ બમણા સમય જેટલો ગાળો બીજા ધબકારા અને નવા ચક્રના પ્રથમ ધબકારા વચ્ચે હોય છે. તેથી હૃદયના ધબકારા લબ–ડપ–(શાંતિ) – લબ–ડપ –(શાંતિ)લબ એમ ચાલ્યા કરે છે. હૃદયના વાલ્વ (કપાટ) જે સ્થળે હોય છે તેની બરાબર ઉપર છાતીની સપાટી પર જે તે હૃદ્-ધ્વનિ સુસ્પષ્ટ સંભળાતો નથી; પરંતુ તે થોડેક દૂરના અંતરે સુસ્પષ્ટતાથી સાંભળવા મળે છે. ડાબા કર્ણક-ક્ષેપકીય (દ્વિદલ) કપાટથી ઉદભવતો પ્રથમ ધ્વનિ હૃદયના શિખર (apex) પર એટલે કે 5મી અને 6ઠ્ઠી પાંસળીઓ વચ્ચેની જગ્યામાં સારી રીતે સાંભળી શકાય છે. તેવી જ રીતે ફુપ્ફુસીય કપાટથી ઉદભવતો દ્વિતીય હૃદ્-ધ્વનિ બીજી અને ત્રીજી પાંસળી વચ્ચે વક્ષાસ્થિની પાસે ડાબી તરફ અને મહાધમની કપાટથી ઉદભવતો દ્વિતીય હૃદ્-ધ્વનિ જમણી તરફ સાંભળી શકાય છે. હૃદયના કપાટના રોગોમાં મર્મર-ધ્વનિ (murmur) પણ ઉત્પન્ન થાય છે. તેમનાં સ્થાન, પ્રથમ કે બીજા હૃદ્-ધ્વનિના સંદર્ભે સમય, તીવ્રતા, વધઘટ તથા અન્ય હૃદ્-ધ્વનિના હોવા – ન હોવા પરથી હૃદયના કપાટોના રોગો કે હૃદયના પટલોમાંનાં છિદ્રો અંગે નિદાન કરી શકાય છે. ડાબા હૃદયની નિષ્ફળતા થાય ત્યારે ત્રીજો હૃદ્-ધ્વનિ પણ સંભળાય છે અને તે અશ્વદોડ જેવો (ઘોડદોડ જેવો) અવાજ (gallop) સર્જે છે. આમ સામાન્ય અને વિષમ હૃદ્-ધ્વનિની મદદથી હૃદયના કેટલાક રોગોનું નિદાન કરી શકાય છે. જ્યારે પાંડુતા(anaemia)ની તીવ્રતા વધુ હોય ત્યારે તે પણ મર્મર-ધ્વનિ સર્જે છે; તેથી તેનો નિદાનભેદ કરવો જરૂરી બને છે.

હૃદ્બહિ:ક્ષેપ (cardiac output) : દર મિનિટે હૃદયનું ડાબું ક્ષેપક મહાધમનીમાં લોહીનો જે કુલ જથ્થો ધકેલે છે, તેને હૃદ્-બહિ:ક્ષેપ અથવા હૃદ્-મિનિટ બહિ:ક્ષેપ (cardiac minute output) કહે છે. તેને ગણી કાઢવા વ્યક્તિ તેના ડાબા ક્ષેપકના દરેક સંકોચને જેટલું લોહી મહાધમનીમાં ધકેલતી હોય તેને એક મિનિટમાં થતા ધબકારાની સંખ્યા વડે ગુણી કાઢીને લિટર/મિનિટના એકમમાં દર્શાવવામાં આવે છે. હૃદયના ડાબા ક્ષેપકના કોઈ એક સંકોચનમાં મહાધમનીમાં થતા લોહીના બહિ:ક્ષેપને એકમ-બહિ:ક્ષેપકદ (stroke volume) કહે છે. તેથી ઉદાહરણ રૂપે દર્શાવી શકાય કે –

હૃદ્-બહિ:ક્ષેપ (cardiac output)

= એકમ-બહિ:ક્ષેપકદ × મિનિટમાં થતા ધબકારા

= 70 મિલિ × 75 / મિનિટ

= 5250 મિલિ / મિનિટ

= 5.25 લિટર / મિનિટ

એકમ-બહિ:ક્ષેપકદનો આધાર ડાબા ક્ષેપકમાં સંકોચનને અંતે કેટલું લોહી રહી જાય છે અને તેના વિકોચનકાળમાં કેટલું લોહી તેમાં પ્રવેશે તેના પર આધારિત છે. ડાબા ક્ષેપકના સંકોચનના અંતે તેમાં રહી જતા લોહીના જથ્થાને સંકોચનકાલાંત કદ (end systolic volume – ESV) કહે છે. સામાન્ય રીતે 50થી 60 મિલિ. હોય છે. ડાબા ક્ષેપકના વિકોચનકાળ(પહોળા થવાના સમયગાળા)ના અંતે તેમાં 120થી 130 મિલિ. જેટલું લોહી હોય છે. તેને વિકોચનકાલાંત કદ (end diastolic volume – EDV) કહે છે. તેમાં સંકોચનકાલાંત કદ (50–60 મિલિ.) તથા ડાબા કર્ણકમાંથી આવતા લોહી(60–80 મિલિ.)નો સમાવેશ થાય છે. તેમાંનું 70 % લોહી કર્ણકીય સંકોચનકાળ પહેલાં અને 30 % લોહી કર્ણકીય સંકોચનકાળ દરમિયાન ડાબા ક્ષેપકમાં આવે છે. જેટલું વિકોચનકાલાંત કદ વધુ તેટલું ડાબા ક્ષેપકનું સંકોચન બળ પણ વધુ હોય છે. ડાબા ક્ષેપકના સંકોચનકાળને અંતે તેમાં રહી ગયેલા લોહીના જથ્થા(ESV)નો આધાર સંકોચનબળની તીવ્રતા પર વ્યસ્ત પ્રમાણે તથા ધમનીમાંના લોહીના દબાણ પર સમ પ્રમાણે આધાર રાખે છે. જો વ્યક્તિની ધમનીમાં લોહીનું દબાણ વધુ હોય તો ESV વધે છે અને તે દર્શાવે છે કે સંકોચનની શરૂઆતે જે વિકોચનકાલાંત કદ હોય તેમાંથી ઓછા પ્રમાણમાં લોહીનો બહિ:ક્ષેપ થાય છે. બહિ:ક્ષેપ થતા લોહીના કદ ભાગ્યા કુલ વિકોચનકાલાંત કદને ટકામાં દર્શાવવામાં આવે ત્યારે તેને બહિ:ક્ષેપાંશ (ejection fraction) કહે છે. તે હૃદયની ક્રિયાક્ષમતા દર્શાવતો અંક છે.

હૃદયના સ્નાયુકોષોની લંબાઈ, ચેતાકીય નિયંત્રણ, રસાયણો, તાપમાન, લાગણીઓ, લિંગ તથા ઉંમરની અસર હેઠળ બહિ:ક્ષેપનું કદ બદલાય છે. હૃદયના સ્નાયુકોષોની લંબાઈ વધુ હોય તો તેનું સંકોચન બળ વધે છે અને તેથી બહિ:ક્ષેપ પણ વધે છે. તેને સ્ટાર્લિગનો નિયમ કહે છે.

હૃદય ધબકારનો દર : હૃદયના ધબકારનો સામાન્ય દર 60–100/મિનિટ છે (સામાન્ય રીતે 72ની આસપાસ). તેના પર ઉંમર, લિંગ, લાગણીઓ, તાપમાન તથા અનૈચ્છિક ચેતાતંત્રના નિયમનની અસર રહે છે. નાની ઉંમરે તે ઝડપી હોય છે; જ્યારે સરેરાશથી ઓછો દર મોટી ઉંમરે જોવા મળે છે. સ્ત્રીઓમાં તે વધુ રહે છે. ભય, ગુસ્સો, ચિંતા વગેરે જેવી લાગણીઓની અસરમાં હૃદયના ધબકારાનો દર વધે છે. કસરત કે અન્ય કારણે શરીરનું તાપમાન વધે ત્યારે હૃદયના ધબકારાનો દર વધે છે, જ્યારે શસ્ત્રક્રિયા પહેલાં જો શરીરને ઠંડું પાડવામાં આવે તો હૃદયના ધબકારાનો દર પણ ઘટે છે. એડ્રિનાલિન અને કૅલ્શિયમ તેનો દર વધારે છે જ્યારે પોટૅશિયમ ઘટાડે છે.

અનૈચ્છિક ચેતાતંત્રના નિયમન હેઠળ હૃદયના ધબકારાના દરની વધઘટ થાય છે, તે તેનું પ્રમુખ નિયંત્રણ છે. તેમાં 2 ચેતાકેન્દ્રો, દાબ-સ્વીકારકો તથા 3 ચેતાપરાવર્તી ક્રિયાઓ(reflexes)નો સમાવેશ થાય છે. હૃદયના ધબકારા વધારતું હૃદ્-પ્રવેગક ચેતાકેન્દ્ર (cardio-accelerator centre) તથા ધબકારાનો દર ઘટાડનારું હૃદ્-નિગ્રહક ચેતાકેન્દ્ર (cardioinhibitory centre) લંબમજ્જા(medulla oblongata)માં આવેલાં છે. હૃદ્-પ્રવેગક ચેતાકેન્દ્રમાંથી નીકળતા ચેતાતંતુઓ કરોડરજ્જુમાં ઊતરીને હૃદ્પ્રવેગક ચેતા (cardio-accelerator nerves) દ્વારા હૃદયને વિવરકર્ણકી પિંડિકા (SA Node) અને કર્ણકક્ષેપકીય પિંડિકા(AV Node)ને ઉત્તેજે છે. આ અનુકંપી ચેતાતંત્ર(sympathetic nervous system)ની ચેતાઓ છે અને તેમાંથી નોર-ઍડ્રિનાલિનનો સ્રાવ થાય છે. તે હૃદયના ધબકારા અને સંકોચન વખતે વધારે રહે છે.

હૃદ્-નિગ્રહક ચેતાતંત્રમાંના ચેતાતંતુઓ બહુવિસ્તારી ચેતા (vagus nerve) દ્વારા, પરાનુકંપી ચેતાતંત્ર(parasympathetic nervous system)ના ભાગ રૂપે, હૃદયની વિવરકર્ણકીય અને કર્ણકક્ષેપકીય પિંડિકાઓનું એસિટાયલકોલિનના સ્રાવ દ્વારા અવદમન કરે છે. તેના કારણે હૃદયના ધબકારાનો દર તથા સંકોચનબળ ઘટે છે.

મહાધમનીની કમાન (arch of aorta), અંત:શીર્ષધમની (internal carotid artery) તથા ઊર્ધ્વ અને અધ:મહાશિરાઓ(superior and inferior vena cava)માં દાબસ્વીકારકો (પ્રદમ-સ્વીકારકો, baroreceptors અથવા presso receptors) આવેલા છે. અંત:શીર્ષધમનીમાં એક જગ્યાએ થોડો પહોળો ભાગ આવેલો છે, તેને શીર્ષધમની વિવર (carotid sinus) કહે છે. તેમાં અંત:શીર્ષધમનીના દાબસ્વીકારકો આવેલા છે. આ દાબસ્વીકારકો એક વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો છે, જે નસમાંના લોહીના દબાણની સંવેદના પારખીને મગજને સંદેશો આપે છે. તેના પરિણામે મગજમાંથી પાછા આવતા ચેતાસંદેશા હૃદયના ધબકારાના દરને, હૃદયના સંકોચનના બળને તથા તેને કારણે લોહીના દબાણને અસર કરીને તેમાં વધઘટ કરાવે છે. આ સમગ્ર પ્રક્રિયાને ચેતાપરાવર્તી ક્રિયા (reflex action) કહે છે. આ રીતે 3 ચેતાપરાવર્તી ક્રિયાઓ છે – મહાધમનીય ચેતાપરાવર્તી ક્રિયા (aortic reflex), શીર્ષધમની-વિવરીય ચેતાપરાવર્તી ક્રિયા (carotid sinus reflex) અને દક્ષિણ હૃદીય (right heart) ચેતાપરાવર્તી ક્રિયા (right heart reflex) અથવા કર્ણકીય ચેતાપરાવર્તી ક્રિયા (atrial reflex). તેમાં અનુક્રમે મહાધમનીય, અંત:શીર્ષધમની-વિવરીય તથા ઊર્ધ્વ અને અધ:મહાશિરાકીય દાબસ્વીકારકો સક્રિય હોય છે, જે મગજ તરફ જતા – અભિસરણીય (afferent) – ચેતાસંદેશાઓ સર્જે છે. મગજમાંનાં ચેતાકેન્દ્રોમાં તે માહિતીનું અર્થઘટન કરાય છે અને તેના પ્રતિભાવ રૂપે હૃદ્-પ્રવેગક ચેતાઓ (cardiac accelerator nerves) અને બહુવિસ્તારી ચેતા (vagus nerve) દ્વારા હૃદયની વિવરકર્ણકીય પિંડિકા (SA node) તથા કર્ણક-ક્ષેપકીય પિંડિકા(AV node)ને અનુક્રમે ઉત્તેજક કે નિગ્રહક (inhibitory) સંદેશાઓ મોકલાય છે.

જ્યારે મહાધમની અને/અથવા શીર્ષધમનીમાં લોહીનું દબાણ વધે ત્યારે અનુક્રમે મહાધમનીય (aortic) અને/અથવા શીર્ષધમની-વિવરીય (carotid sinus) દાબ-સ્વીકારકો ઉત્તેજિત થઈને હૃદ્-નિગ્રહક ચેતાકેન્દ્ર(cardioinhibitory centre)નું ઉત્તેજન કરે છે અને હૃદયના ધબકારાનો દર તથા સંકોચન બળ ઘટાડે છે. તેનાથી વિપરીત જ્યારે લોહીનું દબાણ ઘટે છે ત્યારે આ જ દાબ-સ્વીકારકો હૃદ્-પ્રવેગક ચેતાકેન્દ્ર(cardio-accelerator centre)ને ઉત્તેજીને હૃદય-ધબકારાનો દર અને સંકોચનબળ વધારે છે. આ પ્રક્રિયાઓ દ્વારા લોહીનું દબાણ સમધારણ સ્થિતિમાં રહે છે. આમ લોહીનું દબાણ વધે ત્યારે ધબકારાનો દર તથા હૃદયનાં સંકોચનોનું બળ ઘટે છે અને જ્યારે દબાણ ઘટે છે ત્યારે તે દર અને સંકોચનબળ વધે છે. આવા લોહીના દબાણ અને હૃદયના ધબકારાના દર અને સંકોચનબળ વચ્ચેના વ્યસ્તપ્રમાણીય સંબંધને હૃદય માટેનો મેરીનો નિયમ કહે છે.

ઊર્ધ્વ અને અધ:મહાશિરાઓ(superior and inferior vena cava)માંના દાબ-સ્વીકારકો શિરામાંના લોહીનું દબાણ નોંધે છે અને તેઓ કર્ણકીય ચેતાપરાવર્તી ક્રિયા (atrial reflex) કે જેને દક્ષિણહૃદીય ચેતાપરાવર્તી ક્રિયા (right heart reflex) પણ કહે છે, તેના દ્વારા હૃદયના ધબકારામાં તથા સંકોચનબળમાં વધઘટ કરે છે. જોકે અહીં શિરામાં વધેલું દબાણ ધબકારાનો દર તથા સંકોચનબળ વધારે છે. તેને બેઇનબ્રિજ ચેતાપરાવર્તી ક્રિયા કહે છે.

જ્યારે લોહીનું દબાણ એટલું ઘટી જાય કે તે પેશીમાં પૂરતા પ્રમાણમાં ઑક્સિજન અને પોષક દ્રવ્યો ન પહોંચાડી શકે તથા તેનો ચયાપચયી કચરો દૂર ન કરી શકે ત્યારે તેને રુધિરાભિસરણીય આઘાત (circulatory shock) કહે છે.

લોહીની નસો : લોહીનું વહન કરતી પોલી નળીઓને નસ અથવા રુધિરવાહિની (blood vessel) કહે છે. તેઓ 3 પ્રકારની હોય છે – ધમની (artery), શિરા (vein) તથા કેશવાહિની (capillary). પેશીમાંના બહિ:કોષીય પ્રવાહીમાંથી લસિકાતરલ(lymph)નું વહન કરતી નસને લસિકાવાહિની (lymphatic) કહે છે. નસના કદ અને શાખા-પ્રશાખાની કક્ષા પ્રમાણે તેમને વિવિધ નામોથી ઓળખાય છે. જમણા ક્ષેપકમાંથી નીકળતી મોટી ફુપ્ફુસીય (ફેફસી) ધમનીને પ્રધમની (trunk) કહે છે, જે ડાબી અને જમણી ફુપ્ફુસીય (ફેફસી) ધમનીમાં વિભાજિત થાય છે. ડાબા ક્ષેપકમાંથી નીકળતી મોટી ધમનીને મહાધમની (aorta) કહે છે. ધમનીઓની નાની પ્રપ્રશાખાઓને ધમનિકા (arteriole) કહે છે, જે કેશવાહિનીઓના જાળાને લોહી પહોંચાડે છે. તેવી જ રીતે સૌથી નાની કેશવાહિનીઓમાંથી લોહી મેળવતી શિરાઓને લઘુ શિરા (venule) કહે છે. હૃદયમાં પ્રવેશતી સૌથી મોટી શિરાઓને મહાશિરાઓ (vena cava) કહે છે. બધી પેશીઓની જેમ નસોને પણ પોષણ માટે લોહી પૂરું પાડતી નસોની જરૂર પડે છે, જે મોટી નસની દીવાલમાં હોય છે. આવી નસોની દીવાલને લોહી પૂરું પાડતી નસોને વાહિનીગત વાહિનિકાઓ (vasa vasorum) કહે છે. આવી રીતે મોટી ચેતાઓ(nerves)ને લોહી પૂરું પાડતી નસોને ચેતાગત વાહિનિકાઓ (vasa nervosum) કહે છે.

બધી નસોના સમૂહથી બનતા તંત્રને વાહિનીતંત્ર (vascular system) કહે છે અને હૃદયને તેની સાથે જોડતાં તેને હૃદયવાહિની તંત્ર (cardio vascular system) કહે છે. તે લોહીના પરિભ્રમણ માટે હોવાથી તેને રુધિરાભિસરણ તંત્ર (circulatory system) પણ કહે છે.

ધમની : ધમની સ્નાયુતંતુઓ ધરાવતી પોલી નળીઓ છે. તેના પોલાણને દરિકા (lumen) કહે છે. જ્યારે તેની દીવાલમાંનાં 3 પડોને સ્તરિકાઓ (coats અથવા tunics) કહે છે. સૌથી અંદર અંત:સ્તરિકા (intima), વચમાં મધ્યસ્તરિકા (tunica media) અને બહાર બહિ:સ્તરિકા (adventitia અથવા tunica externa) આવેલી છે. અંત:સ્તરિકા સાદા શલ્કસમ (લાદીસમ) કોષોનું બનેલું પડ છે. તેને અંતશ્ર્છદ (endothelium) કહે છે. તે ધમનીના પોલાણનું અંદરથી આચ્છાદન કરે છે. તે પોલાણમાંના લોહીના સીધા સંપર્કમાં હોય છે. તે અંતર્ગત લવચીક કલા (internal elastic membrane) સાથે જોડાયેલી હોય છે, જે તેને મધ્યસ્તરિકાથી અલગ પાડે છે. મધ્યસ્તરિકા જાડી અને લવચીક તંતુઓ (elastic fibres) અને અરૈખિક સ્નાયુની બનેલી હોય છે. બહારના આવરણરૂપ બહિ:સ્તરિકા લવચીક અને કોલેજનયુક્ત તંતુઓની બનેલી હોય છે. બાહ્ય લવચીક કલા મધ્યસ્તરિકા અને બહિ:સ્તરિકાને અલગ પાડે છે. મધ્યસ્તરિકાની વિશિષ્ટ સંરચનાને કારણે ધમનીના બે ગુણધર્મો ઉદભવે છે – લવચીકતા (elasticity) અને સંકોચનશીલતા (contractility). મધ્ય-સ્તરિકામાંના અરૈખિક સ્નાયુતંતુઓ ધમનીની લંબાઈને સમાંતર તથા તેના પોલાણને ગોળ ફરતા એમ બે રીતે ગોઠવાયેલા હોય છે. તેઓ સંકોચાય ત્યારે ધમનીનું પોલાણ સાંકડું થાય છે અને લોહી પણ ધકેલાય છે. ધમનીના પોલાણના સંકોચનને વાહિનીસંકોચન (vasoconstriction) કહે છે. તે અનુકંપી ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ થાય છે. જ્યારે તેના દ્વારા ઉત્તેજન ન થતું હોય ત્યારે નસ પહોળી થાય છે. તેને વાહિનીવિસ્ફારણ (vasodilatation) કહે છે. ધમનીઓ સંકોચાઈને લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે તથા નસ કપાઈ હોય તો બહાર લોહી વહી જાય તેને અટકાવે છે.

ધમનીઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે – લવચીક ધમનીઓ (elastic arteries) અને સ્નાય્વી ધમનીઓ (muscular arteries). મોટી ધમનીઓ મુખ્યત્વે લવચીક ધમનીઓ હોય છે અને લોહીના વહનમાં ઉપયોગી છે; દા. ત., મહાધમની, શીર્ષ-ઊર્ધ્વગાત્રી (bracheocephalic) ધમની, સામાન્ય શીર્ષધમની (common carotid artery), અવજત્રુકી (subclavian) ધમની, કરોડસ્તંભીય (vertebral) ધમની અને સામાન્ય નિતંબપત્રીય (common iliac) ધમની. આ ધમનીઓ મહાધમની તથા તેની પ્રમુખ શાખાઓ છે; જે માથું તથા હાથ-પગને લોહી પહોંચાડે છે. તેમની મધ્યસ્તરિકામાં સ્નાયુતંતુઓ કરતાં લવચીક તંતુઓ વધુ હોય છે અને પોલાણના પ્રમાણમાં પાતળી દીવાલ ધરાવે છે. તે હૃદયમાંથી આવતા લોહીના જથ્થાને સહેજ ખેંચાઈને (પહોળી થઈને) સ્વીકારે છે અને જ્યારે હૃદયનો વિકોચનકાળ હોય ત્યારે તેમની લવચીકતાને કારણે તે મૂળ સ્થિતિમાં આવીને લોહીને આગળ જવામાં બળ આપે છે; તેથી તેમને વહનશીલ (conducting) ધમનીઓ કહે છે, જે હૃદયમાંથી આવેલા લોહીનું મધ્યમકક્ષાની સ્નાય્વી ધમનીઓ સુધી વહન કરાવે છે.

સ્નાય્વી (muscular) ધમનીઓ : મધ્યમ કક્ષાની ધમનીઓની મધ્યસ્તરિકામાં સ્નાયુતંતુઓ વધુ હોય છે અને વાહિનીસંકોચનની ક્રિયા દ્વારા લોહીને પેશીમાં ધકેલે છે. આ પ્રકારની ધમનીઓમાં બાહુકક્ષીય (axillary), ઊર્ધ્વબાહવીય (brachial), અગ્રભુજીય (radial), આંતરપર્શૂકીય (intercostal), સ્પ્લીહાકીય (splenic), આંત્રપટીય (mesenteric), જંઘાકીય (femoral), પશ્ચજાહ્ન્વી (popliteal) અને નલાકીય (tibial) ધમનીઓનો સમાવેશ થાય છે. આ ધમનીઓ હાથ, પગ તથા ધડની દીવાલ તથા અવયવોને લોહીનો પુરવઠો આપે છે. તેમના સંકોચન-વિસ્ફારણ વડે શરીરના જે તે ભાગ કે અવયવને જરૂરી લોહીનો પુરવઠો મળે છે અને વધુ સક્રિયતા હોય તે તરફ લોહીનો પુરવઠો વધારી શકાય છે; જ્યારે જ્યાં સક્રિયતા ઓછી હોય ત્યાં વાહિનીસંકોચન દ્વારા લોહીનો પુરવઠો ઘટાડી શકાય છે. આમ સક્રિયતાને અનુરૂપ શરીરના વિવિધ ભાગોમાં લોહીના જથ્થાનું યોગ્ય વિતરણ (distribution) શક્ય બને છે અને તેથી તેમને વિતરણકારી ધમનીઓ (distributing arteries) પણ કહે છે.

ગુહાનુગુહિતા (anastomosis) : શરીરના દરેક ભાગમાં એકથી વધુ ધમની દ્વારા લોહીનો પુરવઠો પહોંચાડાય છે. તેથી તે વિસ્તારની નસો એકબીજા જોડે જોડાયેલી રહે છે. નસોના પોલાણનાં આવાં જોડાણને ગુહાનુગુહિતા કહે છે. આવાં જોડાણો શિરાઓનાં ઉદગમ-સ્થાનો વચ્ચે કે ધમનિકાઓ (arterioles) અને લઘુશિરાઓ (venules) વચ્ચે જોવા મળે છે. તેથી રોગ, ઈજા, શસ્ત્રક્રિયા કે અન્ય કારણે નસમાં અટકાવ આવે તો આવા ગુહાનુગુહિતાથી ઉત્પન્ન થયેલા ઉપપથ(bypass)થી રુધિરાભિસરણ જાળવી શકાય છે. આવા વૈકલ્પિક માર્ગે થતા રુધિરાભિસરણને સહપાર્શ્વી રુધિરાભિસરણ (collateral circulation) કહે છે.

જે ધમની અન્ય નસ સાથે જોડાતી નથી તેને અંતિમ ધમની (end artery) કહે છે. તેમાં અટકાવ આવે ત્યારે શરીરની જે તે પેશીના કોષોનો નાશ થાય છે. તેને કોષનાશ અથવા કોથ (gangrene) કહે છે. જ્યારે પેશીના કોઈ ભાગનું આંશિક મૃત્યુ થાય ત્યારે તેને પ્રણાશ (infarction) કહે છે.

ધમનિકાઓ (arterioles) : સૌથી નાની ધમનીઓને ધમનિકાઓ કહે છે. ધમની પાસેની ધમનિકાઓની મધ્યસ્તરિકામાં સ્નાયુતંતુઓ હોય છે અને બહિ:સ્તરિકામાં લવચીક અને કોલેજિનસ તંતુઓ હોય છે. જેમ જેમ ધમનિકાઓ કેશવાહિનીઓની નજીક પહોંચે તેમ તેમ તેની મધ્યસ્તરિકા નાની થતી જાય છે અને કેશવાહિનીની એકદમ નજીકની ધમનિકામાં અંત:સ્તરિકા તથા થોડા સ્નાયુતંતુઓવાળી બહિ:સ્તરિકા જ હોય છે. ધમનીકા કેશવાહિનીમાં પ્રવેશતા લોહીના જથ્થાનું નિયમન કરે છે. તેમના સંકોચનથી કેશવાહિનીઓમાં લોહી પ્રવેશતું અટકે છે અને તેમના વિસ્ફારણથી લોહીનું વહન ઘણું વધે છે.

કેશવાહિનીઓ (capillaries) : તેઓ વાળ જેટલી પાતળી ધમનિકાઓ અને લઘુશિરાઓ(venules)ને જોડતી વાહિનીઓ (નસો) છે. શરીરના લગભગ દરેક કોષ પાસે તે હોય છે. જે પેશીની જેટલી સક્રિયતા તેટલા પ્રમાણમાં તેમાં કેશવાહિનીઓની જાળ વધુ કે ઓછી પથરાયેલી રહે છે; જેમ કે, અતિસક્રિય પેશીઓ અને અવયવો; દા. ત., યકૃત, મૂત્રપિંડ, ફેફસાં, સ્નાયુઓ, ચેતાતંત્ર વગેરેમાં તે વધુ પ્રમાણમાં હોય છે. ઓછી સક્રિય પેશીઓ; દા. ત., સ્નાયુબંધ (tendon) અને તંતુબંધ (ligament)માં તે ઓછા પ્રમાણમાં હોય છે. વિશિષ્ટ કાર્ય કરતી પેશીઓ;
દા. ત., સ્વચ્છા (cornea) કે જે આંખની કીકીનું પારદર્શક ઢાંકણ બનાવે છે, અધિત્વચા (epidermis) કે જે ચામડીનું સૌથી ઉપરનું પડ બનાવે છે તથા કાસ્થિ (cartilage) કે જે સાંધામાંનાં હાડકાંની સપાટીનું આવરણ બનાવે છે તે સૌમાં કેશવાહિનીઓ હોતી નથી.

કેશવાહિનીઓનું મુખ્ય કાર્ય કોષ અને લોહી વચ્ચે પોષકદ્રવ્યો અને કોષવ્યય(cellular waste)ની આપ-લે કરવાનું હોય છે. આ પ્રકારના વિનિમય (exchange) માટે કેશવાહિનીની દીવાલમાં ફક્ત કોષોનું એક જ સ્તર હોય છે અને તે અંતછદીય કોષો (endothelial cells) હોય છે. કેશવાહિનીઓને મધ્યસ્તરિકા તથા બહિ:સ્તરિકાનાં પડ હોતાં નથી.

કેટલીક કેશવાહિનીઓ ધમનિકાઓ અને લઘુશિરાઓને સીધી જોડે છે, જ્યારે કેટલીક કેશવાહિનીઓની શાખા-પ્રશાખાઓ એક જાળું બનાવે છે. આવી જાલરચના (network) હોય ત્યારે દ્રવ્યોના વિનિમય માટે મોટી સપાટી ઉપલબ્ધ થાય છે. જે તે પેશીને જે તે સમયની સક્રિયતા પ્રમાણે તેની ચયાપચયી જરૂરિયાતમાં વધઘટ રહે છે. તેથી ત્યાંની કેશવાહિનીઓમાં જરૂરિયાત પ્રમાણે લોહીનો પ્રવાહ પણ વધઘટ પામે છે. આ વધઘટનું નિયમન કરવા ધમનિકાઓમાંના અરૈખિક સ્નાયુતંતુઓ સંકોચાઈને અને શિથિલ થઈને ધમનિકાઓના પોલાણને નાનું-મોટું કરે છે. જ્યારે કોઈ પેશીમાં લોહીની જરૂરિયાત ઓછી હોય ત્યારે ધમનિકામાંનું લોહી સીધું લઘુશિરામાં ઠલવાય છે. આ માટે ધમનિકા અને લઘુશિરાને જોડતી વિશિષ્ટ પ્રકારની નસને પારધમનિકા (metarteriole) કહે છે. તેને સર્વહૈતુક પથવાહિકા (thorough fare channel) પણ કહે છે. કેશવાહિનીઓ ધમનિકા તથા પારધમનિકામાંથી નીકળે છે. તેમના ઉદગમસ્થાને પુર:કેશવાહિની દ્વારરક્ષક (precapillary sphincter) નામની એક અરૈખિક સ્નાયુતંતુઓની સંરચના હોય છે, જે કેશવાહિનીમાં પ્રવેશતા લોહીના જથ્થાનું નિયમન કરે છે.

નાના આંતરડાની અંદરની દીવાલ પરના આત્રાંકુરો(villi)માં, અંત:સ્રાવી ગ્રંથિઓ(endocrine glands)માં, મૂત્રપિંડમાં, મગજની અંદરનાં પોલાણો(નિલયો, ventricles)માંની નસોમાં તથા આંખના કશાસમ પ્રવર્ધો(ciliary processes)માંની કેશવાહિનીઓને સૂક્ષ્મદર્શક વડે તપાસતા તેના કોષરસ(cytoplasm)માં 700થી 1000 આર્મસ્ટ્રૉંગ (Å) માપના વ્યાસવાળા ઝીણાં છિદ્રો (pores) જોવા મળે છે. તેથી તેમને સછિદ્ર અથવા ગાળણીસમ કેશવાહિનીઓ (fenestrated capillaries) કહે છે. મૂત્રપિંડ સિવાય અન્ય બધી પેશીઓમાં તેના પર પાતળા પટલનું ઢાંકણ હોય છે. જે કેશવાહિનીઓમાં આવાં છિદ્રો હોતાં નથી તેમને સળંગ કેશવાહિનીઓ કહે છે.

વિવરિકાઓ (sinusoids) : કેટલાક અવયવોમાં (દા. ત., યકૃત) કેશવાહિનીઓ કરતાં પહોળી અને વાંકીચૂકી પણ સૂક્ષ્મ નસો જોવા મળે છે. તેમને વિવરિકાઓ અથવા વિવરાભો (sinusoids) કહે છે. તેમની દીવાલમાં અંતશ્ચ્છદીય કોષોને બદલે કોષભક્ષી કોષો (phagocytes) હોય છે. બરોળમાંની વિવરિકાઓ પણ આ પ્રકારની હોય છે. પીયૂષિકા ગ્રંથિ (pituitary gland), પરાગલગ્રંથિ (parathyroid gland) તથા અધિવૃક્ક બાહ્યક (adrenal cortex) નામની અંત:સ્રાવી ગ્રંથિઓમાં પણ વિવરિકાઓ જોવા મળે છે. આ વિવરિકાઓ ધમનિકામાંનું લોહી લઘુશિરામાં ઠાલવે છે.

લઘુશિરાઓ (venules) : એકથી વધુ કેશવાહિનીઓ જોડાઈને લઘુશિરા બનાવે છે. લઘુશિરાઓ જોડાઈને શિરા બનાવે છે. કેશવાહિનીઓની નજીકની લઘુશિરામાં અંતસ્તરિકા અને બહિ:સ્તરિકા હોય છે, જ્યારે શિરા સાથે જોડાતા તેના છેડામાં મધ્યસ્તરિકા પણ જોવા મળે છે.

શિરા (vein) : હૃદય તરફ પાછું લોહી લઈ જતી નસોને શિરા કહે છે. તેમાં ધમનીઓની જેમ 3 પડ હોય છે; પરંતુ તેમની મધ્યસ્તરિકામાં લવચીક તંતુઓ અને સ્નાયુતંતુઓ ઘણા ઓછા હોય છે અને સફેદ તંતુમય પેશી વધુ હોય છે. જોકે તેઓ દબાણ અને લોહીના જથ્થાને અનુરૂપ પહોળી થઈ શકે છે. શિરામાંનું લોહી ખાસ વહનલક્ષી દબાણ ધરાવતું નથી, માટે તેનો પ્રવાહ સરળ હોય છે અને ધમનીની માફક તેમાં દબાણના તરંગો (નાડી) હોતા નથી. વળી શરીરની મોટા ભાગની શિરાઓ ઉપર હૃદય તરફ લોહી લઈ જાય છે માટે ગુરુત્વાકર્ષણથી લોહી પગની શિરાઓમાં ભરાઈ ન રહે માટે તેમાં એકમાર્ગી કપાટો (valves) હોય છે. તેમાં વહેતા લોહીનું દબાણ ઓછું હોવાથી તેમની દીવાલ પણ ધમનીની દીવાલ કરતાં પાતળી હોય છે.

શિરાવિવર (venous sinus) : તે સ્નાયુતંતુઓ વિનાની, પાતળા અંતશ્ચ્છદીય સ્તરવાળી શિરા હોય છે. આમ આ પ્રકારની શિરાઓમાં ફક્ત અંત:સ્તરિકા હોય છે અને તેની બહાર જે તે પેશીના કોષો હોય છે. આ પ્રકારની સંરચના મગજ અને હૃદયમાં જોવા મળે છે. મગજમાંનું લોહી તથા તેની આસપાસનું મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (cerebrospinal fluid, CSF) ખોપરીમાં આવેલાં શિરાવિવરો દ્વારા વહીને હૃદય તરફ જતી શિરાઓમાં ઠલવાય છે. તેમને અંત:કર્પરી શિરાવિવરો (intracranial venous sinuses) કહે છે. હૃદયની બહારની સપાટી પર જ્યાં કર્ણકો અને ક્ષેપકો મળે છે ત્યાં એક ખાંચો હોય છે. તેને મુકુટીય ગર્ત (coronary sulcus) કહે છે. તેમાં મુકુટીય શિરાવિવર (coronary venous sinus) નામનું શિરાવિવર છે, જે હૃદયની દીવાલમાંથી પાછા આવતા લોહીને રુધિરાભિસરણમાં પાછું મોકલે છે.

રુધિરાભિસરણ (blood circulation) : લોહીના શરીરની પેશીઓમાં તથા હૃદયથી પેશીઓ તરફ અને ત્યાંથી પરત વહેવાની ક્રિયાને રુધિરાભિસરણ કહે છે. તેમાં મુખ્યત્વે બે ભૌતિક રાશિઓને ધ્યાનમાં લેવામાં આવે છે –  રુધિરપ્રવાહ (blood flow) અને રુધિરદાબ અથવા રુધિરપ્રદમ (blood pressure). હૃદય અને નસો દ્વારા બનેલી એક બંધ પ્રણાલી(closed system)માં લોહીનો પ્રવાહ વધુ દબાણથી ઓછા દબાણ તરફનો હોય છે. મહાધમનીનો સરેરાશ દાબ (પ્રદમ, pressure) 100 મિમિ. પારો હોય છે. હૃદયમાંથી નીકળતી મહાધમનીની શાખાઓ અને પ્રશાખાઓમાં તે ક્રમશ: અને ઝડપથી ઘટે છે જ્યારે શિરાઓમાં તે ઘટાડો ધીમો હોય છે. તેથી સરેરાશ દબાણની રીતે જોવા જઈએ તો તે મહાધમનીમાં જે દબાણ પારાના 100 મિમિ. હોય છે તે ધમનીઓમાં ઘટે છે અને 100થી 40 મિમિ. સુધી ક્રમશ: ઘટતો જાય છે. તે દાબ ધમનિકાઓમાં ઘટીને 40થી 25 મિમિ. થાય છે અને કેશવાહિનીઓમાં 25થી 12 મિમિ. જેટલો ઘટે છે. લઘુશિરામાં લોહીનું દબાણ ઘટતું રહે છે અને તે 12થી 8 મિમિ. થાય છે. શિરાઓમાં 10થી 5 મિમિ. થાય છે. મહાશિરાઓ(vena cava)માં 2 મિમિ. થાય છે અને હૃદયના જમણા ઉપરના ખંડજમણા કર્ણકમાં પારાનું 0 મિમિ. દબાણ થઈને રહે છે. દબાણનો તફાવત જેમ લોહીના પ્રવાહને આગળ વધારે છે તેમ નસો દ્વારા પ્રવાહ-અવરોધ (resistance) લોહીના પ્રવાહને ઘટાડે છે. શિરાઓની પાતળી અને સ્નાયુતંતુઓ વિનાની દીવાલ ઓછો અવરોધ આપે છે અને તેથી તેમાં લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે. વળી પગની પિંડીઓ (calves) તથા અન્ય સ્નાયુઓમાંની શિરાઓ સ્નાયુસંકોચનો વખતે દબાય છે અને તે રીતે લોહીના પ્રવાહને હૃદય તરફ ઊંચે ચડવામાં તે સહાયભૂત થાય છે. તેથી પગની પિંડીઓના સ્નાયુઓને પરિઘીય હૃદય (peripheral heart) પણ કહે છે. ઉપર તરફ લોહીનો પ્રવાહ લઈ જતી નસોમાં એકમાર્ગી કપાટો (વાલ્વ) જેવા પડદા હોય છે, જે લોહીને પાછું નીચે તરફ વહી જતું અટકાવે છે. શ્વાસોચ્છવાસ સમયે છાતીમાં અને પેટમાં દબાણની વધઘટ થાય છે. તે પણ રુધિરપ્રવાહને હૃદય તરફ લઈ જવામાં મદદ કરે છે.

રુધિરાભિસરણના પરિવહનપથો (routes) : (1) શરીરના વિવિધ અવયવી તંત્રોને પોષણ અને ઑક્સિજન આપવા માટેના પ્રમુખ પરિવહનપથમાંના રુધિરાભિસરણને અવયવતંત્રીય અથવા સર્વાંગી રુધિરાભિસરણ (systemic circulation) કહે છે. તેમાં લોહી હૃદયના ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં ધકેલાય છે અને ત્યારબાદ ક્રમશ: ધમનીઓ, ધમનિકાઓ અને કેશવાહિનીઓ કે પારધમનિકાઓમાં થઈને લઘુ શિરાઓ, શિરાઓ તથા મહાશિરાઓ (vena cava) દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પાછું આવે છે.

(2) હૃદયમાં પરત આવેલું લોહી વ્યયદ્રવ્યો(waste material)વાળું અને ઑક્સિજનરહિત (deoxygenated) હોય છે. તેને ઑક્સિજનયુક્ત કરવા જમણા ક્ષેપક દ્વારા ધકેલાઈને ફુપ્ફુસીય (ફેફસી) ધમનીઓ દ્વારા બંને ફેફસાંમાં મોકલાય છે. ત્યાં તે વાયુપોટાઓ(alveoli)ની આસપાસ કેશવાહિનીઓની જાળમાંથી પસાર થઈને ફુપ્ફુસીય (ફેફસી) શિરાઓ (pulmonary veins) દ્વારા હૃદયના ડાબા કર્ણક(left atrium)માં પાછું આવે છે. આ રીતે લોહીને ઑક્સિજનયુક્ત કરવા માટેના ફેફસાંમાંના રુધિરાભિસરણને ફુપ્ફુસીય (ફેફસી) રુધિરાભિસરણ કહે છે.

(3) ક્યારેક બે કે વધુ અવયવો વચ્ચે વિશિષ્ટ કાર્યો કરવાને માટે એક એવો રુધિરાભિસરણીય પરિવહનપથ બને છે, જેમાં જે તે અવયવમાંની શિરાઓ કે લઘુશિરાઓ હૃદય તરફ જતી મોટી શિરાઓમાં લોહી ધકેલવાને બદલે અન્ય કોઈ અવયવની શિરાવિવરિકાઓમાં લોહી ઠાલવે છે જ્યાંથી તે શિરામાર્ગે હૃદય સુધી પહોંચે છે. આવું એક અવયવની લઘુશિરાઓમાંનું લોહી જ્યારે બીજા અવયવની શિરાવિવરિકાઓમાં ઠલવાય છે ત્યારે તેને નિવાહિકાકીય રુધિરાભિસરણ (portal circulation) કહે છે. આવું શરીરમાં 2 સ્થળે થાય છે – આંતરડાં અને બરોળમાંથી લોહી નિવાહિકા શિરા (portal vein) દ્વારા યકૃતમાં જાય છે અને બીજું સ્થાન છે મગજમાં અધશ્ચેતક (hypothalamus) અને પીયૂષિકા ગ્રંથિ (pituitary gland) વચ્ચેનો પરિવહનપથ. આ પ્રકારના રુધિરાભિસરણને નિવાહિકા તંત્ર (portal system) પણ કહે છે.

(4) વિવિધ અવયવોમાં તેમના કાર્ય પ્રમાણે વિશિષ્ટ પ્રકારનું રુધિરાભિસરણ થાય છે; જેમ કે, અસ્થિમજ્જા અને બરોળમાં ધમનિકામાંનું લોહી વિવરાભો અથવા વિવરિકાઓ(sinusoids)માં ઠલવાય છે અને લઘુશિરા દ્વારા ત્યાંથી તેને અવયવી તંત્રના રુધિરાભિસરણમાં લઈ જવાય છે.

(5) મૂત્રપિંડમાં લોહીમાંનાં વ્યય-દ્રવ્યોનું ગાળણ કરાય છે માટે ત્યાં ધમનિકા મૂત્રક(nephrone)ના વાડકી આકારના છેડામાં વિભાજિત થઈને કેશવાહિનીઓનું જાળું બનાવે છે. આ ધમનિકાને અભિગામી (afferent) ધમનિકા કહે છે. તેને કેશવાહિની ગુચ્છ (glomerulus) કહે છે. કેશવાહિની ગુચ્છમાંનું લોહી ફરી એક બીજી અપગામી (efferent) ધમનિકામાં ઠલવાય છે, જે મૂત્રકનલિકાઓની આસપાસ એક વિશિષ્ટ રીતે ગોઠવાય છે. ગુચ્છમાં લોહી આપતી ધમનિકાને અભિગામી (afferent) અને ગુચ્છમાંથી લોહી મેળવીને આગળ લઈ જતી ધમનિકાને અપગામી (efferent) ધમનિકા કહે છે. આ અપગામી ધમનિકાઓની વિશિષ્ટ શાખાઓ મૂત્રકનલિકાની આસપાસ કેશવાહિનીઓનું જાળું બનાવે છે. મૂત્રપિંડ-મજ્જા(renal medula)ની નજીકના મૂત્રકોમાં અપગામી ધમનિકાઓ મૂત્રકનલિકાઓને સમાંતર એવી સીધી નસો બનાવે છે, જેથી તેમાં લોહીનો પ્રવાહ મૂત્રકનલિકામાંના મૂત્રપ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. આ નસોને વાહિની-સરલ (vasa recta) કહે છે. મૂત્રકનલિકાઓની આસપાસની આ નસો – કેશવાહિનીઓ અને વાહિની-સરલ લઘુશિરાઓમાં લોહીને ઠાલવે છે, જે અંતે મૂત્રપિંડ શિરામાં થઈને સર્વાંગી રુધિરાભિસરણમાં મળે છે.

(6) ફેફસામાં ઑક્સિજનરહિત લોહીને ઑક્સિજનયુક્ત કરવા ફુપ્ફુસીય રુધિરાભિસરણ થાય છે; પણ ફેફસાની પેશીને પોષણ તથા ઑક્સિજન પૂરો પાડવા મહાધમનીની શાખાઓમાંથી શ્વસનિકાધમની (bronchial arteries) નામની પ્રશાખાઓ નીકળે છે, જે શ્વસનનલિકા અને શ્વસનિકાઓની સાથે આખા ફેફસાની પેશીઓને લોહી પૂરું પાડે છે. તેઓની કેશવાહિનીઓ લઘુશિરાઓ મારફત શ્વસનિકા-શિરાઓ (bronchial veins) દ્વારા અવયવી તંત્રના રુધિરાભિસરણમાં લોહી ઠાલવે છે, હૃદયના જમણા કર્ણકમાં જાય છે. આમ ફેફસામાં 2 પરિવહનપથો દ્વારા 2 પ્રકારનાં રુધિરાભિસરણો થાય છે. આ બંને પ્રણાલીઓ ફેફસામાં ક્યારેય એકબીજા સાથે જોડાતી નથી.

(7) યકૃતમાં બે રુધિરાભિસરણોનું લોહી એકઠું થાય છે અને વહે છે. આંતરડાં અને બરોળમાંનું લોહી નિવાહિકા શિરા (portal vein) અને તેની શાખા-પ્રશાખાઓ દ્વારા યકૃતના વિવરાભો અથવા વિવરિકાઓ(sinusoids)માં ઠલવાય છે. તે મુખ્યત્વે આંતરડામાંથી અવશોષાયેલા પોષક દ્રવ્યોવાળું હોય છે. યકૃતને પોતાને પોષણ અને ઑક્સિજનનો પુરવઠો મળે માટે મહાધમનીની ઉદરગુહા-ધમની(coeliac axis)ની યકૃતધમની (hepatic artery) નામની શાખા દ્વારા લોહી પૂરું પાડવામાં આવે છે. તેની ધમનિકાઓ પણ વિવરાભો(વિવરિકાઓ)માં ખૂલે છે. આમ અહીં નિવાહિકાતંત્ર અને અવયવી તંત્રનાં રુધિરાભિસરણો એકબીજા સાથે જોડાઈ જાય છે. વિવરાભો(વિવરિકાઓ)માંનું લોહી લઘુશિરાઓ દ્વારા યકૃતશિરા(hepatic vein)માં જાય છે, જ્યાંથી તે અધ:મહાશિરા (inferior vena cava) દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પહોંચે છે. કોઈ રોગમાં નિવાહિકાતંત્રમાં જ્યારે લોહીનું દબાણ વધે ત્યારે તેને નિવાહિકા અતિદાબ અથવા નિવાહિકા અતિપ્રદમ (portal hypertension) કહે છે અને તે સમયે જઠર, અન્નનળીનો નીચલો છેડો તથા મળાશયમાં જ્યાં અવયવી તંત્રની ધમનિકાઓ અને નિવાહિકાતંત્રની લઘુશિરાઓ વચ્ચે જોડાણો હોય છે તે મોટાં અને પહોળાં થાય છે. તેથી તે નસો ફૂલે છે. તેમને અનુક્રમે વાહિની-વિસ્ફારિતા (varices) અને વાહિનીમસા (piles, haemarrhoids) કહે છે.

(8) હૃદય પોતે રુધિરાભિસરણમાં પ્રણોદક(pump)નું કાર્ય કરીને શરીર તથા ફેફસાંમાં લોહી ધકેલે છે. તેને પોતાને પોષણ અને ઑક્સિજન મેળવવા માટે તે મહાધમનીમાંથી સીધી નીકળતી મુકુટધમનીઓ (coronary arteries) પર આધાર રાખે છે. મુકુટધમનીઓની શાખા-પ્રશાખાઓ કેશવાહિનીઓ દ્વારા હૃદયની દીવાલને લોહી પૂરું પાડે છે, જે લઘુશિરાઓ દ્વારા મુકુટવિવર(coronary sinus)માં પાછું ઠલવાય છે. મુકુટવિવર જમણા કર્ણકમાં ખૂલીને લોહીને અવયવી તંત્રના રુધિરાભિસરણમાં ભેળવે છે. હૃદયને પોષણ આપતા લોહીના પરિભ્રમણને મુકુટીય રુધિરાભિસરણ (coronary circulation) કહે છે.

(9) મગજ ઘણું મૂલ્યવાન અવયવ હોવાથી તેને 4 ધમનીઓની શાખા-પ્રશાખાઓના જોડાણથી બનેલા વિલિસના ધમનીવર્તુળ (circle of Willis) દ્વારા લોહી પૂરું પડાય છે, જેથી કોઈ એક મોટી ધમનીમાં અટકાવ (રોધ) ઉદભવે તોપણ મગજનું રુધિરાભિસરણ જળવાઈ રહે છે. મહાધમનીમાંથી ડાબી સામાન્ય શીર્ષધમની (common carotid artery) તથા ડાબી અને જમણી અવજત્રુક ધમનીઓ (sub-clavian arteries) નીકળે છે. ડાબી અવજત્રુક ધમનીમાંથી ડાબી કરોડસ્તંભી ધમની (vertebral artery) અને આમ વિવિધ અવયવોમાં કે અવયવ-સમૂહોમાં સ્થાનિક ક્રિયાની જરૂરિયાત પ્રમાણે વિશિષ્ટ પ્રકારનાં રુધિરાભિસરણો જોવા મળે છે.

આકૃતિ 5 : વિલિસનું ધમનીવર્તુળ (Circle of Willis) : (1) અંત:શીર્ષધમની (internal carotid artery), (2) કરોડસ્તંભીય ધમની (vertebral artery), (3) અગ્રસ્થ મસ્તિષ્કધમની (anterior cerebral artery), (4) મધ્ય મસ્તિષ્કધમની (middle cerebral artery), (5) મસ્તિષ્કતલધમની (basilar artery), (6) પશ્ચસ્થ મસ્તિષ્કધમની (posterior cerebral artery), (7) પશ્ચસ્થ સંયુગ્મની ધમની (posterior communicating artery), (8) અગ્રસ્થ સંયુગ્મી ધમની (anterior communicating artery), (9) વિલિસનું ધમનીવર્તુલ (Circle of Willis)

જમણી અવજત્રુક ધમનીમાંથી જમણી સામાન્ય શીર્ષધમની અને જમણી કરોડસ્તંભી ધમની નીકળે છે. દરેક સામાન્ય શીર્ષધમનીની અંત:શીર્ષધમની (internal carotid artery) નામની એક શાખા હોય છે. આ ચારેય ધમનીઓ  ડાબી અને જમણી અંત:શીર્ષધમનીઓ (internal carotid arteries) અને ડાબી અને જમણી કરોડસ્તંભી ધમનીઓ (vertebral arteries) ખોપરીના પોલાણમાં પ્રવેશે છે. બંને કરોડસ્તંભીય ધમનીઓ લંબમજ્જા (medula oblongata) અને મજ્જાસેતુ (pons) નામના મગજના ભાગોની આગળ જોડાઈને કર્પરતલીય ધમની (basillar artery) બનાવે છે. મગજની નીચલી સપાટી પાસે તે દ્વિભાજિત થઈને બે (ડાબી અને જમણી) પશ્ચમસ્તિષ્ક ધમની (posterior cerebral arteries) બનાવે છે. તે ખોપરીના પાછલા ભાગમાં હોય છે. ખોપરીના આગળના ભાગમાં ડાબી અને જમણી અંત:શીર્ષ ધમનીઓ પ્રવેશે છે. તે અગ્રસ્થ મસ્તિષ્ક ધમની (anterior cerebral artery), મધ્ય મસ્તિષ્ક ધમની (middle cerebral artery) અને પશ્ચસ્થ યુગ્મક ધમની (posterior communiating artery) – એમ ત્રણ શાખાઓ ધરાવે છે. ડાબી પશ્ચસ્થ યુગ્મક ધમની ડાબી પશ્ચસ્થ મસ્તિષ્ક ધમની સાથે અને જમણી પશ્ચસ્થ યુગ્મક ધમની જમણી પશ્ચસ્થ મસ્તિષ્ક ધમની સાથે જોડાય છે. બંને અગ્રસ્થ મસ્તિષ્ક ધમનીઓ પોતાની એક શાખા – અગ્રસ્થ યુગ્મક ધમની વડે જોડાયેલી હોય છે. આમ મગજની નીચલી સપાટી પર અગ્રસ્થ યુગ્મક ધમની, ડાબી અને જમણી અગ્રસ્થ મસ્તિષ્ક ધમનીઓ, ડાબી અને જમણી પશ્ચસ્થ યુગ્મક ધમનીઓ અને ડાબી અને પશ્ચસ્થ મસ્તિષ્ક ધમનીઓ વડે એક ધમનીવર્તુળ બનાવે છે, જેમાં મહાધમનીની 4 શાખા-પ્રશાખાઓ લોહી પહોંચાડે છે. આ રીતે મગજના વિવિધ ભાગોને લોહી મળતું રહે અને કોઈ એક ધમનીમાં અંતર્રોધ (internal obstruction) ઉદભવે તોપણ લોહીનો પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાયેલી છે. મગજમાં ધમનીઓની શાખા-પ્રશાખાઓ કેશવાહિનીઓનાં જાળાં દ્વારા લોહી પૂરું પાડે છે. મગજની અંદર 4 પોલાણો આવેલાં છે. તેમને નિલયો (ventricles) કહે છે. તેમાં ધમનીઓના જાળાથી બનતું સંકુલ હોય છે. તેને ધમની-સંકુલ (carotid plexus) કહે છે. તેમાંથી મસ્તિષ્ક-મેરુરજ્જુ જલ(CSF)નો સ્રાવ થાય છે. મગજમાંની કેશવાહિનીઓ લઘુશિરાઓ અને શિરાઓ દ્વારા ખોપરીમાં આવેલાં શિરાવિવરો(venous sinuses)માં લોહી પરત લાવે છે. મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ પણ આ જ શિરાવિવરોમાં પાછું આવે છે. શિરાવિવરોમાંનું લોહી કંઠશિરા (jugular vein) દ્વારા હૃદય તરફ પાછું જાય છે.

ગર્ભશિશુનું રુધિરાભિસરણ (foetal circulation) : ગર્ભાવસ્થામાં રુધિરાભિસરણ અલગ પ્રકારે થાય છે, કેમ કે, ગર્ભશિશુ(foetus)નાં ફેફસાં, હૃદય અને મૂત્રપિંડ અપૂરતાં વિકસેલાં હોય છે અને તે હવામાંથી નહિ પરંતુ માતાના લોહીમાંથી ઑક્સિજન મેળવે છે. તેવી રીતે તે માતાના લોહીમાંથી જ પોતાનું પોષણ પણ મેળવે છે. તેનાં વ્યયદ્રવ્યો અને અંગારવાયુ પણ માતાના લોહી દ્વારા જ ઉત્સર્ગ પામે છે. ગર્ભશિશુ અને માતા વચ્ચે પોષક દ્રવ્યો તથા વ્યયદ્રવ્યો અને ઑક્સિજન અને કાર્બનડાયોક્સાઇડની આપલે ઑર (placenta) નામના અવયવમાં થાય છે. ગર્ભશિશુ માતાના ગર્ભાશયની અંદરની દીવાલ પર ઑર વડે જોડાયેલું હોય છે. ગર્ભશિશુની નાભિ(umbilicus)માંથી નીકળતો નાભિરજ્જુ અથવા નાળ (umbilical cord) ઑર સાથે જોડાયેલ હોય છે. તેમાં બે નાલધમની અથવા નાભિધમનીઓ (umbilical arteries) અને એક નાલશિરા અથવા નાભિશિરા (umbilical vein) હોય છે. ઑરની અંદર આ બંને પ્રકારની નસોની શાખા-પ્રશાખાઓ અને કેશવાહિનીઓ વિસ્તરેલી હોય છે. આ કેશવાહિનીઓ ઑરમાં નાભિધમની અને નાભિશિરાઓની શાખા-પ્રશાખાઓ ગર્ભપોષકાંકુરો (chorionic villi) બનાવે છે, જેમની વચ્ચેની જગ્યાને આંતર-ગર્ભપોષકાંકુર અવકાશ (intervillious space) કહે છે. તેમાં માતાનું લોહી ભરાયેલું રહે છે. નાભિ ધમનીશિરાઓ સાથે સંકળાયેલી કેશવાહિનીઓ આ આંતર-ગર્ભપોષકાંકુર અવકાશોની આસપાસ હોય છે. ગર્ભશિશુ અને માતાનું લોહી એકબીજા સાથે કદી ભળતું નથી; પરંતુ આંતર-ગર્ભપોષકાંકુર અવકાશમાંના માતાના લોહી અને કેશવાહિનીઓમાંના ગર્ભશિશુના લોહી વચ્ચે પોષક તથા વ્યય પામેલાં દ્રવ્યો તેમજ ઑક્સિજન-કાર્બનડાયોક્સાઇડની આપલે થાય છે.

આમ નાભિધમનીમાં વ્યયદ્રવ્ય અને અંગારવાયુવાળું અને નાભિશિરામાં પોષકદ્રવ્ય અને ઑક્સિજનવાળું લોહી હોય છે. નાભિશિરા યકૃતમાં જાય છે અને તેમાંથી નીકળતી શિરાઓ યકૃતની પેશીને પોષણ-ઑક્સિજન આપે છે તથા એક નિવાહિકા શિરા સાથે જોડાય છે, જે અધ:મહાશિરા (inferior vena cava) સાથે જોડાય છે. નાભિશિરાની મુખ્ય શાખા શિરાનલિકા (ductus venous) છે. તે નાભિશિરામાંના મોટા ભાગના લોહીનું વહન કરે છે; જે પોષક દ્રવ્યો અને ઑક્સિજનનું વહન કરે છે. શિરાનલિકા પણ અધ:મહાશિરા સાથે જોડાય છે. અધ:મહાશિરામાં પેટ તથા પગમાંથી પણ પાછું ફરતું લોહી આવે છે, જે વ્યયદ્રવ્યો અને અંગારવાયુવાળું હોય છે. આમ હૃદય પાસે પહોંચતી અધ:મહાશિરામાં મિશ્ર લોહી હોય છે. (1) નાભિશિરામાંથી શિરાનલિકા દ્વારા આવતું પોષક દ્રવ્ય અને ઑક્સિજનયુક્ત લોહી તથા (2) પગ, પેટ અને યકૃતમાંથી આવતું વ્યયદ્રવ્ય અને કાર્બનડાયોક્સાઇડયુક્ત લોહી. આમ બંને પ્રકારનું લોહી હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે. જમણા કર્ણકમાં માથું, ડોક અને હાથમાંથી પણ આવતું વ્યયદ્રવ્યો અને અંગારવાયુયુક્ત લોહી ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) દ્વારા આવે છે. આવું સંમિશ્રિત લોહી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે છે. ડાબા અને જમણા કર્ણક વચ્ચેના પડદામાં એક લંબગોળ છિદ્ર (foramen ovale) હોય છે. થોડુંક લોહી જમણા કર્ણકમાંથી ડાબા કર્ણકમાં લંબગોળ છિદ્ર(foramen ovale)માં થઈને જતું રહે છે. જમણા ક્ષેપકમાંથી ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની(pulmonary trunk)માંથી નાની ફુપ્ફુસીય (ફેફસી) ધમનીઓ નીકળે છે, જે ફેફસામાં જાય છે. જ્યારે મોટા ભાગનું લોહી ધમનીનલિકા (ductus arteriosus) નામની નળી દ્વારા મહાધમની (aorta) સાથે જોડાય છે; જે સંમિશ્રિત લોહીને લાવે છે. ફેફસાંમાંથી પાછું આવતું વ્યયદ્રવ્ય અને અંગારવાયુયુક્ત લોહી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં થઈને મહાધમનીમાં આવે છે. આમ મહાધમનીમાં ડાબા ક્ષેપકમાંનું વ્યયદ્રવ્ય અને અંગારવાયુયુક્ત લોહી તથા ધમનીનલિકામાંનું પોષકદ્રવ્ય અને વ્યયદ્રવ્ય તથા ઑક્સિજન અને કાર્બનડાયોક્સાઇડયુક્ત સંમિશ્રિત લોહી ભેગું થાય છે જે માથું, ડોક તથા હાથ તેમજ પગ, છાતી તથા પેટમાં પરિભ્રમણ કરે છે અને અનુક્રમે ઊર્ધ્વ અને અધ:મહાશિરાઓ દ્વારા વ્યયદ્રવ્ય અને અંગારવાયુવાળું બનીને હૃદય તરફ ગતિ કરે છે. મહાધમની પેટમાં નીચે ડાબી અને જમણી સામાન્ય નિતંબપત્રી ધમનીઓ(common iliac artery)માં દ્વિભાજિત થાય છે. સામાન્ય નિતંબપત્રી ધમની પણ બે પ્રમુખ ધમનીઓમાં વિભાજિત થાય છે. બાહ્ય નિતંબપત્રી ધમની (external iliac artery) જે પગને લોહી પહોંચાડે છે અને અંત:નિતંબપત્રી ધમની (internal iliac artery) જે શ્રોણી ગુહા(pelvic cavity)ના અવયવોને લોહી પહોંચાડે છે. તેની એક શાખા નાભિધમની છે. આમ ડાબી અને જમણી અંત:નિતંબપત્રી ધમનીઓમાંથી નીકળતી બે નાભિધમનીઓ ગર્ભનાળમાં થઈને ઑરમાં પ્રવેશે છે. પુખ્ત વયના રુધિરાભિસરણ કરતાં ગર્ભશિશુનું રુધિરાભિસરણ ઘણું અલગ પડે છે. જન્મ સમયે ફેફસાં ફૂલે છે અને શ્વસનક્રિયા શરૂ થાય છે. વળી માતા સાથે જોડાતી નાભિધમની અને નાભિશિરા કપાઈ જાય છે. તેથી શિરાનલિકા અને ધમનીનલિકા અપક્ષીણ (atrophy) થઈને રજ્જુ બને છે. તેમને અનુક્રમે શિરાતંતુબંધ (ligamentum venosum) અને ધમનીતંતુબંધ (ligamentum arterious) કહે છે. બંને કર્ણક વચ્ચેના આંતરકર્ણકીય પટલ(interatrial septum)માંનું લંબગોળ છિદ્ર પણ બંધ થાય છે. તે સ્થાને જમણા કર્ણકમાં એક નાના ખાડા જેવો ભાગ બને છે. તેને લંબગોળ આકૂપ (fossa ovalis) કહે છે. જો ધમનીનલિકા કે લંબગોળ છિદ્ર બંધ થવાને બદલે ખુલ્લાં રહી જાય તો તે જન્મજાત વિકૃતિઓ સર્જે છે. જેમાં ઑક્સિજનયુક્ત અને કાર્બનડાયોક્સાઇડયુક્ત લોહી ભેગાં થાય તો હોઠ-નખ વગેરે ભૂરાં થાય તેવો નીલિમા(cyanosis)નો વિકાર થાય છે.

રુધિરાભિસરણ સંકેતો (indicators of circulation) : નાડીનો ધબકાર (pulse) અને લોહીનું દબાણ એ બે મુખ્ય શરીરતપાસમાં સહેલાઈથી જાણી શકાય તેવા રુધિરાભિસરણની સ્થિતિ દર્શાવતા સંકેતો છે. ધમનીઓ શરીરની અંદર અને શિરાઓ અંદર તથા સપાટી પાસે પણ હોય છે. ધમની જ્યારે ચામડીની નીચે અને કોઈ હાડકાની ઉપરથી પસાર થતી હોય ત્યારે તેમાંના ધબકારને સ્પર્શ કરીને અનુભવી તેમજ જાણી શકાય છે. તેને નાડીનો ધબકાર (pulse) કહે છે. તેના ઉછાળનું કદ, ધમનીની દીવાલ પર ઉદભવતો તણાવ તથા મિનિટમાં થતાં તેનાં આવર્તનોનો દર (નાડીદર, pulse rate) તથા નિયમિતતા વગેરે જાણી શકાય છે. સામાન્ય રીતે લમણામાં, ડોકમાં, કોણી પાસે, કાંડા પાસે, ઢીંચણની પાછળ, ઘૂંટી પાસે તથા પાદ(foot)ની ઉપરની સપાટી પર નાડીના ધબકારા નોંધી શકાય છે. તેમને અનુક્રમે ગંડધમનીય (temporal), શીર્ષધમનીય (carotid), ઊર્ધ્વબાહવી (branchial), અગ્રભુજા ધમની (radial artery), પશ્ચજાહ્ન્વી (popliteal), પશ્ચસ્થ નલાધમનીય (posferior tibial) તથા પૃષ્ઠપાદીય (dorsalis pedis) નામની નાડીના ધબકારા કહે છે. જે-તે વિસ્તારની નાડી, જે-તે વિસ્તારના રુધિરાભિસરણની દ્યોતક છે. ડોકમાં કંઠશિરા (jugular vein) છે, તેમાં હૃદયના કર્ણકમાંના અને છાતીમાંના શ્વસનક્રિયા વખતના દબાણતફાવતો તરંગો સર્જે છે. તેને શિરાનાડી (venous pulse) કહે છે. સામાન્ય રીતે હૃદયના ધબકારાનો દર અને નાડીના ધબકારાનો દર એકસરખો હોય છે. તેમાં તફાવત પડે તો તે કોઈ વિકાર સૂચવે છે.

લોહીનું દબાણ જાળવવામાં હૃદયના સંકોચનનું બળ, એકમ-બહિ:ક્ષેપનું કદ (stroke volume), પરિઘીય નસો દ્વારા ઉદભવતો અવરોધ (peripheral resistance), નસોમાંના લોહીનું કદ, લોહીની શ્યાનતા (viscosity) વગેરે પરિબળો સક્રિય હોય છે. મહાધમની (aorta) અને શીર્ષધમની વિવર(carotid sinus)માં દાબ-સ્વીકારકો (pressure receptors) હોય છે. તેવી જ રીતે મહાધમની અને શીર્ષધમની વિવરમાં રાસાયણિક સંવેદના સ્વીકારકો (chemo-receptors) હોય છે; જેમને અનુક્રમે મહાધમની-પિંડિકા (aortic body) અને શીર્ષધમની-પિંડિકા (carotid body) કહે છે. તે બંને પ્રકારના સંવેદના-સ્વીકારકો (receptors) અનુક્રમે લોહીના દબાણ તથા તેમાંના ઑક્સિજન, કાર્બનડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયનોની સાંદ્રતા અંગેની માહિતી મગજમાં પહોંચાડે છે. આ માહિતી લંબમજ્જા (medula oblongata) અને મજ્જાસેતુ નામના મગજના ભાગોમાં આવેલાં ચેતાકેન્દ્રો(nuclei)માં જાય છે. 3 પ્રકારનાં ચેતાકેન્દ્રો છે – હૃદ્-નિગ્રહક (cardioinhibitory), હૃદ્-પ્રવેગક (cardio-accelarator) અને વાહિનીપ્રેરક (vasomotor) ચેતાકેન્દ્રો. હૃદ્-નિગ્રહક ચેતાકેન્દ્ર હૃદયના ધબકારાના દર અને સંકોચનના બળને ઘટાડે છે. હૃદ્પ્રેરક ચેતાકેન્દ્ર હૃદયના ધબકારાના દર અને સંકોચનના બળને વધારે છે. જ્યારે વાહિનીપ્રેરક ચેતાકેન્દ્ર ધમનિકાઓના પોલાણના વ્યાસનું નિયમન કરીને પરિઘીય અવરોધમાં વધઘટ કરે છે. હૃદયના ધબકારાનો દર અને સંકોચનબળ વધે તથા પરિઘીય અવરોધ વધે ત્યારે લોહીનું દબાણ પણ વધે છે. જ્યારે તેનાથી વિપરીત સ્થિતિમાં લોહીનું દબાણ ઘટે છે. આમ સંવેદના-સ્વીકારકોમાંથી આવતા સંદેશા અને તેના પ્રતિભાવ રૂપે ચેતાકેન્દ્રોનું ઉત્તેજન કે નિગ્રહન (inhibition) લોહીના દબાણનું નિયમન કરે છે. આ ઉપરાંત મોટા મગજના લાગણી સાથે સંબંધિત વિસ્તારો પણ લોહીના દબાણના નિયમનને અસર કરે છે. એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન તથા એન્જિયોટેન્સિન-II જેવાં રસાયણો નસોનું સંકોચન કરીને લોહીનું દબાણ વધારે છે. પેશીમાં ઈજા કે ચેપ લાગે ત્યારે તેના પ્રતિભાવ રૂપે લોહીના શ્વેતકોષો તથા પેશીમાંના કોષોમાંથી કેટલાંક કોષગતિક રસાયણો (cytokines) મુક્ત થાય છે, જેઓ સ્થાનિક નસોને પહોળી કરે છે અને ત્યાંનું રુધિરાભિસરણ વધારે છે. તેથી તે સ્થળે પીડાકારક સોજો થાય છે. તેને શોથ (inflammation) કહે છે. આવું બહારથી શેક કરતી વખતે પણ થાય છે. તેનાથી વિપરીત શરીરનો જે-તે ભાગ અતિશય ઠંડી વસ્તુ કે વાતાવરણના સંસર્ગમાં આવે તો ત્યાંની ધમનિકાઓ સંકોચાય છે. આમ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે પણ લોહીના દબાણ અને રુધિરાભિસરણનું સ્થાનિક નિયમન (local control) થાય છે. તેને સ્વત:નિયમન (autoregulation) પણ કહે છે.

રુધિરભંડાર (blood reservoirs) : હૃદયવાહિનીતંત્રમાંનું 59 % લોહી શિરાઓ, લઘુશિરાઓ અને શિરાવિવરોમાં હોય છે. બરોળમાંની વિવરિકાઓ(વિવરાભો, sinusoid)માં પણ ઘણું લોહી ભરાયેલું હોય છે. આ બધા વિસ્તારોને રુધિરભંડાર કહે છે, જે શરીરની બહાર લોહી વહી જાય કે લોહીનું દબાણ ઘટે ત્યારે હૃદયવાહિનીતંત્રમાં લોહીનું પરિભ્રમણ વધારવા માટે ઉપયોગી રહે છે.

વાહિની નામાભિધાન (nomenclature of vessels) : મોટા ભાગે નસોનાં નામ અવયવ, અંગ કે હાડકાનાં નામ પરથી પાડવામાં આવેલા છે. તેમને ધમનીતંત્ર (arterial system) તથા શિરાતંત્ર(venous system)ને નામે સંયુક્ત રીતે ઓળખવામાં આવે છે.

ધમનીતંત્ર (arterial system) : હૃદયના ડાબા ક્ષેપકમાંથી મહાધમની (aorta) નીકળે છે, જેના મુખ્ય 3 ભાગ છે : આરોહી (ascending), કમાન અથવા ધનુષકારી (arch) અને અવરોહી (descending). આરોહી ધમનીમાંથી જમણી અને ડાબી મુકુટ-ધમનીઓ (coronary arteries) ઉદભવે છે. ડાબી મુકુટધમનીમાંથી અગ્રસ્થ અવરોહી (anterior descending) અથવા અગ્રસ્થ આંતરક્ષેપકીય (anterior interventricular) શાખા તથા વલયવર્તી શાખા (circumflex branch); જમણી મુકુટધમનીમાંથી પશ્ચસ્થ આંતરક્ષેપકીય (posterior intervertebral) અને કિનારીગત (marginal) શાખાઓ નીકળે છે.

મહાધમનીની કમાન અથવા મહાધમનીના ધનુરાકારી ભાગ(arch of aorta)માંથી 3 ધમનીઓ નીકળે છે : બાહુશીર્ષી ધમની (bracheocephalic artery), ડાબી સામાન્ય શીર્ષધમની (left common carotid artery) તથા ડાબી અવજત્રુકીય ધમની (left sub-clavian artery). બાહુશીર્ષી ધમનીની બે મુખ્ય શાખાઓ છે : જમણી અવજત્રુકીય ધમની (right subclavian artery) અને જમણી સામાન્ય શીર્ષધમની (right common carotid artery). જમણી અવજત્રુકીય ધમનીમાંથી જમણી કરોડસ્તંભીય ધમની (right vertebral artery) નામની શાખા નીકળે છે અને તે પોતે જમણી બાહુકક્ષીય ધમની (auxillary artery) તરીકે જમણી બગલ અથવા બાહુકક્ષ(axilla)માં પ્રવેશે છે. તેવી રીતે ડાબી અવજત્રુકીય ધમની પણ ડાબી કરોડસ્તંભીય ધમની નામની શાખા આપ્યા પછી ડાબી બાહુકક્ષીય ધમની (left auxillary artery) તરીકે ડાબી બગલમાં આગળ વધે છે.

બંને સામાન્ય શીર્ષધમનીઓ ડોકમાં દ્વિભાજિત થઈને બાહ્ય શીર્ષ-ધમની (external carotid artery) અને અંત:શીર્ષધમની (internal carotid artery) – એમ બે શાખાઓ બનાવે છે. બાહ્ય શીર્ષધમની ચહેરા તથા ખોપરીના બહારના ભાગને લોહી પહોંચાડે છે જ્યારે અંત:શીર્ષધમની ખોપરીના પોલાણમાં પ્રવેશીને અગ્રસ્થ મસ્તિષ્ક ધમની (anterior cerebral artery), મધ્ય મસ્તિષ્ક ધમની (middle cerebral artery) તથા પશ્ચસ્થ યુગ્મક ધમની (posterior communicating artery) – એમ 3 પ્રમુખ શાખાઓ આપે છે; જે અનુક્રમે મોટા મગજનો આગળનો ભાગ તથા આંખને, મોટા મગજનો વચલો ભાગ તથા ખોપરીના પાછળના ભાગમાં આવેલી ધમનીઓને લોહી પૂરું પાડે છે.

બંને કરોડસ્તંભીય ધમનીઓ (vertebral arteries) ડોકના ઉપલા મણકાઓમાં થઈને ખોપરીના પાછલા ભાગમાં પ્રવેશે છે અને લંબમજ્જા (medulla oblongata) નામના મગજના ભાગની આગળ જોડાઈને કર્પરતલીય ધમની (basilar artery) બનાવે છે. તે મગજની નીચલી સપાટીએ દ્વિભાજિત થઈને ડાબી અને જમણી પશ્ચસ્થ મસ્તિષ્ક ધમનીઓ (posterior cerebral arteries) બનાવે છે અને મોટા મગજના પાછલા ભાગ તથા નાના મગજના અમુક ભાગને લોહી પહોંચાડે છે. તે પશ્ચસ્થ યુગ્મક ધમની સાથે જોડાય છે. કરોડસ્તંભીય ધમનીઓ અને કર્પરતલીય ધમનીની શાખાઓ લંબમજ્જા, મજ્જાસેતુ (pons), મધ્યમસ્તિષ્ક (midbrain) તથા નાનું મગજ વગેરે મગજના ભાગોને શાખા-પ્રશાખાઓ દ્વારા લોહી પહોંચાડે છે. બંને અગ્રસ્થ મસ્તિષ્ક ધમનીઓ એકબીજા સાથે અગ્રસ્થ યુગ્મક ધમની (anterior communicating artery) વડે જોડાયેલી છે. આમ મગજની નીચલી સપાટી પર અગ્રસ્થ અને મધ્ય મસ્તિષ્ક ધમનીઓ અગ્રસ્થ અને પશ્ચસ્થ યુગ્મક ધમનીઓ તથા પશ્ચસ્થ મસ્તિષ્ક ધમનીઓ દ્વારા એક ધમનીવર્તુળ બને છે, જેને વિલિસનું ધમનીવર્તુળ (circle of Willis) કહે છે, જે મગજના બધા ભાગોને સતત લોહી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

ડાબી અને જમણી અવજત્રુકીય ધમનીઓ (subclavian arteries) ડાબા અને જમણા હાથ (ઊર્ધ્વગાત્ર, upper limb) તરફ જાય છે. સૌપ્રથમ તે બાહુકક્ષીય ધમની (axillary artery) રૂપે બગલમાં પ્રવેશે છે અને બાહુ(upper arm)માં બાહુધમની(brachial artery)ના નામે કોણીના સાંધાની આગળના ભાગ સુધી લંબાય છે. તેની શાખા-પ્રશાખાઓ ખભો તથા બાહુને લોહી પહોંચાડે છે. કોણીથી સહેજ આગળ વધીને તેનું દ્વિભાજન થાય છે –  ભુજાધમની અથવા અરીય ધમની (radial artery) અને અનુભુજા ધમની અથવા અનુઅરીય ધમની (ulnar artery), ભુજાધમની અંગૂઠા બાજુ પર અને અનુભુજા ધમની ટચલી આંગળી પર હોય છે. બંને ધમનીઓની શાખા-પ્રશાખાઓ ભુજા(fore arm)ને લોહી પહોંચાડે છે અને છેલ્લે 2 હસ્તતલીય ધમનીકમાનો અથવા હસ્તતલીય ધમની ધનુષો (palmar arches) બનાવે છે. તેમને સપાટીગત અથવા ગાધ હસ્તતલીય ધમનીધનુષ (superficial palmar arch) અને ઊંડી અથવા અગાધ હસ્તતલીય ધમનીધનુષ (deep palmar arch) કહે છે. તેમાંથી અંગૂઠો અને આંગળીઓની ધમનીઓ નીકળે છે.

મહાધમનીના ત્રીજા ભાગને અવરોહી મહાધમની (descending aorta) કહે છે. તેના છાતીમાંના ભાગને વક્ષીય અથવા ઊરીય મહાધમની (thoracic aorta) અને પેટના ભાગને ઉદરીય મહાધમની (abdominal aorta) કહે છે. વક્ષીય અથવા ઉરીય મહાધમની પીઠના કરોડસ્તંભના 4થા મણકાથી 12મા મણકા સુધી હોય છે. તે છાતી અને પેટની વચ્ચેના પડદા–ઊરોદરપટલ(thoraco abdominal diaphragm)ને પસાર કરીને પેટમાં પ્રવેશે એટલે તેને ઉદરીય મહાધમની કહે છે.

વક્ષીય અથવા ઉરીય મહાધમનીની શાખાઓ 2 ભાગમાં વહેંચાય છે : અવયવી (visceral) અને પરિઘીય (parietal). તે એક જમણી અને 2 ડાબી શ્વસનિકા ધમનીઓ (bronchial arteries) આપે છે, જે અનુક્રમે જમણા અને ડાબા ફેફસામાં શ્વસનનલિકાની શાખા-પ્રશાખાઓ સાથે ફેલાઈને ફેફસાની પેશીને પોષણ અને ઑક્સિજન પૂરો પાડે છે. આ ઉપરાંત તેની ઘણી ઝીણી શાખાઓ હૃદયના બહારના આવરણ પરિહૃદ્કલા(pericardium)ને
4–5 અન્નનળીલક્ષી શાખાઓ અન્નનળીને તથા અનેક નાની મધ્યવક્ષીય અથવા મધ્યોરીય (mediastinal) શાખાઓ બે ફેફસાંની વચ્ચેની અને પાછળના ભાગની જગ્યામાંની વિવિધ સંરચનાઓને લોહી પહોંચાડે છે. વક્ષીય અથવા ઉરીય મહાધમનીની પરિઘીય શાખાઓ પાંસળીઓ, પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓ તથા ઊરોદરપટલને લોહી પહોંચાડે છે. બે પાંસળીઓ વચ્ચેની જગ્યામાંની ધમનીઓને પશ્ચસ્થ આંતરપર્શૂકા ધમનીઓ (posterior intercostal arteries) કહે છે. આ ઉપરાંત ડાબી અને જમણી પર્શૂકાપરક ધમનીઓ (costal arteries) પણ પશ્ચસ્થ આંતરપર્શૂકા ધમનીઓની માફક લોહી આપે છે. નાની ઊર્ધ્વ ઊરોદરપટલીય ધમનીઓ (superior phrenic arteries) ઊરોદરપટલની ઉપરની સપાટીને લોહી પહોંચાડે છે.

ઉદરીય મહાધમની (abdominal aorta) પેટના પોલાણમાં પાછળના ભાગમાં હોય છે અને ઊરોદરપટલથી (12મા પીઠના મણકાથી) ચોથા કટીય મણિકા (lumbar-vertebra) સુધી લંબાય છે. તે પણ અવયવી અને પરિઘીય શાખાઓ આપે છે. તેની પરિઘીય શાખાઓમાંની અધ:ઊરોદરપટલીય ધમની (inferior phrenic artery) ઊરોદરપટલને નીચેથી લોહી પૂરું પાડે છે. અન્ય બે જૂથની પરિઘીય ધમનીઓમાં કટીય ધમનીઓ (lumbar arteries) અને મધ્યત્રિકાસ્થી ધમની(middle sacral artery)નો સમાવેશ થાય છે, જે અનુક્રમે કટિપ્રદેશના કરોડરજ્જુ અને તેનાં આવરણો, સ્નાયુઓ અને ચામડીને તથા ત્રિકાસ્થિ-અનુત્રિકાસ્થિ(coccyx)ના વિસ્તારનાં હાડકાં, સ્નાયુઓ, મળાશય તથા અન્ય પેશીઓને લોહી પૂરું પાડે છે.

ઉદરીય મહાધમનીની અવયવી શાખાઓમાં ઉદરગુહાલક્ષી (coeliac), ઊર્ધ્વ આંત્રપટીય (superior mesenteric), વામ અને સવ્ય અધિવૃક્કીય (suprarenal), ડાબી અને જમણી મૂત્રપિંડીય, ડાબી અને જમણી જનનગ્રંથીય (gonadal) એટલે કે વૃષણીય (testi-cular) અથવા અંડપિંડીય (ovarian) તથા અધ:આંત્રપટીય (inferior mesenteric) – એમ કુલ 9 પ્રમુખ અવયવી ધમનીઓનો સમાવેશ થાય છે. ઉદરગુહાલક્ષી ધમની તથા ઊર્ધ્વ અને અધ: આંત્રપટીય ધમનીઓની જોડ નથી જ્યારે અધિવૃક્કીય ધમનીઓ, મૂત્રપિંડીય ધમનીઓ તથા જનનપિંડીય (વૃષણીય કે અંડપિંડીય) ધમનીઓ જોડમાં – એક ડાબી અને એક જમણી હોય છે.

ઉદરગુહાલક્ષી ધમની (coeliac artery) પેટમાંની પ્રથમ શાખા છે અને 3 પ્રમુખ શાખાઓ આપે છે  યકૃત ધમની (hepatic artery), ડાબી જઠરધમની (left gastric artery) અને સ્પ્લીહા ધમની (splenic artery). યકૃત ધમની યકૃતને, ડાબી જઠરધમની જઠરને તથા સ્પ્લીહા ધમની સ્પ્લીહા (બરોળ, spleen), સ્વાદુપિંડ (pancreas) તથા જઠરને લોહી પૂરું પાડે છે. બીજી પ્રમુખ શાખા છે ઊર્ધ્વ આંત્રપટીય ધમની (superior mesenteric artery), જે મુખ્યત્વે નાના આંતરડાને તેમજ અમુક અંશે મોટા આંતરડાને લોહી પૂરું પાડે છે. ડાબી અને જમણી અધિવૃક્ક ધમનીઓ (suprarenal arteries) જે તે તરફની અધિવૃક્કગ્રંથિ(adrenal અથવા suprarenal gland)ને, ડાબી અને જમણી મૂત્રપિંડીય ધમનીઓ જે તે તરફના મૂત્રપિંડને તથા ડાબી અને જમણી જનનપિંડીય (gonadal arteries) જે તે તરફના જનનપિંડને લોહી પૂરું પાડે છે. પુરુષોના જનનપિંડને વૃષણ (testis) કહે છે, જ્યારે સ્ત્રીઓના જનનપિંડને અંડપિંડ (ovary) કહે છે. માટે તેમની ધમનીઓને અનુક્રમે ડાબી અને જમણી વૃષણીય કે અંડપિંડી ધમનીઓ કહે છે. અધ:આંત્રપટીય ધમની મોટા ભાગના મોટા આંતરડા તથા મળાશયને લોહી પહોંચાડે  છે.

ઉદરીય મહાધમની ચોથા કટીય મણિકા (lumbar vertebra) આગળ ડાબી અને જમણી સામાન્ય નિતંબપત્રીય ધમનીઓ(common iliac arteries)માં દ્વિભાજન પામે છે. તેઓ 5 સેમી. જેટલી લંબાય છે અને અંત:નિતંબપત્રી ધમની (internal iliac artery) અથવા અધ:ઉદરીય ધમની (hypogastric artery) નામની શાખા તથા બાહ્ય નિતંબપત્રી ધમની (external iliac artery) નામની બીજી શાખા – એમ બે શાખાઓમાં દ્વિભાજિત થાય છે.

ડાબી અને જમણી અંત:નિતંબપત્રી ધમનીઓ (internal iliac artery) મૂત્રાશય, મળાશય, પુર:સ્થગ્રંથિ (prostate gland), ગર્ભાશય, યોનિ (vagina) તથા કેડની અંદરના અને જાંઘની મધ્યરેખા તરફના સ્નાયુઓને લોહી પૂરું પાડે છે. ડાબી અને જમણી બાહ્ય નિતંબપત્રી ધમનીઓ (external iliac arteries) ઊરુપ્રદેશીય તંતુબંધ (inguinal ligament) સુધી લંબાઈને પગમાં (જાંઘમાં) પ્રવેશે છે જ્યાં તેને જંઘાધમની (femoral artery) કહે છે.

જાંઘમાંની જંઘાધમની (femoral artery) જાંઘના સ્નાયુઓને લોહી પહોંચાડે છે. તે આગળ વધીને ઢીંચણની પાછળના પશ્ચજાહ્ન્વી આકૂપ(popliteal fossa)માં પ્રવેશે છે, જ્યાં તેને પશ્ચજાહ્ન્વી ધમની (popliteal ધમની) કહે છે. તે નળા (leg) પિન્ડી(calf)ના ભાગમાં (ઢીંચણથી ઘૂંટી સુધીનો પગનો ભાગ) સ્નાયુઓથી ઢંકાઈને પશ્ચ નલાધમની (posterior tibial artery) તરીકે આગળ વધે છે. તેમાંથી અનુનલા ધમની (peroneal artery) નામની શાખા નીકળે છે. જે અનુનલાસ્થિ (fibula) અને પાનીના હાડકાને લોહી પહોંચાડે છે, જંઘાધમની, પશ્ચજાહ્ન્વી ધમની, પશ્ચનલા ધમની તથા અનુનલા ધમની નજીકનાં હાડકાં, સ્નાયુઓ તથા અન્ય પેશીને લોહી પૂરું પાડે છે.

પશ્ચજાહ્ન્વી ધમની (popliteal artery) પશ્ચનલા ધમની (posterior tibial artery) તરીકે આગળ વધે તે પહેલાં અગ્રસ્થ નલાધમની (anterior tibial artery) નામની શાખા આપે છે. તે ઘૂંટીના સાંધાની આગળ થઈને પાદની ઉપરની સપાટી પર પાદપૃષ્ઠીય ધમની (dorsalis pedis artery) નામે પાદ(foot)ની ઉપરની સપાટીને લોહી પહોંચાડે છે. પાદતલ(sole)ને લોહી પહોંચાડવા પશ્ચનલા ધમનીનું દ્વિભાજન થાય છે અને મધ્યવર્તી (medial) અને પાર્શ્વવર્તી (lateral) પાદતલ ધમનીઓ (plantar arteries) બને છે. મધ્યવર્તી પાદતલ ધમની અંગૂઠા તરફ અને પાર્શ્વવર્તી પાદતલ ધમની નાની આંગળી તરફ હોય છે. તેઓ પણ પાદતલીય ધમની કમાન અથવા પાદતલીય ધમની ધનુષ (planter arch) બનાવે છે.

પગની જાંઘ(thigh)ને જંઘાધમની, નલાવાળા ભાગ(leg)ને પશ્ચનલા ધમની અને અનુનલા ધમની તથા પાદ(foot)ને પાદપૃષ્ઠીય તેમજ મધ્યવર્તી અને પાર્શ્ર્વવર્તી પાદતલ ધમનીઓ લોહી પહોંચાડે છે.

જમણા ક્ષેપકમાંથી નીકળતી ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની (pulmonary trunk) ડાબી અને જમણી ફુપ્ફુસીય (ફેફસી) ધમનીઓ (pulmonary arteries) થઈને જે તે ફેફસામાં જાય છે.

શિરાતંત્ર (venous system) : શરીરમાંથી હૃદય તરફ લોહી લાવતી નસોને શિરાઓ કહે છે. કેશવાહિનીઓમાંથી લોહી લઘુશિરાઓ(venules)માં જાય છે. અનેક લઘુશિરાઓ કોઈ એક શિરા(vein)ની પ્રદાનિકાઓ(tributaries) હોય છે, જેઓ તે શિરામાં લોહી ઠાલવે છે. શરીરમાંની વિવિધ શિરાઓ ક્રમશ: પોતાનાથી મોટી શિરાની પ્રદાનિકા બને છે અને અંતે બધી શિરાઓ 2 મહાશિરાઓ (vena cava) અધ: (interior) અને ઊર્ધ્વ (superior) – ની પ્રદાનિકાઓ બને છે. જેમ નાનાં ઝરણાં નાની નદીઓને તથા નાની નદીઓ મોટી નદીઓની પ્રદાનિકાઓ (tributaries) બનીને પાણીનો પ્રવાહ ચાલુ રાખે છે તેમ લઘુશિરાઓ, નાની શિરાઓ, મોટી શિરાઓ અને મહાશિરાઓ લોહીના પ્રવાહને હૃદય તરફ લઈ જાય છે.

હૃદયના જમણા કર્ણકમાં શરીરની બે મોટી શિરાઓ ઊર્ધ્વ મહાશિરા અને અધ:મહાશિરા ખૂલે છે. ઊર્ધ્વ મહાશિરા ડોક, માથા અને હાથ(ઊર્ધ્વગાત્ર, upper limb)માંથી અને અધ:મહાશિરા છાતી, પેટ અને પગ(અધ:ગાત્ર, lower limb)માંથી લોહી હૃદયમાં ઠાલવે છે. હૃદયની દીવાલમાંથી પાછું ફરતું લોહી મુકુટીય શિરાવિવર(coronary sinus)માં એકઠું થઈને જમણા કર્ણકમાં સીધું એક છિદ્ર દ્વારા ઠલવાય છે. બંને ફેફસાંમાં ઑક્સિજનયુક્ત થયા પછી પાછું ફરતું લોહી 4 ફુપ્ફુસીય (ફેફસી) શિરાઓ (pulmonary veins) દ્વારા ડાબા કર્ણકમાં આવે છે.

મગજમાંની શિરાઓનું લોહી ખોપરીની અંદર અને મગજની સપાટી પર આવેલા શિરાવિવરો(venous sinuses)માં એકઠું થાય છે. સાત શિરાવિવરો મુખ્ય છે. ઊર્ધ્વ અગ્રાનુપશ્ચ શિરાવિવર (superior sagittal sinus), અધ: અગ્રાનુપશ્ચ શિરાવિવર (inferior sagittal sinus), સરલ શિરાવિવર (straight sinus), ડાબા અને જમણા પાર્શ્વ શિરાવિવરો (lateral અથવા transverse sinuses) તથા ડાબા અને જમણા અવગ્રહાકાર શિરાવિવરો (sigmoid sinuses). આ શિરાવિવરો એકબીજાથી જોડાઈને ડાબા કે જમણા અવગ્રહાકાર શિરાવિવરમાં ખૂલે છે, જે ખોપરીની બહાર લંબાઈને અંત:કંઠશિરા (internal jugular vein) બનાવે છે. અંત:કંઠશિરામાં ચહેરા અને ડોકની શિરાઓ પણ ખૂલે છે. તે નીચે તરફ સરકીને જત્રુકાસ્થિ (clavicle) એટલે કે હાંસડીના હાડકા(collar bone)ની પાછળ અવજત્રુક શિરા (subclavian vein) સાથે જોડાય છે અને બાહુશીર્ષીય શિરા (brachiocephalic vein) બનાવે છે.

ચહેરાના સ્નાયુઓ, લાળગ્રંથિઓ, માથા પરનું શીર્ષચર્મ (scalp) વગેરેમાંનું લોહી બાહ્ય કંઠશિરા (external jugular vein) દ્વારા એકઠું થઈને અવજત્રુક શિરામાં ભળે છે.

અવજત્રુક શિરા ઉપરના ગાત્ર(હાથ)માંથી લોહી લાવે છે. ઉપરના ગાત્રની શિરાઓને બે ભાગમાં વહેંચાય છે : સપાટીગત અથવા ગાધ શિરાઓ (superficial veins) અને ઊંડી અથવા અગાધ શિરાઓ (deep veins). ગાધ શિરાઓ 3 જૂથમાં વહેંચાયેલી છે : શીર્ષલો (cephalics), તલવર્તિકાઓ (basalics) અને મધ્યક અગ્ર બાહવીઓ (median antibrachials). હાથના પંજાના પૃષ્ઠભાગમાં હસ્તપૃષ્ઠ શિરાકમાન અથવા હસ્તપૃષ્ઠ શિરાધનુષ (dorsal arch) બનાવતી શિરા હસ્તમાંથી લોહી એકઠું કરીને અગ્રભુજા(forearm)ના અંગૂઠા તરફની કિનારી પર રહીને કોણી તરફ જાય છે, ત્યારે તેને શીર્ષલ શિરા (cephalic vein) કહે છે. હસ્તપૃષ્ઠ શિરાકમાન(શિરાધનુષ)-માંથી નીકળીને નાની આંગળી તરફની અગ્રભુજાની કિનારી પર કોણી તરફ જતી શિરાને તલવર્તિકા શિરા (basalic vein) કહે છે. શીર્ષલ શિરા અને તલવર્તિકા શિરાઓ મધ્યક કોણિફ શિરા (median cubital vein) દ્વારા એકબીજી સાથે જોડાય છે; પરંતુ સાથે સાથે તે કોણી ઉપરના બાહુના ભાગમાં ઉપર તરફ આગળ જાય છે. કોણીથી સહેજ નીચે અતિરિક્ત શીર્ષલ શિરા (accessary cephalic vein) પણ શીર્ષલ શિરા સાથે જોડાય છે. તલવર્તિકા અને મધ્યક કોણિફ શિરાઓ જોડાઈને બાહુકક્ષીય શિરા (axillary vein) બનાવે છે.

હાથમાંની ઊંડી અથવા અગાધ (deep) શિરાઓને 3 જૂથોમાં વહેંચાય છે : અગ્રભુજા(fore arm)માં અંગૂઠા તરફના ભાગમાં અગ્રભુજા શિરાઓ (radial veins), આંગળી તરફના ભાગમાં અનુઅગ્રભુજા શિરાઓ (ulnar veins) અને બાહુ(upper arm)માં બાહ્ય શિરાઓ (brachial veins). હસ્તપૃષ્ઠીય શિરાઓ(dorsal metacarpal veins)માંનું લોહી અગ્રભુજા શિરામાં ઠલવાય છે. હસ્તતલમાં ઊંડે અગાધ હસ્તતલ શિરાકમાન અથવા શિરાધનુષ (deep palmar arch) નામનો શિરાસમૂહ છે, જેમાંથી અનુઅગ્રભુજા શિરાઓમાં લોહી ઠલવાય છે. કોણીના ખાંચામાં અગ્રભુજા શિરાઓ અને અનુઅગ્રભુજા શિરાઓ જોડાઈને બાહ્ય શિરા બનાવે છે. બાહ્ય ધમની(brachial artery)ની બંને બાજુ એક-એક એમ 2 બાહ્ય શિરાઓ દોડે છે, જે બગલમાં બાહુકક્ષીય શિરા(axillary vein) સાથે જોડાય છે. બાહુકક્ષીય શિરાઓમાં હાથ(ઊર્ધ્વગાત્ર)ની ગાધ અને અગાધ એમ બધી જ શિરાઓ લોહી ઠાલવે છે.

બાહુકક્ષીય શિરાઓ (axillary veins) બગલમાંથી પસાર થઈને હાંસડીના હાડકા(જત્રુકાસ્થિ, clavicle)ની પાછળ ગાધ શિરાઓમાંની શીર્ષલ શિરા સાથે જોડાય છે અને અવજત્રુક શિરા (subclavian vein) બનાવે છે.

અવજત્રુક શિરામાં બાહ્યકંઠ શિરા (external jugular vein) ખૂલે છે. અવજત્રુક શિરા (subclavian vein) માથામાંથી આવતી અંત:કંઠશિરા (internal jugular vein) સાથે જોડાઈને બાહુશીર્ષીય શિરા (brachiocephalic vein) બનાવે છે. તેમાં સ્તન તથા છાતીના ઉપલા ભાગની શિરાઓ પણ જોડાય છે.

ડાબી અને જમણી બાહુશીર્ષીય શિરાઓ ભેગી મળીને ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) બનાવે છે.

છાતીમાંનું પરત ફરતું લોહી 2 જૂથની શિરાઓ દ્વારા વહે છે. સ્તન તથા છાતીના ઉપરના ભાગની શિરાઓ બાહુશીર્ષીય શિરા(brachio cephalic vein)માં સીધી ખૂલે છે. છાતીની અંદરના ભાગની શિરાઓ અયુગ્મી અથવા અજોડ શિરાઓ(azygous veins)માં ખૂલે છે. તેમની ડાબી-જમણી એવી જોડ ન હોવાથી તેમને અયુગ્મી અથવા અજોડ શિરાઓ કહે છે. તેમાં 3 શિરાઓનો સમાવેશ થાય છે, અયુગ્મી શિરા અથવા અજોડ શિરા, અર્ધયુગ્મી શિરા અથવા અર્ધજોડ શિરા (hemiazygous vein) અને અતિરિક્ત અર્ધયુગ્મી (અર્ધજોડ) શિરા (accessary hemiazygous vein). તેઓ પાંસળીઓ વચ્ચેની જગ્યામાંની આંતરપર્શૂકા શિરાઓ (intercostal veins), ફેફસાંમાંથી ઑક્સિજનરહિત લોહી લાવતી શ્વસનિકા શિરાઓ (bronchial veins), અન્નનળી તથા પરિહૃદ્કલા (pericardium) તેમજ મધ્યવક્ષમાંની સંરચનાઓમાંથી લોહી લાવતી શિરાઓ પાસેથી લોહી મેળવે છે. અર્ધાયુગ્મી (અર્ધાજોડ) શિરા અને અતિરિક્ત અર્ધાયુગ્મી (અર્ધાજોડ) શિરા અયુગ્મી શિરા સાથે જોડાય છે. અયુગ્મી શિરા (azygous vein) સીધી ઊર્ધ્વ મહાશિરામાં ખૂલે છે.

આમ ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) માથું અને ડોક, ઊર્ધ્વગાત્ર (હાથ) તથા છાતીમાંથી લોહી મેળવે છે અને હૃદયના જમણા કર્ણકમાં ઠાલવે છે.

પેટ તથા પગ(અધ:ગાત્ર, lower limb)માંનું લોહી અધ:મહાશિરા (inferior vena cava) દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પહોંચે છે. પેટમાં નીચેના ભાગે બંને પગ તરફથી આવતી સામાન્ય નિતંબપત્રી શિરાઓ (common iliac veins) જોડાઈને અધ:મહાશિરા બનાવે છે. સામાન્ય નિતંબપત્રી શિરા અંત: અને બાહ્ય નિતંબપત્રી શિરાઓ(internal and external iliac veins)ના જોડાણથી બને છે. જાંઘમાંથી આવતી જંઘાશિરા (femoral vein) ઊરુપ્રદેશના તંતુબંધ(inguinal ligament)ને પસાર કરીને પેટના નીચલા ભાગમાં પ્રવેશે ત્યારે નામ બદલીને બાહ્ય નિતંબપત્રી શિરા (external iliac vein) બને છે. તેમાં પગ (અધ:ગાત્ર) ઉપરાંત પેટની દીવાલના નીચલા ભાગમાંથી લોહી આવે છે. નિતંબના સ્નાયુઓ (gluteal muscles), જાંઘનો મધ્યરેખા તરફનો ભાગ, મૂત્રાશય, મળાશય, પુર:સ્થગ્રંથિ (prostate gland), વીર્યનલિકા, ગર્ભાશય, યોનિ (vegina) વગેરેમાંથી પરત આવતું લોહી અંત: નિતંબપત્રી શિરા(internal iliac vein)માં ઠલવાય છે.

અંત: અને બાહ્ય નિતંબપત્રી શિરાઓ જોડાઈને અધ:મહાશિરા (inferior vena cava) બનાવે છે. તેમાં 2 મૂત્રપિંડી, 2 અધિવૃક્કીય (suprarenal કે adrenal), 2 જનનપિંડી (gonadal), યકૃતીય (hepatic), કટિપ્રદેશીય (lumbar) તથા અધ:ઉદરપટલીય (inferior phrenic) શિરાઓ જોડાય છે. જમણી અધિવૃક્કશિરા (suprarenal vein) સીધેસીધી અધ:મહાશિરામાં ઠલવાય છે, જ્યારે ડાબી અધિવૃક્કશિરા ડાબી મૂત્રપિંડ શિરામાં ખૂલે છે. બંને મૂત્રપિંડ શિરાઓ મૂત્રપિંડમાંનું લોહી અધ:મહાશિરામાં ઠાલવે છે. પુરુષોના જનનપિંડને વૃષણ (testis) અને સ્ત્રીઓના જનનપિંડને (ovary) કહે છે. તેથી જનનપિંડ શિરાઓ(gonadal veins)ને પુરુષોમાં વૃષણશિરાઓ (testicular veins) અને સ્ત્રીઓમાં અંડપિંડશિરાઓ (ovarion veins) કહે છે. જમણી જનનપિંડશિરા અધ:મહાશિરામાં સીધી પ્રવેશે છે, જ્યારે ડાબી બાજુ તે મૂત્રપિંડ શિરામાં ખૂલે છે.

પગ(અધ:ગાત્ર, inferior limb)માંથી આવતું લોહી જંઘાશિરા(femoral vein)માં એકઠું થાય છે, જે ઉરુપ્રદેશીય તંતુબંધ(inguinal ligament)ને પસાર કરીને બાહ્યનિતંબપત્રી શિરા (external iliac vein) બને છે. બાહ્યનિતંબપત્રી શિરા અંતર્નિતંબપત્રી શિરા (internal iliac vein) સાથે જોડાય છે અને સામાન્ય નિતંબપત્રી શિરા (common iliac vein) બનાવે છે. બે સામાન્ય નિતંબપત્રી શિરાઓ જોડાઈને અધ:મહાશિરા (inferior vena cava) બનાવે છે, જે જમણા કર્ણકના નીચેના છેડે લોહી ઠાલવે છે.

પગની શિરાઓને 2 ભાગમાં વહેંચવામાં આવી છે – ગાધ અથવા સપાટીગત (superficial) અને ઊંડી અથવા અગાધ (deep). પાદ(foot)માંની શિરાઓ પાદપૃષ્ઠ શિરાકમાન અથવા પાદપૃષ્ઠ શિરાધનુષ બનાવે છે. તેના અંગૂઠા તરફના છેડા પરથી શરીરની લાંબામાં લાંબી શિરા, મહા સુષ્ટ શિરા (great saphenous vein) નીકળે છે, જે ઘૂંટીના સાંધાની મધ્યવર્તી (medial) સપાટી પરના હાડકાના ગોલપ્રવર્ધ(malleolus)થી શરૂ થઈને જાંઘના મધ્યવર્તી ભાગમાં જાય છે, જ્યાં તે ઊરુપ્રદેશ(groin)માં જંઘાશિરા(femoral vein)માં ખૂલે છે. તે આખા પગની સપાટીગત (ગાધ) શિરાઓમાંથી લોહી મેળવે છે અને પગના સ્નાયુઓની અંદર ઊંડી (અગાધ) આવેલી શિરાઓ સાથે જોડાણો પણ ધરાવે છે.

પાદપૃષ્ઠ શિરાકમાન(શિરાધનુષ)ના પાર્શ્વવર્તી (lateral) અથવા આંગળી તરફના છેડા પરથી લઘુ સુષ્ટ શિરા (small saphenous vein) નીકળે છે, જે ઘૂંટીના સાંધાના પાર્શ્ર્વવર્તી ગોલપ્રવર્ધ (lateral malleolus) નામના બહારની બાજુના હાડકાના ગોળ ઊપસેલા ભાગની પાછળથી શરૂ થઈને ઢીંચણના સાંધાની પાછળ પશ્ચજાહ્ન્વી શિરા(popliteal vein)માં ખૂલે છે. તે પાદ (foot) અને નળા(leg)ની ચામડી પરની ગાધ (સપાટીગત) શિરાઓમાંથી લોહી મેળવે છે.

પગની પ્રમુખ અગાધ (ઊંડી, deep) શિરાઓમાં પશ્ચનલાશિરા (posterior tibial vein), અગ્રનલાશિરા (anterior tibial vein) પશ્ચજાહ્ન્વી શિરા (popliteal vein) અને જંઘાશિરા(femoral vein)નો સમાવેશ થાય છે. પાદતલ(planter surface)ની સપાટીની નીચે આવેલી મધ્યવર્તી (medial) અને પાર્શ્વવર્તી (lateral) એટલે કે અંગૂઠા તરફની કે નાની આંગળી તરફની પાદતલ શિરાઓ (planter veins) જોડાઈને પશ્ચનલાશિરા બને છે. તે મધ્યવર્તી ગોલ પ્રવર્ધની પાછળથી શરૂ થઈને પિંડીના સ્નાયુમાં ઉપર ચડે છે. પગના નળામાં અનુનલા શિરા (peroneal vein) પણ બનેલી હોય છે, જે પશ્ચનલા શિરા સાથે જોડાય છે. પાદ(foot)ના ઉપલા ભાગની સપાટી પર બનતી પાદપૃષ્ઠ શિરા (dorsalis pedis vein) જ્યારે પગના નળામાં આવે છે ત્યારે તે અગ્રનલાશિરા (anterior tibial vein) કહેવાય છે. તે પશ્ચનલા શિરા સાથે જોડાઈને પશ્ચજાહ્ન્વી શિરા (popliteal vein) બનાવે છે. પશ્ચજાહ્ન્વી શિરામાં બંને નલાશિરાઓ તથા લઘુસુષ્ટ શિરામાંનું લોહી ઠલવાય છે. તે ઢીંચણના સાંધાની પાછળથી શરૂ થઈને ઉપર જાંઘમાં જાય છે; જ્યાં તેને જંઘાશિરા કહે છે. જંઘાશિરા જાંઘના સ્નાયુઓમાંથી તથા મહાસુષ્ટ શિરામાંથી લોહી મેળવે છે અને ઊરુપ્રદેશીય તંતુબંધને પસાર કરીને પેટમાં બાહ્ય નિતંબપત્રી શિરા તરીકે લંબાય છે.

જઠર, નાનું અને મોટું આંતરડું, બરોળ, સ્વાદુપિંડ વગેરેમાંનું પરત ફરતું લોહી યકૃતમાં નિવાહિકા શિરા (portal vein) દ્વારા જાય છે. પક્વાશય (duodenum), નાનું આંતરડું અને જમણી તરફનું મોટું આંતરડું વગેરેમાંથી પરત આવતું લોહી ઊર્ધ્વ આંત્રપટ શિરા(superior mesenteric vein)માં ઠલવાય છે. તેમાં જઠરની ડાબી અને જમણી જઠર શિરાઓ (gastric veins) પણ ખૂલે છે. મોટા આંતરડાના ડાબા ભાગ, સ્વાદુપિંડ અને બરોળ (સ્પ્લીહા શિરા, splenic vein) અધ: આંત્રપટ શિરા (inferior mesenteric vein) બનાવે છે. ઊર્ધ્વ અને અધ: આંત્રપટ શિરાઓ ભેગી મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. જઠર અને ઉદરાગ્રપટલ-(omentum)માંથી લોહી લાવતી જઠર-ઉદરાગ્રપટલ શિરા (gastro-epiploic vein) પણ નિવાહિકા શિરામાં ખૂલે છે. નિવાહિકા શિરાનું યકૃતમાં વિભાજન થાય છે અને તેની શાખા-પ્રશાખાઓ અંતે વિવરાભો(વિવરિકાઓ, sinusoid)માં ખૂલે છે. ત્યાંથી લોહી યકૃતશિરા (hepatic vein) દ્વારા અધ:મહાશિરામાં પ્રવેશે છે.

લસિકાવાહિની તંત્ર (lymphatic system) : પેશીમાં કેશવાહિનીઓમાંથી રુધિરપ્રરસનું પ્રવાહી, કેટલાંક દ્રવ્યો તથા વિવિધ રુધિરકોષો બહાર નીકળીને પેશીના કોષોની બહારના બહિ:કોષીય જલ(extra cellular fluid)માં પ્રવેશે છે. વળી પેશીના કોષમાંનું વ્યયદ્રવ્ય પણ બહિ:કોષજળમાં ઠલવાય છે. આ દ્રવ્યો અને પ્રવાહીનો કેટલોક ભાગ લસિકાવાહિનીઓ (lymphatics) દ્વારા લસિકાતરલ(lymph)ના રૂપે વહાવીને લઈ જવામાં આવે છે. સૌપ્રથમ પ્રવાહી લસિકા-કેશવાહિનીઓ(lymph capillaries)માં પ્રવેશે છે, જેમાંથી તે લસિકાવાહિનીઓમાં આવે છે. લસિકાવાહિનીઓ લસિકાપિંડ (ગ્રંથિ) (lymphnodes)માં જાય છે. લસિકાપિંડમાંથી નીકળતી લસિકાવાહિનીઓ બીજા લસિકાપિંડના જૂથમાં જાય છે અથવા એકઠી થઈને પ્રલસિકાવાહિની (lymphatic trunk) બનાવે છે. પ્રમુખ પ્રલસિકાવાહિનીઓમાં કટીય (lumbar), આંત્રીય (intestinal), શ્વસનિકા-મધ્યવક્ષીય (broncho-mediastinal), અવજત્રુકીય (subclavian) અને કંઠીય (jugular) પ્રલસિકાવાહિનીઓનો સમાવેશ થાય છે.

આ પ્રમુખ પ્રલસિકાવાહિનીઓ એકબીજી સાથે જોડાઈને 2 મહત્વની લસિકાનલિકાઓ (lymphatic ducts) બનાવે છે – ડાબી અને જમણી લસિકાનલિકાઓ. ડાબી લસિકાનલિકાને વક્ષીય નલિકા (thoracic duct) પણ કહે છે.

ડાબી લસિકાનલિકા અથવા વક્ષીય નલિકા 38થી 45 સેમી. લાંબી છે અને તે કટિપ્રદેશના 2જા મણકા આગળ લસિકાકુંડી (cistema-chyli) નામની એક પહોળી વિસ્ફારિત નલિકામાંથી શરૂ થાય છે. લસિકાકુંડીમાં ડાબી અને જમણી કટિપ્રદેશીય પ્રલસિકાવાહિનીઓ અને આંત્રીય પ્રલસિકાવાહિનીઓ ખૂલે છે. તેઓ બંને પગ, પેટ, પેટના અવયવો વગેરેમાંથી લસિકાતરલ (lymph) લાવે છે. ડાબી લસિકાનલિકા(વક્ષીય નલિકા)માં માથું, ડોક તથા છાતીનો ડાબો ભાગ તથા ડાબા હાથ(ઊર્ધ્વ ગાત્ર)માંથી પણ લસિકાતરલ આવે છે. આ લસિકાતરલ ડાબી કંઠીય, ડાબી અવજત્રુકીય અને ડાબી શ્વસનિકા-મધ્યવક્ષીય પ્રલસિકાવાહિનીઓ દ્વારા આવે છે. આમ ડાબી લસિકાનલિકા અથવા વક્ષીયનલિકામાં છાતીનો નીચલો ભાગ, પેટ અને બંને પગ તેમજ ડાબી બાજુના હાથ, માથું અને છાતીના ઉપરના ડાબા ભાગમાંથી લસિકાતરલ આવે છે.

જમણી લસિકાનલિકા માથા, ડોક અને છાતીના જમણા ભાગમાંથી તથા જમણા હાથમાંથી લસિકાતરલ પ્રાપ્ત કરે છે. ડાબી અને જમણી લસિકાનલિકાઓ તેમના તરફની અંત:કંઠશિરા (internal jugular vein) તથા અવજત્રુક શિરા(subclavian vein)ના જોડાણને સ્થાને ખૂલે છે. સ્નાયુઓનાં સંકોચનોથી લસિકાતરલનું વહન થાય છે અને તે વિપરીત માર્ગે ન જાય તે માટે મોટી લસિકાનલિકાઓમાં એકમાર્ગી કપાટો (valves) પણ હોય છે.

શિલીન નં. શુક્લ