હૃદયંગમા : સંસ્કૃત ભાષામાં લખાયેલી ટીકા. સંસ્કૃત અલંકારશાસ્ત્રના આચાર્ય દંડીએ રચેલા ‘કાવ્યાદર્શ’ નામના અલંકારગ્રંથ પર આ ટીકા રચાઈ છે. એના લેખકનું નામ અજ્ઞાત છે. પ્રસ્તુત ટીકાના ફક્ત પહેલા બે પરિચ્છેદો પ્રકાશિત થયેલા છે. આલંકારિક આચાર્ય રાજા ભોજે પોતાના મહાકાય ગ્રંથ ‘શૃંગારપ્રકાશ’માં પ્રસ્તુત ટીકામાંથી અક્ષરશ: ઉદ્ધરણો આપ્યાં છે; પરંતુ ટીકાના લેખકનું નામ નથી આપ્યું તેથી ટીકા અજ્ઞાતકર્તૃક અને ઈ. સ. 900 પહેલાં રચાયેલી છે એવા નિષ્કર્ષ પર આવી શકાય. આ ટીકા મૂળ ગ્રંથની અર્થસમજૂતી જ આપતી હોવાથી ઐતિહાસિક અને વિવેચનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરનારને તે સહાયક નથી. સાતમી સદીમાં લખાયેલા દંડીકૃત ‘કાવ્યાદર્શ’ પર લખાયેલી જુદી જુદી ટીકાઓમાં તે સૌથી પ્રાચીન ટીકા છે. પ્રસ્તુત ટીકા ચેન્નાઈથી એમ. રંગાચાર્ય રેડ્ડી શાસ્ત્રીએ સર્વપ્રથમ 1910માં પ્રગટ કરેલી. એ પછી 1941માં મુંબઈથી ડી. ટી. તાતાચાર્યે પ્રકાશિત કરેલી.

પ્ર. ઉ. શાસ્ત્રી