હુ શાહ (જ. 17 ડિસેમ્બર 1891, શાંઘાઈ, ચીન; અ. 24 ફેબ્રુઆરી 1962, તાઇવાન, ફોર્મોસા ચીન) : ચીનના રાષ્ટ્રવાદી મુત્સદ્દી અને વિદ્વાન, ચીની વિચારધારાના અગ્રણી નેતા. પિતા અધિકારી અને વિદ્વાન વ્યક્તિ. તેમણે પોતાની ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતા સીધીસાદી ગૃહિણી; પરંતુ બાળકના શિક્ષણ અંગે ભારે આગ્રહી હોવાથી ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ હુને શિક્ષિત કરવાની મહેનત કરતી હતી. પરિણામે હુનું શિક્ષણ ભારે મુશ્કેલીઓ વચ્ચે પણ વ્યવસ્થિત ચાલ્યું અને તેઓ ચીનની સનદી સેવામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા અને સરકારી અધિકારી બન્યા.
ચીની ભાષાને અધિકૃત અને લેખિત ભાષા તરીકે વિકસાવવા(1922)માં તેમણે ભારે ઉત્સાહ દાખવ્યો. ચીની ભાષા ચિત્રલિપિ ધરાવતી ભાષા હોવાથી આ પરિવર્તન નવી દિશાનું હતું. સમૂહશિક્ષણ દ્વારા તેમણે દેશના નવસંસ્કરણની હિમાયત કરી હતી.
1910માં શિષ્યવૃત્તિ મેળવી તેઓ વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાં કૃષિ અને તત્વજ્ઞાનનો અને વિશેષે જ્હૉન ડ્યુઈના તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1914માં સ્નાતક થયા અને પછી ડ્યુઈ હેઠળ પીએચ.ડી. થયા. 1917માં સ્વદેશ પાછા ફર્યા. દરમિયાન 1911માં ચીનમાં ક્રાંતિ થયેલી, જેને કારણે ચીનમાં રાજાશાહી નાબૂદ થઈ હતી અને ચીનનું પ્રજાસત્તાક સ્થાપિત થયું હતું.
હુ શાહ
હુના મતે ક્રાંતિ થવા છતાં ચીનનું ખરું સંચાલન જમીનદારો દ્વારા થતું હતું; કારણ આમજનતાનો નેવું ટકા સમૂહ જુનવાણી અને રૂઢિચુસ્ત હતો. આ સંદર્ભમાં તેમણે સાંસ્કૃતિક સુધારાઓ અંગેનું આંદોલન ચાલુ કર્યું. પેકિંગ નૅશનલ યુનિવર્સિટી તેનું કેન્દ્ર હતી. તેમાં 1917માં હુ પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. આ સાથે તેમણે દેશની ભાષા(વર્નાક્યુલર લૅંગ્વેજ)ને પ્રોત્સાહિત કરવાની નીતિનો પણ સ્વીકાર કરી, શિક્ષણ જનસમાજ સુધી ફેલાવવાના પ્રયાસો કર્યા; કારણ નેવું ટકા પ્રજા હજુ અશિક્ષિત હતી અને રાજાશાહી શાસકોને આજ્ઞાધીન હતી. આ પ્રયાસોને કારણે 1922માં વર્નાક્યુલર ભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવી. ભાષાઓના અભ્યાસમાં તેમણે વાસ્તવિક પદ્ધતિઓનો સ્વીકાર કરી સાહિત્યના અભ્યાસનાં નવાં પરિમાણો સ્ફુટ કર્યાં. એથી ચીનના પ્રાચીન ઇતિહાસનાં અમાન્ય સ્વરૂપો રદ ઘોષિત થયાં. 20 જુલાઈ, 1919માં આ કારણસર ડાબેરી બુદ્ધિવાદીઓ અને ઉદારમતવાદી બૌદ્ધિકો વચ્ચે ભારે મતભેદો ઊભા થયા. આ સંદર્ભમાં તેમનું સૂત્ર હતું કે ‘‘સમસ્યાઓનો વધુ ઊંડો અભ્યાસ અને ‘વાદો’ (isms) વિશે ઓછી વાતો’’ (more study of problems, less talk of isms). તેઓ માનતા કે કોઈ એક પાશ્ચાત્ય વિચારસરણી દ્વારા ચીનની બધી સમસ્યાઓ હલ કરી શકાય એ માન્યતા જ ભૂલ ભરેલી છે. તેમની આવી પ્રામાણિક માન્યતાઓને કારણે પાછળથી તેઓ સામ્યવાદીઓ સાથે ભારે સંઘર્ષમાં આવ્યા. ચીનની રાષ્ટ્રવાદી સરકાર પણ તેમની સાથે સંમત થઈ શકતી નહોતી. એથી 1938થી 42નાં વર્ષોમાં વૉશિંગ્ટન ખાતે એલચી તરીકે નીમીને તેમને રાષ્ટ્રીય તખ્તા પરથી દૂર ખસેડી દેવાયા. 1945માં તેમને પેકિંગ નૅશનલ યુનિવર્સિટીના કુલાધિપતિ નીમવામાં આવ્યા. 1949માં ચીનમાં સામ્યવાદી શાસન સ્થપાતાં તેઓએ લાલ ચીનને બદલે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં રહેવાનું પસંદ કર્યું. 1957માં તેમને યુનો ખાતે રાષ્ટ્રવાદી ચીન(ફોર્મોસા ચીન)ના પ્રતિનિધિની કામગીરી સોંપવામાં આવી. 1958માં એકૅડેમિયા સિનિકા(ચીનનું અગ્રણી વિદ્વત્-સંગઠન – Academia Sinica)ના પ્રમુખપદ માટે તેઓ તાઇવાન ગયા. આ હોદ્દો તેમણે જીવનના અંત સુધી શોભાવ્યો.
રક્ષા મ. વ્યાસ