હુસૈન, શહનાઝ (જ. 5 નવેમ્બર, 1944, હૈદરાબાદ) : આયુર્વેદિક સૌંદર્ય પ્રસાધનોનાં પ્રણેતા અને ભારતનાં અગ્રણી મહિલાઉદ્યોગપતિ.
વિશ્વભરમાં પ્રશંસા અને ખ્યાતિ મેળવનારાં શહનાઝ હુસૈન પિતા નસીર ઉલ્લાહ બેગ અને માતા સઈદાબેગમનાં તેઓ પુત્રી છે. તેમના પિતા અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનાં માતા હૈદરાબાદ નિઝામનાં વંશજ અને ચુસ્ત રૂઢિવાદી મુસ્લિમ હતાં. દસ વર્ષની ઉંમરે શહનાઝને પ્રયાગરાજ મોકલવામાં આવ્યાં હતાં. ત્યાં તેમણે આયરિશ ક્વીન્સ મેરી કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો. શહનાઝનાં માતા તેમને પડદો લગાવેલી કારમાં સ્કૂલે મોકલતાં હતાં. શહનાઝને દુનિયા જોવાની તાલાવેલી રહેતી. તેઓ કારના પડદામાંથી ડોકિયાં કરતાં. 14 વર્ષની ઉંમરે એક મુસ્લિમ યુવાને તેમને કારમાંથી જતાં જોયાં. ત્યારબાદ આ મુસ્લિમ યુવાને લગ્નનો પ્રસ્તાવ શહનાઝ માટે મૂક્યો હતો. પિતાની ઇચ્છા તો દીકરી શહનાઝ લગ્ન પહેલાં પગભર થાય તેવી હતી. પરંતુ માતાના આગ્રહના કારણે પિતાએ નમતું મૂક્યું અને 15 વર્ષની ઉંમરે શહનાઝનાં લગ્ન નાસીર હુસૈન સાથે થયાં હતાં. તેઓ 16 વર્ષની ઉંમરે પુત્રી નિલોફરનાં માતા બન્યાં. તેના 16 વર્ષ પછી પુત્ર સમીરનો જન્મ થયો હતો.

શહનાઝ હુસૈન
પતિ નાસીરને તહેરાનમાં ધંધાકીય કામ માટે રહેવાનું થયું ત્યારે શહનાઝે ઈરાનમાં આયુર્વેદનો અભ્યાસ કર્યો. ત્યારબાદ લંડન, પૅરિસ, જર્મનીનાં પ્રખ્યાત તાલીમકેન્દ્રોમાં તેમણે કૉસ્મેટોલૉજી અને કૉસ્મેટિક કેમિસ્ટ્રીની તાલીમ લીધી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે સિન્થેટિક કૉસ્મેટિક શરીરને નુકસાન પહોંચાડે છે. જ્યારે ભારતની પ્રાચીન આયુર્વેદચિકિત્સા અને તેની ઔષધિઓના ઘણા ફાયદા છે. તેમણે અનેક ઇન્ટરનેશનલ બ્યૂટી કૉન્ફરન્સમાં ભાગ લીધો. હર્બલ બ્યૂટી કેરને અને તેની પ્રોડક્ટ્સને માન્યતા અપાવવા તેમણે ઘણી જહેમત ઉઠાવી હતી. ફૅશન મૅગેઝિનોમાં પણ તેમના લેખો પ્રગટ થતા હતા. તહેરાનના વસવાટ દરમિયાન તેમણે ત્યાં એક બ્યૂટી સલૂન ખોલ્યું હતું. તેઓ ‘ઈરાન ટ્રિબ્યૂન’માં લેખો લખતાં હતાં. ત્યારબાદ તેમણે જ મૅગેઝિન ખરીદી લીધું હતું.
પતિ નાસીરને જ્યારે ઈરાનનું નાગરિકત્વ મળ્યું ત્યારે શહનાઝના પિતાએ શહનાઝને ખૂબ લાગણીથી ભારપૂર્વક માતૃભૂમિને કર્મભૂમિ બનાવવા સલાહ આપી હતી. પિતાની આજ્ઞા માનીને શહનાઝ 1971માં વતન પાછાં ફરેલાં. નવી દિલ્હીના ગ્રેટર કૈલાશમાં તેમણે પ્રથમ નેચરલ હર્બલ કેર સલૂન ખોલ્યું હતું. પ્રથમ વર્ષમાં જ સમગ્ર ભારતમાં 80 જેટલાં શહનાઝનાં હર્બલ ક્લિનિક ખૂલ્યાં હતાં. ધીમે ધીમે તેઓ સમગ્ર વિશ્વમાં ઇન્ડિયન હર્બલ બ્યૂટી કેર પ્રોડક્ટ્સનાં બ્રાંડ ઍમ્બૅસૅડર બની ગયાં. ભારતીય આયુર્વેદ ઔષધિઓનો તેમણે ઊંડો અભ્યાસ કરેલો છે. તેમના આ હર્બલ બ્યૂટી કેર અને હેલ્થ પ્રોડક્ટ્સ બનાવતા જૂથની ફ્રેંચાઇઝીની સંખ્યા લગભગ 400 જેટલી છે. દુનિયાના 138 જેટલા દેશોમાં વિસ્તાર પામેલું છે. સૌપ્રથમ વિદેશમાં આ ક્લિનિક 1982માં લંડનમાં ખોલવામાં આવ્યું હતું. શહનાઝ હુસૈનને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીથી લઈને પ્રિન્સેસ ડાયના સુધીની ખ્યાતનામ હસ્તીઓનું સૌંદર્ય નિખારવાનો યશ મળે છે. 2005માં ‘Taj Mahal : An Eternal Love Story’ જેવી અતિખર્ચાળ ફિલ્મમાં નૂરજહાં બેગમનો રોલ શહનાઝ હુસૈનને ઑફર કરાયો હતો.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં શહનાઝ હુસૈનના ઉપર કેસ સ્ટડી બનાવવામાં આવ્યો હતો. વ્યાપારી જાહેરાત વિના આંતરરાષ્ટ્રીય બ્રાંડની સ્થાપના વિશે તેમાં વાત થઈ હતી. હાર્વર્ડ સહિત તેમણે વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ જેવી કે મૅસેચૂસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી (MIT), ઑક્સફર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રવચનો આપ્યાં છે. બ્રિટિશ સંસદમાં હાઉસ ઑફ લૉર્ડ્ઝ અને હાઉસ ઑફ કૉમન્સ બંનેમાં તેમણે ભાષણો આપ્યાં છે.
40,000થી વધુ વંચિત મહિલાઓને શહનાઝ એકૅડેમીએ તાલીમ આપીને પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રોત્સાહિત કરી. શહનાઝ શારીરિક વિકલાંગો માટે મફત અભ્યાસક્રમો દ્વારા સમાજને મદદ કરી રહ્યાં છે. શહનાઝ હુસૈનને તેમના અમૂલ્ય યોગદાન માટે ભારત સરકાર દ્વારા 2006માં પદ્મશ્રીનું સન્માન મળ્યું. 1985માં FICCI દ્વારા ‘ઉત્કૃષ્ટ મહિલાઉદ્યોગસાહસિક’, 1996માં યુ.એસ.ના મૅગેઝિન ‘સસ્કેસ’ તરફથી ‘વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ એન્ટરપ્રેન્યોર’નો આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ(105 વર્ષોમાં આ ઍવૉર્ડ મેળવનારાં તેઓ પ્રથમ મહિલા રહ્યાં), 2007માં વૉશિંગ્ટન ડી.સી. ખાતે ‘લિયોનાર્ડો દ વિન્ચી ડાયમંડ’ ઍવૉર્ડ, 2009માં લંડનમાં ‘ઉત્કૃષ્ટ આયુર્વેદિક ઇનૉવેશન’ ઍવૉર્ડ, 2012માં લંડનમાં ‘ઓલિમ્પિયા’ ઍવૉર્ડ, 2013માં દુબઈમાં ‘ગ્લોરી ઑફ ઇન્ડિયા’ ઍવૉર્ડ, 2017માં ફેમિના દ્વારા ‘વુમન સુપર એચીવર’ જેવા વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી શહનાઝ હુસૈન સન્માનિત થયાં છે.
1999માં તેમના પતિ નાસીર હુસૈનનું મૃત્યુ થયું. 2008માં પટનામાં પુત્ર સમીર હુસૈનનું મૃત્યુ થયું. પુત્રી નિલોફર વારસાને આગળ લઈ જઈ રહી છે. શહનાઝ હુસૈનની બાયૉગ્રાફી ‘લેમ’નાં લેખિકા પણ પુત્રી નિલોફર છે.
હિના શુક્લ
