હુસૈન સદ્દામ

February, 2009

હુસૈન, સદ્દામ (જ. 28 એપ્રિલ 1937, અલ-ઓઉની, ટિકરિત, ઇરાક; અ. 30 ડિસેમ્બર 2006, બગદાદ) : ઇરાકના પ્રમુખ અને વિવાદાસ્પદ, આતતાયી શાસક. સદ્દામ હુસૈન અબ્દ-અલ-મજિદ અલ-તિરકીતી તેનું પૂરું નામ હતું. સામાન્ય સુથાર કુટુંબમાં જન્મેલા સદ્દામનો ઉછેર ઓરમાન પિતા દ્વારા થયો હતો. બાળપણથી અન્યની ચીજવસ્તુ આંચકી લઈ લડાયક ખમીરથી જીવવાની તેમની ટેવ હતી. અભ્યાસ પ્રત્યે તેઓ ઝાઝું લક્ષ આપતા ન હતા. સદ્દામે કેરો યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ લીધું હતું. ઇજિપ્તના નેતા જમાલ અબ્દેલ નાસરથી તેઓ ભારે પ્રભાવિત હતા.

ઇરાકમાં 1940માં દમિશ્ક ખાતે બાથ – પુનર્જન્મ – પક્ષની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં તેઓ 1956માં જોડાયા અને પક્ષની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. 1959માં ઇરાકના વડાપ્રધાનની હત્યા બદલ તેમને દેશનિકાલ થવાની ફરજ પડેલી. 1963માં સ્વદેશ પાછા ફરી તેમણે થોડો સમય જેલની સજા ભોગવી અને પછી તેઓ છૂટ્યા. 1968માં ઇરાકમાં બાથ પક્ષ પ્રેરિત બળવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી. આ બળવાને અંતે ઇરાકમાં રેવોલ્યૂશનરી કમાન્ડ કાઉન્સિલ (RCC) સ્થાપવામાં આવી. જનરલ અહમદ-હસન-અલ-બ્રકનું શાસન સ્થપાયું. આ સમયે સદ્દામને ઇરાકના ઉપરાષ્ટ્રપ્રમુખ બનાવવામાં આવ્યા.

સદ્દામ હુસૈન

1979માં આ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સદ્દામની વરણી થઈ, એ સાથે તેમણે ઇરાકના પ્રમુખનો હોદ્દો હાંસલ કર્યો. સામાન્યતયા સદ્દામ લશ્કરી ગણવેશમાં જ જાહેરમાં દેખાતા. એથી તે લશ્કરી જનરલ હોવાની માન્યતા ફેલાયેલી. વાસ્તવમાં સદ્દામે કદાપિ લશ્કરમાં કામ નહોતું કર્યું તેમજ લશ્કરી તાલીમ પણ પ્રાપ્ત કરી નહોતી. સપ્ટેમ્બર, 1980માં પડોશી દેશ ઈરાન પર આક્રમણ કરી સદ્દામે નિર્ણાયક ભૂમિકા ભજવી જેમાં તેને અમેરિકાનો ટેકો સાંપડ્યો હતો. આ સમયે ઇરાક અને અમેરિકા વચ્ચેના સંબંધો ઉષ્માભર્યા હતા અને અમેરિકાના કૅથલિક ચર્ચોને પણ તેમણે ભારે મદદ કરી હતી. 1980થી 88નાં આઠ વર્ષો સુધી ઈરાન સાથે યુદ્ધ ચાલ્યું તે દરમિયાન ઘરઆંગણે શાસક તરીકે તેમની કરડાકી અને સિતમ વધવા લાગ્યાં. આઠેક વર્ષ ચાલેલા આ લોહિયાળ યુદ્ધમાં દસેક લાખ લોકો માર્યા ગયા હોવાનો અંદાજ હતો. રખે ભૂલીએ કે ઈરાન યુદ્ધમાં સદ્દામને અમેરિકાનો પૂરો ટેકો હતો. 1988માં યુનોની દરમિયાનગીરીથી ઇરાકઈરાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયો હતો. આ સંદર્ભમાં તેમણે સૌપ્રથમ બાથ પક્ષમાંના તેના વિરોધીઓને ખતમ કર્યા, જેમાં મોટા ભાગના વિરોધીઓની હત્યા કરવામાં આવી અને કેટલાકને જેલ ભેગા કરાયા હતા. ઇરાકમાં મુખ્યત્વે સુન્ની અને શિયા મુસ્લિમો વસે છે, જેમાંના શિયા મુસ્લિમો વિશેષે કુર્દ જાતિના છે. આ અરસામાં સદ્દામે દુજૈલ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં તેમની હત્યાનો નિષ્ફળ પ્રયાસ થયો. આ કારણથી 1982માં આ કુર્દ જાતિના શિયા મુસ્લિમોમાંથી દુજૈલ ખાતે 148 શિયા મુસ્લિમોની કતલ કરવામાં આવી. 1988માં ઝેરી ગૅસ દ્વારા કુર્દીશ ગ્રામવાસીઓને અને હલાબ્જા શહેરમાં થઈને 5000 માણસોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. નિર્દોષ શિયા મુસ્લિમોનો નરસંહાર કરી ક્રમશ: પ્રતિપક્ષીઓ અને વિરોધીઓને ખતમ કરી સદ્દામ સરમુખત્યારશાહીની દિશામાં આગળ વધ્યા. આ કારણોસર સદ્દામ રાજકીય તખ્તા પર અમુક વર્ગો માટે ભારે અપ્રિય શાસક નીવડ્યા. આથી ‘બૂચર ઑવ્ બગદાદ’ તરીકેની તેમની ઓળખ પાકી બની.

1990માં કુવૈત પર આક્રમણ કરી, તેને ઇરાકનો ઓગણીસમો પ્રદેશ જાહેર કરી સદ્દામે તેની પ્રદેશલાલસા જગજાહેર કરી. અમેરિકાને મજબૂત ઇરાક ખપતું નહોતું. વળી ક્યૂબાના ફિડલ કાસ્ટ્રો પછી અમેરિકા સામે શિંગડાં ભરાવવાની હિંમત સદ્દામે કરી. આથી તે કુવૈતની મદદે પહોંચ્યું અને ‘ઑપરેશન ડેર્સ્ટ સ્ટોર્મ’ના અખાતી યુદ્ધ બાદ ઇરાકના આક્રમણને પાછું ઠેલી શક્યું. ઇરાકી દળોને કુવૈતમાંથી હદપાર કરવામાં આવ્યાં. આ યુદ્ધ બાદ ઇરાક પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા, જેમાં પેટ્રોલના બદલામાં તેને માત્ર દવાઓ અને અનાજ આયાત કરવાની છૂટ હતી. આ પ્રતિબંધોથી પ્રજાની રોજિંદી જરૂરિયાતો અને હાલાકીમાં ભારે વધારો થયો. એથી ઇરાકનું આંતરિક માળખું છિન્નભિન્ન થયું. મિત્ર દેશ દુશ્મન દેશ બન્યો. 1979થી 2003 સુધીનાં વર્ષોમાં સદ્દામે લોખંડી હાથે શાસન કર્યું. પ્રારંભે અમેરિકાએ તેને વ્યૂહાત્મક અને મજબૂત સમર્થન પૂરું પાડેલું. તેણે ઇસ્લામને રાજ્યસત્તાથી અલગ કરી ઇરાકને બિનસાંપ્રદાયિક દેશ જાહેર કર્યો હતો. ઘાતકી પગલાં ભરવા છતાં તેમને સત્તા, સ્થિરતા અને બિનસાંપ્રદાયિક શાસનના પ્રતીકરૂપ ગણાવાયા હતા.

પછીનાં વર્ષોમાં ઇરાકમાં સદ્દામે વિનાશક શસ્ત્રો વિકસાવ્યાં હોવાનો આરોપ મુકાયો. આ શસ્ત્રોની તપાસ માટે ઇરાકમાં યુનોના નિરીક્ષકો નીમવાની વાત પર સદ્દામ કોઈ મચક આપવા તૈયાર નહોતા. લાંબી મથામણને અંતે સદ્દામે યુનોની ટીમને ‘સામૂહિક સંહારનાં શસ્ત્રો’ની તપાસ માટે પ્રવેશવા દીધી. ટીમના તપાસ અધિકારીના મતે આવાં કોઈ શસ્ત્રો ઇરાક પાસેથી મળી આવ્યાં નહોતાં. આમ છતાં ઇરાકે શસ્ત્રો છુપાવ્યાં હોવાનાં બહાના નીચે અમેરિકાએ સાથી રાષ્ટ્રો સાથે મળી માર્ચ, 2003માં તેની પર આક્રમણ કર્યું. આ યુદ્ધને અંતે એપ્રિલ, 2003માં સદ્દામના શાસનનો અંત આવ્યો. સદ્દામે ટિકરિત નજીક એક ભૂગર્ભ કોટડીમાં આશરો લીધો. આઠ માસની શોધને અંતે અમેરિકાનું લશ્કર સદ્દામને શોધી શક્યું. સદ્દામે અમેરિકાના લશ્કરની શરણાગતિ સ્વીકારી. ઑક્ટોબર, 2005માં સદ્દામ વિરુદ્ધ ખટલો શરૂ થયો – તેમાં તેમની પર મુખ્ય આરોપ દુજૈલમાં 148 શિયા મુસ્લિમોની નિર્દોષ કતલ કરવાનો હતો. તે સાથે 1988માં લાખો કુર્દીશોની હત્યાનો આરોપ પણ સામેલ કરવામાં આવ્યો હતો. માનવતા સામેના આ નરસંહારના ગુના માટે સદ્દામને કસૂરવાર ઠેરવી નવેમ્બર, 2006માં ફાંસીની સજા ફરમાવવામાં આવી. ડિસેમ્બર, 2006માં ઇરાકની અદાલતે ફાંસીની સજા બહાલ રાખી અને તે અન્વયે 30 ડિસેમ્બરના રોજ તેમને ફાંસી આપવામાં આવી. આ સાથે ઇરાકના આપખુદ અને આતતાયી શાસકનો અંત આવ્યો.

આમ છતાં સદ્દામ એ સદ્દામ હતા. ફાંસીની છેલ્લી ક્ષણો સુધી તેણે સ્વસ્થતા જાળવી રાખેલી. હાથમાં કુરાનની નકલ રાખી, ખુલ્લાં મોંએ, નકાબ વિના ફાંસીએ ચઢવાનું તેમણે પસંદ કર્યું. વતનના ગામ ઐજવાહમાં દફનવિધિ કરવાનું તેની પુત્રીઓએ પસંદ કર્યું હતું.

સદ્દામની ફાંસીએ વિશ્વભરમાં મિશ્ર પ્રત્યાઘાત પેદા કર્યા. આ નિર્દય શાસકની ફાંસીને ઉચિત માનનાર એક વર્ગ હતો, તો બીજી બાજુ ઇરાકની હિંસામાં એક લાખથી વધુ લોકોનો ભોગ લેવા બદલ અમેરિકાના પ્રમુખ બુશ પણ જવાબદાર હોવાનું મંતવ્ય છે. આમ સદ્દામ શાસન દરમિયાન અને જીવનને અંતે વિવાદાસ્પદ વ્યક્તિ બની રહ્યા.

 રક્ષા મ. વ્યાસ