હુવિષ્ક (હુષ્ક) (શાસનકાળ ઈ. સ. 106–138) : વિદેશી કુષાણ વંશનો ભારતના કેટલાક પ્રદેશોનો રાજા. કલ્હણના ‘રાજતરંગિણી’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે કાશ્મીર ઉપર તુરુષ્ક (તુર્કિશ) જાતિના ત્રણ રાજાઓ હુષ્ક (હુવિષ્ક), જુષ્ક અને કનિષ્ક 2જો સંયુક્ત રાજ્ય કરતા હતા. તેમણે પોતાના નામ પરથી હુષ્કપુર (આધુનિક ઉષ્કર), જુષ્કપુર (આધુનિક ઝુકુર) અને કનિષ્કપુર (આધુનિક કનીસપોર) – એમ ત્રણ નગરો વસાવ્યાં હતાં. આ ત્રણે રાજાઓએ બૌદ્ધધર્મીઓના અનેક મઠ તથા ચૈત્યો બંધાવીને બૌદ્ધ સાધુઓને આશ્રય આપ્યો હતો. કાબુલ પાસે આવેલા વર્દાકમાંના શિલાલેખ મુજબ હુવિષ્કની સત્તા અફઘાનિસ્તાન પર હતી. રાજા હુવિષ્ક બૌદ્ધધર્મીઓનો આશ્રયદાતા હતો. મથુરાના એક ઉત્કીર્ણ શિલાલેખ મુજબ મહારાજા રાજાધિરાજ દેવપુત્ર હુવિષ્કે બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો. રાજા હુવિષ્કના સિક્કાના પાછળના ભાગમાં રોમા, હેરાક્લિસ, સૂર્યદેવ અનીઓ, ભારતના દેવોમાં વિષ્ણુ, ઉમા, શિવ સાથે ઉમા ઇત્યાદિની આકૃતિઓ હતી. તેની એક મુદ્રા તેને વિષ્ણુનો ભક્ત સૂચવે છે.
કુષાણ વંશના સૌથી મહાન સમ્રાટ કનિષ્ક 1લા (ઈ. સ. 78થી 102) પછી તેનો પુત્ર વસિષ્ક અને તેના પછી હુવિષ્ક ગાદીએ બેઠો હતો. તેણે ધર્મસહિષ્ણુતાની નીતિ ચાલુ રાખી હતી.
જયકુમાર ર. શુક્લ