હુરિયન લોકો : મધ્યપૂર્વના દેશોના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઈ. પૂ. 2જી સહસ્રાબ્દીમાં મહત્વનો ભાગ ભજવનાર લોકો.
ઈ. પૂ. 3જી સહસ્રાબ્દીમાં એટલે કે ઈ. પૂ. 3000થી 2000ના સમયગાળામાં હુરિયન લોકોએ અત્યારે જે આરબ દેશો તરીકે ઓળખાય છે એ પશ્ચિમ એશિયા અથવા મધ્યપૂર્વના દેશો પર આક્રમણ કરી ત્યાં પ્રવેશ કર્યો હતો. એ પછી ઈ. પૂ. 1500 સુધી તેઓ આ દેશોમાં સ્થિર થઈને સતત પશ્ચિમ તરફ આગળ વધતા રહ્યા. ટાઇગ્રીસ નદીના પૂર્વ ભાગથી ઝાગરોઝના પર્વતીય પ્રદેશ સુધી એમનું વર્ચસ્ હતું. તેમણે એસિરિયન રાજાઓને હરાવ્યા હતા. મેસોપોટેમિયા(વર્તમાન ઇરાક)ના ઉત્તર ભાગમાં હુરિયન લોકોની મુખ્ય વસ્તી હતી. તેથી એ પ્રદેશ ‘હુરી’ તરીકે ઓળખાતો હતો. ટાઇગ્રીસ નદીની પૂર્વમાં આવેલું નુઝુ નામનું સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર એમનું મુખ્ય મથક હતું. હુરિયન લોકોને વ્યાપારમાં ઘણો રસ હતો. એમણે એનેટોલિયાનો પૂર્વ ભાગ જીતી લીધો હતો. ઇજિપ્ત ઉપર પણ એમણે આક્રમણ કર્યું હતું.
ઈ. પૂ. 15મી સદીમાં ઈરાનના પર્વતીય પ્રદેશથી સિરિયા સુધીનો વિસ્તાર મિતાની રાજ્ય તરીકે ઓળખાતો અને એના ઉપર હુરિયન લોકોની સત્તા હતી. રાજકીય સત્તા ઉપરાંત એમણે મેસોપોટેમિયા, સિરિયા, ઇજિપ્ત, એનેટોલિયા વગેરે મધ્યપૂર્વના ઘણા દેશો ઉપર ગાઢ સાંસ્કૃતિક અસર કરી હતી. એમના સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન ઉપર હુરિયન પ્રભાવ હતો. હુરિયન લોકોની અલગ ભાષા હતી. મધ્યપૂર્વના દેશોના સાહિત્ય ઉપર પણ હુરિયન સાહિત્યની અસર હતી. હુરિયન ધાર્મિક કથાઓ એમના સાહિત્યમાં દાખલ થઈ હતી. એમનાં શહેરો અને વ્યક્તિઓનાં નામો હુરિયન ભાષાના શબ્દો પરથી રાખવામાં આવતાં. હિટ્ટાઇટ રાણીઓ હુરિયન નામો ધારણ કરતી હતી.
ઈ. પૂ. 14મી સદીમાં હિટ્ટાઇટ લોકોએ મિતાની રાજ્ય ઉપર આક્રમણ કરી હુરિયન લોકોને હરાવ્યા. છતાં એમના સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર હુરિયન સંસ્કૃતિની અસર હતી. ઈ. પૂ. 1100 આસપાસ હુરિયન લોકોનો વસવાટ આર્મેનિયન પર્વતોના હયશા વિસ્તારમાં હતો. આમ, ઈ. પૂ. 3જી અને 2જી સહસ્રાબ્દીમાં મેસોપોટેમિયા, સિરિયા, ઇજિપ્ત, એનેટોલિયા વગેરે મધ્યપૂર્વના દેશો પરના હુરિયન લોકોના આક્રમણે ઘણી ગાઢ અસર કરી હતી. આવી પ્રબળ સંસ્કૃતિ અને વ્યાપારમાં રસ ધરાવતી હુરિયન પ્રજાનું મૂળ વતન કયું એ હજુ નિશ્ચિત થયું નથી.
મુગટલાલ પોપટલાલ બાવીસી