હુમાયૂંની કબર

February, 2009

હુમાયૂંની કબર : મુઘલકાલીન ભારતની એક ઉલ્લેખનીય ઇમારત. આ ઇમારત દિલ્હીમાં મથુરા રોડ પર આવેલી છે. હુમાયૂંના મૃત્યુ પછી તેની વિધવા બેગા બેગમે (જે હાજી બેગમ તરીકે વધુ જાણીતી હતી) આ ઇમારત 1565માં બંધાવી હતી. શેરશાહથી પરાજિત થતાં હુમાયૂંને ઈરાનમાં આશ્રય લેવો પડ્યો હતો. 1556માં તેણે ફરીથી  દિલ્હીની ગાદી હસ્તગત કરી.

હુમાયૂંની કબર

ઈરાનથી તે જ્યારે ભારત પાછો ફર્યો  ત્યારથી ઉત્તર ભારતના સ્થાપત્યમાં તેને કારણે પર્શિયન સ્થાપત્ય શૈલીની અસર થઈ. આ લક્ષણ હુમાયૂંની કબર પર પણ જોવા મળે છે. આ એક મકબરો જ છે. બગીચાની મધ્યે નિર્મિત આ ઇમારત પ્રારંભિક મુઘલ સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે. તેના વિવિધ ભાગોમાં પર્શિયન અસર દૃષ્ટિગોચર થાય છે. મુખભાગ(facade)નું મોટા કમાનસહિતના ગવાક્ષ (alcove) અને ભવ્ય ઘુંમટના આકાર અને બાંધકામમાં સંપૂર્ણ પર્શિયન અસર વરતાય છે. તેનું પથ્થરકામ ભારતીય કારીગરોએ કર્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જ્યારે અંદરના ભાગમાં ઓરડાઓનું સંકુલ અને પડાળી(corridors)ની રચના પર્શિયન સ્થાપત્યનાં વિશિષ્ટ લક્ષણ છે. આ અગાઉ ભારતમાં બાંધકામમાં આવી રચના જોવા મળતી નથી. ચારે દિશાએ કમાન સાથેનાં ચાર ભવ્ય પ્રવેશદ્વાર, ઇમારતને ફરતો મોટો બગીચો એ તેના સ્થાપત્યકીય સંયોજનની વિશેષતા છે. મકબરાના ફરતા બગીચાની શરૂઆત અહીંથી થઈ, જે પછીથી તાજમહાલમાં વિકાસ પામી. મુખ્ય પ્રવેશ પશ્ચિમાભિમુખ છે. સાદરેતિયા પથ્થરના બનેલા પ્લૅટફૉર્મ પર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્લૅટફૉર્મની ચારે બાજુએ કમાનવાળા નાના ખંડો રચવામાં આવ્યા છે. દરેક બાજુએ આવા 17 ખંડો છે. ઇમારતની ચારે બાજુએ ચાર ઊભા લંબચોરસ ઢાંચામાં ભવ્ય મુઘલ કમાન છે. તેની પડખે કમાનસહ મોટા ખુલ્લા ઓરડા છે. મધ્યની મોટી કમાનની ઉપર મોટો ઘુંમટ છે. કબરખંડની અંદરના ભાગમાં મોટા હૉલને બદલે નાના ઓરડાઓનો સમૂહ છે. સૌથી મોટા ઓરડામાં હુમાયૂંની કબર છે, જ્યારે નાના ઓરડાઓમાં બાદશાહનાં સગાંવહાલાંઓની કબરો છે. જેમ કે બેગા બેગમ, હમીદાબાનુ બેગમ, દારા શિકોહ અને ઉત્તરકાલના મુઘલ બાદશાહો – જહાંદાર શાહ, ફર્રુખશિયર, રફિઉદ્-દરજાત, રફિ-ઉદ્-દૌલા અને આલમગીર બીજાની કબરો છે. 1857ના સંગ્રામ દરમિયાન છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ બીજાએ પોતાના ત્રણ રાજકુમારો સહિત અહીં શરણું લીધું હતું અને લેફ્ટેનન્ટ હોડસન દ્વારા પકડાઈ ગયા હતા. સમગ્ર સંકુલને આવૃત્ત દીવાલ છે અને સંકુલમાં પ્રવેશવા પૂર્વ અને દક્ષિણમાં બે મજલાવાળા ભવ્ય દરવાજા છે, જેમાંનો દક્ષિણનો દરવાજો હાલ બંધ કરવામાં આવ્યો છે.

થૉમસ પરમાર