હુમાયૂંનામા : મુઘલ શહેનશાહ બાબરની પુત્રી ગુલબદન બેગમે લખેલ હુમાયૂંનું જીવનચરિત્ર.
‘હુમાયૂંનામા’ની રચના ગુલબદન બેગમે અકબરની આજ્ઞાથી ઈ. સ. 1580થી 1590 વચ્ચે કરી. સ્વયં ગુલબદન બેગમ જ જણાવે છે તેમ જ્યારે હજરત ફિરદૌસ મકાની (બાબર) સ્વર્ગવાસી થયા ત્યારે પોતે આઠ વર્ષની હતી. તેથી બાબર વિશે તેને ઘણું જ ઓછું યાદ હતું; પરંતુ શાહી આદેશ અનુસાર તેણે જે કાંઈ સાંભળ્યું અથવા જે યાદ રહ્યું તેને જ અક્ષરદેહ આપ્યો.
ગુલબદને પોતાની આ કૃતિને બે ભાગમાં વહેંચી છે : પહેલા ભાગમાં બાબરના સમયનો તથા બીજા ભાગમાં હુમાયૂંના સમયનો ઇતિહાસ આલેખ્યો છે. બાબરવિષયક ભાગમાં તે નોંધે છે કે બાબરે તો પોતાના વાકેઆનામા(આત્મવૃત્તાંત)માં પોતાનો ઇતિહાસ આપ્યો છે. અહીંયા પોતે કેવળ આશીર્વાદ અને ઋણસ્વીકાર માટે જ તેને લિપિબદ્ધ કરે છે.
હુમાયૂં પ્રત્યે બાબરને અગાધ પ્રેમ હતો, જેનો માર્મિક અહેવાલ સર્વપ્રથમ ‘હુમાયૂંનામા’માં મળે છે. ગુલબદન બેગમના વૃત્તાંતથી આપણને સર્વ પ્રથમ જાણવા મળે છે કે ઇબ્રાહીમ લોદીની માતાએ બાબરને ઝેર આપ્યું હતું, જે પાછળથી તેના મરણનું નિમિત્ત બન્યું.
બાબરની દાનશીલતા, કુટુંબના તમામ સભ્યો તરફનો પ્રેમ અને તેમને રહેવા માટે આગ્રામાં મહેલો બનાવવા, બાબર હિંદાલની કેવી પ્રતીક્ષા કરી રહ્યો હતો અને તે કેટલો મોટો થઈ ગયો છે એ જાણવા કેટલો ઇચ્છુક હતો તેનો ખ્યાલ આ ગ્રંથ પરથી આવે છે. બાબર વિશે ગુલબદન બેગમે પોતાની વ્યક્તિગત જાણકારીના આધારે જે કાંઈ લખ્યું તે ઘણું ટૂંકું છે; પરંતુ મહત્વનું છે.
ગુલબદનની કૃતિનો સૌથી અગત્યનો ભાગ તો હુમાયૂંનો ઇતિહાસ છે. ડૉ. કાનૂનગો નોંધે છે કે, ‘મને આ પુસ્તક ઘણું જ ઉપયોગી લાગ્યું છે – ખાસ કરીને હુમાયૂંના જીવન અને તારીખો બાબત. લેખિકાની એક કે બે બાબતોને બાદ કરતાં બાકીનું તમામ વૃત્તાંત વિશ્વસનીય છે.’ આ ગ્રંથ ત્રણ મહત્વના સ્રોતોને આધારે તૈયાર કરાયો છે.
(1) ગુલબદનની પોતાની જાણકારી પર આધારિત વૃત્તાંત. આમાં ભારત છોડીને હુમાયૂંનું અમરકોટ પહોંચી ત્યાંથી કાબુલ જઈને મીર્ઝા કામરાનની આંખો ફોડી નાખવા સુધીનો ઘટનાક્રમ આવરી લેવાયો છે. (2) હમીદાબાનુએ વર્ણવેલો સિંધથી ઈરાન સુધીનો પ્રવાસ અને કાબુલવિજયની ઘટના. (3) ખ્રિજ ખ્વાજાખાન તથા બીજા સંબંધીઓએ આપેલ માહિતી પર આધારિત વૃત્તાંત.
આ ગ્રંથમાં લેખિકાએ હુમાયૂંના લગ્ન તથા પુત્રજન્મ ઉત્સવનો સવિસ્તર ઉલ્લેખ કર્યો છે. હુમાયૂંનો ભાઈઓ અને બહેનો પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ તેણે આલેખ્યો છે. લેખિકા પ્રત્યે તેને સૌથી વધારે સ્નેહભાવ હતો.
આ ગ્રંથનાં મહત્વનાં વૃત્તાંતોમાં હુમાયૂનું ચુનાર અભિયાન, રંગભવનનું નિર્માણ, હિન્દાલના લગ્ન પાછળનો લખલૂંટ ખર્ચ, માલદેવના રાજ્યમાં જતાં-આવતાં પડેલ મુશ્કેલીઓ, માલદેવનો વિશ્વાસઘાત, મીર્ઝા શાહહુસેનની બેવફાઈ, કંદહારથી ઈરાનનો રોચક પ્રવાસ વગેરેનો સમાવેશ થાય છે. કામરાનને આંધળો કર્યા પછીની ઘટનાઓ તેમાં નથી, કારણ આ ઘટના ઘટ્યા પછી ‘હુમાયૂંનામા’ પૂરું થાય છે.
આમ છતાં કામરાન વિશે તેણે ઘણું લખ્યું છે. હુમાયૂં દ્વારા ખાનજાદા બેગમને કામરાનને સમજાવવા મોકલવા છતાં કામરાનનો કંદહારમાં પોતાના નામનો ખુત્બો વંચાવવાના દુરાગ્રહની વિગત પોતાની માતા તથા ખાનજાદા બેગમ પાસેથી મેળવીને વિગતથી આલેખી છે. આ વિવરણ બીજી કોઈ કૃતિમાં નથી.
હુમાયૂંના કાબુલવિજય પછીની ઘટનાઓની વિગત ગુલબદને પોતાની જાણકારીને આધારે આપી છે. એ વખતે હમીદાબાનુ બેગમ પણ કાબુલ પહોંચી ગઈ હતી. અન્ય બેગમોએ પણ તેને ઘટનાઓને ક્રમબદ્ધ કરી લિપિબદ્ધ કરવામાં મદદ કરી હતી. હુમાયૂં કાબુલના યુદ્ધમાં વ્યસ્ત હતો ત્યારે કામરાને બેગમોને આપેલ દુ:ખો ગુલબદનને પણ સહન કરવાં પડ્યાં હતાં. આવાં કષ્ટોમાંથી થોડા સમય માટે હુમાયૂં અને બેગમો છુટકારો મેળવતાં ત્યારે આનંદપ્રમોદ અને મિજબાનીઓ પણ ગોઠવાતી.
એ સમયની તવારીખોની વિશેષતા મહિલાઓના જીવનનું આબેહૂબ સજીવ ચિત્ર આપી રોચક વર્ણન કરવાની હતી. તેથી સુલેમાન મીર્ઝા મીરાનશાહની પત્ની હરમ બેગમે લશ્કરનું નેતૃત્વ કરેલું તેનું લેખિકાએ અદભુત વર્ણન કર્યું છે. મીર્ઝા કામરાનની મૂર્ખાઈ અને હરમ બેગમ સાથેના પ્રેમની જાહેરાતનાં દુષ્પરિણામોની ગુલબદને વિસ્તારથી ચર્ચા કરી છે.
મીર્ઝા હિંદાલ લેખિકાનો સગો ભાઈ હતો તેથી તેની હત્યા સબબ શોક અને કામરાન પ્રત્યે ક્રોધ સ્વાભાવિક છે. તેણે મીર્ઝા હિંદાલ પ્રતિ હુમાયૂંનો શોક તેમજ બેગમોનો વિલાપ તથા તેના મૃતદેહની દફનવિધિનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. કામરાનને પકડવા અને તેને મારવા બાબત હુમાયૂંએ નારાજગી વ્યક્ત કરી એનો લેખિકાએ માર્મિક શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે.
ગુલબદન બેગમને ચુગતાઈ કબીલાઓની મહિલાઓ પ્રત્યે વિશેષ ભાવ હતો તેથી તેણે મહિલાઓને પોતાના ગ્રંથમાં યોગ્ય સ્થાન આપી જે સરળતા તેમજ ભાવુકતાથી વિભિન્ન ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને જે રોચક શૈલીમાં ચરિત્રો અને દૃશ્યો રજૂ કર્યાં છે તે આ ગ્રંથની વિશેષતા છે.
આમ છતાં ‘હુમાયૂંનામા’માં લેખિકાની કેટલીક ખામીઓ સ્પષ્ટ જણાઈ આવે છે. હિન્દાલ તેનો સગો ભાઈ હતો તેથી તેના વિદ્રોહના આલેખનમાં ઘણી બાબતો પર ઢાંકપિછોડો કર્યો છે. અહીંયા તે નિષ્પક્ષ નથી. ગ્રંથમાં પરિવારના તમામ સભ્યોના લગ્નની વિગત આપે છે; પરંતુ પોતાના લગ્ન વિશે એક પણ શબ્દ લખતી નથી. બીજી બાજુ હમીદાબાનુનાં હુમાયૂં સાથેનાં લગ્નના વૃત્તાંતમાં બિનજરૂરી ઘણાં પાનાં રોકે છે. અંત:પુરની ઘટનાઓ તથા બેગમોના જીવનનો ઉલ્લેખ વિસ્તારથી કરે છે. તે મહત્વનાં યુદ્ધો અને અસરકારક રાજકીય ઘટનાઓ ટૂંકમાં પતાવે છે. ગુજરાતના આક્રમણની વિગતો ઘણી અધૂરી છે. હુમાયૂં ગુજરાતમાં ચાંપાનેર સિવાય બીજે ક્યાંય દેખાતો નથી.
આમ છતાં કેટલીક બાબતો અન્ય સાધનો દ્વારા જાણવા નથી મળતી તે આપણને ગુલબદનની આ રચનામાંથી મળે છે. હુમાયૂં-કાલીન ઇતિહાસ જાણવાનો આ એક વિશ્વાસપાત્ર સ્રોત છે. આમ છતાં ‘બાબરનામા’માં જે તટસ્થતા લેખકે બતાવી છે તે આમાં નથી. કારણ ગુલબદનનું વર્ણન સરળ તથા ભાવુકતાથી ભરેલું છે. લેખિકાની શૈલી પર મેહત્તર જૌહર આફતાબ ચીની રચના ‘તજકિરતુલ વાકેઆત’ તેમજ બાપજીદની કૃતિ ‘તજકિરયે હુમાયૂં’ની ઊંડી અસર છે. આ ઉપરાંત તેઓએ હજરત ફિરદૌસ મકાની (બાબર) પરથી પણ પ્રેરણા મેળવી હતી.
આ ગ્રંથની અત્યાર સુધી એક જ નકલ મળી છે, જે ઈ. સ. 1868માં કર્નલ જ્યૉર્જ વિલિયમ હેમિલ્ટને બ્રિટિશ મ્યુઝિયમને આપી હતી. તેનાં પાછળનાં કેટલાંક પૃષ્ઠો ફાટેલાં છે. શ્રીમતી એ. એસ. બેવરિજે આ ગ્રંથનું સંપાદન કરી અંગ્રેજી ભાષાંતર કર્યું અને સમૃદ્ધ પ્રસ્તાવના સાથે પ્રકાશન કર્યું. ઈ. સ. 1925માં લખનૌમાંથી પણ આ ગ્રંથ પ્રકાશિત કરાયો. ઈ. સ. 1959માં તાશ્કંદથી તેનું રશિયન ભાષાંતર પણ પ્રસિદ્ધ થયું.
(2) એક અન્ય ‘હુમાયૂંનામા’ તવારીખકાર ખોન્દા મીરે લખી છે. (Hindi edition of ‘History of India’ by Elliot and Dowson, Vol. V, P. 96 to 103) આ ગ્રંથની તરફ ઘણા ઓછાનું ધ્યાન ગયું છે અને લેખક પણ લગભગ અજ્ઞાત રહ્યા છે. લેખકની આ છેલ્લી રચના હતી. આ ‘હુમાયૂંનામા’નાં કેટલાંક અવતરણો અબૂલફઝલે પોતાની રચના ‘અકબરનામા’માં ઉદ્ધૃત કર્યાં છે. લેખકનું અવસાન ઈ. સ. 1534–35માં થયું હોવાથી તેમાં હુમાયૂંના પ્રારંભિક ચાર વર્ષના શાસનકાળનો જ ચિતાર છે. આ ગ્રંથ લેખકની વૃદ્ધાવસ્થામાં લખાયેલો હોવાથી તે પૂરેપૂરી દરબારી રચના છે. પરિણામે તેમાં પાને પાને હુમાયૂંની પ્રશંસા દેખાય છે.
લેખકનું ઉપનામ ગ્યાસુદ્દીન હતું અને તેના પિતા હિમામુદ્દીન તો ગુલામ હતા. આમ છતાં પુત્રે મુઘલ દરબારમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગ્વાલિયર દરબારમાં જ તેને હુમાયૂંવિષયક ઇતિહાસગ્રંથ લખવા આદેશ આપવામાં આવેલો.
આ ગ્રંથમાં હુમાયૂંનું રાજ્યારોહણ, સમ્રાટની દિનચર્યા, તેણે શરૂ કરેલ નવી પ્રણાલિકાઓ, વહીવટી તંત્રની ઝીણીઝીણી બાબતો તેમજ દીનપનાહ નામના નગરની સ્થાપના(ઈ. સ. 1533)ની વિગત આપવામાં આવી છે. લેખકે દરબારીઓને પોતાની કામગીરી સબબ કયા કયા ઇલકાબો આપવામાં આવતા તે દર્શાવ્યું છે. સ્વયં લેખકને પણ ‘અમીર-ઇ-અખબાર’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. વહીવટી તંત્રની મહત્વની બાબતોનું તેમાં વિશેષ આલેખન કર્યું હોવાથી આ ગ્રંથને ‘કાનૂને હુમાયૂંની’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લેખક પોતે તવારીખકારની સાથે સાથે કવિ પણ હતો. તેથી પોતાની આ રચનામાં શાહી તહેવારોની ઉજવણી વખતે ગવાતાં પોતાનાં કાવ્યો પણ આપ્યાં છે. આ ગ્રંથની ભાષા અધિક કાવ્યમય તથા કુરાનની આયતોથી ભરેલી છે. તેની વિશેષતા તેમાં આપેલી સામાજિક અને સાંસ્કૃતિક બાબતો છે. વળી હુમાયૂંને જ્યોતિષમાં કેટલો આંધળો વિશ્વાસ હતો તે પણ આ ગ્રંથના વાંચનથી સ્પષ્ટ થાય છે.
ખોન્દા મીરની આ ‘હુમાયૂંનામા’ની એક નકલ રૉયલ ઍશિયાટિક સોસાયટીની બંગાળ શાખા પાસે છે, જેને આધારે સર એચ. ઇલિયટે તેનું સંપાદન કર્યું છે.
ઈશ્વરલાલ ઓઝા