હુ ચિંતાઓ (જ. 1942, નિક્સી, અનહુઈ પ્રાંત, ચીન) : ચીન ગણરાજ્યના રાષ્ટ્રાધ્યક્ષ. સમગ્ર શિક્ષણ ચીનમાં. 1965માં હાઇડ્રૉઇલેક્ટ્રિક ઇજનેરીમાં પદવી પ્રાપ્ત કરી; પરંતુ તે પૂર્વે એક વર્ષ 1964માં તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં સક્રિય કામકાજની શરૂઆત કરી હતી. દસ વર્ષ સુધી જલસંચાલન મંત્રાલયમાં સેવાઓ આપ્યા પછી 1980ના પૂર્વાર્ધમાં કમ્યુનિસ્ટ યૂથ લીગનું નેતૃત્વ તેમને સોંપવામાં આવ્યું. 1982માં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિમાં તેમની વરણી થઈ. 1992માં પક્ષના પૉલિટ બ્યૂરો તથા સ્ટૅન્ડિંગ કમિટીમાં તેમની ચૂંટણી કરવામાં આવી. આ પદો તેમને પાર્ટીના તત્કાલીન વરિષ્ઠ નેતા ડેન ઝિઓપિંગના સમર્થનને કારણે પ્રાપ્ત થયાં હતાં. 1998માં તેઓ ચીનના ઉપરાષ્ટ્રપતિ બન્યા. તે અરસામાં ચીનમાં ઝિયાંગ ઝેમિનની દોરવણી હેઠળ ઉદારવાદી સુધારણાનો દોર શરૂ થઈ ગયો હતો. 15 માર્ચ 2003ના રોજ હુ ચિંતાઓ રાષ્ટ્રાધ્યક્ષ ચૂંટાયા. તે પછીના છ માસના ગાળામાં તેમણે દેશનું સૌથી મહત્વનું સત્તાકેન્દ્ર ‘નૅશનલ મિલિટરી કમિશન’ પર પોતાની પકડ મજબૂત કરવામાં સફળતા મેળવી. આર્થિક સુધારણાના કાર્યક્રમને તેમણે જોરદાર અને સક્રિય સમર્થન આપ્યું.

હુ ચિંતાઓ

2003-06ના ત્રણ વર્ષમાં તેમણે વિશ્વના ઘણા દેશોનો અધિકૃત શાસકીય પ્રવાસ ખેડ્યો અને તેને લીધે ચીનની વૈશ્વિક પ્રતિમામાં ઘણો સુધારો થયો. એટલે સુધી કે અમેરિકા જેવા વિશ્વના બલાઢ્ય રાષ્ટ્રને પણ તેમની વિચારસરણી અને પ્રવૃત્તિઓની ગંભીર નોંધ લેવાની ફરજ પડી હતી. ઉત્તર કોરિયાએ વર્ષ 2006માં અણ્વસ્ત્રોનો વિસ્ફોટ કર્યો તેની હુ ચિંતાઓએ જાહેર નિંદા કરી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓના સમર્થન સાથે ચીનની યુવા પેઢીની આકાંક્ષાઓ પૂરી કરવાનું કામ તેમણે હાથમાં લીધું. તેમની દોરવણી હેઠળ ચીનના સામ્યવાદી પક્ષમાં પહેલી જ વાર ભ્રષ્ટાચાર, સત્તાનો ગેરઉપયોગ, ધાર્મિક વિખવાદો, સામાજિક ન્યાય જેવા વિષયો પર જાહેર ચર્ચા શરૂ થઈ. દેશમાં ઉપલબ્ધ સાધનસંપત્તિનો અસરકારક ઉપયોગ કરી પંચવર્ષીય યોજના મારફત કાચી ગૃહપેદાશ (GDP) બમણી કરવાનું લક્ષ્ય તેમણે નિર્ધારિત કર્યું. આર્થિક વિકાસના સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન પ્રકલ્પો (SEZ) માટે ખેડૂતોની જમીનો સરકાર હસ્તક લેવાની નીતિના વિરોધમાં વર્ષ 2006માં દેશમાં સેંકડો આંદોલનો થયાં, જે હુ ચિંતાઓ માટે ચિંતાનો વિષય બન્યાં હતાં.

તિબેટની અલાયદા રાષ્ટ્રીયત્વની માગણી દબાવી દેવામાં તેમનો સક્રિય હાથ રહ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે