હુકર, રિચાર્ડ (જ. ? માર્ચ 1554, હેવિત્રી, દેવન, ઇંગ્લૅન્ડ; અ. 2 નવેમ્બર 1600, બિશપસોબોર્ન, કેન્ટબરી નજીક) : ઇંગ્લૅન્ડના ચર્ચના પાદરી, ધર્મશાસ્ત્રી અને વિદ્વાન લેખક. ગરીબ પરિવારનું સંતાન હોવા છતાં અભ્યાસમાં આગળ વધ્યા. ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1579માં ત્યાં જ હિબ્રૂ ભાષાના ઉપપ્રાધ્યાપક તરીકે નિમાયા હતા. 1584થી વિવિધ ચર્ચોના મુખ્ય પાદરી તરીકે તેમણે કામ કર્યું. ધર્મશાસ્ત્રની ચર્ચાઓ તેમની મુખ્ય પસંદગીની બાબત હતી. ઍંગ્લિકન ધર્મશાસ્ત્ર વિકસાવવામાં તેમનું નોંધપાત્ર પ્રદાન હતું. અંગ્રેજી ગદ્ય અને કાનૂની ચિંતનના નિષ્ણાત તરીકે હુકર જાણીતા હતા.
રિચાર્ડ હુકર
તેમના મતે જ્ઞાનના ત્રણ મુખ્ય સ્રોત છે : (1) બાઇબલ, જે ઈશ્વરને અભિવ્યક્ત કરે છે. (2) ચર્ચ, જે તેમના મતે પરંપરાઓનું વાહક છે અને (3) માનવીની તર્કશક્તિ, જે ઈશ્વરે માનવને આપેલી અમૂલ્ય ભેટ છે. આ ત્રણ માપદંડો દ્વારા તેઓ પ્યૂરિટન અને રોમન કૅથલિક વિચારોનો પાયામાંથી વિરોધ કરે છે. વૈવિધ્ય પ્રત્યે સહિષ્ણુતા દાખવવા છતાં તેઓ ઇંગ્લૅન્ડના ચર્ચનો બચાવ કરે છે.
‘ટ્રીટાઇઝ ઑન્ ધ લોઝ ઑવ્ ઍક્લિઝિયેસ્ટિકલ પૉલિટી’ તેમની નોંધપાત્ર ગ્રંથશ્રેણી રહી છે. મૂળે તેના આઠ ગ્રંથો તૈયાર કરવાની તેમની યોજના હતી; જેમાં પહેલા ચાર ગ્રંથો 1593માં પ્રકાશિત થયા, પાંચમો ગ્રંથ 1597માં અને શેષ 3 ગ્રંથો તેમના નિધન બાદ પ્રકાશન પામ્યા. આ 3 ગ્રંથોમાં ઘણું સંપાદનકાર્ય અન્ય વિદ્વાનોએ કર્યું હતું. આ સમગ્ર શ્રેણીમાં પ્યૂરિટન સંપ્રદાય અને રોમન કૅથલિક સંપ્રદાય દ્વારા થતી દલીલોનો જવાબ વાળી તેમણે ઇંગ્લૅન્ડના ચર્ચનો બચાવ કર્યો છે. તેમની આ ગ્રંથશ્રેણી એલિઝાબેથયુગના સાહિત્યમાં તદ્દન અનોખી ભાત પાડતી ગ્રંથશ્રેણી બની રહી. તેમાં ખૂબ સમતોલ, ન્યાયયુક્ત અને મજબૂત રીતે ઇંગ્લૅન્ડના (ઍંગ્લિકન) ચર્ચના બચાવ માટે દલીલો કરવામાં આવેલી છે. તેમાંની ઍંગ્લિકન પરંપરાઓ તેમની ચર્ચાનો મુખ્ય વિષય છે. આ કારણોથી ઇંગ્લિશ ચર્ચના મહાન ધર્મશાસ્ત્રી તરીકે તેઓ જાણીતા બન્યા હતા.
રક્ષા મ. વ્યાસ