હુઈ સુંગ : પ્રાચીન ચીનનો સમ્રાટ. સુંગ વંશે ઉત્તર ચીનમાં ઈ. સ. 960થી 1127 સુધી શાસન કર્યું. તેમાં હુઈ સુંગનો શાસનકાળ સને 1100થી 1125-26 સુધી હતો. એ ચિત્રકાર અને કલાનો ચાહક હતો, પણ સારો વહીવટકર્તા બની શક્યો નહિ. એણે સરકારી શાળાઓને ઉદારતાથી નાણાકીય મદદ કરી; પરંતુ સરકારી અધિકારીઓએ એનો દુરુપયોગ કર્યો. એ પછી એણે ભવ્ય અને આકર્ષક શાહી બગીચો બનાવવામાં મોટો ખર્ચ કર્યો. યુદ્ધ અને રાજકીય નીતિમાં પણ એણે બેદરકારી બતાવી. પરિણામે વહીવટીતંત્ર ભ્રષ્ટ, ઉડાઉ અને બિનકાર્યક્ષમ બન્યું. રાજ્યની આવક વધારવા સરકારી હોદ્દાઓનું વેચાણ થવા માંડ્યું. પ્રજાની પરેશાનીમાં વધારો થયો. તેથી હુઈ સુંગ અપ્રિય બન્યો.

લિયાઓ સામ્રાજ્યના નાશ માટે એણે મંચુરિયાની જુચેન જાતિને સહકાર આપ્યો; પરંતુ એ પછી મતભેદોને કારણે જુચેન જાતિએ જ એના પર આક્રમણ કર્યું. હુઈ સુંગે 1125-26માં ગાદીત્યાગ કરી એના પુત્ર ચીન સુંગને સમ્રાટ બનાવ્યો. 1127માં જુચેન લોકોએ હુઈ સુંગ, એના પુત્ર ચીન સુંગ અને એમના શાહી પરિવારને કેદી તરીકે પકડી મંચુરિયા મોકલી આપ્યા. તેથી 1127માં ઉત્તર ચીનમાં સુંગ રાજવંશના શાસનનો અંત આવ્યો. જો કે હુઈ સુંગના બીજા પુત્ર કાઓ સુંગે દક્ષિણ ચીનમાં જઈને ત્યાં પોતાના સુંગ રાજવંશની સ્થાપના કરી. કાઓ સુંગે 1127થી 1162 સુધી રાજ્ય કર્યું, જ્યારે એના વંશજોએ દક્ષિણ ચીનમાં 1279 સુધી રાજ્ય કર્યું. આમ, ઉત્તર ચીનમાં સુંગ રાજવંશનો અંત આવ્યા પછી લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ચીનમાં સુંગ રાજવંશે શાસન કર્યું. આ વંશના રાજાઓએ ચીનમાં સાહિત્ય અને કલાને પ્રોત્સાહન આપ્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી