હીવસી જ્યૉર્જ (De Hevesy George) અથવા (GyÖrgy)

February, 2009

હીવસી, જ્યૉર્જ (De Hevesy, George) અથવા (GyÖrgy) (જ. 1 ઑગસ્ટ 1885, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 જુલાઈ 1966, ફ્રાઇબર્ગ, જર્મની) : હંગેરિયન-સ્વીડિશ રેડિયોકેમિસ્ટ અને 1943ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેઓ જ્યૉર્જ ચાર્લ્સ દ હીવસી નામે પણ ઓળખાય છે. 1903માં મૅટ્રિક થયા બાદ તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટી તથા બર્લિનની ટૅકનિકલ હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1908માં તેમણે ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી.

હીવસીએ શરૂઆતમાં ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્વિટ્ઝર્લૅન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં મદદનીશ તરીકે સેવાઓ આપી. ત્યારબાદ તેમણે ફ્રિટ્ઝ હેબર (1918ના નોબેલ પુરસ્કાર-વિજેતા) સાથે થોડો સમય કામ કર્યું અને એમોનિયાના સંશ્લેષણ માટેની હેબરની પ્રવિધિનો અભ્યાસ કર્યો. 1911માં તેમણે માન્ચેસ્ટર ખાતે એક અન્ય નોબેલ પુરસ્કાર (1908) વિજેતા અર્નેસ્ટ રૂધરફૉર્ડના હાથ નીચે રેડિયમના અલગીકરણ પર કાર્ય શરૂ કર્યું.

જ્યૉર્જ હીવસી

અહીં તેમણે જોયું કે સામાન્ય સીસું (lead) અને વિકિરણધર્મી રેડિયમ-ડી(Ra-D)ને રાસાયણિક રીતે છૂટાં પાડી શકાતાં નથી. પાછળથી જણાયું કે Ra-D એ ખરેખર તો સીસાનો સમસ્થાનિક (isotope) (પરમાણુભાર 210) છે અને તે વિકિરણધર્મી છે. આથી જો સીસામાં થોડુંક Ra-D ઉમેરવામાં આવે અને વિકિરણધર્મી પદાર્થોના અલ્પ પ્રમાણને નક્કી કરવા માટે ગણકો (counters) અથવા ફોટોગ્રાફી જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો સીસાના ઘણા ઓછા જથ્થાને પારખી શકાય છે.

આ કાર્ય અધવચ્ચેથી અટકાવીને હીવસી 1913માં વિયેના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રેડિયમ રિસર્ચમાં ફ્રેડરિક પાનેથ સાથે વિકિરણધર્મી-અનુજ્ઞાપકો(radioactive tracers)ને લગતા પ્રયોગો માટે જોડાયા. હીવસી અને પાનેથે લેડ સલ્ફાઇડ અને લેડ ક્રોમેટની પાણીમાં દ્રાવ્યતા નક્કી કરી. સામાન્ય પદ્ધતિઓ વડે આ શક્ય ન હતું. અહીં જ તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીની શિક્ષણ માટેની માન્યતા (venia legendi) પ્રાપ્ત કરી. 1915માં તેમને ઑસ્ટ્રિયન-હંગેરિયન લશ્કરમાં જોડાવાની ફરજ પડી. યુદ્ધ પૂરું થતાં તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીમાં છ માસ માટે અધ્યાપનકાર્ય કર્યું. 1919માં તેઓ નીલ્સ બોહર ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા માટે કોપનહેગન ગયા. 1922માં બોહરે એક નવા તત્વ અંગે આગાહી કરી અને હીવસીને ઝિર્કોનિયમના અયસ્કો(ores)માંથી તે શોધી કાઢવા સૂચન કર્યું. 1923માં કોપનહેગન ખાતે જ હીવસી અને દિર્ક કોસ્ટરે આ નવું તત્વ (પરમાણુક્રમાંક 72) શોધી કાઢ્યું અને તેને હેફનિયમ (સંજ્ઞા Hf) નામ આપ્યું. 1926માં તેઓ ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણના પ્રાધ્યાપક બન્યા અને રાસાયણિક તત્વોની સાપેક્ષ વિપુલતા (abundance) નક્કી કરી. આ દરમિયાન તેઓ યુનિવર્સિટી ઑવ્ ઘેન્ટ(Ghent)ના માનાર્હ પ્રાધ્યાપક તરીકે પણ પસંદગી પામ્યા હતા.

1930ના દાયકામાં હીવસી ચિહનક (marker) વિભાવના(concept)ને પૂરતી વિકસાવી ચૂક્યા હતા. 1934માં તેમણે સ્વર્ણ-મત્સ્ય (gold fish) અને તેમના પરિવર્તી (surroundings) વચ્ચે જલ-વિનિમય (water exchange) માપવા માટે ભારે પાણી(heavy water, D2O)માંના ડ્યુટેરિયમ(deuterium)નો ઉપયોગ કર્યો. તે જ વર્ષમાં તેમણે રેડિયો-ફૉસ્ફરસ ચિહનક તરીકે વાપરી માનવી અને પ્રાણીઓની પેશીઓમાં ફૉસ્ફરસનું વિતરણ નક્કી કર્યું. એક વર્ષ બાદ 1935માં તેમણે સક્રિયન વિશ્લેષણ(activation analysis)ની શોધ કરી, જે ઉપર દર્શાવેલી તકનીકનું એક સુધારેલું સ્વરૂપ હતું.

1943માં નાઝીઓથી દૂર થઈને તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑર્ગેનિક કેમિસ્ટ્રી, સ્ટૉકહોમમાં પ્રાધ્યાપક બન્યા હતા.

રાસાયણિક પ્રવિધિઓના અભ્યાસમાં અનુજ્ઞાપકો (tracers) તરીકે સમસ્થાનિકોના ઉપયોગ અંગેના તેમના સંશોધનકાર્ય બદલ હીવસીને 1943ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને એકૅડેમી ઑવ્ સાયન્સિઝ(રોમ)નું કેનિઝારો પારિતોષિક (1929), રૉયલ સોસાયટી(લંડન)નો કોપ્લે ચંદ્રક (1949), ફેરડે ચંદ્રક (1950), બેઇલી ચંદ્રક (1951), સિલ્વાનુસ થૉમ્સન ચંદ્રક (1955), ફૉર્ડ ફાઉન્ડેશનનો ઍટમ્સ ફૉર પીસ ચંદ્રક (1959) તથા નીલ્સ બોહર ચંદ્રક અને યુનિવર્સિટી ઑવ્ શિકાગોનો રોઝેનબર્ગ ચંદ્રક (1961) પણ પ્રાપ્ત થયા હતા.

તેઓ રૉયલ સોસાયટી(લંડન)ના, સ્વીડિશ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ગૉથેનબર્ગ એકૅડેમી અને અન્ય સંસ્થાઓના ફેલો હતા. કેમિકલ સોસાયટી (લંડન), રૉયલ ઇન્સ્ટિટ્યૂશન (લંડન), ફિનિશ કેમિકલ સોસાયટી, કેમિકલ સોસાયટી ઑવ્ જાપાન, અમેરિકન સોસાયટી ઑવ્ ન્યૂક્લિયર મેડિસિન વગેરે અનેક સંસ્થાઓના તેઓ માનાર્હ ફેલો હતા. આ ઉપરાંત અપ્પસલ્લા, ફ્રાઇબર્ગ, કૉપનહેગન, ઘેન્ટ, લીગે, લંડન, કૅપટાઉન, સાઓ પાઉલો, રિયો દ જાનેરો, તુરિન જેવી યુનિવર્સિટીઓની માનદ પદવીઓ પણ તેઓ ધરાવતા હતા.

તેમનાં પુસ્તકોમાં ‘એડવાન્સીઝ ઇન રેડિયોઆઇસોટોપ્સ’ (બે ખંડ) તથા ‘એડવાન્સીઝ ઇન રેડિયોઆઇસોટોપ રિસર્ચ’ (બે ખંડ) જાણીતાં છે. તેમણે અનેક સંશોધનલેખો પણ પ્રકાશિત કરેલા છે.

જ. પો. ત્રિવેદી