હીરવિજયસૂરિ (જ. ? ; અ. ઈ. સ. 1595/1596, ઊના, સૌરાષ્ટ્ર) : મુઘલ શહેનશાહ અકબર પાસે બહુમાન પામેલા ગુજરાતના પ્રભાવશાળી જૈન આચાર્ય. તેમના પટ્ટધર વિજયસેનસૂરિ હતા. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં તેમના અને તેમના શિષ્યમંડળના અનેક વિહારો હતા. સમાજના સામાજિક–ધાર્મિક જીવન પર તેમની પ્રવૃત્તિઓનો પ્રભાવ પડ્યો હતો. અકબર બાદશાહ સહિત તત્કાલીન રાજકર્તાઓ સાથે તેમને સંપર્ક હતો. તેમાંના કેટલાક શાસકો ઉપર તેમનો ઊંડો પ્રભાવ હતો. ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિને તેમણે પોતાના કુશળ આયોજન દ્વારા જીવંત અને સતેજ રાખી હતી.

શહેનશાહ અકબરના નિમંત્રણનો સ્વીકાર કરીને તેમણે ઈ. સ. 1583ના અરસામાં ગંધાર (કંધાર, ઘોઘા પાસે આવેલું) બંદરથી ફતેહપુર સિક્રી સુધીની પદયાત્રા કરી અને અકબરને મળ્યા. સિદ્ધપુરથી મુનિ ભાનુચંદ્ર તથા શાંતિચંદ્રગણિ ઉપાધ્યાય પણ તેમની સાથે ગયા હતા. ફતેહપુર સિક્રીમાં સંઘજનોએ વાજતેગાજતે તેમનું સ્વાગત કર્યું. ત્યાં, જયપુરના રાજા બિહારીમલના નાના ભાઈ જગમાલ કછવાહના મહેલમાં તેમનો ઉતારો રાખ્યો હતો. ‘આઈને અકબરી’ના લેખક અબુલ ફઝલ હીરવિજયસૂરિને પોતાને ઘેર લઈ ગયા અને તેમની સાથે શાસ્ત્રચર્ચા કરી હતી. અકબરે દરબાર ભરી, તેમની પાસેથી જૈન ધર્મ અને તેના આચારો વિશે માહિતી મેળવી. શાહજાદા સલીમ (જહાંગીર) પાસે સાધુ પદ્મસુંદરે આપેલો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો. તે એણે હીરવિજયસૂરિને ભેટ આપ્યો. તે મહામૂલ્યવાન ગ્રંથો સુરક્ષિત રાખવા, તેમણે આગ્રામાં જ્ઞાનભંડાર સ્થાપ્યો. અકબરે તેમને હાથી, ઘોડા વગેરેની ભેટ સ્વીકારવા વીનવ્યા; પરંતુ અપરિગ્રહી સૂરિએ તેમનો અસ્વીકાર કરી, પર્યુષણના આઠ દિવસ હિંસા ન કરવામાં આવે તેમ કરવા જણાવ્યું. અકબરે તેમાં પોતાના પુણ્યાર્થે ચાર દિવસ ઉમેરી, પોતાના સમસ્ત સામ્રાજ્યમાં 12 દિવસ ‘અમારિ’ પ્રવર્તાવનારાં છ ફરમાન કાઢ્યાં તથા હીરવિજયસૂરિને ‘જગદગુરુ’નું બિરુદ આપીને બહુમાન કર્યું. અનેક ધર્મકાર્ય કરતાં કરતાં, મથુરા અને ગ્વાલિયરની યાત્રા કર્યા બાદ, તેમણે ગુજરાત તરફ પ્રયાણ કર્યું. તે વખતે મુનિ શાંતિચંદ્રગણિ ઉપાધ્યાયને અકબર પાસે મૂકીને ગયા. શાંતિચંદ્ર ગુજરાત પાછા ફરતા હતા ત્યારે, પોતાની જગ્યાએ ભાનુચંદ્રગણિને અકબર પાસે મૂકીને તેઓ પાટણ આવ્યા. શહેનશાહ અકબરે તે વખતે હીરવિજયસૂરિને ભેટ આપવા વાસ્તે ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખતું ફરમાન આપ્યું અને ‘અમારિ’ વાસ્તે અગાઉના 12 દિવસ જાહેર કર્યા હતા, તેમાં બીજા ઘણા દિવસો ઉમેર્યા. ભાનુચંદ્રગણિ અકબરની સાથે કાશ્મીર ગયા. ત્યાં તેમણે બાદશાહને સમજાવતાં શત્રુંજય તીર્થના યાત્રાળુઓને કરમુક્ત કરતું ફરમાન કાઢી હીરવિજયસૂરિને મોકલ્યું. હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ આથી પ્રસન્ન થઈ, ભાનુચંદ્રગણિને ઉપાધ્યાયપદ અપાવ્યું.

ઈ. સ. 1594માં (સંવત 1650ની ચૈત્રી પૂર્ણિમાએ) હીરવિજયસૂરિએ શત્રુંજયની યાત્રા કરી અને જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી. ઊનામાં તેમના ચાતુર્માસ દરમિયાન મક્કે હજ કરીને પાછા ફરેલા ગુજરાતના સૂબા આજમખાને ઊના જઈને તેમને એક હજાર સોનામહોર ભેટ ધરી. હીરવિજયસૂરિએ તેનો અસ્વીકાર કર્યો. તેમણે ઊનાના ખાન મહંમદખાન પાસે હિંસા છોડાવી. સંવત 1652ના ભાદરવા સુદ અગિયારસને ગુરુવારે હીરવિજયસૂરિ સ્વર્ગવાસી થયા.

તેમની પ્રેરણાથી વડનગરના વતની અને ખંભાતના રહેવાસી નાગર વણિક બાડુઆએ કાવીમાં ઋષભદેવ-પ્રાસાદ કરાવ્યો હતો.

તેમના જીવનને કેન્દ્રમાં રાખીને સંસ્કૃતમાં દેવવિમલગણિકૃત ‘હીર-સૌભાગ્ય કાવ્ય’ નામના મહાકાવ્યની ઈ. સ. 1616થી 1629 વચ્ચે રચના થઈ હતી. તે 16 સર્ગોનું મહાકાવ્ય ઐતિહાસિક પ્રસંગો તથા વિગતોથી ભરપૂર છે. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ સાધ્વી સુલોચનાશ્રીજીએ કર્યો છે. મુનિશ્રી વિદ્યાવિજયજીએ ‘સૂરીશ્વર અને સમ્રાટ’ શીર્ષક હેઠળ ગુજરાતી તથા હિંદીમાં ગ્રંથો રચ્યા છે. આ ઉપરાંત ખંભાતના કવિ ઋષભદાસે સંસ્કૃત મહાકાવ્ય ‘હીરસૂરિરાસ’, વિવેકહર્ષ ઉપાધ્યાયે ‘હીરવિજયસૂરિનો રાસ’ તથા ‘હીરવિજયસૂરિ નિર્વાણ સ્વાધ્યાય’ અને ગજરાજ પંડિતે ‘હીરવિજયસૂરિ બારમાસ’ની રચના પણ કરી છે.

જયકુમાર ર. શુક્લ