હીપેટેસી (હીપેટીકોપ્સિડા)

February, 2009

હીપેટેસી (હીપેટીકોપ્સિડા) : દ્વિઅંગી વિભાગની ‘લિવરવર્ટ્સ’ તરીકે જાણીતી નીચલી કક્ષાની લીલી વનસ્પતિઓનો બનેલો એક વર્ગ. આ વર્ગને આશરે 225 પ્રજાતિઓ અને 8500 જેટલી જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તેના બાહ્ય સ્વરૂપમાં ખૂબ વૈવિધ્ય જોવા મળતું હોવા છતાં મોટા ભાગના જન્યુજનક (gametophyte = જન્યુકોષો ઉત્પન્ન કરતી અવસ્થા) પૃષ્ઠવક્ષીય (dorsiventral) હોય છે. આ વનસ્પતિઓને અસ્તિત્વ ધરાવતી ભૌમિક વનસ્પતિઓમાં સૌથી આદ્ય ગણવામાં આવે છે. લિવરવર્ટ્સના સૌથી જૂનાં અશ્મીઓ ડેવોનિયન અને કાર્બનીફેરસ ભૂસ્તરીય યુગમાં મળી આવ્યાં છે. આ અશ્મીઓ અર્વાચીન લિવરવર્ટ્સથી ખાસ જુદાં પડતાં નથી. હીપેટેસી સમગ્ર દુનિયામાં વ્યાપક વિતરણ ધરાવતો વર્ગ હોવા છતાં અમેરિકા અને ઈસ્ટ ઇંડિઝના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સૌથી વિપુલ પ્રમાણમાં વિવિધતા ધરાવે છે.

આકૃતિ 1 : સ્ફીરોકાર્પસ : (અ) પુંજન્યુધાનીઓ સહિતની નર વનસ્પતિઓ, (આ) સ્ત્રીજન્યુધાનીઓ સહિતની માદા વનસ્પતિઓ

તેઓ પૂરતા ભેજવાળી મૃદા, ખડક કે વૃક્ષના થડ ઉપર થાય છે. તેમનો દેહ સામાન્યત: પાતળો, ચપટો, ભૂપ્રસારી સુકાય(thallus)-સ્વરૂપે જોવા મળે છે અથવા કેટલીક વાર તે ટૂંકો અક્ષ અને તેની ઉપર પર્ણો જેવાં ઉપાંગો ધરાવે છે. તેની નીચેની સપાટીએ મૂલાંગો (rhizoids) આવેલાં હોય છે. મૂલાંગો વનસ્પતિના સ્થાપનનું અને આધારતલમાંથી પાણી અને ખનિજક્ષારોના શોષણનું કાર્ય કરે છે.

આકૃતિ 2 : માર્કેન્શિયેલિસ ગોત્રની કેટલીક વનસ્પતિઓ : (અ) રિક્સિયા, (આ) માર્કેન્શિયા, (ઇ) પ્લેજિયોકેસ્મા, (ઈ) રિબૉલિયા

પ્રજનન : લિંગી પ્રજનનાંગો, પુંજન્યુધાની (antheridium) અને સ્ત્રીજન્યુધાની (archegonium) એક જ વનસ્પતિ ઉપર કે જુદી જુદી વનસ્પતિઓ ઉપર ઉત્પન્ન થાય છે. પુંજન્યુઓ (antherozoids) પુંજન્યુધાનીઓમાં ઉદભવે છે. તેઓ કશાધારી (flagellate) અને ચલિત નર પ્રજનનકોષો છે. સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. અંડકોષો મોટા અને અચલિત માદા પ્રજનનકોષો છે. પુંજન્યુ અને અંડકોષનું ફલન થતાં યુગ્મનજ (zygote) બને છે. યુગ્મનજનાં વિભાજનો અને વિભેદનોથી ઉત્પન્ન થતી અવસ્થાને બીજાણુજનક (sporophyte) અવસ્થા કહે છે. તે પાદ (foot), પ્રાવરદંડ (seta) અને પ્રાવર (capsule) ધરાવે છે. આ અવસ્થા માદા જન્યુજનક ઉપર પરોપજીવી હોય છે. બીજાણુજનક અવસ્થા બીજાણુઓનું નિર્માણ કરે છે.

આકૃતિ 3 : જંગરમેનિયેલિસ : (અ) પેલિયા, (આ) ફોઝોમ્બ્રોનિયા, (ઇ) પોરેલા

આ બીજાણુઓ પ્રાવર(capsule)માં ઉત્પન્ન થાય છે. પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન કરતી પેશીની અંદરની બાજુએ સ્તંભિકા (columella) તરીકે ઓળખાવાતો વંધ્ય પ્રદેશ હોતો નથી; જે શેવાળ(moss)નું વિશિષ્ટ લક્ષણ છે. પ્રાવરના સ્ફોટનથી મુક્ત થતાં બીજાણુઓ અંકુરણ પામી નવો જન્યુજનક ઉત્પન્ન કરે છે.

વર્ગીકરણ : હીપેટેસી વર્ગ બે ઉપવર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) માર્કેન્ટિડી અને (2) જંગરમેનિડી.

માર્કેન્ટિડી ઉપવર્ગ લગભગ 35 પ્રજાતિઓ અને 450 જેટલી જાતિઓનો બનેલો છે. આ ઉપવર્ગની બધી જ વનસ્પતિઓ સુકાયવાળો દેહ ધરાવે છે. તેનું સૌથી જાણીતું ઉદાહરણ માર્કેન્શિયા છે. તેનો ચપટો દેહ પેશીના કેટલાક સ્તરોનો બનેલો હોય છે. સૌથી ઉપરના સ્તરમાં ક્લૉરોફિલ ધરાવતા કોષો આવેલા હોય છે. આ કોષો અસંખ્ય વાયુકોટરો દ્વારા એકબીજાથી અલગ પડે છે. વાયુકોટરો બાહ્ય વાતાવરણ સાથે રન્ધ્રો દ્વારા સંપર્કમાં હોય છે. નીચેની સપાટીએ આવેલાં મૂલાંગો બે પ્રકારનાં હોય છે : (1) લીસી દીવાલવાળાં અને (2) ગંડિકામય (tuberculate) દીવાલવાળાં. નર અને માદા લિંગી અંગો જુદી જુદી વનસ્પતિઓ ઉપર ઉદભવે છે. આ અંગો વિશિષ્ટ પ્રકારના દંડ ઉપર સમૂહમાં ઉત્પન્ન થાય છે. પુંજન્યુધાનીઓ ધરાવતા દંડને પુંધાનીવૃંત (antheridophore) અને સ્ત્રીજન્યુધાનીઓ ધરાવતા દંડને સ્ત્રીધાનીવૃંત (archegoniophore) કહે છે. આ ઉપવર્ગને (1) સ્ફીરોકાર્પેલિસ, (2) મૉનોક્લિયેલિસ અને (3) માર્કેન્શિયેલિસ – એમ ત્રણ ગોત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

જંગરમેનિડી ઉપવર્ગ 190 પ્રજાતિઓ અને 8000 જેટલી જાતિઓનો બનેલો છે. આ ઉપવર્ગની વનસ્પતિઓનો દેહ સુકાયયુક્ત હોય છે, અથવા તે પર્ણો અને પ્રકાંડ ધરાવે છે. તેના સુકાયમાં માર્કેન્ટિડીની જેમ વાયુકોટરો અને રન્ધ્રો જોવા મળતાં નથી. એકકોષી મૂલાંગો માત્ર લીસી દીવાલવાળાં જ હોય છે. બીજાણુજનક લાંબા દંડ ઉપર પ્રાવર ધરાવે છે. પરિપક્વ પ્રાવર ચાર કપાટો (valves) દ્વારા તૂટે છે. આ ઉપવર્ગ (1) જન્ગરમેનિયેલિસ, (2) કેલોબ્રાયેલિસ, (3) ટેકેકિયેલિસ  એમ ત્રણ ગોત્રમાં વર્ગીકૃત કરાય છે.

આકૃતિ 4 : (અ) કેલોબ્રાયમ, (આ) ટેકેકિયા

હીપેટેસી વર્ગમાં જંગરમેનિયેલિસ ગોત્ર સૌથી મોટું ગોત્ર છે અને સામાન્યત: ‘પર્ણીય લિવરવર્ટ્સ’ (leafy liverworts) તરીકે ઓળખાય છે. વળી ઉત્ક્રાંતિની દૃષ્ટિએ આ વર્ગનું સૌથી સફળ ગોત્ર ગણાય છે.

બળદેવભાઈ પટેલ