હિસાર (Hissar)

હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 53´ 45´´ ઉ. અ.થી 29° 49´ 15´´ ઉ. અ. અને 75° 13´ 15´´થી 76° 18´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3983 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પંજાબ રાજ્યના બથિંડા (જૂનું ભટિંડા) અને સંગરુર જિલ્લા, પૂર્વ તરફ જિંડ જિલ્લો, અગ્નિ તરફ રોહતક જિલ્લો, દક્ષિણે ભિવાની જિલ્લો, નૈર્ઋત્ય તરફ રાજસ્થાનનો ગંગાનગર જિલ્લો તથા પશ્ચિમે સિરસા જિલ્લો આવેલા છે. જિલ્લામથક તેમજ તાલુકામથક હિસાર જિલ્લાની દક્ષિણે મધ્યભાગમાં આવેલું છે.

  

હિસાર જિલ્લો (હરિયાણા)

ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : જિલ્લાનો મોટો ભાગ કાંપનાં મેદાનોથી બનેલો છે. ઉત્તર તરફ ઘગ્ગર નદીનાં પૂરનાં મેદાનો તથા નૈર્ઋત્ય ભાગમાં વિવિધ આકાર અને કદના રેતીના ઢૂવા પથરાયેલા છે. જિલ્લાની જમીનો રેતાળ, ગોરાડુ તેમજ કાંપ-કાદવ પ્રકારની છે.

ઘગ્ગર અહીંની મુખ્ય નદી છે. જિલ્લાના ઉત્તર અને ઈશાન ભાગોમાં ભૂગર્ભજળના સ્તર ઓછી ઊંડાઈએ તથા દક્ષિણ અને નૈર્ઋત્ય ભાગોમાં તે વધુ ઊંડાઈએ મળે છે. નહેરોની ઘનિષ્ઠ ગૂંથણી કપાસ જેવા ખેતીના પાકો માટે લાભકારક બની રહેલી છે.

જિલ્લો દરિયાથી દૂર આવેલો હોવાથી અહીંની આબોહવા ગરમ અને સૂકી રહે છે. ચોમાસામાં થોડોક વરસાદ પડે છે.

ખેતી : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. કપાસ અને ધાન્યપાકોની ખેતી થાય છે. ઘઉં, બાજરી અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. વરસાદનું પ્રમાણ ઓછું અને અનિયમિત હોવાથી અહીંની મોટા ભાગની ખેતી નહેર-સિંચાઈ દ્વારા થાય છે. નહેર-સિંચાઈ હેઠળનો જમીનવિસ્તાર 3.6 લાખ હેક્ટર જેટલો છે. ધાન્યપાકો અને કપાસનું વાવેતર અનુક્રમે 4.24 લાખ હેક્ટર અને 1.49 લાખ હેક્ટર જમીનોમાં થાય છે. જિલ્લાના પશુધનમાં ગાય, ભેંસ અને ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે.

ઉદ્યોગ–વેપાર : વીસમી સદીના પ્રારંભે આ જિલ્લાનું ઉદ્યોગ-માળખું મુખ્યત્વે કૃષિપાક-આધારિત તેમજ જરૂરિયાત પૂરતું સીમિત હતું ત્યારે માત્ર 15 જેટલાં કપાસનાં જિનિંગ-પ્રેસિંગનાં કારખાનાં કાર્યરત હતાં. ભારત સ્વતંત્ર બનતાં તેમાં ક્રમશ: સુધારો થતો ગયો અને 1966માં હરિયાણાનું અલગ રાજ્ય રચાતાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ વિકાસ થતો ગયો.

અગાઉ આ જિલ્લામાં નોંધાયેલાં 196 કારખાનાંઓ પૈકી 103 જેટલાં કારખાનાં સુતરાઉ કાપડનાં અને 31 ખાદ્યપ્રક્રમણોનાં હતાં. આજે હિસાર ખાતે કાર્યરત મોટા અને મધ્યમ કક્ષાના એકમો  હિસાર ટેક્સટાઇલ મિલ્સ, હરિયાણા કૉનકાસ્ટ લિ., જિંદાલ સ્ટ્રિપ્સ લિ., હરિયાણા ટ્યૂબ મૅન્યુફેક્ચરિંગ કંપની (પ્રા.) લિ., નવભારત સ્ટીલ (પ્રા.) લિ., જિંદાલ ઇન્ડસ્ટ્રીઝ લિ., રવીન્દ્ર ટ્યૂબ લિ. તથા હંસી ખાતે હંસી કો-ઑ. સ્પિનિંગ મિલ્સનો સમાવેશ થાય છે. તેમાં સુતરાઉ કાપડ અને કૃત્રિમ રેસા, લોહ-પોલાદ ગઠ્ઠા, પતરાં-પટ્ટીઓ, સાદા કાચ, પટકાચ, ઑક્સિજન ગૅસ, લોખંડની પાઇપો–ટ્યૂબો વગેરેનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત અહીં દાળની–તેલની મિલો, વનસ્પતિ ઘીના એકમો, કપાસ-જિનિંગ એકમો પણ આવેલાં છે. કૃષિ-આધારિત એકમો સિવાય અહીં રાચરચીલું, તાર, બંદૂકો, વાઢકાપમાં વપરાતા રૂના વીંટા, સાઇકલની ટ્યૂબો, નટ-બોલ્ટ, લોખંડ ગાળીને ફરીથી બનાવાતાં પતરાં, અગ્નિજિત ઈંટો તથા કુટિર ઉદ્યોગક્ષેત્રે પગરખાં, સુથારી–લુહારી ચીજવસ્તુઓ, ચર્મકામ, માટીપાત્રો અને વણાટકામની વસ્તુઓનું ઉત્પાદન પણ લેવાય છે. છેલ્લા દાયકામાં ઊભા થયેલા એચ. પી. કૉટન ટેક્સટાઇલ મિલ્સ લિ. સુતરાઉ કાપડનું અને કૃત્રિમ રેસાઓનું, ન્યૂકેમ પ્લાસ્ટિક લિ. તથા તેની શાખા કંપનીઓ પ્લાસ્ટિક દાણા અને પાઉડર, ગુંદર, ફૉર્માલ્ડિહાઇડ, હેક્ઝામાઇન, પ્લાસ્ટિક પાટિયાં તેમજ પ્લાસ્ટિકનાં ઓજારોનું તથા પ્રકાશ પાઇપ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. દૃઢ પીવીસી પાઇપો, પીવીસી ફિટિંગ, મોલ્ડેડ ટેપ, કોરી વીડિયો કૅસેટ વગેરેનું ઉત્પાદન કરે છે.

હિસાર, હંસી, બરવાલા, ફતેહાબાદ, જાખાલમંડી, રતિયા, તોહાણા અને ઉકલાનમંડી ખાતેથી ઘઉં, રૂ, કપાસિયાં, સૂતર, લોખંડની પાઇપો વગેરેની નિકાસ થાય છે તથા કોલસા, ઘી, પોલાદ, ગોળ, ખાંડ, કાપડ, ડાંગર અને ઘઉંની કેટલીક જાતોની આયાત થાય છે.

પરિવહન : આ જિલ્લો ઉત્તર રેલવિભાગના બથિંડા–હિસાર રેલફાંટાથી તેમજ પાટનગર દિલ્હી સાથે સડકમાર્ગથી સંકળાયેલો છે. જિલ્લાનાં 510 પૈકીનાં 497 ગામો(98.6 %)ને પાકા રસ્તાઓથી સાંકળી લેવાયાં છે. એ જ રીતે સંદેશાવ્યવહારની સુવિધા પણ 450 ગામોમાં ઉપલબ્ધ છે.

પ્રવાસન : (1) બાનાવાલી (ફતેહાબાદ તાલુકો) : ફતેહાબાદથી વાયવ્યમાં 14 કિમી. અંતરે આવેલું મહત્વનું હરપ્પા સંસ્કૃતિનું સ્થળ. ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્ધિના પૂર્વાર્ધકાળ વખતે અહીં 3 ચોકિમી. જગાને આવરી લેતો પ્રાગૈતિહાસિક ટેકરો હતો, ત્યાં તામ્રપાષાણિક સાંસ્કૃતિક યુગનો પ્રાગ્-શહેરી સમાજનો વસવાટ હતો, તે પછીથી ત્યાં ઈ. પૂ. 2300ના અરસામાં હરિયાણવી લોકસંસ્કૃતિ વિકસેલી. ભારતીય ઉપખંડના પુરાતત્વ વિભાગમાં બાનાવાલીનો પૂર્વ સિંધુકાલીન તથા સિંધુકાલીન સ્થળ તરીકે ઉલ્લેખ મુકાયેલો છે; એટલું જ નહિ, તેને સિંધ-પાકિસ્તાનનાં કોટડીજી અને ચાન્હુ દડો, રાજસ્થાનના કાલીબંગન, ગુજરાતનાં લોથલ અને સુરકોટડા તેમજ હરિયાણાનાં રાખીગઢી અને મિતાથલ જેવાં સ્થળોને સમકક્ષ ગણે છે.

પૂર્વકાલીન સિંધુ સંસ્કૃતિ વખતની પ્રાગ્-શહેરી વિસ્તૃત વસાહતોવાળું, કિલ્લેબંધીવાળું નગર અહીંના ઉત્ખનનમાંથી મળ્યું છે. અહીંના જુદા જુદા પ્રાચીન અવશેષો નિર્દેશ કરે છે કે આ સ્થળે લોકો ઈંટોનાં ઘરોમાં રહેતા હતા, માટીનાં પાત્રોનો ઉપયોગ કરતા હતા તેમજ તાંબા, અસ્થિ અને પાષાણનાં હથિયારો વાપરતા હતા. તેઓ ત્યારે આભૂષણોમાં મણકા અને બંગડીઓ પહેરતા હતા.

બાનાવાલી ખાતેનું તત્કાલીન નગર-આયોજન સિંધુ-સંસ્કૃતિ ધરાવતાં અન્ય સ્થળો જેવું હતું. કિલ્લેબંધીવાળા બે વિસ્તારો મકાનોનાં જુદાં જુદાં જૂથથી અલગ પડતા હતા. ઉત્તર–દક્ષિણ અને પૂર્વ–પશ્ચિમ જતા માર્ગો એકબીજાને કાટખૂણે મળતા હતા. બાનાવાલી ખાતેથી મળેલી સિંધુ-સંસ્કૃતિ કાળની, માટીમાંથી બનાવેલી ચીજવસ્તુઓમાં, ઘોડામાં ગોઠવાય એવી સુંદર થાળીઓ, ફળ રાખવાનાં સ્ટૅન્ડ, ‘S’ આકારના ગળાવાળી બરણીઓ અને કળશ, સંગ્રહ માટેની બરણીઓ, છિદ્રોવાળી બરણીઓ, અસંખ્ય ફૂલદાનીઓ, રસોઈકામનાં હાથાવાળાં વાસણો, પવાલાં, વાડકીઓ, કપ વગેરેનો સમાવેશ થાય છે.

અહીંથી મળેલી માટીની મુદ્રાઓ (seals) પૈકી એક મુદ્રા પર ત્રણ અક્ષરનું લખાણ તથા વ્યાઘ્રદેહ અને વૃષભનું મસ્તક ધરાવતી પ્રાણી-આકૃતિ જોવા મળેલાં છે, બીજી મુદ્રાઓ પર શિંગડાંવાળાં જંગલી બકરાનાં ચિત્રો તથા બીજી કેટલીક પર માત્ર લખાણ કોતરેલાં મળ્યાં છે. આ મુદ્રાઓનો ઉપયોગ વાણિજ્યવેપારની ચીજો પર મહોર મારવા કે પાસપોર્ટ જેવી દસ્તાવેજી ચીજો પર કે ઓળખના પ્રતીક તરીકે થતો હતો.

(2) રાખીગઢી (હંસી તાલુકો) : હંસીથી જિંડ માર્ગ પર આશરે 32 કિમી.ને અંતરે ઈશાન તરફ આવેલું સ્થળ. હડપ્પા કાળનાં સ્થળોમાં રાખીગઢી વિશેષ ઉલ્લેખનીય છે. અહીંના બે જોડિયા ટેકરા સ્પષ્ટપણે હડપ્પા કાળના છે. તે હડપ્પા(પ્રાચીન નગર)થી પૂર્વ તરફ આશરે 350 કિમી.ને અંતરે, કાલીબંગનથી પૂર્વમાં 190 કિમી.ને અંતરે તથા બાનાવલીથી પૂર્વમાં 80 કિમી.ને અંતરે આવેલા છે. એ રીતે જોતાં, આ સ્થળ હડપ્પનોનું વધુમાં વધુ પૂર્વ તરફનું પ્રાંતીય પાટનગર હતું. આ પ્રાચીન સ્થળ આજે રાખી–શાહપુર અને રાખી–ખાસનાં જોડિયાં ગામોના જકાતક્ષેત્રમાં ગણાય છે. અહીંની અન્ય ખોજમાં ટેરાકોટાની બંગડીઓ, મણકા, ઈંટના ટુકડા પર દોરેલી શતરંજ-પાટિયાની આકૃતિ, હડપ્પન લક્ષણની રેખા ધરાવતી મુદ્રા, ચર્ટ-પાષાણની છરીઓ, નિયત અંતરે ઈંટોથી બંધાયેલાં બાંધકામનો સમાવેશ થાય છે.

(3) સિસવાલ (હિસાર તાલુકો) : હિસારથી પશ્ચિમે 26 કિમી.ને અંતરે, હિસાર–સિરસા રેલમાર્ગ પર આવેલું સ્થળ. અહીંથી ઉત્તર તરફ માત્ર 300 મીટરને અંતરે 300  200 મીટરનો વિસ્તાર આવરી લેતો એક પ્રાચીન ટેકરો છે. આ સ્થળથી દક્ષિણ તરફ સર્પાકાર વહનપથવાળો દૃશદવતીનો છૂપો પટ શોધી શકાય છે. ઉપરના સૂકા નદીપટમાં ખોદેલા કૂવાઓમાંથી ઠીક ઠીક પ્રમાણમાં નદીની રેતી મળી આવેલી છે. આ સ્થળ પર મર્યાદિત ઉત્ખનન કરવામાં આવેલું છે, તેમાંથી મળેલી સિરામિકની તેમજ અન્ય ચીજો, પૂર્વ હડપ્પન–હડપ્પન સંસ્કૃતિઓ તથા અંતિમ સિસવાલ–અંતિમ હડપ્પન સંસ્કૃતિઓની વચ્ચેના કાળગાળામાં મૂકી શકાય એવું અનુમાન મૂકેલું છે. અહીંથી ઉપલબ્ધ સિરામિક ચીજવસ્તુઓનાં ત્રણ જૂથ પાડી શકાય છે : કાલીબંગન, ઉત્ક્રાંત કાલીબંગન અને હડપ્પન. અન્ય ચીજવસ્તુઓમાં બંગડીઓ, મણકા, આંગળીઓથી દબાવેલા ગોલકો, ચકતીઓ તેમજ ત્રિકોણ ટીકડીઓ(બધું જ ટેરાકોટામાંથી બનાવેલું)નો સમાવેશ થાય છે.

અગ્રોહાનો પ્રાચીન ટેકરો

(4) અગ્રોહા (હિસાર તાલુકો) : હિસારથી 24 કિમી. અંતરે દિલ્હીસિરસા માર્ગ પર આવેલું સ્થળ. અહીંથી વાયવ્યમાં આશરે 650 એકર ભૂમિને આવરી લેતા જુદી જુદી ઊંચાઈના અનિયમિત ટેકરાઓ આવેલા છે. પરંપરા કહે છે કે અહીં અગ્રસેન રાજા રહેતો હતો અને ટેકરાની ટોચ પરના કિલ્લાના અવશેષો તેના નિવાસસ્થાન સાથે સંકળાયેલા છે. એમ કહેવાય છે કે આ અગ્રોહા નામ અગ્રહસેન પરથી પડ્યું હશે; ઉત્ખનનો દરમિયાન મળેલા સિક્કાઓ પરથી પ્રાચીન કાળમાં તે અગ્રોદક હશે એમ જણાય છે. આ સ્થળનો ઉલ્લેખ મહાભારત અને અષ્ટાધ્યાયીમાં પણ છે. તે અગ્રોહા પ્રજાસત્તાકનું પાટનગર હોવાનું મનાય છે. ટેકરા પરનો કિલ્લો 1774 અને 1777 વચ્ચે પતિયાળાનાં લશ્કરી દળોના કમાન્ડર દીવાન નાનુમલે બંધાવેલો.

મધ્યયુગ વખતે અગ્રોહા હિસાર-એ-ફિરોઝાનો એક મહત્વનો વિભાગ રચતું ‘અગ્રહ’ નામનું સમૃદ્ધ નગર હતું. મહમ્મદ તુગલુકના સમયમાં અહીં મોટો દુકાળ પડેલો, તેને કારણે આ નગર ઉજ્જડ બની ગયેલું, તેનો ઉલ્લેખ ઇબ્ન બતુતામાં પણ છે. ઇબ્ન બતુતામાં હિન્દુ મંદિર અને મકાનોનાં નુકસાનનો હેવાલ જોવા મળે છે. કહેવાય છે કે ફિરોઝશાહ તુગલુકે હિસાર-એ-ફિરોઝાના નિર્માણમાં આ જૂના નગરના માલસામાનનો ઉપયોગ કરેલો.

આ સ્થળેથી મળેલી ચીજવસ્તુઓમાં માટીની મોટી બરણીઓ, તેની ઝારી પર કોતરેલી રેખાઓ, હાથા, ભઠ્ઠા, કપ, ઢાંકણાં, થાળીઓ, ચતુરંગી પેટીઓ, શણગારેલો ઘૂઘરો, મંદિરની નાની પ્રતિકૃતિ, શંખની બંગડીઓ, ટેરાકોટાની ટીકડીઓ, માટીની મુદ્રાઓ, ટેરાકોટામાંથી બનાવેલા માનવના અને પ્રાણીના આકારો તથા કેટલીક તાંબાની ચીજોનો સમાવેશ થાય છે.

ટેકરાનાં ઉત્ખનનોનો અહેવાલ જણાવે છે કે અહીં સારા આયોજનવાળું નગર હતું. ઈંટોની શેકાઈ ગયેલી દીવાલો, શેકાયેલી ફરસ અને શેકાયેલા રસ્તાઓ દર્શાવે છે કે ત્યાં આગ ભભૂકી ઊઠી હોવી જોઈએ, રાખના ઢગલા પણ અહીંથી મળેલા છે. સિક્કાઓથી ભરેલા બે ઘડા પણ મળેલા – એકમાં ચાંદીના ચાર જ સિક્કા હતા, તેના પર સૂર્ય અને વૃક્ષ અંકિત કરેલાં હતાં; બીજામાં એકાવન ચોરસ સિક્કા હતા; બંને પ્રકારના સિક્કા ઈ. પૂ. બીજી સદીના હતા.

(5) હંસી (હાનશી) : દિલ્હીથી લાહોર અને મુલતાન સુધી જતાં શાહીમાર્ગ પર આવેલું સ્થળ. હાનશી એક કિલ્લેબંધીવાળું નગર હતું. હરિયાણાનાં ઘણાં પ્રાચીન ખંડિયેરોની જેમ જ, તેની પ્રાચીનતા પણ અજાયબ રીતે ઢંકાઈ ગઈ છે; પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે 12મી સદીના પૂરા થવા સમયે જ્યારે મુસ્લિમોએ ભારત જીતી લીધું ત્યારે, આ નગરનું નામ આસિકા હતું, જેનો પૃથ્વીરાજના અભિલેખોમાં અને તેમના સમકાલીન જૈન સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળે છે. સ્થાનિક લોકો તો આજે પણ તેને આસ્સી કહે છે, મુસ્લિમોએ તેનો ઉચ્ચાર હાંસી કરી નાખેલો; પરંતુ હવે તે હંસી નામથી ઓળખાય છે.

પઠાણ શાસકોના શરૂઆતના સમય દરમિયાન હાનશી મજબૂત વ્યૂહાત્મક કિલ્લેબંધીવાળું નગર બની રહેલું. ચૌદમી સદીમાં, હિસાર અને ફતેહાબાદનાં નવાં શહેરો થયાં, તેથી આ નગરનું મહત્વ ઘટી ગયું. અઢારમી સદી પૂરી થતાં, આઇરિસ જ્યૉર્જ થૉમસે હાનશીને મધ્યસ્થળ રાખીને તેનું એક રાજ્ય રચ્યું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં તે બ્રિટિશ કર્નલનું મુખ્ય મથક બની રહેલું.

મુસ્લિમ શાસકોના સમય દરમિયાન તેનું ધીમે ધીમે રાજકીય મહત્વ ઘટી ગયું. તે માત્ર ધાર્મિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે રહ્યું. અહીં બાર વર્ષ સુધી રહેલા સૂફી સંત બાબા શેખ ફરીદની અને તેમના ચાર શિષ્યોની ઘણી યાદો હાનશી સાથે સંકળાયેલી છે. હાનશી નગરની જૂની ઘણી વાતો આજે તો ભુલાઈ ગઈ છે; તેની કેટલીક ઐતિહાસિક વિગતો આ પ્રમાણે છે :

બારસી દરવાજો (Barsi Gate) : હાનશી કિલ્લાના રક્ષણાર્થે બાંધેલો આ દરવાજો ઘણો અગત્યનો છે. કિલ્લાના સ્થાપત્યનો તે શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. દરવાજા ઉપર ઈરાની ભાષામાં એક લેખ કોતરેલો જોવા મળે છે, તેમાં દરવાજાના બાંધકામની તારીખ (ઈ. સ. 1302) લખેલી છે.

નગરદુર્ગનું દરવાજાસંકુલ : બારસી દરવાજાથી ઉત્તર તરફના ટેકરાની તળેટીમાં એક હારમાં ગોઠવાયેલું દરવાજા-સંકુલ આવેલું છે. અહીંથી નગરદુર્ગમાં પ્રવેશી શકાય છે, જો કે આજે તો તે ખંડિયેર સ્થિતિમાં છે. સંકુલના નિર્માણમાં જૂનાં હિન્દુ મંદિરો અને મહેલોની બાંધકામ સામગ્રીનો પૂરેપૂરો ઉપયોગ કરેલો છે. અહીં જુદા જુદા હાવભાવવાળા હંસોની હારની શિલ્પપટ્ટીઓ પણ છે, તે પૈકીની એક આ સંકુલમાં અને બીજી બારાદરી દરવાજામાં છે.

બારસી દરવાજો

બારાદરી : ટેકરાની ઉપર તરફ જમણી ધાર પર બારાદરી નામનું સ્તંભ-આધારિત બાંધકામ છે તેમજ તેની આજુબાજુ રક્ષણાત્મક દીવાલ પણ છે. અગાઉ કદાચ આ મુસ્લિમ સ્થાપત્ય મુજબ બાંધેલો સભાખંડ હશે, જે હિન્દુ સ્મારકોને તોડીને તેની સામગ્રી સભાખંડના નિર્માણમાં વાપરી હશે.

સઈદશાહની ખાનકાહ તથા સંકલિત બાંધકામો : મોટા ટેકરાના ઉત્તર છેડે ‘ખાનકાહ’ નામથી ઓળખાતું બાંધકામ-જૂથ આવેલું છે. 1191–92માં મુહમ્મદ ઘોરીએ અહીં લશ્કરી પડાવ નાખેલો, ત્યારે તેમાં શહીદ થયેલા સઈદ-નિયામત ઉલ્લાહની કબર પણ અહીં જ છે. વખત વીતતાં આ સ્થળ મુસ્લિમો માટે તો ખરું જ, હિન્દુઓ માટે પણ પવિત્ર બની રહ્યું છે. અહીં દર વર્ષે માર્ચમાં મેળો ભરાય છે. અહીંનાં પ્લાસ્ટર/પાષાણો પર અરબીમાં કોતરેલા લેખો તથા સ્થાપત્ય દર્શાવે છે કે ભૂતકાળમાં અહીં ઘણા ફેરફારો થયેલા છે. આજે તો આ સંકુલ ઉજ્જડ છે.

આ ઉપરાંત, અહીં હિસારની પશ્ચિમ તરફ મધ્યકાલીન સ્મારકોનું ચહાર કુત્બનું જૂથ પણ આવેલું છે, તે હરિયાણામાં સૂફી સંતોના ચિશ્તિયા પંથનું મથક હતું. આ જૂથમાં શેખ જમાલ-ઉદ્-દીન હંસવી, શેખ બુરહાન-ઉદ્-દીન સૂફી, શેખ કુત્બ-ઉદ્-દીન મુનાવર અને નૂર-ઉદ્-દીનની કબરો; મીર તજારાહની કબર, તુગલુકની મસ્જિદ, છત્રી, કુત્બ જમાલના આઠ વંશજોને સમાવતી કબરો (તૂટેલી સ્થિતિમાં), નકશીકામવાળા ચતા પાષાણના દસ સ્તંભ-આધારિત ચાર છત્રીઓ આવેલી છે; આ સાથે કર્નલ જેમ્સ સ્કિનર તથા તેની પત્નીની કબરો પણ છે.

(6) ફતેહાબાદ : તાલુકામથક. રૂના ઉત્પાદન તથા ઐતિહાસિક સ્મારકો માટે જાણીતું સ્થળ. ફિરોઝશાહ તુગલુકના પુત્ર ફતેહખાનની યાદમાં તેને ફતેહાબાદ નામ અપાયેલું છે (ઈ. સ. 1352). અહીંની એક ઇદગાહની મધ્યમાં 5 મીટર ઊંચો અને તળભાગમાં 1.90 મીટરના પરિઘવાળો એક સ્મારકસ્તંભ છે, તેનો 3.5 મીટરનો નીચેનો ભાગ પીળા-બદામી રંગના રેતીખડકમાંથી બનેલો છે, જ્યારે ઉપરનો 1.5 મીટર જેટલો ભાગ આરસનો છે. નીચેના ભાગ સાથે સામ્ય ધરાવતો બીજો એક સ્તંભ હિસાર ખાતેની એક મસ્જિદના આગળના ભાગમાં પણ છે. શક્ય છે કે સમ્રાટ અશોકે તેના સામ્રાજ્યના દરેક ભાગમાં ધર્મપ્રચારાર્થે શિલાલેખોવાળા જે સ્તંભો મુકાવેલા, તે પૈકીના એક સ્તંભના બે ભાગ કરીને, પછીથી આ બે સ્થળે ગોઠવવામાં આવ્યા હોય; તેનું મૂળ સ્થાન અગ્રોહા હોવું જોઈએ. અશોકના શિલાલેખનું લખાણ છીણીથી ખોતરીને કાઢી નાખેલું છે, તેને સ્થાને તુગલુકનું લખાણ કોતરાયેલું છે, તેમાં ફિરોઝશાહના વંશવેલાની તુઘ્ર-અરબી લખાણમાં માહિતી છે.

અહીં હુમાયૂંની એક નાની મસ્જિદ પણ છે. શેરશાહ સાથેની લડાઈમાં હાર્યા પછી, અમરકોટ જતી વખતે, શુક્રવારે નમાજ પઢવા ફતેહાબાદ ખાતે તે રોકાયેલો. હુમાયૂંનું લખાણ અહીંથી મળેલું છે, જે પછીથી ઈદગાહની દીવાલ પર જડવામાં આવ્યું છે.

(7) હિસાર : હિસાર જિલ્લાનું મુખ્ય મથક. તે દિલ્હીથી 164 કિમી.ને અંતરે આવેલું છે. કુરુ જનપદના પ્રાચીન નગર ઐશકારી અથવા ઈશકારા નામ સાથે હિસાર નામનો કંઈક મેળ બેસતો જણાય છે. મુસ્લિમ ઇતિહાસવિદ ફરિશ્તાએ આ સ્થળના મૂળ નામનો ‘વારાઈસ’ તરીકે ઉલ્લેખ કરેલો છે. 1352માં અહીં ફિરોઝશાહ તુગલુકે કિલ્લાના નિર્માણનો આદેશ કરેલો, જે 1354માં પૂર્ણ થતાં તેને હિસાર-એ-ફિરોઝા નામ આપેલું, આ નામ સમય વીતતાં ‘હિસાર’માં ફેરવાયું છે. આ શહેરને ચાર દરવાજા સહિત કિલ્લેબંધી હતી. દિલ્હી દરવાજો અને મોરી દરવાજો પૂર્વ તરફ, તુગલુકી દરવાજો પશ્ચિમ તરફ અને નાગોરી દરવાજો દક્ષિણ તરફ હતો. પ્રાચીન સ્થાપત્યના અભ્યાસી માટે મુખ્ય મહેલ, મસ્જિદ સંકુલ અને ગુજરીમહેલ મહત્વનાં છે.

ગુરુ જાંભેશ્વર પુસ્તકાલય

કિલ્લામાં આવેલા ફિરોઝશાહ મહેલના અવશેષોમાં ભૂગર્ભીય ખંડો હજી જળવાઈ રહેલા છે. તેની નજીકમાં ‘લાટ-કી-મસ્જિદ’ આવેલી છે. મસ્જિદ સંકુલ ખાતે ‘લાટ’ તરીકે ઓળખાતો કથ્થાઈ રેતીપાષાણનો સ્તંભ છે, તેની નીચેના ભાગને મથાળે સંસ્કૃતમાં એક લેખ છે. પ્રાચીન હિન્દુ સ્થાપત્ય દર્શાવતો આ સ્તંભ અગ્રોહાથી અહીં લવાયો હોવો જોઈએ. મસ્જિદમાં ટેકાઓ તરીકે ઊભા કરાયેલા સ્તંભો પણ જૂના મંદિરના હોવાનું જણાય છે. કિલ્લાની બહારના ભાગમાં ગુજરીમહેલમાંનું બારાદરી પણ અહીંનો બીજો પ્રાચીન અવશેષ છે. બારાદરીની દીવાલો જાડી છે, તેમાં બાર બારણાં છે, પ્રત્યેક બારણા પર એક એક બારી છે. બારાદરીના ઘુમ્મટની છતને આધાર આપતા, નિ:શંક હિન્દુ કે જૈન સ્થાપત્ય દર્શાવતા ચાર જૂના સ્તંભો છે. બારણાંની અંદર તરફની કબરો પર હિન્દુ કોતરણી જોવા મળે છે. આ ઇમારતના નીચેના ભાગમાં ત્રણ તયખાનાં છે, જે પૈકી બે ખંડો છે અને ત્રીજું સ્નાન માટેનો નાનો હૉજ છે. આ ઇમારત પણ જૂના હિન્દુ મંદિરની બાંધકામ-સામગ્રી ધરાવે છે.

જિલ્લામાં શિવરાત્રિ, હોળી, દિવાળી, દશેરા, જન્માષ્ટમી જેવા ઉત્સવો ઊજવાય છે તથા મેળાઓ ભરાય છે.

વસ્તી–લોકો : 2001 મુજબ જિલ્લાની વસ્તી 15,36,417 જેટલી છે, તે પૈકી 54 % પુરુષો અને 46 % સ્ત્રીઓ છે. ગ્રામીણ વસ્તી 80 % અને શહેરી વસ્તી 20 % છે. હિન્દુ અને શીખ વસ્તી વિશેષ, મુસ્લિમ અને જૈન વસ્તી મધ્યમ તથા ખ્રિસ્તી અને બૌદ્ધ વસ્તી ઓછી છે. અહીંના બધા જ લોકો હિંદી ભાષા બોલે છે. જિલ્લાની 40 % ગ્રામીણ વસ્તી અને 70 % શહેરી વસ્તી શિક્ષિત છે. હિસાર ખાતે એક કૃષિ યુનિવર્સિટી તથા 11 જેટલી કૉલેજો છે. શહેરો ઉપરાંત જિલ્લાનાં 66 % ગામડાંઓમાં તબીબી સેવા-સુવિધાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓમાં, 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 510 ગામડાં (6 વસ્તીવિહીન) આવેલાં છે.

ઇતિહાસ : હિસાર જિલ્લાનાં કેટલાંક સ્થળો હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલાં હોવાનું ઉત્ખનનો દ્વારા જાણવા મળેલું છે; તેમ છતાં નવમી સદી સુધીનો તેનો અધિકૃત–વ્યવસ્થિત ઇતિહાસ ઉપલબ્ધ નથી. દસમી સદીના પૂર્વાર્ધમાં અહીં મહમ્મદ ગઝનવી આવેલો. સુલતાન મસુદે અગ્રોહા અને હંસી પર આક્રમણ કરેલું, હંસી ખાતે તેણે ભારે મુકાબલો કરેલો. ત્યાર બાદ તેનો પુત્ર મજદૂદ હંસીનો ગવર્નર જનરલ બનેલો; પરંતુ તેના ભાઈ (ગઝનીના ગવર્નર જનરલે) મઉદાદે તેની હત્યા કરાવીને આ પ્રદેશ પોતાને હસ્તક લીધેલો. હંસી અને તેની આજુબાજુમાંથી તોમર સિક્કા મળેલા હોવાથી, દિલ્હીના તોમર શાસક અનંગપાલે હંસીની સ્થાપના કરેલી હોવાની જે લોકવાયકા ચાલે છે તે મુજબ હંસીને તોમરોએ ગઝનવીઓ પાસેથી મેળવી લીધું હોવામાં તથ્ય જણાય છે. હંસી તે પછીથી ચૌહાણોને હસ્તક ગયેલું. ચૌહાણોએ આ પ્રદેશને પોતાને કબજે રાખવા ઘણા પ્રયાસો કરેલા; પરંતુ 1192માં પૃથ્વીરાજ ત્રીજો તરાઈની બીજી લડાઈમાં હારી ગયેલો. દિલ્હી, અજમેર, સિરસા અને હંસી છેવટે મુસ્લિમ કબજામાં ગયાં, તેમ છતાં તેઓ ત્યાં સ્થિર વહીવટ કરી શક્યા નહિ. 1290માં આ પ્રદેશ ખલજીઓ અને તુગલુકોને હસ્તક ગયો. 1352–1354 દરમિયાન, ફિરોઝશાહ તુગલુકે અહીંના મૂળ વારાઈસનગર ખાતે કિલ્લો બાંધ્યો અને તેને હિસાર-એ-ફિરોઝા નામ આપ્યું. (જે અપભ્રંશ થઈને આજે હિસાર થયું છે.) તેણે અહીં નહેરોનું (પશ્ચિમ યમુના નહેરનું સર્વપ્રથમ ખોદકામ) નિર્માણ પણ કરાવ્યું; આજે અહીં દૃશદવતીનો જૂનો નદીપટ દેખાય છે, તે સંભવત: તે વખતે નહેર હતી.

1398માં અહીં તિમુરે (તૈમૂર લંગે) ભયંકર આક્રમણ કરેલું, બિકાનેરમાં તેને ભારે સામનો કરવો પડેલો હોવાથી તે સિરસા, અહરુની (આહરવાન અને તોહાના) થઈને ફતેહાબાદ ગયો, ત્યાં કત્લેઆમ ચલાવી. ત્યાંના નિવાસીઓનાં ટોળાં અન્યત્ર નાસી છૂટ્યાં; આક્રમકો ગયા પછી પણ અંધાધૂંધી ફેલાયેલી રહી. 1408માં હિસાર બળવાખોરોના હાથમાં ગયું; પરંતુ મહમ્મદ તુગલુકે હિસાર ફરીથી કબજે કર્યું. 1411માં હંસી ખિઝરખાને લઈ લીધું; 1414માં તેણે સૈયદ વંશના પ્રથમ શાસક તરીકે દિલ્હીની ગાદી મેળવી. લોદીઓના શાસન દરમિયાન હિસારનો પ્રદેશ (આજનું હરિયાણા) દિલ્હી સામ્રાજ્યનો એક ભાગ હતો, તેથી બહલોલ લોદીના રાજ્યકાળ દરમિયાન હિસાર મુહબ્બતખાનને અપાયું.

બાબરના આક્રમણ વખતે હિસાર શાહી પ્રદેશનું મુખ્ય મથક ગણાતું હતું. 1526માં થયેલી પાણીપતની લડાઈ અગાઉ તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું હતું. બાબરને ઘગ્ગર પહોંચતાં જાણવા મળ્યું કે હિસારમાંથી તેની સામે દળો આવી રહ્યાં છે; તેથી તેણે હુમાયૂંને મોકલ્યો  હુમાયૂંએ અગાઉ લશ્કરી વિજય મેળવેલો અને જે નગર તેને ભેટમાં મળેલું તે જ નગર તેણે કબજે કર્યું.

અકબરના શાસન દરમિયાન, હિસાર મહેસૂલી વિભાગનું મુખ્ય મથક હતું. 1707માં ઔરંગઝેબના મૃત્યુ ટાણે, હિસાર સરકારના નાઝીમ (સૂબા) તરીકે નવાબ શાહદાદખાન હતો. 1738 સુધી તેણે શાસન સંભાળેલું. તે પછી 1760 સુધી બલોચોનું શાસન રહ્યું. તે વખતે આ પ્રદેશમાં ઈશાનના શીખો, ઉત્તર અને વાયવ્યના ભટ્ટીઓ અને દક્ષિણના મુસ્લિમો વચ્ચે ત્રિકોણિયો જંગ ચાલતો હતો. 1774માં પતિયાલાના મહારાજા અમરસિંહે ફતેહાબાદ અને સિરસા લઈ લીધાં તેમજ ભટ્ટી મુહમ્મદ અમીરખાન હસ્તકનું રનિયા પણ તેમાં ભેળવી દીધું.

1781ની જિંદની સંધિ અન્વયે હંસી, હિસાર, રોહતક, મહામ અને તોશામના પ્રદેશો દિલ્હી સામ્રાજ્ય હેઠળ મુકાયા; ફતેહાબાદ અને સિરસા ભટ્ટીઓને અપાયાં, બાકીનો પ્રદેશ શીખો હસ્તક ગયો. હિસારના નાઝીમ (સૂબા) તરીકે રાજા જયસિંહની નિમણૂક થઈ.

બ્રિટિશ અમલ અગાઉ આ જિલ્લામાં આવેલા આઇરિસ સાહસિક જ્યૉર્જ થૉમસે આ પ્રદેશનો કબજો લીધો અને હંસીને રાજધાની બનાવી. શીખો–મરાઠાઓ અને ફ્રેન્ચોએ ભેગા થઈને તેને અહીંથી હાંકી કાઢ્યો, ત્યાં સુધી તેણે અહીં શાસન કરેલું.

ઓગણીસમી સદીના પ્રારંભમાં ઈસ્ટ ઇંડિયા કંપની આવી; તેણે મરાઠાઓને અહીંથી હાંકી કાઢ્યા. 1803માં સુરજી–અર્જુનગાંવની સંધિ થઈ. હિસાર સહિતનું હરિયાણા બ્રિટિશ અમલ હેઠળ આવ્યું. હંસીના કિલ્લા ખાતે બ્રિટિશ છાવણી મુકાઈ. મિરઝા ઇલિયાસ બેગની હિસાર અને રોહતક જિલ્લાઓ માટે નાઝીમ તરીકે નિમણૂક થઈ. 1810માં ભટ્ટીઓ સામે બ્રિટિશ કુમક મોકલાઈ, તેણે ભિવંડી કબજે કર્યું, તેઓ ફતેહાબાદ ગયા અને ભટ્ટી અગ્રેસરને હરાવ્યો. આમ અહીંનો આખોય પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ આવ્યો. હંસી તેમના વાલીપણા નીચે મુકાયું.

1857ના બળવા વખતે હિસારની જનતાએ આગળ પડતો ભાગ ભજવેલો. જાટ, રંગહારો, રાજપૂતો, બિશનોઈઓ વગેરેએ અંગ્રેજો સામે ભારે સામનો કર્યો. હરિયાણા લાઇટ ઇન્ફન્ટ્રી તથા ચૌદમી કેવલરીએ 1857ના જૂનમાં બળવો કર્યો, હિસાર બ્રિટિશ કાબૂ હેઠળ ન રહ્યું; પરંતુ થોડાક જ વખતમાં સિરસા, હિસાર અને હંસી તેમણે પાછાં મેળવી લીધાં. હંસીનો કિલ્લો પાડી નંખાયો. હરિયાણાનો બધો જ પ્રદેશ તેમજ હિસાર જિલ્લો પંજાબમાં ભેળવી દેવાયો.

ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં ભારતમાં લોકજાગૃતિ આવી. આર્યસમાજ જેવી સંસ્થાઓ ઊભી થઈ. 1886માં લાલા લજપતરાયે આર્યસમાજની વ્યવસ્થા પોતાના હાથમાં લીધી અને લોકોમાં રાજકીય જાગૃતિ આણી. કૉંગ્રેસે તેની પ્રવૃત્તિઓ શરૂ કરી. 1919માં રૉલેટ ઍક્ટ સામે ચળવળ થઈ. હિસાર જિલ્લાએ તેમાં ભાગ લીધો. હડતાળો પાડી, સરઘસો નીકળ્યાં. 1920માં અસહકારની ચળવળ ચાલી, 1942માં ‘ભારત છોડો’નું આંદોલન શરૂ થયું. આ જિલ્લાના ઘણા અધિકારીઓ અને સૈનિકો ભારતના રાષ્ટ્રીય સૈન્યમાં જોડાયા – બે અધિકારીઓએ અને 51 સૈનિકોએ ભારતની આઝાદી માટે પોતાના જીવનની આહુતિ આપી.

આ અગાઉ 1820માં દિલ્હી પ્રદેશનો વાયવ્ય જિલ્લો ઉત્તર અને પશ્ચિમના બે અલગ અલગ પ્રદેશમાં વહેંચાયેલો હતો. પશ્ચિમ વિભાગમાં ભિવંડી, હંસી, હિસાર અને સિરસા હતાં. ચાર વર્ષ પછી ભિવંડી રોહતક સાથે જોડાયું. 1832માં તેનું વડું મથક હિસાર ખાતે ગયું. રનિયા અને તોહાના વિસ્તારોને હિસારમાં મૂક્યા. 1837માં સિરસા(તે વખતે ભટિયાના)નો જુદો જિલ્લો બનાવાયો. 1861માં ભિવંડીને ફરીથી હિસારમાં ભેળવ્યું. 1884માં સિરસા જિલ્લાને પણ તેમાં ભેળવ્યો.

1950માં જિલ્લાઓનાં કદ વધાર્યાં, તેમાં લોહારુના દેશી રાજ્યને ભેળવ્યું; પરંતુ તેનાં 15 ગામોને તેમાંથી અલગ કર્યાં. 1961માં આ જિલ્લો 5 તાલુકાઓનો બનેલો હતો – હિસાર, હંસી, ફતેહાબાદ, સિરસા અને ભિવંડી. 1968માં સિરસાને સિરસા અને દાબવાલીમાં તથા ભિવંડીને ભિવંડી અને લોહારુમાં વિભાજિત કર્યા. 1972માં ભિવંડી, લોહારુ અને હિસારહંસીનાં કેટલાંક ગામોને અલગ પાડ્યાં અને તેનો ભિવંડી જિલ્લો રચ્યો. 1975માં સિરસા અને દાબવાલી તાલુકાઓને છૂટા પાડી, સિરસા જિલ્લાની રચના કરી.

ગિરીશભાઈ પંડ્યા