હિસાબી વ્યવસ્થા : ધંધાને સ્પર્શતા જે બનાવો બને તેને નોંધવા માટેની વ્યવસ્થા. હિસાબી વ્યવસ્થા ધંધાકીય એકમના સંદર્ભે થતા વ્યવહારો અને બનાવોના નાણાકીય તેમજ આર્થિક પાસાંઓને નોંધવા માટેની પ્રવિધિ, પ્રથા, દસ્તાવેજોનો સંપુટ અને જાળવણી છે. જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં જે હિસાબી પ્રથાઓ અમલમાં મુકાઈ હતી તેમાં એકનોંધી હિસાબી પ્રથા અને દ્વિનોંધી હિસાબી પ્રથા જાણીતી છે. ભારતમાં દેશી નામાપ્રથા તરીકે ઓળખાતી પ્રથાનું પ્રાધાન્ય હતું. હવે મહદ્અંશે દ્વિનોંધી નામાપ્રથા અમલમાં છે. કોઈ પણ એક વ્યવહારની ઓછામાં ઓછી બે નોંધ તો થાય જ તે સિદ્ધાંતને આધારે આ વ્યવસ્થા કામ કરે છે. અત્યાર સુધી શોધાયેલ પ્રથાઓમાં આ પ્રથા સૌથી ઓછી ક્ષતિવાળી માલૂમ પડી છે. એને વધુ ને વધુ ક્ષતિરહિત બનાવવા માટે વૈશ્વિક કક્ષાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની સંસ્થાઓ સતત સંશોધન કરે છે. આમ હિસાબી વ્યવસ્થા સતત સુધારાલક્ષી અને પરિવર્તનશીલ છે. દ્વિનોંધી હિસાબી પ્રથામાં પણ ઘસારો, છેવટના જથ્થાનું મૂલ્યાંકન, મૂડી પરનું વળતર અને કેટલીક વાર કરસંપાતના મુદ્દા ચર્ચાસ્પદ રહ્યા છે. તેમાં હજી સુધી સર્વસ્વીકૃત અને છેવટના નિર્ણયો લેવાયા નથી. વૈશ્વિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા આ બાબતમાં સતત મથામણ કરે છે.

અશ્વિની કાપડિયા