હિરાકુડ બંધ : ઓરિસામાં વહેતી મહાનદી પર સંબલપુરથી આશરે 15 કિમી. અંતરે ઉત્તરમાં હિરાકુડ સ્થળે 1956માં બાંધવામાં આવેલો બંધ. આ બંધની નજીકમાં તિરકપાડા અને નરાજ ગામે બીજા બે સહાયકારી બંધનું નિર્માણકાર્ય પણ કરવામાં આવેલું છે.
ભારત સ્વતંત્ર થયા બાદ શરૂ થયેલી બહુહેતુક નદી-પરિયોજનાઓ પૈકી આ યોજના સર્વપ્રથમ હાથ પર લેવાયેલી. 1937માં મહાનદીમાં આવેલા અતિવિનાશકારી પૂર બાદ, પૂરના નિયંત્રણ-હેતુ અર્થે સર એમ. વિશ્વેશ્વરૈયાએ આ નદીથાળાનું સર્વેક્ષણ કરવા સૂચન કરેલું. 1945માં ડૉ. બી. આર. આંબેડકરના પ્રમુખપણા હેઠળ આ સર્વેક્ષણનો નિર્ણય લેવાયો અને સર્વેક્ષણ શરૂ થયું. 1946ના માર્ચની 15મીએ ઓરિસાના તત્કાલીન ગવર્નર સર હૉથ્રોન લુઇસે બંધના પાયાનો શિલાન્યાસ કર્યો. 1947ના જૂનમાં યોજનાનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો. 1948ના એપ્રિલની 12મીએ પંડિત જવાહરલાલ નહેરુએ પાયામાં કૉંક્રીટ નાખી શુભારંભ કર્યો. 1953માં બંધનું ચણતરકાર્ય પૂર્ણ થયું. 1957ના જાન્યુઆરીની 13મીએ પંડિત જવાહરલાલ નહેરુએ તેનું ઉદઘાટન કર્યું. 1957 સુધી આ બંધનો નિર્માણ-ખર્ચ 100.02 કરોડ રૂપિયા જેટલો થયેલો. 1956માં વીજઉત્પાદન અને સિંચાઈનું કામ શરૂ કરી દેવાયેલું, જે 1966માં તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચેલું.
હિરાકુડ બંધનું દૃશ્ય
હિરાકુડ બંધ કૉંક્રીટ, ચણતર અને માટીપૂરણથી બાંધેલો મિશ્ર પ્રકારનો બંધ છે. ડાબી તરફ લામડુંગરી અને જમણી તરફ ચંદિલી ડુંગરી વચ્ચેના કૉંક્રીટ બંધની લંબાઈ 4.8 કિમી. જેટલી છે, જ્યારે તેની બંને બાજુઓ તરફ સંયુક્તપણે 21 કિમી. લંબાઈના અવરોધક પાળા બાંધવામાં આવેલા છે; આમ તેની કુલ લંબાઈ 25.8 કિમી. જેટલી થાય છે. આ રીતે તે દુનિયાનો મોટામાં મોટો અને લાંબામાં લાંબો બંધ ગણાય છે. બંધની પાછળના 55 કિમી. લંબાઈ ધરાવતા જળાશયનો કુલ વિસ્તાર, તે પૂર્ણ ભરેલો હોય ત્યારે, 743 ચોકિમી. જેટલો થાય છે. તેની કિનારારેખાની લંબાઈ 640 કિમી. જેટલી છે.
મહાનદીના ઉપરવાસના છત્તીસગઢના મેદાની વિસ્તારમાં અવારનવાર દુકાળની પરિસ્થિતિ ઊભી થયાં કરતી હતી, જ્યારે હેઠવાસના ત્રિકોણપ્રદેશીય વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ ઉદભવતી હતી. આ બંને સમસ્યાઓ આ બંધના નિર્માણથી ઉકેલાઈ ગઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ પૂરનિયંત્રણ ઉપરાંત સિંચાઈ અને વીજળી મેળવવાનો છે. તેમાંથી કાઢેલી નહેરો દ્વારા 75 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. બર્લા અને ચિપ્લિમા ખાતેનાં બે વિદ્યુતમથકોમાંથી 307.5 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા તે ધરાવે છે. આ ઉપરાંત આ યોજનાથી ઍલ્યુમિનિયમ, કાગળ, સિમેન્ટ, રાસાયણિક ખાતરનાં કારખાનાંને તેમજ રુરકેલાના લોખંડ-પોલાદના એકમને પણ લાભ થયો છે. જળાશયની ક્ષમતા આ પ્રમાણે છે :
સ્થગિત | પૂર્ણ સપાટી | સ્થગિત જળ- | પૂર્ણ સપાટીએ જળ- |
જળતલ, | જળતલ, | સંગ્રહ, મિલિયન | સંગ્રહ, મિલિયન |
મીટરમાં | મીટરમાં | ઘન મીટરમાં | ઘન મીટરમાં |
179.83 | 192.02 | 2,318 | 8,136 |
ભૂસ્તરીય વિગત : બંધના પાયાના ખડકોનું બંધારણ આ પ્રમાણે છે : (i) ડાબી તરફ ક્રૉંક્રીટ બંધ હેઠળ શિસ્ટ પટ્ટાઓ સહિત ગ્રૅનાઇટ રહેલો છે. આ ખડકો ઘણા સાંધાઓથી ભેદાયેલા છે. ખડકોમાં ઘણા વિરૂપક વિભાગો (shear zones) હતા, તે પૈકીનો એક વિરૂપક વિભાગ 6 મીટર પહોળાઈનો હતો, તેને ત્યાંની આખીય લંબાઈ પર 8 મીટરની ઊંડાઈ સુધી ખોદીને તેમાં કૉંક્રીટ દ્રવ્યપૂરણ (ગ્રાઉટિંગ) કરી દેવાયું છે. (ii) જમણી તરફ ક્રૉંક્રીટ બંધ હેઠળ ગ્રૅનાઇટ-નાઇસ, માયલોનાઇટ, સ્લેટ, શેલ અને ક્વાર્ટ્ઝાઇટનું ખડક-બંધારણ છે, તેમાં સાંધા, ફાટો અને કચરાયેલા ભાગો હતા. આ નબળા વિભાગોનું દ્રવ્ય ખોદીને તેમાં પણ વિસ્તૃત ગ્રાઉટિંગ કરેલું છે. આ રીતે આ બંધને પૂરેપૂરો મજબૂત બનાવવામાં આવેલો છે.
નીતિન કોઠારી
ગિરીશભાઈ પંડ્યા