હિપાર્કસ (જ. ઈ. પૂ. 190; અ. ઈ. પૂ. 120) : ગ્રીક ખગોળવિદ અને ગણિતશાસ્ત્રી. ખગોળવિદ્યાનો પદ્ધતિસર અભ્યાસ કરનારાઓમાં અગ્રેસર. ત્રિકોણમિતિની શોધ કરી. ચાંદ્ર-માસ અને સૌરવર્ષનો સમયગાળો ગણતરીથી નક્કી કર્યો. વિષુવ (equinoxes) પુરસ્સીણ(precession)ની શોધ કરનાર સંભવત: તે પ્રથમ હતા. 850 સ્થિર તારાઓનું કૅટલૉગ તૈયાર કર્યું. તારાઓના માનાંક (magni-tudes) નિર્દેશિત કર્યા. ચંદ્રનું કદ અને તેનું પૃથ્વીથી અંતર નક્કી કર્યાં. પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ સ્થળ નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશની ઇરેટોસ્થેનીસ(Eratosthenes)ની પદ્ધતિનો ઉપયોગ કર્યો.
પ્રહલાદ છ. પટેલ