હિન્શેલવૂડ સીરિલ નૉર્માન (સર) (Hinshelwood Sir Cyril Norman)

February, 2009

હિન્શેલવૂડ, સીરિલ નૉર્માન (સર) (Hinshelwood Sir Cyril Norman) (જ. 19 જૂન 1897, લંડન; અ. 9 ઑક્ટોબર 1967, લંડન) : બ્રિટિશ ભૌતિકરસાયણવિદ અને 1956ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હિન્શેલવૂડ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના એકના એક પુત્ર હતા. 1904માં તેમના પિતાનું અવસાન થયા પછી માતા ચેલસી (Chelsea) ખાતે સ્થાયી થયા અને હિન્શેલવૂડ પણ જીવનપર્યંત ત્યાં જ રહ્યા.

સીરિલ નૉર્માન હિન્શેલવૂડ (સર)

લંડનની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જોકે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેમાં વિક્ષેપ પડ્યો હતો. 1916થી 1919 સુધી તેઓએ વિસ્ફોટકોની ફૅક્ટરીમાં કેમિસ્ટ તરીકે સેવાઓ આપી. વિશ્વયુદ્ધ બાદ તેઓ સ્કૉલરશિપ મળતાં બલ્લીઓલ કૉલેજ, ઑક્સફર્ડમાં જોડાયા, જ્યાં 1920માં સ્નાતક બન્યા પછી તરત જ તેઓ ફેલો તરીકે ચૂંટાયા હતા. 1921થી 1937 સુધી તેઓ ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં ટ્યૂટોરિયલ ફેલો તરીકે રહ્યા. આ દરમિયાન 1924માં તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1937માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ડૉ. લી પ્રોફેસર ઑવ્ ફિઝિકલ ઍન્ડ ઇનઑર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે નિમણૂક પામ્યા અને 1964માં નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. 1964માં નિવૃત્ત થયા બાદ તેઓ ઇમ્પિરિયલ કૉલેજ, લંડનમાં સંશોધન-ફેલો તરીકે જોડાયા અને અવસાન સુધી તે પદે રહ્યા હતા.

હિન્શેલવૂડનું મુખ્ય સંશોધન રાસાયણિક પ્રક્રિયાઓની ગતિકી(reaction kinetics)ને લગતું હતું. યુદ્ધસમયના કાર્યને લીધે શરૂઆતમાં તેમણે ઘન પદાર્થોના વિસ્ફોટો પર સંશોધન કર્યું, પણ થોડા સમય પછી તેઓ વાયુરૂપ વિસ્ફોટી પ્રક્રિયાઓ તરફ વળ્યા. 1930ના દાયકામાં તેઓએ હાઇડ્રોજન અને ઑક્સિજન વચ્ચે સંયોજન થઈ પાણી ઉત્પન્ન થવાની પ્રક્રિયા ઉપર કાર્ય કર્યું અને દર્શાવ્યું કે પ્રક્રિયાની નીપજો પ્રક્રિયાને આગળ પ્રસારવામાં મદદ કરે છે, જે હકીકતમાં એક શૃંખલા(chain)-પ્રક્રિયા છે. અન્ય વાયુરૂપ પ્રક્રિયાઓના દર તથા તેમના ઉપર ઉદ્દીપકોની અસરો તેમજ પ્રવાહી પ્રાવસ્થામાં થતી પ્રક્રિયાઓ પર પણ તેમણે સંશોધન કરેલું.

તે પછીનું તેમનું સંશોધન જીવાણ્વીય (bacterial) કોષોમાં આણ્વીય ગતિકી(molecular kinetics)ને લગતું હતું. પર્યાવરણમાં થતા ફેરફાર સાથે જીવાણુઓના જૈવિક પ્રતિભાવોનું અવલોકન કરીને તેમણે દર્શાવ્યું કે ઔષધ (drug) પ્રત્યે કોષના પ્રતિરોધમાં થતા કાયમી ફેરફારો પ્રેરી શકાય છે. પ્રતિજૈવિકો (antibiotics) અને અન્ય ઔષધો પ્રત્યેના જીવાણ્વીય પ્રતિરોધની દૃષ્ટિએ આ એક મહત્વનું અવલોકન હતું. 1950માં તેમણે સૂચન કરેલું કે જીવંત કોષોનાં પ્રોટીનના સંશ્લેષણ વખતે વિવિધ એમિનોઍસિડ કયા ક્રમમાં ગોઠવાય છે તે (ક્રમ) ન્યૂક્લિઇક ઍસિડ નક્કી કરે છે. આમ ડી.એન.એ.(DNA)ના સાચા અર્થઘટનની નજીક તેઓ પહોંચેલા પણ તે સમયે તેની બહુ નોંધ લેવાયેલી નહિ. પાછળથી 1953માં જિમ વૉટસન અને ફ્રાંસિસ ક્રિકે DNAનું બંધારણ પ્રસ્થાપિત કર્યું હતું.

હિન્શેલવૂડનું સંશોધન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું હતું. 1929માં તેઓ રૉયલ સોસાયટીના ફેલો બન્યા અને 1955થી 1960 સુધી તેના પ્રમુખ રહ્યા હતા. 1946થી 1948 દરમિયાન કેમિકલ સોસાયટીના પણ પ્રમુખ બન્યા હતા. તેઓ એક જ એવા વિજ્ઞાની હતા કે જેમણે રૉયલ સોસાયટી અને કેમિકલ ઍસોસિયેશનનું પ્રમુખપદ એકસાથે સંભાળ્યું હોય. 1948માં તેમને ‘સર’(kinghthood)નો ખિતાબ આપવામાં આવ્યો હતો, જ્યારે 1960માં તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’થી નવાજવામાં આવ્યા હતા. રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ બાબત તેમના સંશોધન અંગે તેમને 1956ના વર્ષ માટેનું નોબેલ પારિતોષિક સોવિયેત વિજ્ઞાની નિકોલાઈ સેમ્યોનોવ સાથે એનાયત કરવામાં આવ્યું હતું.

તેમનું પ્રથમ પુસ્તક કાઇનેટિક્સ ઑવ્ કેમિકલ ચેન્જ ઇન ગેસિયસ સિસ્ટીમ્સ (1926) તેમના પાંચ વર્ષના સંશોધનના નિચોડરૂપે છે. અન્ય પુસ્તકોમાં ‘કેમિકલ કાઇનેટિક્સ ઑવ્ ધ બેક્ટિરિયલ સેલ’ (1946) અને ‘ગ્રોથ, ફંક્શન ઍન્ડ રેગ્યુલેશન ઇન બાયોલોજિકલ સેલ્સ’(1966)નો સમાવેશ થાય છે.

હિન્શેલવૂડ એક નિષ્ણાત ભાષાશાસ્ત્રી (linguist) હતા અને ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, સ્પૅનિશ, રશિયન અને ચીની ભાષાઓ જાણતા હતા. તેઓ ચિનાઈ પોર્સેલિનનાં પાત્રો અને પૌરસ્ત્ય ગાલીચાઓના સંગ્રાહક હોવા ઉપરાંત એક સારા ચિત્રકાર પણ હતા. તેમના અવસાન બાદ તેમણે દોરેલાં ચિત્રોનું પ્રદર્શન લંડન ખાતે યોજવામાં આવેલું.

વિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ તત્વજ્ઞાનયુક્ત અને વ્યવહારુ હતો જે તેમના પુસ્તક ‘સ્ટ્રક્ચર ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રી’માં દેખાઈ આવે છે.

તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા.

જ. પો. ત્રિવેદી