હિન્ડનબર્ગ, પૉલ ફૉન (જ. 2 ઑક્ટોબર 1847, પોસન, પ્રશિયા; અ. 2 ઑગસ્ટ 1934, ન્યૂ ડેક, જર્મની) : રાજનીતિજ્ઞ અને જર્મન ફિલ્ડ માર્શલ. જર્મનીના વાઇમર રિપબ્લિક(1925–1934)નો બીજો પ્રમુખ. મધ્યમવર્ગીય કુટુંબનું સંતાન. પિતા પ્રશિયાના અધિકારી, 11 વર્ષની વયે લશ્કરની કામગીરીનું આકર્ષણ. 1866માં પ્રશિયન લશ્કર પ્રારંભિક અધિકારી, તે વેળા ઑસ્ટ્રો–હંગેરિયન યુદ્ધમાં અને 1870–1877માં ફ્રાંકો–જર્મન યુદ્ધમાં કામગીરી બજાવી. 1896માં લશ્કરના જનરલના હોદ્દા સુધી પહોંચ્યા. 1911માં સેવાનિવૃત્ત થયા પરંતુ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ થતાં નિવૃત્તિ છોડી જર્મન લશ્કરમાં ફરીથી જોડાયા. ‘જર્મન એઇટ્થ આર્મી’નું સેનાપતિપદ તેમને સોંપવામાં આવ્યું. તે સમયે એરીચ લુડેનડૉર્ફ મુખ્ય લશ્કરી અધિકારી હતા. 1914માં પૂર્વ પ્રશિયામાં રહેલા રશિયન લશ્કર પર વિજય મેળવી તેમણે અધિકારીઓની શાબાશી મેળવેલી. આ વિજયને પગલે તેમને ફિલ્ડ માર્શલ અને પૂર્વીય સરહદોના સરસેનાધિપતિ જાહેર કરવામાં આવ્યા હતા. 1916માં આવી સફળતાઓને પગલે તેમને બઢતી આપવામાં આવી, તેમને સમગ્ર જર્મન સૈન્યના સરસેનાધિપતિ બનાવવામાં આવ્યા. લુડેનડૉર્ફ બીજા ક્રમે મુકાયા. અલબત્ત, અભ્યાસીઓ અને ઇતિહાસકારોના મતે લુડેનડૉર્ફ વધુ સારા વ્યૂહરચનાકાર હતા. તેમણે ફ્રાંસની ઈશાન દિશા જર્મની સાથે જોડાયેલી હોવાથી ત્યાં 1917માં સિગ્ફ્રાઇડ લાઇન (Siegfried Line) બાંધવા આદેશ આપેલો. જેની પર પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી (સપ્ટેમ્બર, 1918) જર્મનીનો અંકુશ રહ્યો હતો. તે પછીથી આ સરહદી રેખા હિન્ડનબર્ગ લાઇન તરીકે જાણીતી બની હતી.
પૉલ ફૉન હિન્ડનબર્ગ
1925 અને 1932માં તેઓ જર્મનીના પ્રમુખ ચૂંટાયા. તેમના કાર્યકાળમાં રાજકીય અસ્થિરતા, આર્થિક મંદી અને હિટલરના રાજકીય ઉદભવની ઘટનાઓ ઘટી. મહામંદીએ 1929માં જર્મનીમાં બેકારી અને અજંપો પેદા કર્યો ત્યારે તેમને નાઝી પક્ષને ટેકો આપવાની ફરજ પડેલી. આમ છતાં તેમણે હિટલરને સત્તાથી દૂર રાખ્યો હતો; પરંતુ 1932ની ચૂંટણીઓમાં નાઝી પક્ષ જર્મનીનો મજબૂત રાજકીય પક્ષ બની બહાર આવ્યો. તેને સંસદની બહુમતીનું પણ સમર્થન હતું. આ ગતિવિધિઓને ધ્યાનમાં લઈ વયોવૃદ્ધ અને થાકેલા હિન્ડનબર્ગે 30 જાન્યુઆરી 1933માં હિટલરને ચાન્સેલર નીમ્યો. હિટલરે હોદ્દા પર આવી જે કેટલાંક આગોતરાં રાજકીય પગલાં ભર્યાં તેમાં પ્રમુખપદ નાબૂદ કરી બધી સત્તા હિટલરે હસ્તગત કરી લીધી.
આ પછીનો ગાળો નાઝી વિચારો અને કાર્યોનો હતો, જ્યારે જર્મનીએ તેની અલગ રાજકીય દિશા તારવીને પ્રજાકીય આર્યત્વના ઓઠા હેઠળ ધિક્કારની ભાવનાને અને વિશેષે યહૂદીઓ પ્રત્યેના ધિક્કારની સ્થિતિને વેગ આપી વિશ્વસત્તા બનવાનું ખ્વાબ જોયું. આ નાઝી વિચારો અને હિટલરનો રાજકીય ઉદભવ હિન્ડનબર્ગના નબળા શાસનકાળનો પરિપાક હતા.
રક્ષા મ. વ્યાસ
જયકુમાર શુક્લ