હિદાયતુલ્લાહ મોહમ્મદ

February, 2009

હિદાયતુલ્લાહ, મોહમ્મદ (જ. 17 ડિસેમ્બર 1905; અ. 18 સપ્ટેમ્બર 1992) : ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાંથી બૅરિસ્ટર ઍટ લૉ થયા. હિન્દુ મહિલા પુષ્પાબહેન સાથે તેમણે આંતરધર્મીય લગ્ન કર્યા હતા. ભારત આવી ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી. 1930–1946ના દોઢ દાયકા દરમિયાન યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લૉમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું.

મોહમ્મદ હિદાયતુલ્લાહ

 1934–1943 સરકારી વકીલ તરીકે કામ કર્યા બાદ સ્વાતંત્ર્ય પૂર્વેના મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપી. 1943–1946 નાગપુર વડી અદાલતના ન્યાયમૂર્તિ અને 1946–1954 દરમિયાન ત્યાંના જ મુખ્ય ન્યાયાધીશ નિમાયા. દરમિયાન 1946માં તેમને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1954–1956 મધ્યપ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. 1956–1958 ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ફેબ્રુઆરી 1968–1970 દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રહ્યા. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ હતા. 1979–1984 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્ર-પ્રમુખ હતા.

આ સાથે વ્યવસાયલક્ષી સંગઠનોમાં પણ તેમણે વિવિધ સ્થાનો ગ્રહણ કરેલાં; જેમ કે નાગપુર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ લૉ (પૅરિસ), એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ ઍસોસિયેશન ઑવ્ જજિઝ વગેરેમાં. નાગપુર, અલીગઢ અને વિક્રમ યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાંની કાયદાશાખાના તેઓ સભ્ય પણ રહી ચૂકેલા. બેંગકોક, હેલસિન્કી, જિનીવા વગેરે ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજર રહી તેમણે સક્રિય કામગીરી બજાવેલી. તેમની સ્મૃતિમાં તેમના વતન રાયપુર, છતીસગઢ ખાતે 2003માં હિન્દુ નૅશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

રક્ષા મ. વ્યાસ