હિતોપદેશ : ભારતીય પશુકથાસાહિત્યનો સંસ્કૃતમાં લખાયેલો જાણીતો ગ્રંથ. નારાયણ પંડિતે હિતોપદેશની રચના પંચતંત્રને આધારગ્રંથ તરીકે રાખી પંચતંત્રની શૈલીમાં પશુપક્ષીની વાર્તાઓ દ્વારા રાજનીતિ અને જીવનવ્યવહારનો બોધ આપવામાં આવ્યો છે.

પંચતંત્રનાં પાંચ તંત્રોને બદલે તેમણે પોતાનો ગ્રંથ ચાર વિભાગોમાં રજૂ કર્યો છે. સાથે સાથે એ વિભાગોના ક્રમમાં પણ ફેરફાર કર્યો છે. ‘સંધિવિગ્રહ’ એ તંત્રને બે જુદા જુદા વિભાગોમાં વહેંચી નવી ગૌણ વાર્તાઓ સાથે રજૂ કર્યું છે. પંચતંત્રનું ચોથું ‘લબ્ધપ્રણાશ’ એ તંત્ર જ અહીં નથી અને ‘અપરીક્ષિતકારક’ નામનું પાંચમું તંત્ર રદ કરી તેમાંની કેટલીક વાર્તાઓ ‘સંધિ’ અને ‘વિગ્રહ’ વિભાગોમાં સમાવી લીધી છે. પંચતંત્રની પ્રથમ ત્રણ તંત્રમાંની કેટલીક વાર્તાઓ નથી આપી. પંચતંત્રનું  ગદ્ય અને  શ્લોકો ‘હિતોપદેશ’માં સચવાયા છે. પંચતંત્રમાં નથી તેવી સત્તર નવી વાર્તાઓ તેમણે પ્રસ્તુત કરી છે.

‘હિતોપદેશ’ એ ગ્રંથ ‘મિત્રલાભ’, ‘સુહૃદભેદ’, ‘વિગ્રહ’ અને ‘સંધિ’ – એ ચાર વિભાગોનો બનેલો છે. તેનો આરંભ ‘પ્રસ્તાવિકા’થી થાય છે. તેમાં વિદ્યાનો મહિમા, સુપુત્ર–કુપુત્ર, પુરુષાર્થ, પ્રારબ્ધ અને પ્રગતિ કરવાનો માર્ગ એ વિશે વિચારો રજૂ કર્યા છે. સુદર્શન નામના પાટલીપુત્રનો રાજા પોતાના અભણ અને અવળે રસ્તે જનારા રાજકુમારોને રાજનીતિ અને વ્યવહારનું શિક્ષણ આપવા પંડિતોની સભા ભરી પ્રસ્તાવ મૂકે છે. તેથી વિષ્ણુશર્મા નામના પંડિત રાજકુમારોને જે પશુપક્ષીઓની વાર્તાઓ કહી છ માસમાં રાજનીતિ અને જીવનવ્યવહારમાં નિપુણ બનાવે છે તે વાર્તાઓનો સંગ્રહગ્રંથ તે આ ‘હિતોપદેશ’ છે.

‘મિત્રલાભ’ નામના પ્રથમ વિભાગમાં કબૂતરોના રાજા ચિત્રગ્રીવ અને હિરણ્યક નામના ઉંદરોના રાજા વચ્ચેની મૈત્રીની ‘પંચતંત્ર’ની વાર્તા જ મુખ્ય છે. તેમાં લઘુપતનક નામના કાગડા, ચિત્રાંગ નામના હરણ અને મંથર નામના કાચબાની પણ ‘પંચતંત્ર’ જેવી જ મૈત્રીની વાર્તા રજૂ થઈ છે. તેમાં આઠ ગૌણ વાર્તાઓ લેખકે રજૂ કરી છે.

‘સુહૃદભેદ’ નામના બીજા વિભાગમાં ‘પંચતંત્ર’ની પિંગલક નામના સિંહ અને સંજીવક નામના બળદની ગાઢ મૈત્રીમાં દમનક નામનું શિયાળ ફાટફૂટ પડાવે છે અને અંતે સિંહ દ્વારા બળદના મૃત્યુની વાર્તા મુખ્ય છે અને તેમાં નવ ગૌણ વાર્તાઓ આપવામાં આવી છે.

‘વિગ્રહ’ નામના ત્રીજા વિભાગમાં હિરણ્યગર્ભ નામના હંસ અને ચિત્રવર્ણ નામના મોર વચ્ચેની લડાઈની વાર્તા મુખ્ય છે. એમાં નવ ગૌણ વાર્તાઓ રજૂ થઈ છે.

‘સંધિ’ નામના ચોથા વિભાગમાં ત્રીજા ‘વિગ્રહ’ વિભાગની જ મુખ્ય વાર્તાનું અનુસંધાન આગળ ચાલે છે. તેની સાથે બાર ગૌણ વાર્તાઓ રજૂ થઈ છે. આ ગ્રંથ પણ અનેક સ્થળેથી જુદા જુદા વિદ્વાનો દ્વારા પ્રકાશિત થયેલો છે.

‘હિતોપદેશ’ના લેખક નારાયણ પંડિત ધવલચંદ્ર નામના માંડલિક રાજવીના આશ્રિત હતા. તેમણે ‘પંચતંત્ર’ પાસેથી ઘણું લીધું હોવા છતાં પોતાનું મૌલિક ઉમેરણ પણ કર્યું છે. તેમણે ‘પંચતંત્ર’નું અનુસરણ વાર્તાઓમાં જ્યાં કર્યું છે તે પહેલા બે વિભાગોમાં વસ્તુસંકલન સુંદર છે. પાછળના બે વિભાગોમાં તે શિથિલ છે. પશુકથાઓ મનોરંજન સાથે રાજનીતિ અને જીવનવ્યવહારનો બોધ આપે છે. પશુપક્ષી અહીં તેવા ગુણવાળા માણસનું પ્રતીક હોય છે. તેમનાં નામો પણ ગુણ ધ્યાનમાં રાખી અપાયાં છે. તેમાં કેટલીક સુંદર વાર્તાઓ છે. સાદી અને સરળ ભાષા પણ વાર્તાઓને સુંદર બનાવે છે. વર્ણનના અભાવે વાર્તાનો પ્રવાહ વેગબંધ આગળ ધપે છે. વચ્ચે આવતા શ્લોકો રાજનીતિ અને જીવનવ્યવહારના નિયમો રજૂ કરે છે. આમ પશુકથાસાહિત્યનો આ એક મહત્વનો ગ્રંથ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી