હિટલર, ઍડૉલ્ફ (જ. 20 એપ્રિલ 1887, બ્રોનો, ઑસ્ટ્રિયા; અ. 30 એપ્રિલ 1945, બર્લિન, જર્મની) : જર્મનીનો આપખુદ અને યુદ્ધખોર સરમુખત્યાર. એણે જર્મનીને પ્રગતિની ટોચ પર લઈ જઈને પછી પતનની ઊંડી ખીણમાં ફેંકી દીધું. જગતના મોટા સરમુખત્યાર લડાયક શાસકોમાં ઍડૉલ્ફ હિટલરની ગણના થાય છે. એ ધૂની, ઘમંડી અને સત્તાનો શોખીન હતો. યુરોપના રાજકીય આકાશમાં એ ધૂમકેતુની માફક આવ્યો અને ભયંકર વિનાશ વેરીને ચાલ્યો ગયો. એનામાં તીવ્ર રાષ્ટ્રભક્તિ હતી તો સાથે ભયંકર ક્રૂરતા પણ હતી.
ઍડૉલ્ફ હિટલર
પ્રથમ વિશ્વયુદ્ધ(ઈ. સ. 1914–1918)ને અંતે થયેલી વર્સેલ્સની સંધિથી જર્મની અતિ અપમાનજનક સ્થિતિમાં મુકાયું. એના ઉદ્યોગો અને વેપારનો નાશ થયો. મિત્ર રાજ્યોએ એના સમૃદ્ધ પ્રદેશો પડાવી લીધા. એના પર મોટો યુદ્ધદંડ નાખવામાં આવ્યો. એને લશ્કર વધારવાની કે શસ્ત્રોના ઉત્પાદનની મનાઈ કરવામાં આવી. એનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યાં. ઍડૉલ્ફ હિટલરે જર્મનીમાં સત્તા પર આવીને એને અપમાનજનક સ્થિતિમાંથી મુક્ત કરી એનું ગૌરવ વધાર્યું. વેપાર-ઉદ્યોગનો વિકાસ કર્યો. બેકારી નાબૂદ કરી. જર્મનોમાં નવી આશા અને ઉત્સાહનું સિંચન કર્યું. વર્સેલ્સની સંધિને ફગાવી દઈ એણે લશ્કરોનું વિસ્તૃતીકરણ અને શસ્ત્રોનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું. નાઝી (રાષ્ટ્રીય સમાજવાદી) પક્ષના નેતા અને જર્મનીના ‘ફ્યુહરર’ તરીકે એણે અમર્યાદિત સત્તાઓ ભોગવી. પોતાના હજારો વિરોધીઓને મારી નાખ્યા અથવા જેલમાં પૂર્યા. ચારે તરફ ‘હિટલરનો જય’ (‘Hail Hitler’)ના નારાઓ ગુંજવા લાગ્યા. જર્મનીની પ્રજા એને જર્મનીનો ‘તારણહાર’ માનવા લાગી. ભારતમાં અતિ પ્રાચીન સમયથી ધાર્મિક અને પવિત્ર ચિહન તરીકે વપરાય છે એ ‘સ્વસ્તિક’(o)ની એણે નાઝી પક્ષના પ્રતીક તરીકે પસંદગી કરી. અલબત્ત, એક વર્તુળમાં વિશિષ્ટ રીતે ગોઠવાયેલ આ સ્વસ્તિક આર્ય પ્રજાની ઓળખનું પ્રતીક ગણાતો હતો. એના સૈનિકો ખાખી રંગનો ગણવેશ પહેરતા.
હિટલર માનતો હતો કે ફક્ત જર્મનો જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો છે. જર્મનો જગત ઉપર રાજ્ય કરવા સર્જાયેલા છે. એમને કોઈ હરાવી શકે નહિ કે ગુલામ બનાવી શકે નહિ. યહૂદીઓને એ હલકા લોહીવાળા, ડરપોક, પૈસાના લાલચુ અને જર્મનીનું શોષણ કરનાર સમજતો હતો. જર્મનો અને બીજી લડાયક જાતિઓની શુદ્ધતા, શૂરવીરતા અને શ્રેષ્ઠતા ટકાવવા યહૂદીઓનો નાશ કરવો આવશ્યક છે એવું એ માનતો હતો. એ માન્યતા પ્રમાણે યહૂદીઓની મોટા પાયે સામૂહિક હત્યા કરવા એણે રાજકીય કેદીઓની છાવણીઓ (concentration camps) ખોલી. જર્મનીનાં આ કેન્દ્રોમાં અને યુરોપના અન્ય દેશોમાં લગભગ 60 લાખ નિર્દોષ યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. આમ, યુરોપના લગભગ 66 ટકા યહૂદીઓની એણે કતલ કરાવી. આ ઉપરાંત, પૂર્વ યુરોપની સ્લાવ વગેરે જાતિઓને પણ એ હલકા લોહીની ગણતો અને એમને મારી નાખવાની એણે ઝુંબેશ ચલાવી. એણે એના સૈનિકોને હુકમ કર્યો હતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો’. યહૂદી સિવાયની બીજી કેટલીક જાતિઓના લગભગ 50 લાખ માણસોને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. આટલી મોટી સંખ્યામાં માનવહત્યા કદાચ જગતના બીજા કોઈ શાસકે કરી નહિ હોય.
જર્મનીના સર્વોચ્ચ રાજકીય પદ સુધી પહોંચનાર ઍડૉલ્ફ હિટલરનો જન્મ એક સામાન્ય અને ગરીબ કુટુંબમાં થયો હતો. એનો પિતા એલોઇસ એની માતા ક્લારા પોલઝલ કરતાં 23 વર્ષ મોટો હતો. એલોઇસ જકાત ખાતામાં નોકરી કરતો હતો, જ્યારે ક્લારા ખેડૂતની પુત્રી હતી. પિતા એલોઇસને ત્રણ પત્નીથી કુલ આઠ સંતાનો થયાં હતાં. એમાં ઍડૉલ્ફ હિટલર ત્રીજી પત્નીથી થયેલ ચોથું સંતાન હતો.
ઍડૉલ્ફ 6 વર્ષનો થયો ત્યારે એના પિતા એલોઇસ નોકરીમાંથી નિવૃત્ત થઈને ઑસ્ટ્રિયાના લિન્ઝ શહેરમાં રહેવા ગયા. પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઍડૉલ્ફ હોશિયાર હતો; પરંતુ માધ્યમિક શિક્ષણમાં એની કામગીરી ખરાબ હતી. એના પિતા એને સરકારી અધિકારી બનાવવા ઇચ્છતા હતા; જ્યારે ઍડૉલ્ફની ઇચ્છા ચિત્રકાર બનવાની હતી. એ આખો દિવસ દિવાસ્વપ્નોમાં રાચતો, પુસ્તકો વાંચતો અને ચિત્રો દોર્યાં કરતો. 1903માં એના પિતાનું અવસાન થયા પછી 1907માં એ વિયેના શહેરમાં આવ્યો. 1907માં જ એની માતાનું અવસાન થયું. વિયેનાની લલિત કલાની સંસ્થામાં દાખલ થવા એણે બે વખત પ્રવેશ પરીક્ષા આપી; પરંતુ બંને વખત નપાસ થયો. તેથી ચિત્રકાર થવાની એની ઇચ્છા અધૂરી રહી. વિયેનાનિવાસ દરમિયાન એણે રાજકારણમાં રસ લેવાની શરૂઆત કરી.
1913માં એ જર્મનીના મ્યૂનિક શહેરમાં રહેવા આવ્યો. ઑસ્ટ્રિયન લશ્કરમાં દાખલ થવાની શારીરિક પરીક્ષામાં એ નપાસ થયો; પરંતુ 1914ના ઑગસ્ટમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં એણે જર્મનીના લશ્કરમાં દાખલ થવાની અરજી કરી. એ અરજીનો સ્વીકાર થતાં એ જર્મનીના લશ્કરમાં દાખલ થઈ ગયો. લોહિયાળ લડાઈઓમાં સાહસપૂર્વક ભાગ લઈને એણે બે વખત બહાદુરીના ચંદ્રકો મેળવ્યા; પરંતુ લશ્કરમાં એ કૉર્પોરલના પદ સુધી જ પહોંચી શક્યો. 1918ના નવેમ્બરમાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ પરાજય સ્વીકાર્યો ત્યારે એ ઘાયલ થઈને લશ્કરી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જર્મનીના પરાજયથી એ દુ:ખી થઈને મોટેથી રડી પડ્યો હતો. એ સમયથી જ એણે જર્મનીની એકતા, સ્વમાન અને સામ્રાજ્ય પાછાં મેળવવાનો સંકલ્પ કર્યો હતો.
લશ્કરી હૉસ્પિટલમાંથી સાજો થઈને એ મ્યૂનિક આવ્યો. એ દિવસના સમયે કડિયાકામ અથવા મકાનોની દીવાલોને રંગવાની મજૂરી કરતો અને રાત્રે મજૂરોની સભામાં હાજરી આપતો. એ જુસ્સાપૂર્વક ઉશ્કેરણીજનક પ્રવચનો કરી લોકો પર પ્રભાવ પાડી શકતો. થોડા સમયમાં એ નાઝી પક્ષ(રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ)નો મુખ્ય કાર્યકર અને નેતા બની ગયો. નાઝી પક્ષ માટે કામ કરનાર અને એના વિરોધીઓ પર જુલ્મો કરનાર ‘તોફાની સૈનિક દળ’ની એણે રચના કરી. બવેરિયા રાજ્યે જર્મનીની સરકાર સામે બળવો કર્યો ત્યારે ઍડૉલ્ફ હિટલરે 1923ની 8મી નવેમ્બરે મ્યૂનિકના બિયર હૉલમાં મળેલી સભામાં બવેરિયાની સરકાર સામે લશ્કરી ક્રાંતિની જાહેરાત કરી. આ બનાવ ‘બિયર હૉલ ક્રાંતિ’ તરીકે ઓળખાય છે. એણે બવેરિયાની સરકારને બળવા દ્વારા ઉથલાવવાનો પ્રયત્ન કર્યો; પરંતુ એમાં એ નિષ્ફળ ગયો. એની ધરપકડ કરીને એને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી. એ જેલવાસ દરમિયાન એણે ‘મારો સંઘર્ષ’ (Mein Kamph) નામની પોતાની આત્મકથા લખી, જેમાં એણે એના વિચારો અને ભાવિ યોજનાઓનું આલેખન કર્યું; પરંતુ યુરોપના રાજકારણીઓ અને મુત્સદ્દીઓનું એ તરફ ધ્યાન ગયું ન હતું. હિટલરને પાંચ વર્ષની સજા થઈ હતી; પરંતુ 9 માસ પછી 1924માં એને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો.
એ સમયે જર્મનીનું રાજકીય વાતાવરણ નિરાશાજનક હતું. ફ્રાન્સ અને બેલ્જિયમે જર્મનીનો રુહર નામનો ઔદ્યોગિક વિસ્તાર કબજે કર્યો. ચારે તરફ હડતાળો પડી. જર્મનીના ચલણનું અવમૂલ્યન થયું. મિત્ર રાજ્યોએ જર્મનીની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો, જેથી એ યુદ્ધદંડ ભરી શકે. જર્મનીમાં નાઝી પક્ષના હરીફ તરીકે સામ્યવાદી પક્ષ હતો. જર્મન પ્રજાસત્તાકના પ્રમુખ તરીકે ફ્રેડરિક એબર્ટ 1919થી 1925 સુધી રહ્યા. એમણે જર્મનીને નવું બંધારણ આપ્યું. 1925માં એમનું મૃત્યુ થતાં ફિલ્ડ માર્શલ વૉન હિન્ડનબર્ગ જર્મન પ્રજાસત્તાકના પ્રમુખ બન્યા.
નાઝી પક્ષ ધીમે ધીમે જર્મનીમાં એનું સંગઠન, શિસ્ત અને લોકપ્રિયતા વધારતો જતો હતો. આ સમય દરમિયાન હિટલરને જૉસેફ ગોબેલ્સ, હરમાન ગોરિંગ, રુડોલ્ફ હેસ, હેનરિચ હિમલર અને આલ્ફ્રેડ રોસેનબર્ગ જેવા વિશ્વાસુ તથા શક્તિશાળી સાથીઓ મળ્યા. બિયર હૉલ ક્રાંતિની નિષ્ફળતા પછી હિટલરે બંધારણીય રીતે વર્તવાની ખાતરી આપતાં જર્મન સરકારે નાઝી પક્ષ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. જર્મનીમાં થતી ધારાસભા(reichstag)ની ચૂંટણીઓમાં નાઝી પક્ષના પ્રતિનિધિઓની સંખ્યા વધતી હતી; પરંતુ એને સંપૂર્ણ બહુમતી મળતી ન હતી. 1932ના જુલાઈમાં થયેલી ધારાસભાની ચૂંટણીમાં હિટલરના નાઝી પક્ષને 38 ટકા મત મળ્યા. હિટલરને જર્મનીના પ્રધાનમંડળમાં પ્રધાન તરીકે જોડાવાની ઑફર કરવામાં આવી; પરંતુ એણે પ્રધાનને બદલે વડાપ્રધાન (chancellor) બનવાનો હઠાગ્રહ ચાલુ રાખ્યો. અંતે પ્રમુખ હિન્ડનબર્ગે 30મી જાન્યુઆરી, 1933ના રોજ એની વડાપ્રધાન તરીકે નિમણૂક કરી.
1933માં ધારાસભાનું મકાન આગમાં નાશ પામ્યા બાદ નાઝી સરકારને કાયદા દ્વારા વધારે સત્તાઓ આપવામાં આવી. 5મી માર્ચ, 1933ના રોજ જર્મનીમાં ધારાસભાની નવી ચૂંટણી થઈ. એમાં નાઝીઓને 44 ટકા મત મળ્યા; પરંતુ નાઝીઓએ સામ્યવાદીઓના ચૂંટાયેલા સભ્યોની ધરપકડ કરી અથવા એમને ધારાસભામાં પ્રવેશવાની મનાઈ કરીને બહુમતી મેળવી. હિટલરે આ બહુમતીની મદદથી અમર્યાદિત સત્તાઓ પ્રાપ્ત કરી. પ્રજાના મૂળભૂત અધિકારોને નાબૂદ કર્યા. ‘ગેસ્ટાપો’ (Gestapo) નામના છૂપા પોલીસ દળની મદદથી સરકારના વિરોધીઓને શોધીને ઠાર કરવામાં આવ્યા અથવા જેલમાં પૂરી એમના પર જુલ્મો કરવામાં આવ્યા. ઑગસ્ટ, 1934માં પ્રમુખ હિન્ડનબર્ગનું અવસાન થતાં પ્રમુખનો હોદ્દો પણ એણે ધારણ કર્યો. વડાપ્રધાન, પ્રમુખ અને મુખ્ય સેનાપતિના હોદ્દાઓ મેળવીને એ જર્મનીનો નિરંકુશ સરમુખત્યાર બન્યો.
જર્મનીમાં આંતરિક રીતે સર્વસત્તાધીશ બન્યા પછી એણે જર્મનીમાં તથા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાના મનસ્વી વિચારો અને આક્રમક નીતિઓનો અમલ શરૂ કર્યો. 1934થી 1939 દરમિયાન યુરોપનાં અને જગતનાં રાષ્ટ્રોને આંચકા આપે એવાં પગલાં એણે લેવા માંડ્યાં. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી વર્સેલ્સની સંધિનો એણે ભંગ કર્યો. યુદ્ધદંડ આપવાનો ઇન્કાર કર્યો. શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું. જર્મનીના પાયદળ, નૌકાદળ અને હવાઈદળને વધારવા માંડ્યું. જર્મની પાસેથી પડાવી લીધેલા પ્રદેશો પાછા મેળવવા ઉપરાંત જર્મન ભાષા બોલતા બધા વિસ્તારો જર્મની યુદ્ધો કરીને જીતી લેશે એવી જાહેરાત કરી. પ્રથમ વિશ્વયુદ્ધમાં થયેલા મોટા વિનાશને કારણે યુરોપનાં રાષ્ટ્રો નવા યુદ્ધથી ડરતાં હતાં અને હિટલર એ ડરનો લાભ લઈને નવી નવી પ્રાદેશિક માગણીઓ રજૂ કરતો હતો. એ માનતો હતો કે જર્મની અજેય છે અને સમગ્ર યુરોપ કે જગત ઉપર રાજ્ય કરવાની એનામાં તાકાત છે.
એ યહૂદીઓનો દુશ્મન હતો. એણે યહૂદીઓને સરકારી નોકરીઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ, વિવિધ ધંધાઓ અને મૅનેજરના હોદ્દાઓ પરથી હાંકી કાઢ્યા. એણે લાખો યહૂદીઓને પકડીને એમની નિર્દય હત્યા કરવાની વ્યવસ્થિત યોજના અમલમાં મૂકી. તેથી લાખો યહૂદીઓ જર્મની છોડીને બીજા દેશોમાં નાસી ગયા. 14 વર્ષથી વધારે વયના યુવાનો અને યુવતીઓને નાઝી સરકારને વફાદાર એવા લશ્કરી દળોમાં જોડાવાની ફરજ પાડી. સમગ્ર જર્મન પ્રજામાં એણે સર્વોપરિતાનો ખ્યાલ અને યુદ્ધનું ઝનૂન ઊભાં કર્યાં. નાઝી પક્ષ અને નાઝી સરકારની ટીકા કરનારાઓની જાસૂસો દ્વારા માહિતી મેળવી એમના પર જુલ્મો કરવામાં આવતા. હિટલરને બુદ્ધિજીવીઓ માટે માન ન હતું. એ એમની અવગણના અને અપમાન કરતો.
શરૂઆતમાં બ્રિટનના વડાપ્રધાન ચેમ્બરલેને યુદ્ધને અટકાવવા હિટલરની માગણીઓનો સ્વીકાર કર્યો; તેથી હિટલર બેફામ બનીને વધારે માગણીઓ કરતો ગયો. એ માનતો હતો કે યુરોપના દેશો બ્રિટન, ફ્રાન્સ, રશિયા વગેરે યુદ્ધથી ડરે છે એટલે એ જે કાંઈ માગશે તે આ દેશો તેને યુદ્ધ વગર આપશે; પરંતુ એની એ માન્યતા ખોટી ઠરી. ઈ. સ. 1936માં એણે વર્સેલ્સની સંધિનો ભંગ કરીને જર્મનીના રહાઇનલૅન્ડ વિસ્તારમાં લશ્કરી દળ મોકલી એનો કબજો લીધો. 1938ના માર્ચમાં ઑસ્ટ્રિયા પર આક્રમણ કરીને એ જીતી લીધું. ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટને એનો વિરોધ કરવાને બદલે 1938ના સપ્ટેમ્બરમાં ચૅકોસ્લૉવેકિયાના જર્મન ભાષા બોલતા વિસ્તારો સામે ચાલીને જર્મનીને આપ્યા. એ સમયે હિટલરે વચન આપ્યું કે હવે વધારે પ્રદેશોની માગણી એ નહિ કરે; પરંતુ એ વચનમાંથી એ ફરી ગયો અને 1939ના માર્ચમાં એણે ચૅકોસ્લૉવેકિયાનો બાકીનો પ્રદેશ લશ્કરો મોકલી જીતી લીધો. જૂઠાં વચનો કે ખાતરીઓ આપીને ફરી જવામાં એને ક્ષોભ થતો ન હતો.
એ પછી હિટલર પોલૅન્ડ જીતવા ઇચ્છતો હતો; પરંતુ ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટને સ્પષ્ટ ચેતવણી આપી કે જો પોલૅન્ડ પર હિટલર આક્રમણ કરશે તો એ બંને દેશો જર્મની સામે યુદ્ધ જાહેર કરશે; પરંતુ હિટલર એને ખોટી ધમકી સમજતો હતો. એ સમયે ઑગસ્ટ 1939માં જર્મની અને સોવિયેત રશિયા વચ્ચે અચાનક મિત્રતાની સંધિ થઈ, જેમાં બંનેએ યુદ્ધના સમયે એકબીજાના દુશ્મનોને મદદ નહિ કરવાની ખાતરી આપી. આ સંજોગોમાં હિટલરે 1લી સપ્ટેમ્બર, 1939ના દિવસે પોલૅન્ડ ઉપર આક્રમણ કર્યું. તેથી બ્રિટન અને ફ્રાન્સે બે દિવસ પછી 3જી સપ્ટેમ્બરે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.
આમ, 1939ના સપ્ટેમ્બરમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. બ્રિટનમાં ચેમ્બરલેનને સ્થાને વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન બન્યા. એમણે બ્રિટનની પ્રજાને વિજયની ખાતરી આપી યુદ્ધનું સંચાલન હાથમાં લીધું. થોડા સપ્તાહમાં જર્મનીએ પોલૅન્ડ જીતી લીધું. એ પછી 1940ની વસંત ઋતુમાં એણે ડેન્માર્ક, નૉર્વે, નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ સહેલાઈથી જીતી લીધાં. 22 જૂન, 1940ના રોજ ફ્રાન્સે જર્મની સામે પરાજય સ્વીકાર્યો. એ પૂર્વે ઇટાલીના ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ ફ્રાન્સ પર હુમલો કર્યો હતો. હવે જર્મનીએ બ્રિટન ઉપર હવાઈ આક્રમણ કર્યું; પરંતુ બ્રિટને એનો સામનો કર્યો. હિટલર માનતો હતો કે જ્યાં સુધી સોવિયેત રશિયાને હરાવવામાં નહિ આવે ત્યાં સુધી બ્રિટન પરાજય સ્વીકારશે નહિ. આ વિચારથી એણે 1941ના જૂનમાં રશિયા ઉપર આક્રમણ કર્યું. જાપાને પર્લ હાર્બર ઉપર અચાનક હુમલો કરતાં યુ.એસ., જાપાન અને જર્મની વિરુદ્ધ મિત્રરાજ્યોના પક્ષે યુદ્ધમાં જોડાયું. એણે રશિયાને સાધનો, પુરવઠો અને શસ્ત્રો મોકલવા માંડ્યાં. રશિયાએ જર્મનીના લશ્કરને મૉસ્કો સુધી આવવા દઈને ત્યાં રોકી રાખ્યું. ભયંકર શિયાળો શરૂ થતાં રશિયાએ પ્રતિઆક્રમણ શરૂ કર્યું. સ્ટાલિનગ્રાડના પ્રસિદ્ધ યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો. એના ત્રણ લાખના સૈનિકદળનો સંપૂર્ણ વિનાશ થયો.
એ પછી જર્મનીનાં પીછેહઠ અને પતન શરૂ થયાં. જર્મન લશ્કરમાંના હિટલરના છૂપા વિરોધીઓએ એને મારી નાખવા કેટલાંક કાવતરાંઓ કર્યાં; પરંતુ એ બધામાંથી હિટલર બચી ગયો. રશિયન લશ્કર પૂર્વ તરફથી અને ફ્રાન્સ-બ્રિટનનાં લશ્કરો પશ્ચિમ તરફથી જર્મનીમાં દાખલ થઈને બર્લિન તરફ આગળ વધ્યાં. એ સમયે હિટલર એના કેટલાક વિશ્વાસુ સેનાપતિઓ સાથે બર્લિનના બૉમ્બપ્રૂફ ભોંયરામાં રહીને યુદ્ધનું સંચાલન કરતો હતો. એને પરાજયની ખાતરી થતાં એ ભાંગી પડ્યો. એના હાથ, પગ અને મસ્તક ધ્રૂજતાં હતાં તથા એ પેટના રોગથી પીડાતો હતો. છેલ્લા દિવસોમાં એની પ્રિયતમા ઈવા બ્રાઉન એની સાથે ભોંયરામાં રહેવા ગઈ. હિટલર આત્મહત્યા કરવા માગતો હતો; પરંતુ મૃત્યુ પૂર્વે 1945ની 29મી એપ્રિલે હિટલરે પ્રિયતમા ઈવા બ્રાઉન સાથે લગ્ન કર્યાં અને બીજે દિવસે (તા. 30મી એપ્રિલે) બંનેએ ગોળીબાર કરીને આત્મહત્યા કરી. એ પછી એમના સાથીઓએ એમના મૃતદેહોને બાળી મૂક્યા. આમ, હિટલરનું 56 વર્ષની વયે આઘાત સાથે અવસાન થયું. હિટલરના જીવનમાં અનેક નાટ્યાત્મક બનાવો બન્યા હતા તેમ એનો અંત પણ નાટ્યાત્મક હતો. હિટલરના મૃત્યુ પછી સાત દિવસે એટલે કે 1945ની 7મી મેએ જર્મનીએ યુદ્ધમાં શરણાગતિ સ્વીકારી. એને હરાવવામાં બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, યુ.એસ.ના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને રશિયાના સામ્યવાદી સરમુખત્યાર સ્ટાલિને મહત્વનો ભાગ ભજવ્યો હતો.
હિટલરે શરૂઆતમાં જર્મનીનો સર્વ ક્ષેત્રે ઝડપી વિકાસ સાધ્યો. એણે જર્મનીને યુરોપનું અને વિશ્વનું શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું; પરંતુ એ પછી એણે અવિચારી આક્રમક નીતિ અપનાવી. લોકોની વિચાર અને વાણીની આઝાદી છીનવી લીધી. એનો અને નાઝીવાદનો વિરોધ કરનાર અનેક બુદ્ધિજીવીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, પત્રકારો, પાદરીઓ, સાહિત્યકારો, સરકારી અધિકારીઓ, યહૂદીઓ, પોલ અને સ્લાવ જાતિના લોકો, સામ્યવાદીઓ, જિપ્સીઓ વગેરે પાસે સખત શારીરિક મજૂરી કરાવી એમને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના લાખો સૈનિકો પણ મૃત્યુ પામ્યા. આ યુદ્ધમાં જર્મનીના યુવાનોની સમગ્ર પેઢી ખલાસ થઈ ગઈ.
યુદ્ધથી સુરક્ષિત રહેવા હિટલરે પાંચ મજલાનું 120 બંકરો – ઓરડાઓ ધરાવતું મકાન તૈયાર કરાવ્યું હતું. જર્મનીની રીનહાડ્ટસ્ટ્રેસે ખાતેનું તેનું આ નિવાસસ્થાન એટલી તો જાડી અને મજબૂત દીવાલો ધરાવતું હતું કે તેમાં મોબાઇલ ફોનના સિગ્નલો પ્રવેશી શકતા નહોતા. તેનાં ઘણાં બંકરો બારીઓ વગરનાં છે. તેના આ આવાસને પ્રારંભે ખાનગી કલાવીથિ(પ્રાઇવેટ આર્ટ ગૅલરી)માં પરિવર્તિત કરવામાં આવેલું. એપ્રિલ, 2008થી હિટલરનું આ આવાસસ્થાન આધુનિક શૈલીની કલાવીથિમાં પરિવર્તિત કરાયું છે તેમજ 57 કલાકારોનાં 80 જેટલાં કલાચિત્રોથી સજાવવામાં આવ્યું છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી