હિજાઝી, મુહમ્મદ (જ. 1899; અ. ?) : વીસમા સૈકાના ઈરાનના આધુનિક લેખક અને રઝા શાહ પહેલવીના સમયના એક પ્રખ્યાત ફારસી નવલકથાકાર તથા ટૂંકીવાર્તાકાર. તેમણે તેહરાનની ઇસ્લામી સ્કૂલ તથા સેન્ટ લૂઈ નામની ફ્રેંચ રોમન કૅથલિક મિશનરી સંસ્થામાં શિક્ષણ મેળવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યુરોપનો પ્રવાસ કરીને કેટલાક સમય માટે પૅરિસમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને છેવટે ટેલિકૉમ્યૂનિકેશનમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હતી. ઈરાન પાછા ફર્યા બાદ તેમણે પોસ્ટ અને ટેલિગ્રાફ મંત્રાલયમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા હતા તથા તે મંત્રાલયના સામયિકનું તંત્રીપદ પણ સંભાળ્યું હતું. રઝા શાહ પહેલવીએ ઈરાનના આધુનિકીકરણનું જે કામ શરૂ કર્યું હતું તેના ભાગ રૂપે લોકોમાં વૈચારિક ક્રાંતિ લાવવા માટે ‘લોકજાગૃતિ કક્ષ’ (સાઝમાને પરવરિશે અફકાર) નામનો એક સરકારી વિભાગ શરૂ કર્યો અને 1937માં હિજાઝીને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ વિભાગના સામયિક ‘ઈરાને ઈમરૂઝ’(આધુનિક ઈરાન)નું તંત્રીપદ પણ હિજાઝીને સોંપાયું. શ્રેયાન કક્ષાના બધા સરકારી અધિકારીઓ માટે આ સામયિકના ખરીદાર બનવાનું ફરજિયાત હતું. 1941માં રઝા શાહના ગાદીત્યાગ અને શાહઝાદા મુહમ્મદ રઝા શાહના રાજ્યાભિષેક પછી પણ હિજાઝી ઉચ્ચ હોદ્દાઓ ઉપર ચાલુ રહ્યા અને રાજ્યના રેડિયો તથા પ્રચારવિભાગના ડિરેક્ટર પણ બન્યા હતા. તેઓ સંસદ(મજલિસ)ના સભ્ય પણ રહ્યા હતા.

હિજાઝીની સાહિત્યિક કૃતિઓ ત્રણ પ્રકારની છે : નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ તથા નિબંધો અને પરચૂરણ લખાણો. સાહિત્યકાર તરીકે હિજાઝીએ ત્રણ નવલકથાઓ : ‘હુમા’ (1927), ‘પરીચહર’ (1929) અને ‘ઝીબા’ (1931) દ્વારા નામના મેળવી હતી. રઝા શાહ પહેલવીના સમયમાં જે રાજકીય તથા સામાજિક ક્રાંતિનો પ્રારંભ થયો હતો તેના ભાગ રૂપે મહિલા-શિક્ષણ અને મહિલા-પુનરુત્થાનની પ્રવૃત્તિને પણ વેગ મળ્યો હતો. હિજાઝીએ આ નવલકથાઓમાં મહિલાઓની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓને સ્થાન આપીને તેમનાં શીર્ષકો જે તે નવલકથાના સ્ત્રી-પાત્રના નામ ઉપરથી રાખીને, સમાજમાં મહિલાઓના આગવા સ્થાનનો નિર્દેશ કર્યો હતો. આ નવલકથાઓ વસ્તુ તથા નિરૂપણ, ભાષા તથા માધુર્ય જેવી બાબતોમાં ઉચ્ચ કોટિની લેખાઈ છે; પરંતુ હિજાઝીની અન્ય જવાબદારીઓમાં વધારો થતાં સાહિત્યકાર તરીકેની તેમની લાક્ષણિકતાઓ પણ પ્રભાવિત થયા વગર રહી નહિ. 1951માં હિજાઝીએ ‘પરવાના’ અને ‘સિરિશ્ક’ નામની બીજી બે નવલકથાઓ લખી હતી. આ પ્રેમકથાઓ છે અને હિજાઝીએ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કર્યો જણાય છે. હિજાઝીની ટૂંકી વાર્તાઓ તથા નિબંધોના પાંચ સંગ્રહો : ‘આયના’ (1932–1951), ‘અંદીશા’ (1937), ‘સાગર’ (1951), ‘આહંગ’ (1951) અને ‘નસીમ’(1961)માં પણ લેખક સાહિત્યકલાની શક્તિ સાથે તેમના આધુનિક વિચારો વ્યક્ત થયા છે. આ વાર્તાઓ તથા નિબંધોમાં માનવીની પ્રકૃતિનાં નકારાત્મક પાસાંઓ અને તેમના ઇલાજ તરીકે લેખકના આદર્શોની ચર્ચા થઈ છે. આમાં સમાજ તથા માનવીની વાસ્તવિક પરિસ્થિતિની અવહેલના થઈ છે અને લેખકે માત્ર ખૂબસૂરત સપનાંઓની વાતો કરી છે.

હિજાઝીની બીજી કૃતિઓમાં ‘ખુલાસએ તારીખે ઈરાન’ (ઈરાનનો સંક્ષિપ્ત ઇતિહાસ); ‘કમાલ-ઊલ-મુલ્ક’ (જીવનવૃત્તાંત) અને કેટલાંય નાટકોનો સમાવેશ થાય છે. તેમનાં નાટકોમાં ‘હાફિઝ’, ‘અરૂસે ફરંગી’, ‘જંગ’ અને ‘મહમૂદ આકારા વકીલ કુનીદ’એ નામના મેળવી હતી. ખાસ કરીને છેલ્લું નાટક 1949માં લાંબા સમય સુધી ભજવાયું હતું. હિજાઝીએ પ્રખ્યાત પશ્ચિમી લેખકોની કૃતિઓનો ફારસીમાં અનુવાદ કર્યો હતો જેમાં ફ્રૉઇડની (‘ધ ઇન્ટરપ્રીટેશન ઑવ્ ડ્રીમ્સ’); હેલન શેટરની (‘હાઉ પર્સનાલિટીઝ ગ્રૉ ?’); આર. મેકાવરની (‘ધ પર્સ્યુટ ઑવ્ હેપિનેસ’); હેરી અને બૉનેરો ઓવરસ્ટીટની (‘ધ માઇન્ડ એલાઇવ’) અને જૉઝેફ ગાઇરની (‘ધ વિઝડમ ઑવ્ લિવિંગ રિલિજ્યસ’)નો સમાવેશ થાય છે.

લેખક અને વિચારક તરીકે હિજાઝી, પાશ્ચાત્ય જગત સાથે અચાનક સંપર્કમાં આવેલા ઈરાનીઓમાંના એક છે. તેઓ નવા વિચારોને આવકારે છે; પરંતુ તેમને વ્યક્ત કરવા માટે પ્રશિષ્ટ ફારસી શૈલીનો આશરો લેવો પડે છે. હિજાઝીની ગદ્યશૈલી અલંકૃત તથા કાવ્યમય હોવા છતાં તે વાસ્તવિક છે.

હિજાઝીની કૃતિઓનો અનુવાદ યુરોપીય ભાષાઓમાં થયો છે તથા તેમના વિશે વિવેચનાત્મક નોંધો લખાઈ છે તે હકીકત તેમની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. એચ. કામશાદે તેમની અંગ્રેજી કૃતિ Modern Persian Prose Literature(1966)માં હિજાઝી ઉપર વિસ્તૃત નોંધ લખી છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી