હિંદુ મહાસભા : હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે સ્થપાયેલું સંગઠન. હિંદુ મહાસભાનો ઉદભવ મુખ્યત્વે એક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સંગઠન તરીકે, હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે થયો હતો.
અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી 20મી સદીનો આરંભ થયો. મુસલમાનો અને ખ્રિસ્તી ચર્ચ પ્રત્યે સ્પષ્ટ પક્ષપાત અને હિંદુઓની અવગણના વધી. મજહબી ધોરણે પંજાબ અને પછી બંગાળના ભાગલા આ નીતિનું જ પરિણામ હતું. લાલ-બાલ-પાલની ત્રિપુટીએ બંગ-ભંગ-વિરોધી આંદોલનને વેગ આપ્યો અને ‘વંદે માતરમ્’ તેનું પ્રેરક સૂત્ર બની ગયું. બ્રિટિશ સનદી સેવાના એક અધિકારી જ્હોન એ. એન્ડરસને ‘વંદે માતરમ્’ ગીત સામે પહેલી જ વાર સાંપ્રદાયિકતાનો આક્ષેપ કર્યો. ‘ૐ વંદે માતરમ્’ નામક પત્રિકા (યુગાન્તરનું પ્રકાશન) ઉપર બંગાળ ઇલાકાના તંત્રે 1 માર્ચ, 1910ના વટહુકમ નં. 1169-પી દ્વારા પ્રતિબંધ મૂક્યો. (Home Dept. Ministry-Political-A, File 40–42, એપ્રિલ 1910) ઇસ્લામી અને ઈસાઈ વિસ્તારવાદે વેગ પકડ્યો હતો, વટાળપ્રવૃત્તિ સામે કોઈ રોકટોક નહોતી. સન 1910ના લૅન્ડ એલિયેનેશન ઍક્ટ દ્વારા સવર્ણ હિંદુઓને પછાત-દલિતની જમીન ખરીદવા સામે મનાઈ ફરમાવાઈ, પરિણામે મુસ્લિમ જમીનદારો એ જમીનો ખરીદવા લાગ્યા હતા. પંજાબમાં એની અસર વધારે હતી.
બીજી બાજુ હિંદુ સમાજ સુષુપ્તાવસ્થામાં હતો, ભારતની મૂળ સંસ્કૃતિથી વિમુખ થવા લાગ્યો હતો, સંકુચિતતાઓ અને દૂષણો વ્યાપ્ત હતાં. ડૉ. અનિલકુમાર મિશ્ર ‘હિંદુ મહાસભા : એક અધ્યયન’માં નોંધે છે કે આ સંજોગોમાં હિંદુ સમાજને સંગઠિત કરવા, તેને ઈસાઈ અને ઇસ્લામના પ્રભાવથી બચાવવા, સંકુચિતતા અને દૂષણો દૂર કરવા અને અંગ્રેજી શાસનમાં હિંદુઓના અધિકારોનું રક્ષણ કરવા માટે હિંદુ મહાસભા જેવા સંગઠનની સ્થાપના કરવાનું હિંદુ નેતાઓને જરૂરી લાગ્યું.
આ દૃષ્ટિએ જોતાં હિંદુ મહાસભાની સ્થાપના એક રાષ્ટ્રવાદી, સાંસ્કૃતિક સંગઠન તરીકે થઈ હતી. ઇલાહાબાદ ખાતે, 1910ના ડિસેમ્બરમાં મળેલી વરિષ્ઠ હિંદુ નેતાઓની એક બેઠકમાં રાષ્ટ્રીય સ્તરે હિંદુ મહાસભાની સ્થાપનાનો નિર્ણય થયો હતો (Indra Prakash; The Hindu Maha Sabha : It’s Contribution in India’s Politics); પરંતુ તે અગાઉ પંજાબમાં હિંદુ સભા શરૂ થઈ હતી, એ જુદા જુદા પ્રાન્તોમાં ફેલાઈ અને તેને જ અખિલ ભારતીય રૂપ અપાયું હતું અને ‘સભા’માંથી ‘મહાસભા’ થઈ હતી. હિંદુ સભાની સ્થાપના ઈ. સ. 1882માં થઈ હોવાનું ‘હિંદુ મહાસભા કા સંક્ષિપ્ત ઇતિહાસ’ના લેખક મયૂખ રંજન સર્વાધિકારી કહે છે; જ્યારે ડૉ. આર. સી. મજુમદાર (Struggle for Freedom Movement, Vol. XI) વીસમી સદી કહે છે. માર્લે-મિન્ટો સુધારાના વિરોધમાં ઈ. સ. 1909માં (21–22 ઑક્ટોબર) હિંદુ સભાએ પહેલું રાજકીય હિંદુ સંમેલન યોજ્યું હતું અને તેને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી, તેથી ઘણા એને પણ સ્થાપના વર્ષ કહે છે. મદનમોહન માલવીયના અધ્યક્ષપદ હેઠળ હિંદુ મહાસભાએ તેના સંગઠનને નવેસરથી ગોઠવી ઠીકઠાક કર્યું. (1919માં સાવરકર દ્વારા હિંદુ મહાસભાની સ્થાપના થઈ.)
બ્રિટિશ સરકારે પણ એની નોંધ લીધી હતી. આ અધિવેશનમાં પહેલી વાર સનાતની, આર્યસમાજી, બ્રહ્મસમાજી, કબીરપંથી, બૌદ્ધ, જૈન, શીખ વગેરે તમામ ભારતીય પંથોપપંથના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ એક મંચ ઉપર આવ્યા હતા એવું ‘હમારે રાષ્ટ્ર-નિર્માતા’ પુસ્તકના લેખક રામનાથ સુમન નોંધે છે. આર. સી. મજુમદાર પણ માને છે કે, ‘‘હિંદુ મહાસભા, તમામ હિંદુઓને અખિલ ભારતીય સ્તરે એક મંચ ઉપર લાવવાના પ્રયત્નોનું જ પરિણામ છે.’’
આ અધિવેશનમાં ‘હિંદુ’ શબ્દની વ્યાખ્યા કરતાં કહેવાયું કે ભારતની ભૂમિ ઉપર ઉદભવેલો કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી હિંદુ છે. બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકરે, હિંદુ મહાસભાના, 1937ના અમદાવાદ અધિવેશનના અધ્યક્ષીય પ્રવચનમાં આ પરિભાષાને વધારે વ્યાપક બનાવતાં કહ્યું કે : आसिन्धु सिन्धुपर्यंता यस्य भारत भूमिका। पितृभूः पुण्यभूश्चैव स वै हिन्दुरिति स्मृत : અર્થાત્ ભારતને માતૃભૂમિ, પાવન ભૂમિ માને તે બધા હિંદુ છે. સાવરકરે કહ્યું કે આ દેશના રાષ્ટ્રીય (National) હોવા માટે પહેલા ભારતીય અને પછી હિંદુ, મુસલમાન વગેરે હોવું ઘટે. આ વ્યાખ્યા 1938માં નાગપુર અધિવેશનમાં મહાસભાએ સુધારેલા બંધારણ(ઉદ્દેશ ઔર નિયમ)માં સમાવિષ્ટ થઈ.
હિંદુ મહાસભાને સંપૂર્ણ રાજકીય સ્વરૂપ સાવરકરે આપ્યું; 1937થી 1942 સુધીનો એમનો અધ્યક્ષકાળ મહાસભાનો સુવર્ણકાળ ગણાય તેવો છે; પરંતુ, પ્રારંભનાં વર્ષોમાં મહાસભાએ સાંસ્કૃતિક પાસાં ઉપર ભાર મૂક્યો હતો અને રાજકીય દૃષ્ટિએ તે હિંદી રાષ્ટ્રીય મહાસભા-(Indian National Gongress)ને સમર્થન આપતી રહી હતી. હિંદુ મહાસભાના સભ્યો કૉંગ્રેસના સભ્ય બની શકતા અને કૉંગ્રેસના સભ્ય માટે મહાસભાનું કામ કરવાની મનાઈ નહોતી. સંયુક્ત સભ્યપદની આ સગવડને કારણે જ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પં. મદનમોહન માલવીય, ડૉ. બા. સ. મુંજે, લાલા લાજપતરાય વગેરે બંને સંગઠનોમાં સક્રિય હતા. રામનાથ સુમનની નોંધ મુજબ 1920 ઑગસ્ટ, 1923ના વારાણસી સંમેલનમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ઘનશ્યામદાસ બિરલા, પુરુષોત્તમદાસ ટંડન, પં. જવાહરલાલ નહેરુ વગેરે ઉપરાંત અજમલખાન, ડૉ. અંસારી અને મજહર હક જેવા કૉંગ્રેસના મુસ્લિમ નેતાઓ પણ હતા. ઇન્દ્રપ્રકાશ મુજબ બેલગાંવના ડિસેમ્બર, 1924ના સંમેલનમાં મહાત્મા ગાંધી, પં. મોતીલાલ નહેરુ વગેરે હતા. પ્રા. ધર્મવીર ‘ભાઈ પરમાનંદ ઔર ઉનકા યુગ’ પુસ્તકમાં નોંધે છે કે માર્ચ, 1926ના દિલ્હી અધિવેશનમાં સરદાર પટેલ, સરોજિની નાયડુ અને મોતીલાલ નહેરુ પણ હતા. મહાસભાના દિલ્હી ખાતેના કેન્દ્રીય કાર્યાલયમાં સચવાયેલાં રાષ્ટ્રીય અધિવેશનોના દસ્તાવેજોમાં પણ આવી વિગતો મળતી હોવાનું અનિલકુમાર મિશ્ર નોંધે છે.
મહાસભાનું પહેલું અધિવેશન ઈ. સ. 1915માં હરિદ્વાર ખાતે મળ્યું. તેના અધ્યક્ષ કાસિમ બાઝારના મહારાજા મનીન્દ્ર ચંદ્ર નંદી હતા. બીજું અને ત્રીજું અધિવેશન પણ હરિદ્વારમાં યોજાયું. બીજા અધિવેશનના અધ્યક્ષ પં. મદનમોહન માલવીય હતા. આગળ જતાં સ્વામી શ્રદ્ધાનંદ, લાલા લાજપતરાય, ભાઈ પરમાનંદ, જગદગુરુ શંકરાચાર્ય, ડૉ. કૂર્તકોટી, વિ. દા. સાવરકર, બાલકૃષ્ણ સદાશિવ મુંજે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, એન. વી. ભોપટકર જેવા અધ્યક્ષો તેને સાંપડ્યા હતા.
અગાઉ જણાવ્યું છે તેમ શરૂઆતમાં સાંસ્કૃતિક મુદ્દા કેન્દ્રમાં હતા, રાજકીય અભિગમ ગૌણ હતો. કૉંગ્રેસ અને હિંદુ મહાસભા વચ્ચે સહયોગનું વાતાવરણ હતું. લગભગ 1924ના ગયા અધિવેશન સુધી આ પરિસ્થિતિ હતી એવું સમજાય છે. અનિલકુમાર મિશ્ર મુજબ ગયામાં મહાસભાનું અધિવેશન મળ્યું એના આગલા દિવસોમાં એ જ મંડપમાં કૉંગ્રેસનું અધિવેશન પણ યોજાયેલું અને બંને સંસ્થાઓના ઘણા નેતાઓ તેમાં પણ હતા. ટિળકયુગની સમાપ્તિ પછી કૉંગ્રેસના મંચ ઉપરથી હિંદુ સમસ્યાઓ બરાબર ઉઠાવી શકાતી ન હોવાની અનુભૂતિ ઉપરાંત મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યેના વલણ બાબત મતભેદો વધારે ઉગ્ર બનતાં ખિલાફત આંદોલનને કારણે
દ્વિ-રાષ્ટ્રવાદની ભૂમિકા બંધાતી દેખાઈ, અને એ જ ગાળામાં મોપલા હત્યાકાંડ સર્જાયો; તેણે હિંદુ ચેતનાને હચમચાવી હતી. તેથી જ 1909માં હિંદુ મહાસભા જેવા અલગ સંગઠનની જરૂર ન હોવાનો મત ધરાવતા સ્વામી શ્રદ્ધાનંદે પણ હિંદુ મહાસભાના નેજા હેઠળ જોરશોરથી શુદ્ધિ-આંદોલન ઉપાડ્યું હતું. કૉંગ્રેસ એનાથી અળગી રહી. આ આંદોલનને કારણે જ કદાચ હિંદુ મહાસભા સાંપ્રદાયિક હોવાનો આક્ષેપ કરવાની અનુકૂળતા મળી હશે ! રાજેન્દ્ર પ્રસાદની, 1947માં પ્રકાશિત આત્મકથામાં પણ નોંધાયું છે કે, ‘‘હિંદુઓના શુદ્ધિ અને સંગઠન તથા મુસલમાનોમાં તબલીગ અને તંજીમના હો-હલ્લાના પરિણામે ઘણા હિંદુ અને મુસલમાનો કૉંગ્રેસથી અલગ થઈ ગયા.’’
હિંદુ મહાસભા અખંડ ભારત માટે સંઘર્ષ કરતી રહી, હિંદુને કોમ તરીકે નહિ પણ રાષ્ટ્રીયતા માનવાનો તેનો આગ્રહ રહ્યો છે. દરેક નાગરિક માટે, જાતિ કે ધર્મ-પંથના ભેદભાવ વગર સમાન કાયદો અને સમાન તકની તેની માગણી હતી. તે તુષ્ટીકરણની વિરોધી રહી છે. કૅબિનેટ-મિશન સામે પણ તેના પ્રતિનિધિમંડળે આવી રજૂઆત કરી હતી. તેણે 1905ના બંગ-ભંગનો સખત વિરોધ કર્યો હતો અને ‘એક વ્યક્તિ, એક મત’ તથા સમાન નાગરિક કાનૂનની હિમાયત કરી હતી. વળી સામાજિક ક્ષેત્રે એણે ઘણાં સેવાકાર્યો કર્યાં છે. કુદરતી આફતો વખતે કોઈ ભેદભાવ વિના તે મદદે દોડી છે.
આઝાદી પછી હિંદુ મહાસભા ધીમે ધીમે ઘસાતી ગઈ. 1935ની પ્રાંતિક ચૂંટણીઓમાં અત્યંત ખરાબ રીતે તે પરાજિત થઈ હતી. 1940માં સાવરકર અને મુંજેના નેતૃત્વ હેઠળ હિંદુ રાજા–રાજકુમારો, જમીનદારો અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાકીય અને નૈતિક સમર્થન મેળવેલું. મુસ્લિમ લીગ સાથેની તેની મંત્રણાઓ નિષ્ફળ નીવડેલી તેમજ બ્રિટિશ સત્તાવાળાઓ સાથે સહકાર કરી શકશે એમ જણાયું. 1946ની ચૂંટણીઓમાં મહાસભા પુનર્જીવિત થઈ, પણ તે રાષ્ટ્રીય સંગઠન જમાવી શકી નહીં. તે ગામડાં સુધી ક્યારેય વિસ્તરી ન શકી. નીતિઓ સંકીર્ણ ન હોવા છતાં સાંપ્રદાયિકતાની છાપ અને ગાંધીહત્યાના આળમાંથી ઊગરી ન શકી. તેના પર પ્રતિબંધ મુકાતાં, રાજકીય પક્ષ તરીકે તે કામ ન કરી શકી. પરિણામે નામશેષ બની રહી છે.
તેના ઘણા ઉદ્દેશો અને સભ્યોને 1951માં સ્થપાયેલા જનસંઘમાં સ્થાન મળ્યું, જે પછીથી ભારતીય જનતા પક્ષમાં રૂપાંતરિત થયો.
બચુભાઈ ઠાકર