હિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અમ્બેલીફેરી) કુળની વનસ્પતિ. હિંગ Ferulaની કેટલીક જાતિઓના પ્રકંદ (rootstock) કે સોટીમૂળમાંથી મેળવવામાં આવતો શુષ્ક ક્ષીરરસ છે. હિંગ આપતી આ જાતિઓમાં Ferula foetida Regel, F. alliacea Boiss., F. rubricaulis Boiss., F. assafoetida Linn. અને F. narthex Boiss. (સં. હિંગુ, રામઠ, જંતુક; હિં. મ. બં. ક. ગુ. હિંગ; તા. મલા. રુંગયમ, પોરુગાયં, પેરુકાયં; તે. ઇંગુવા; ફા. અંગુઝ, અંગોઝ; અ. હિલ્લીત; અં. ઍસફીટિડા)નો સમાવેશ થાય છે. તે ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, બલૂચિસ્તાન, કાબુલ અને ખોરાસાનના પહાડો ઉપર થાય છે. F. narthex કાશ્મીરમાં થાય છે.

સ્વરૂપ : હિંગનો છોડ સામાન્ય રીતે બહુવર્ષાયુ અને 60 સેમી.થી 2.0 મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. જમીન તરફનું તેનું પ્રકાંડ 5–8 સેમી. વ્યાસવાળું હોય છે. તેનાં પર્ણો 30–40 સેમી. લાંબાં, ત્રિપીંછાકાર (tripinnate) અથવા તેથી વધારે વિભાજિત અને આવરક પર્ણતલવાળાં હોય છે. પુષ્પો સંયુક્ત છત્રક (umbel) સ્વરૂપે ગોઠવાયેલાં, નાનાં અને પીળા રંગનાં હોય છે. ફળ યુગ્મવેશ્મફળ (cremocarp) પ્રકારનું જોવા મળે છે.

હિંગનો પુષ્પ સહિતનો છોડ

4–5 વર્ષના હિંગના છોડનાં મૂળ જાડાં ગાજર જેવાં અને 12.5–15.0 સેમી. વ્યાસવાળાં હોય છે. પુષ્પનિર્માણ પહેલાં માર્ચ–એપ્રિલમાં મૂળનો ઉપરનો ભાગ ખુલ્લો કરી મુકુટની નજીકથી છેદ મૂકવામાં આવે છે. ખુલ્લી સપાટી ઉપર માટી અને ડાળીઓ વડે બનાવેલ ઘુંમટ આકારની રચના ઢાંકવામાં આવે છે. કપાયેલી સપાટી ઉપરથી ક્ષીરરસનો સ્રાવ થાય છે. થોડાક દિવસ પછી સ્રાવ ખોતરી લેવામાં આવે છે. વધારે ક્ષીરરસનો સ્રાવ થાય ત્યારે મૂળનું તાજું પતીકું કાપવામાં આવે છે. કેટલીક વાર પતીકાની સાથે રાળ દૂર થાય છે. જ્યાં સુધી (પ્રથમ કાપ પછી આશરે ત્રણ માસ) સ્રાવ અટકે નહિ ત્યાં સુધી રાળનું એકત્રીકરણ અને મૂળનાં પતીકાં કાપવાની ક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. પ્રકાંડ અને સોટીમૂળના સંધિસ્થાને ક્રમિક કાપ મૂકીને કેટલીક વાર રાળનું એકત્રીકરણ કરવામાં આવે છે. ત્રણ કાપ દ્વારા કેટલાક છોડ લગભગ 0.9 કિગ્રા. કે તેથી વધારે ગુંદર-રાળ (gum-resin) ઉત્પન્ન કરે છે.

હિંગનું ઉત્પાદન કરતા મુખ્ય પ્રદેશોમાં પૂર્વ ઈરાન અને પશ્ચિમ અફઘાનિસ્તાન છે. ઈરાનના અખાતનાં બંદરોએથી મુંબઈ તેની નિકાસ થાય છે.

પ્રકારો : હિંગ વ્યાપારિક દૃષ્ટિએ ત્રણ સ્વરૂપે મળે છે : રસ (tears), ગાંગડા (mass) અને લાહી (paste). રસસ્વરૂપે મળતી રાળ સૌથી શુદ્ધ હોય છે. તે ગોળાકાર કે ચપટો આકાર અને 530 મિમી.નો વ્યાસ ધરાવે છે તથા ભૂખરા અથવા આછા પીળા રંગનો જોવા મળે છે. રસના બે પ્રકારો હોય છે : એક પ્રકાર તેનો મૂળ રંગ વર્ષો સુધી જાળવી રાખે છે અને બીજા પ્રકારનો રસ ક્રમશ: ઘેરો કે રતાશ પડતો બદામી રંગ ધારણ કરે છે. ગાંગડા સ્વરૂપે મળતી હિંગ સામાન્ય વ્યાપારિક સ્વરૂપની છે. રસ એકત્રિત થઈ વધતેઓછે અંશે એકસરખા ગાંગડા બનાવે છે; જેમાં મૂળના ભાગો, માટી વગેરે મિશ્ર થયેલાં હોય છે. લાહી-સ્વરૂપ પણ બહારનું દ્રવ્ય ધરાવે છે. હિંગની સાથે બાવળનો ગુંદર, બીજી ગુંદર-રાળ, રોઝિન, ચિરોડી (gypsum), લાલ માટી, ચૂનો, ચોખા, જવ કે ઘઉંનો લોટ, બટાટાની કાતરી વગેરેનું અપમિશ્રણ કરવામાં આવે છે. આજે બજારમાં સૌથી સામાન્યપણે મળતું સ્વરૂપ સંયોજિત (compounded) હિંગ છે; જે 30 % રાળ, ચોખાનો લોટ અને બાવળનો ગુંદર ધરાવતું સૂક્ષ્મ ચૂર્ણ છે. હિંગની ‘હિંગ્રા’, ‘હુડ્ડા-હિંગ’, ‘હિરા-હિંગ’ વગેરે ઘણી જાતો થાય છે. આ બધામાં હિરા-હિંગ ઉત્તમ ગણાય છે. તે લસણ જેવી તીવ્ર સુવાસ ધરાવે છે અને ચમકતી, રતાશ પડતા પીળા રંગની હોય છે. તેનો સ્વાદ તીખો, તૂરો અને કડવો હોય છે. ભારતની કંપનીઓ લાલજી ગોધૂ અને લક્ષ્મી હિંગ (આર. એમ. કાનાની ઍન્ડ કં. –  ગુજરાત) સંયોજિત હિંગના દુનિયાના સૌથી મોટા ઉત્પાદકો ગણાય છે.

જૈવરસાયણ : હિંગમાં રાળ 40–64 %, ગુંદર આશરે 25 %, બાષ્પશીલ તેલ 10–17 % અને ભસ્મ 1.5–10 % હોય છે. રાળનો ભાગ મુખ્યત્વે ઍસરેઝિનોટેનોલ ધરાવે છે; જે મુક્ત હોય છે અથવા ફૅરુલિક ઍસિડ સાથે સંયોજિત સ્થિતિમાં હોય છે. અમ્બેલીફેરોન સંયોજિત સ્વરૂપે મળી આવે છે.

ગુંદર–રાળના બાષ્પનિસ્યંદનથી હિંગનું તેલ પ્રાપ્ત થાય છે. હિંગના તેલના ભૌતિક–રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ.20° 0.906–0.973, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D20° –9° 0´થી +9° 18´, વક્રીભવનાંક (n20°) 1.493–1.518 અને સલ્ફર દ્રવ્ય 15.3–29.0 %. તેલનું મુખ્ય ઘટક બ્યુટાઇલપ્રોપેનાઇલ ડાઇસલ્ફાઇડ (C7H14S2, 40–45 %) છે તથા અન્ય ડાઇસલ્ફાઇડો (C8H16S2, C10H18S2, C11H20S2), એક ટ્રાઇસલ્ફાઇડ (C6H10S3), પિનિન, અન્ય ટર્પિન અને એક અજ્ઞાત સંયોજન (C10H16O)nની હાજરી માલૂમ પડી છે. તેલની અણગમતી વાસ મુખ્યત્વે ડાઇસલ્ફાઇડ, C11H20S2ને આભારી છે. હિંગના તેલનું વ્યાપારિક મહત્વ નથી. ઔષધ અને સુગંધ-ઉદ્યોગો ગુંદર-રાળના આલ્કોહૉલીય ટિંક્ચરનો ઉપયોગ કરે છે.

હિંગમાં 15 %થી વધારે ભસ્મ અને 50 %થી ઓછું આલ્કોહૉલ દ્રાવ્ય દ્રવ્ય ન હોવાં જરૂરી છે. જોકે વ્યાપારિક હિંગ એકંદરે અપમિશ્રિત હોય છે. મુંબઈ અપમિશ્રણ અટકાયત ધારા (Bombay Prevention of Adulteration Act) પ્રમાણે હિંગમાં ભસ્મનું પ્રમાણ વધારેમાં વધારે 20 % અને આલ્કોહૉલ દ્રાવ્ય દ્રવ્ય 25 %થી ઓછું ન હોવું જરૂરી છે. તેહરાનના હિંગના નમૂનાઓમાં ભસ્મ 6.3-8.9 % અને આલ્કોહૉલ દ્રાવ્ય દ્રવ્ય 28.340.9 % હોય છે.

ઉપયોગ : હિંગનો ભારતમાં મસાલા તરીકે દાળ, કઢી, શાકભાજી, સોસ (sauce), અથાણાં, વડી, પાપડ વગેરેમાં સ્વાદ, સુગંધ અને ગુણ લાવવા માટે ઉપયોગ થાય છે. તે આંત્રમાર્ગ, શ્વસનમાર્ગ અને ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે. તેનો ઉપયોગ દમ, ઉટાંટિયું અને દીર્ઘકાલીન શ્વસનીશોથમાં થાય છે. તેનો આંતરડાંના વાયુવિકારમાં એનિમા તરીકે ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હિસ્ટીરિયા, અપસ્માર (epilepsy) જેવા રોગોમાં અને કૉલેરામાં પણ થાય છે. હિંગ ઘણી વાર પશુ-ઔષધમાં વપરાય છે. આ ઉપરાંત, હિંગ ગર્ભનિરોધક (contraceptive) કે ગર્ભસ્રાવી (abortifacient) સક્રિયતા દર્શાવે છે.

આયુર્વેદ અનુસાર હિંગ સ્વાદે તીખી, કડવી, તૂરી અને ગુણમાં તીક્ષ્ણ, હળવી, ગરમ તથા સ્નિગ્ધ તીખા વિપાકની, ઉષ્ણવીર્ય, સારક, હૃદ્ય, પાચક, રક્ત બગાડનાર, રુચિકર, ક્ષુધાવર્ધક, ઉત્તેજક, કફ-વાતદોષશામક, પિત્તવર્ધક, પીડાનાશક, સંજ્ઞાસ્થાપક, અનુલોમક, જંતુઘ્ન, કફને બહાર કાઢનાર, મૂત્રોત્પાદક, વાજીકર, આર્તવજનક, શીત (ઠંડી) ઉડાડનાર અને મલેરિયારોધક છે. તે ઉદરશૂળ, દંતકૃમિ, કબજિયાત, ગૅસ, આફરો, વાયુદોષ, હેડકી, અજીર્ણ, ઉદરરોગ, દમ (શ્વાસ), ખાંસી, કૃમિ, કફ તથા હૃદય-પડખાની (ગૅસથી થતી) શૂળ-પીડાનો નાશ કરે છે. હિંગ ગરમ હોઈ ગરમીના દર્દમાં વાપરવામાં આવતી નથી.

ઔષધિપ્રયોગો : (1) અપચો અને પેટના ગોળાની પીડામાં હિંગની ચણા જેવડી ગોળી બનાવી ઘી કે પાણી સાથે ગળાવવાથી લાભ થાય છે. (2) હેડકી : એક ચપટી હિંગ ઘી અને સાકર સાથે મેળવી વારંવાર ચટાડવામાં આવે છે તથા અડદ અને હિંગને અંગારા પર નાખી તેની ધુમાડી લેવાથી હેડકી શમે છે. (3) સડેલી દાઢની પીડામાં : હિંગ એકલી કે કપૂર સાથે અથવા વાવડિંગના ચૂર્ણ સાથે ભેળવી, દવા રૂના પૂમડા પર લઈ, સડેલી-પીડા કરતી દાઢ પર મૂકવાથી કૃમિ મરી જતાં પીડા શમે છે. (4) પરિણામશૂળ(ભોજન લીધા પછી ત્રણ કલાકે થતી ઉદરપીડા)માં : હિંગ, સિંધવ અને જીરાનું ચૂર્ણ મધ, પાણી કે ઘી સાથે આપવામાં આવે છે. (5) ચોથિયા તાવમાં : પ્રવાહી ઘીમાં ચપટી હિંગ મેળવી, તેનાં ટીપાં નાકમાં તાવ આવે તે વખતે નાખવાથી લાભ થાય છે. (6) ફેફસાંના દર્દમાં : હિંગને પાણીમાં ખરલ કરી તેમાં મધ મેળવી રોજ પાવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દર્દીને આરામ થાય છે. (7) વાયુહિસ્ટીરિયા : હિંગ, સિંધવ અને ઘી સમભાગે લઈ બારગણા ગોમૂત્રમાં ઉકાળીને, માત્ર ઘી રહે ત્યારે ઉતારી, ગાળીને રોજ 1–1 ચમચી પાવાથી લાભ થાય છે. (8) પેશાબની અટકાયત : વરિયાળીના 2–3 ચમચી અર્કમાં 1–2 ચપટી હિંગ મેળવીને આપવાથી પેશાબ સાફ આવે છે.

ફેફસાંના રોગમાં હિંગ અત્યંત ગુણકારી છે. પુખ્ત વ્યક્તિના જીર્ણ શ્વાસ, નલિકાશોથ અને દમમાં, ઉટાંટિયું, ફુપ્ફુસવ્રણશોથ, શ્વસનનલિકાશોથ અને બાળકોને ફેફસાંનો રોગ દૂર થયા પછી થતી સૂકી ઉધરસ ઉપર હિંગ આપવામાં આવે છે. આંતરડાંના રોગમાં હિંગની બસ્તિ આપવાથી ગુદામાં રહેતા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. ગૃધ્રસી, અર્દિત, મન્યાસ્તંભ, પક્ષાઘાત, આક્ષેપક અને અપતંત્રક વગેરે વાતરોગો પર હિંગનો ઉપયોગ થાય છે. જ્વરમાં સંનિપાતનાં લક્ષણો દેખાય તો હિંગકર્પૂરવટી આપવામાં આવે છે. હૃદ્-રોગ, હૃદયનું ધડધડવું, ગભરામણ, હૃદયમાં વેદના, ચક્કર આવવાં વગેરેમાં પણ હિંગકર્પૂરવટી લાભદાયી છે. હિંગથી ગર્ભાશયનું સંકોચન થતાં ઋતુસ્રાવ સાફ આવે છે અને ઉદરવેદનામાં ઘટાડો થાય છે. સુવાવડમાં હિંગ આપવાથી વાતવિકાર થતો નથી.

બેરજો (galbanum) : તેનાં વ્યાપારિક નામ ‘જવાશિર’ અને ‘ગાવોશિર’ છે. બેરજો Ferula glabaniflua Boiss. & Buhse અને ફેરુલાની કેટલીક જાતિઓમાંથી મળી આવતી તૈલી ગુંદર–રાળ છે. F. galbaniflua અરબસ્તાનમાં મળી આવતી ઊંચી શાકીય જાતિ છે. હિંગની જેમ બેરજાના પ્રકાંડ કે મૂળમાંથી એકત્રિત કરવામાં આવે છે. તે ગોળાકાર કે અનિયમિત આકારના પીળા કે બદામી રંગના, 5–10 મિમી. વ્યાસવાળાં ટીપાં સ્વરૂપે થાય છે. ઉનાળાની ગરમીમાં તે નરમ બને છે અને એકત્રિત થઈ ગાંગડા કે પિંડ બનાવે છે. ભારતીય બજારમાં મળી આવતું ઔષધ સામાન્યત: અર્ધઘટ્ટ હોય છે અને વનસ્પતિના ભાગો સાથે મિશ્ર હોય છે. તણાવ (straining) દ્વારા શુદ્ધ કરવા 100° સે. તાપમાન આપતાં તે પૂરતું પ્રવાહીમય બને છે.

બેરજાની સુવાસ લાક્ષણિક અને સ્વાદ કડવો–તીખો હોય છે. તે ઉત્તેજક, વાતહર (carminative), કફઘ્ન (expectorant) અને ઉદ્વેષ્ટરોધી (antispasmodic) હોય છે. તેનો ગર્ભાશયના પોષક તરીકે અને સોજા ઉપર લેપ તરીકે ઉપયોગ થાય છે. તેનો મર્યાદિત ઉપયોગ અત્તર ઉદ્યોગમાં ખાસ કરીને મિનૉનેટ (mignonette) અને ફર્નસોપ માટે સ્થાપક (fixative) તરીકે થાય છે. સાંદ્ર આલ્કોહૉલીય નિષ્કર્ષ એપોપેનેક્સ (apopanax) અત્તરો બનાવવામાં ઉપયોગી છે.

બેરજો (વિ. ગુ.15.5°) 1.109–1.133; ઍસિડ-આંક 20–40, એસ્ટર-આંક 60–100, રાળ 50–70 %, ગુંદર વધારેમાં વધારે 20 %, બાષ્પશીલ તેલ 5–20 %, ભસ્મ વધારેમાં વધારે 8 % અને પાણી 1–10 % ધરાવે છે. રાળ ગૅલ્બરેઝિનોટેનોલ સાથે સંયોજિત અમ્બેલીફેરોન, અતિઅલ્પ પ્રમાણ મુક્ત અમ્બેલીફેરોન, ગૅલ્બરેઝીનિક ઍસિડ, અતિઅલ્પ ગૅલ્બેનિક ઍસિડ અને બે સમઘટકીય (isomeric) લૅક્ટોન ધરાવે છે.

બેરજાના બાષ્પનિસ્યંદનથી બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે. તેના ભૌતિક–રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ.15° 0.8768–0.9162, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D + 3° 54´થી 16° 2´; વક્રીભવનાંક (n20°) 1.48035 –1.48712, ઍસિડ આંક 0.3–1.1, એસ્ટર-આંક 8.4–26.1, ઍસિટાઇલીકરણ પછી એસ્ટર-આંક 21.4–82.0 %. તે 90 % આલ્કોહૉલના 0.5–5.5 કદમાં દ્રાવ્ય છે. તેલમાં d-α-પિનિન, β-પિનિન, મિર્સિન, કેડિનિન, α-કેડિનોલ અને એક કિટોનીય સંયોજન C10H16O હોય છે.

સુમ્બુલ (કસ્તૂરીમૂળ) : મધ્ય એશિયામાં મળી આવતી F. sumbul Hook. f. અને F. suaveolens Aitch & Hemselની શુષ્ક ગાંઠામૂળી અને મૂળ તથા તેની કાતરીને સુમ્બુલ કહે છે. તે નળાકાર કે શુંડાકાર (tapering) ટુકડાઓ (વધારેમાં વધારે 10 સેમી. લાંબા અને 7.0 સેમી. વ્યાસવાળા) છે. તેઓ બહારથી ઘેરા બદામી અને અંદરથી પીળાશ પડતા સફેદ હોય છે અને વાદળીસશ રેસામય ગઠન ધરાવે છે. તેનો સ્વાદ કડવો હોય છે. F. suaveolensની સુવાસ ઍન્જૅલિક અને F. sumbulના મૂળની સહેજ કસ્તૂરી જેવી હોય છે. Nardostachys jatamansi DC. અને Valeriana celtica Linn. (આ બંને વનસ્પતિઓ ભારતમાં સુમ્બુલ તરીકે જાણીતી છે.)નાં મૂળનું ઘણી વાર વ્યાપારિક સુમ્બુલ સાથે અપમિશ્રણ કરવામાં આવે છે. Dorema ammoniacum D. Donનાં મૂળ રતાશ પડતાં બદામી રંગનાં હોય છે; જેમનું વ્યાપારિક નામ ‘બૉમ્બે સુમ્બુલ’ છે.

સુમ્બુલનો હિસ્ટીરિયા અને ચેતાતંત્રના અન્ય રોગોમાં પ્રશામક (sedative) તરીકે ઉપયોગ થાય છે. તે મંદ જઠરાંત્રીય (gastro-intestinal) ઉત્તેજક તરીકે પણ ઉપયોગી છે.

સુમ્બુલમાં 17–18 % રાળયુક્ત દ્રવ્ય અને 1 % જેટલું બાષ્પશીલ તેલ હોય છે. રાળયુક્ત દ્રવ્યમાં વેનિલિક ઍસિડ, ફાઇટોસ્ટેરોલ, અલ્પપ્રમાણમાં અમ્બેલીફેરોન (મુક્ત અને સંયોજિત), બિટાઇન તથા ઍન્જેલિક, વેલેરિયેનિક, બ્યુટિરિક અને થોડા અન્ય ઍસિડ હોય છે.

બાષ્પશીલ તેલ (ઉત્પાદન, 0.2–1.37 %) મૂળની લાક્ષણિક સુવાસ ધરાવે છે. તેના અચળાંકો આ પ્રમાણે છે : વિ. ગુ.15° 0.941-0.960, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D – 6° 20´, વક્રીભવનાંક (n20°) આશરે 1.50, ઍસિડ-આંક 4.1–14.9, એસ્ટર-આંક 29.9–31.7, ઍસિટાઇલીકરણ પછી એસ્ટર-આંક 72.8, સાબૂકરણ-આંક 24.0–92.0. તે 90 % આલ્કોહૉલમાં દ્રાવ્ય હોય છે. તેલમાં ચક્રીય અને એલિફેટિક હાઇડ્રૉકાર્બન(1 કાર્બનના 9 પરમાણુ ધરાવતા)નું મિશ્રણ, સૅસ્ક્વિટર્પિન (સુમ્બુલિન), દ્વિતીયક અને તૃતીયક આલ્કોહૉલોનું મિશ્રણ અને એક એસ્ટર હોય છે. મૂળનું ટિંક્ચર (3 ભાગ 90 % આલ્કોહૉલમાં 1 ભાગ મૂળ) રાળ ધરાવે છે અને તેનો પુષ્પગુચ્છ(bouquet)માં સ્થાપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સાગાપેનમ (વ્યાપારિક નામ – સાગબિનાજ) : F. persica Willd. કે F. szowitziana DC.માંથી પ્રાપ્ત કરવામાં આવતી તૈલી ગુંદર-રાળ છે અને અરબસ્તાન અને ઈરાનની સ્થાનિક છે. તેની મુંબઈમાં આયાત કરવામાં આવે છે. રાળ સામાન્યત: ગાંગડા-સ્વરૂપે થાય છે. તેનો રંગ ઘેરો બદામી કે બદામી-પીળો હોય છે. તેનાં ટીપાં બેરજાની સાથે સામ્ય ધરાવતાં અને અર્ધપારદર્શક હોય છે. તે બરડ હોવા છતાં હાથની ગરમીથી મૃદુ બને છે. તે સ્વાદે કડવી અને વમનકારી (nauseous) તથા વધારે સુવાસિત હોવા છતાં હિંગ કરતાં ઓછી તીવ્ર સુવાસ ધરાવે છે. તેનો ઉપયોગ હિંગ અને બેરજાની જેમ થાય છે. સાગાપેનમ રાળ 50–54 %, ગુંદર 31–32 % અને બાષ્પશીલ તેલ 3–11 % ધરાવે છે.

બળદેવપ્રસાદ પનારા

હરેશકુમાર લાધાભાઈ ધડુક

બળદેવભાઈ પટેલ