હિંકલર, બર્ટ (હર્બટ જૉન લુઈ) (જ. 1892, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા; અ. 1933) : ઑસ્ટ્રેલિયાના ઉડ્ડયન-નિષ્ણાત. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રૉયલ નૅવલ ઍર સર્વિસમાં કામગીરી બજાવી. 1928માં ઇંગ્લૅન્ડથી ઉડ્ડયન કર્યા પછી 16 જ દિવસમાં નૉર્ધર્ન ટેરિટરીના ડાર્વિન ખાતે આવી પહોંચીને ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેનો નવો વિક્રમ સ્થાપ્યો. 1931માં તેમણે અમેરિકાથી જમૈકા, બ્રાઝિલ અને પશ્ચિમ આફ્રિકા થઈને ઇંગ્લૅન્ડ સુધીનું ઉડ્ડયન કર્યું અને એ પ્રવાસ દરમિયાન 3 વિક્રમો નોંધાવ્યા. 1933માં ઇંગ્લૅન્ડથી ઑસ્ટ્રેલિયા સુધીના એકલ ઉડ્ડયન દરમિયાન તેમનું વિમાન આલ્પ્સ પર્વતમાળા સાથે અથડાયું અને તેમનું ત્યાં જ અવસાન થયું હતું.

મહેશ ચોકસી