હિંગોળગઢ : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 00´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે. પર આવેલું છે તથા જસદણ અને વિંછિયાને જોડતા મીટરગેજ રેલમાર્ગથી તેમજ પાકા રસ્તાથી જોડાયેલું છે.

પર્યાવરણીય પરિસ્થિતિના વ્યાપક સંદર્ભમાં જોતાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગો તેનાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ભારતભરમાં જાણીતા બનેલા છે, જેમ કે ગીરના જંગલમાં વસતા એશિયાઈ સિંહ તથા કચ્છના રણમાં વિચરતાં ઘુડખર; તે જ રીતે નળસરોવર ત્યાંનાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. આ માટે ગુજરાતના ભૂપૃષ્ઠની તેમજ સ્થળભેદે પ્રવર્તતી આબોહવાની વિવિધતાને કારણભૂત ગણાવી શકાય.

જેઓ પ્રકૃતિપ્રેમીઓ છે, જેઓ વન્યજીવનના ચાહકો છે, તેમને માટે રાજકોટ જિલ્લાના જસદણથી માત્ર 10 કિમી.ને અંતરે આવેલું હિંગોળગઢનું વન્યજીવન અભયારણ્ય જોવાલાયક સ્થળ છે. તે ‘હિંગોળગઢ નેચર એજ્યુકેશન સેંક્ચ્યુરી’ નામથી ઓળખાય છે. ગુજરાતના સ્થાનિક લોકો ઉપરાંત નિસર્ગપ્રેમીઓની વન્યજીવન અંગેની જાગૃતિ કેળવાય અને તેની જાળવણી માટેની પર્યાવરણીય પરિસ્થિતિની જરૂરી જાણકારી મળી રહે તે માટે અહીં સમયાંતરે શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ માટે નિષ્ણાતો જરૂરી પર્યાવરણ જળવાઈ રહે તેનું સતત ધ્યાન રાખે છે.

આ અભયારણ્યનું જંગલ અંદાજે 6,545 હેક્ટર (જસદણ તાલુકાના 1326.4 ચોકિમી. વિસ્તાર પૈકી) ભૂમિ પર પથરાયેલું છે. અહીંની ભૂમિનું સ્થળદદૃશ્ય અસમતળ છે; એટલું જ નહિ, તે અંશત: પડતર ભૂમિનું બનેલું છે. આ અભયારણ્યનો વધુ વિકાસ થાય તે માટે શૈક્ષણિક સંશોધનો પણ થાય છે. આ હેતુ સિદ્ધ કરવા અહીં વૃક્ષારોપણ પણ કરાતું રહે છે તેમજ તેમાં વસતાં પ્રાણીઓના વ્યવસ્થિત ઉછેરની પૂરતી કાળજી પણ રખાય છે. અહીં વિચરતાં પ્રાણીઓમાં ચિંકારા, દીપડા, વાગોળ, જરખ અને વરુ મુખ્ય છે. વળી લક્કડખોદ, બુલબુલ, બાબલર વગેરે જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે. આ કારણે અહીં પ્રાણીવિદો અને પક્ષીવિદો અભ્યાસાર્થે આવતા રહે છે. પક્ષીચાહકો માટે આ એક એવું સ્થાન છે જ્યાં ટપકીવાળાં ગરુડ અને કલગીવાળા બાજ નજરે નિહાળવા મળે છે. મોસમ પ્રમાણે અહીં યાયાવર પક્ષીઓની અવરજવર પણ રહે છે. નજીકમાં આવેલો હિંગોળગઢ મહેલ પણ અહીંનું જોવાલાયક સ્થળ બની રહેલું છે.

નીતિન કોઠારી