હિંગિસ, માર્ટિના (જ. 30 સપ્ટેમ્બર 1980, કોસિસ, સ્લોવાકિયા, હંગેરી) : મહિલા ટેનિસમાં વિશ્વમાં લાંબામાં લાંબા સમય સુધી સર્વોચ્ચ ક્રમ ધરાવતી, એકલ મહિલા સ્પર્ધાઓમાં પાંચ ગ્રૅન્ડ સ્લૅમ વિજય ધરાવતી અને મહિલા ટેનિસમાં સૌથી નાની ઉંમરમાં ઘણા વિશ્વવિક્રમો પ્રસ્થાપિત કરતી નિવૃત્ત મહિલા ખેલાડી. પિતાનું નામ કારોલ હિંગિસ જેઓ હંગેરિયન મૂળના હતા અને માતાનું નામ મેલાની મોલિટોરોવા જેઓ ચેકોસ્લોવાકિયા/ચેક મૂળનાં હતાં. માતાપિતા બંને તેમની યુવા અવસ્થામાં વરીયતાપ્રાપ્ત ટેનિસ ખેલાડીઓ હતાં. હાલ પિતા શિખાઉઓને ટેનિસની રમતની તાલીમ આપવામાં વ્યસ્ત રહે છે. એ જમાનામાં દેશનાં મહિલા ખેલાડીઓમાં તેની માતાનો 10મો વરીયતાક્રમ હતો. પુત્રી વિખ્યાત ટેનિસ ખેલાડી બને આ આશયથી માતા-પિતાએ પોતાની પુત્રીનું નામ વીસમી સદીની વિશ્વવિખ્યાત મહિલા ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાના નામ પરથી દીકરીનું નામ માર્ટિના પાડ્યું હતું. માતા-પિતાના છૂટાછેડા પછી પુત્રી માર્ટિના માતાની સાથે સ્વિટ્ઝર્લૅન્ડના ટ્રુબાક ખાતે કાયમી નિવાસ કરવા જતી રહેલી. મહિલા ટેનિસ ખેલાડી તરીકે પોતાની ટેનિસ કારકિર્દી દરમિયાન માર્ટિના ‘સ્વિસ મિસ’ તરીકે જાણીતી બનેલી.

માર્ટિના હિંગિસ

માની ન શકાય તેમ માર્ટિના માત્ર બે વર્ષની હતી ત્યારે તેણે માતા-પિતાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ટેનિસ રમવાની શરૂઆત કરેલી. તે માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેણે ટેનિસની એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ તેની મહિલા ટેનિસ ખેલાડી તરીકેની સમગ્ર કારકિર્દી ત્રેવીસ વર્ષની (1984–2007) ગણાય. અલબત્ત, આ ગાળામાં તેને થયેલ ઈજાને કારણે તેણે વર્ષ 2002–06ના ગાળામાં કામચલાઉ ધોરણે નિવૃત્તિ વહોરી હતી.

તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પાંચ મહિલા એકલ ગ્રૅન્ડ સ્લૅમ ખિતાબ જીત્યા હતા; જેમાં ત્રણ વાર ઑસ્ટ્રેલિયન ઓપન, એક વાર વિમ્બલ્ડન ખિતાબ અને એક વાર અમેરિકન ઓપન ખિતાબનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેણે નવ મહિલા ડબલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ખિતાબ અને એક મિક્સ્ડ ડબલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ખિતાબ ભારતીય ખેલાડી મહેશ ભૂપતિ સાથે જીત્યો હતો. તે 22 વર્ષની હતી ત્યારે પગની બંને એડીઓમાં થયેલ ઈજાને કારણે ચાર વર્ષ (2002–06) સુધી તેને ટેનિસની સ્પર્ધાઓથી ફરજિયાત બહાર રહેવું પડ્યું હતું. તેણે સતત 209 અઠવાડિયાં સુધી મહિલા ટેનિસના વરીયતાક્રમમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું, જે એક વિસ્મયકારક સિદ્ધિ ગણાય. સ્વૈચ્છિક નિવૃત્તિમાંથી પાછી રમવા આવ્યા પછી પણ તે વિશ્વવરીયતાક્રમમાં છઠ્ઠા સ્થાન સુધી પહોંચી શકી હતી અને 2005–07ના ગાળામાં પણ તેણે ટેનિસના વિશ્વસ્તરના ત્રણ ખિતાબ જીત્યા હતા; જેમાંથી એક ખિતાબ રોમ ખાતેની સ્પર્ધામાં, બીજો ખિતાબ ભારતના કોલકાતા ખાતેનો અને ત્રીજો જાપાનના પાટનગર ટોકિયો ખાતે યોજાયેલ સ્પર્ધાના ખિતાબનો સમાવેશ થાય છે.

બાર વર્ષની વયે 1993માં તેણે ગ્રૅન્ડ સ્લૅમ જુનિયર ખિતાબ જીત્યો હતો અને તે દ્વારા તે ટેનિસના ત્યાં સુધીના ઇતિહાસમાં વિશ્વસ્તર પર નાનામાં નાની ઉંમરની વિજેતા બની હતી. તે જ અરસામાં તેણે ફ્રેન્ચ ઓપન મહિલા એકલ સ્પર્ધામાં પણ વિજય હાંસલ કર્યો હતો, જે વર્ષ 1994માં પણ એણે જાળવી રાખ્યો હતો. તેની સાથે તેણે વિમ્બલ્ડનની છોકરીઓની એકલ સ્પર્ધામાં વિજય હાંસલ કરી વિશ્વસ્તરના વરીયતાક્રમમાં જુનિયર ખેલાડીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ઑક્ટોબર 1994માં ચૌદ વર્ષની વયે તેણે વ્યાવસાયિક ખેલાડીના મોભા સાથે રમવાની શરૂઆત કરેલી. 1996માં 15 વર્ષ અને 9 માસની વયે વિમ્બલ્ડન મહિલાઓની ડબલ્સ સ્પર્ધામાં હેલેના સુકોવા સાથે રમીને વિજય હાંસલ કરી નાનામાં નાની ઉંમરની વિમ્બલ્ડન વિજેતા બનવાનું બહુમાન તેણે પ્રાપ્ત કર્યું હતું. તે જ વર્ષે જર્મનીના ફિલ્ડરસ્ટાટ નગર ખાતે રમાયેલી વિશ્વસ્તરની સ્પર્ધામાં વિજય હાંસલ કરી એક વ્યાવસાયિક મહિલા ટેનિસ ખેલાડી તરીકે તેણે પોતાનો સર્વપ્રથમ વિજય હાંસલ કર્યો હતો. તે જ અરસામાં ઑકલૅન્ડ ખાતે રમાયેલ ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપની અંતિમ મૅચમાં માર્ટિનાએ મોનિકા સેલેસ જેવી સશક્ત અને અનુભવી ખેલાડીને પરાજય આપ્યો હતો.

1997માં તે વિશ્વસ્તરની સર્વોચ્ચ વરીયતાપ્રાપ્ત મહિલા ટેનિસ ખેલાડી જાહેર થઈ હતી. માત્ર 16 વર્ષની વયે તેણે ઑસ્ટ્રેલિયન ઓપનની સ્પર્ધામાં આ જ સ્પર્ધાની એક પૂર્વ ચૅમ્પિયન મૅરી પીઅર્સને પરાજય આપી પોતે વિશ્વસ્તરની નાનામાં નાની ઉંમરની સર્વોચ્ચ વિજેતા બની હતી. માર્ચ 1997માં તે ટેનિસના ઇતિહાસમાં સૌથી નાની વયની સર્વોચ્ચ વરીયતાક્રમ ધરાવતી મહિલા ટેનિસ ખેલાડી બની હતી. તે જ વર્ષે તેણે વિમ્બલ્ડનની મહિલા એકલ સ્પર્ધામાં જાની નોવોટનાને પરાજય આપી વીસમી સદીની નાનામાં નાની ઉંમરની સર્વોચ્ચ ખેલાડી બની હતી; જોકે તે વર્ષની ફ્રેન્ચ ઓપન સ્પર્ધાની અંતિમ મૅચમાં તે ઈવા માજોલીના હાથે પરાજય પામી હતી. વર્ષ 1998માં હિંગિસે ચારેચાર મહિલા ડબલ્સ ગ્રૅન્ડ સ્લૅમ જીતીને એક નવો વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. વર્ષ 1999માં તેણે સળંગ ત્રીજી વાર ઑસ્ટ્રેલિયન ઓપન એકલ અને ડબલ્સ બંને સ્પર્ધામાં મહિલાઓના વિભાગમાં વિજય હાંસલ કર્યો હતો.

ઑગસ્ટ 2007માં ઈસ્ટ વેસ્ટ બૅંક ક્લાસિક વર્લ્ડ ટેનિસ ઍસોસિયેશનની મહિલા ટેનિસ સ્પર્ધામાં તે ભારતની સાનિયા મિર્ઝા દ્વારા પરાજિત થઈ હતી અને ત્યાર પછી તેણે એક પણ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો.

વર્ષ 2007ની મહિલાઓની વિમ્બલ્ડન સ્પર્ધા વખતે હાથ ધરાયેલી તેની વૈદ્યકીય તપાસમાં તેણે પ્રતિબંધિત કોકેન માલ્ડ પદાર્થનું સેવન કર્યું હતું એવો આક્ષેપ તેની સામે કરવામાં આવ્યો, જેનો તેણે સ્પષ્ટ ઇનકાર કરી 1 નવેમ્બર 2007ના રોજ ટેનિસની રમતમાંથી કાયમી નિવૃત્તિ જાહેર કરી હતી અને આ રીતે એક આશાસ્પદ ખેલાડીની ઉજ્જ્વળ કારકિર્દીનો છેલ્લે કરુણ અંત આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે