હિંગળાજ : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લ્યારી (Lyari) તાલુકામાં આવેલું હિંગળાજ માતાનું મંદિર.
ભૌગોલિક સ્થાન : તે 25 23´ ઉ. અ. અને 66 28´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. સમુદ્રકિનારે આવેલ મકરાન પર્વતીય હારમાળાના કોઈ એક શિખર ઉપર મંદિર આવેલું છે. સિંધુ નદીના મુખત્રિકોણપ્રદેશથી 120 કિમી. અને અરબ સાગરના કિનારાથી 20 કિમી. દૂર છે. આ વિસ્તાર તદ્દન શુષ્ક છે, પરિણામે સ્થાનિક મુસ્લિમ યાત્રાળુઓ તેને નાની-કી-હજ કહે છે. મોટે ભાગે તેઓ ઉનાળા પહેલાં અહીંની મુલાકાત લે છે. આ પદયાત્રાનો પ્રારંભ કરાંચીથી 10 કિમી. દૂર હાઓ નદીથી કરે છે. હિંગોલી નામ હિંગોલી નદીના નામ ઉપરથી પડ્યું હોવાનું મનાય છે. આ નદી બલુચિસ્તાનની સૌથી મોટી નદી છે. અહીં આવેલું હિંગોલી રાષ્ટ્રીય ઉદ્યાન આશરે 6200 ચો.કિમી.માં વિસ્તરેલું છે.
આ વિસ્તારમાં રણ આવેલું છે. જેને સંસ્કૃત ભાષામાં ‘મરુસ્થળ’ કહે છે. આ રણનાં દેવી એટલે ‘મારુત્રિરથ હિંગળાજ’ (Marutrirtha) જે હિંગળાજ માતા તરીકે જાણીતી બની છે.
લ્યારી (Lyari) તાલુકાના અંતરિયાળ ભાગમાં સાંકડા કોતરની વચ્ચે એક ગુફામાં મંદિર આવેલું છે.
હિંગુલા એટલે સિંદૂર (Mercuric Sulphide). ભૂતકાળમાં તેનો ઉપયોગ સાપના ઝેરના મારણ માટે થતો તેમજ અન્ય ઝેરનો પ્રતિકાર કરવા માટે થતો. આ વિસ્તારમાં ઝેરી જીવોનો ઉપદ્રવ વધુ હોવાથી હિન્દુ શ્રદ્ધાળુઓ આ હિંગળાજ દેવીનાં દર્શન કરવાની બાધા રાખતા. તેઓ પૂજાની સામગ્રીમાં સિંદૂર લાવતા અન દેવીને ચઢાવતા.
આ યાત્રા ચાલીને અને મોટરમાર્ગે થાય છે. કરાંચીથી મકરાનના સમુદ્રકાંઠાના માર્ગે જતાં ચાર કલાકમાં એટલે કે 328 કિમી. અંતર કાપી શકાય છે. પગે ચાલીને જતાં રણ ઓળંગવું પડે છે, પણ અંતર 150 કિમી. થાય છે.
યાત્રા : મુસ્લિમ લોકો પણ હિંગળાજનાં દર્શન કરવા જુદા સંઘ દ્વારા આવે છે. તેઓ તેને નાની-કી-મંદિર કહે છે. તેઓ પોતાની સાથે લાલ અથવા કેસરી રંગનું કપડું, લોબાન, મીણબત્તી અને કોઈ મીઠાઈ લાવે છે અને દેવીને અર્પણ કરે છે. હિંદુ શ્રદ્ધાળુઓ દર્શન કરતી વખતે ધજા, લાલ રંગનું કપડું, ગૂગળ, સિંદૂર, પ્રસાદ શ્રીફળનો ચઢાવો કરે છે અને ઘીનો દીવો કરીને પૂજા કરે છે.
હિન્દુ યાત્રાળુઓ લાકડીમાં ભરાવેલી ધજાની પાછળ ચાલીને રણ ઓળંગે છે. છડીદાર હાથમાં ધજા અને શિવ ભગવાનના ત્રિશૂળને રાખે છે. આ ધજાનો રંગ કેસરી, લાલ કે ગુલાબી હોય છે. છડીદાર દરેક યાત્રાળુને ધજા આપે છે. યાત્રા દરમિયાન પોતાનું પાણી કે ખાદ્યસામગ્રી ન વાપરવાનું સૂચન હોય છે. પાણી કે કોઈ પણ ખાદ્યસામગ્રી રાખવાની હોતી નથી. માર્ગમાં કોઈ મંદિર કે કૂવાના પાણીનો જ ઉપયોગ કરવાનો હોય છે. જે સ્થાનિક લોકો તેમને પાણી અને ખાદ્યસામગ્રી પૂરી પાડતા હોય છે.
યાત્રાળુઓ રાતવાસો બાબા ચંદ્રકૃપ ખાતે કરે છે. આ ચંદ્રકૃપને ચંદ્રગુપ કહે છે. જે પંક જ્વાળામુખી છે. આ એશિયાનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી છે. જ્યારે તે પ્રસ્ફુટન પામે છે ત્યારે તેના મુખમાંથી અર્ધપ્રવાહી કાદવ નીકળ્યા જ કરે છે. પરિણામે આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. યાત્રાળુઓ આ જ્વાળામુખી પાસે રસોઈ કરે છે અને સૌપ્રથમ તેને અર્પણ કરે છે. યાત્રાળુઓ એક કપડાના ચાર ખૂણે લોટ, ઘી, ખાંડથી બનાવેલા લાડવા મૂકે છે. બીજા દિવસે રોટી, શ્રીફળ અને લાડવા જ્વાળામુખીના મુખમાં પધરાવી દે છે. છડીદાર તે સમયે મંત્રોચ્ચાર કરે છે. દરેક યાત્રાળુઓ પોતાનાથી થયેલા પાપમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરે છે. અને બાબા ચંદ્રકૃપના આશીર્વાદ મેળવીને આગળ વધે છે. યાત્રાળુઓ ચાર દિવસ સુધી ચાલીને એક ગામમાં લાકડાના બનેલા મકાન પાસે પહોંચે છે. આદિવાસી મુસ્લિમનું મકાન હોવા છતાં તે લોકોનું સ્વાગત કરે છે. હિંગોળી માતાના મંદિરે જતાં પહેલાં ‘હિંગોળી નદી’માં સ્નાન કરે છે. આ મંદિરની એક બાજુ પર્વત આવેલો છે તો બીજી બાજુ હિંગોળી નદી વહે છે. તેઓ ભીનાં કપડાં પહેરીને જ મંદિરે પહોંચે છે.
આ મંદિરને ‘મહલ’ કહે છે જે અરેબિક ભાષાનો શબ્દ છે. આ કુદરતી રીતે નિર્માણ પામેલી ગુફા ‘યક્ષ’ દ્વારા બનાવાઈ છે તેવી માન્યતા છે. ગુફાનું છાપરું વિવિધ રંગના પથ્થરોથી બનેલું છે. ગુફાનો પ્રવેશ- માર્ગ આશરે 17 મીટર ઊંચો છે. આ ગુફા એક પવિત્ર સ્થાન છે. સમગ્ર ગુફાને લાલ રંગના કપડાથી ઢાંકી દેવાઈ છે. ગુફામાં પ્રવેશવાનો અને દર્શન કરીને બહાર નીકળવાનો માર્ગ જુદો છે. ત્યાર બાદ પ્રસાદ વહેંચીને યાત્રાળુઓ રાત્રે આકાશગંગાને નિહાળતા પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. સ્થાનિક મુસ્લિમો જેમાં ‘ઝીકારી’ કોમના પણ હિંગળાજ માતાને માને છે. તેઓ આ મંદિરનું રક્ષણ અને સેવા પણ કરે છે. સૂફી મુસ્લિમો પણ સેવા કરે છે. સૂફી સંત શાહ અબ્દુલ લતીફ ભીટ્ટાઈએ મંદિરની મુલાકાત લીધી હતી અને કવિતા પણ લખી છે. એમ માનાવામાં આવે છે કે સૂફી સંતે માતાને દૂધનો પ્રસાદ ચઢાવ્યો હતો તે સમયે માતાજી તેમને પ્રત્યક્ષ મળ્યાં હતાં.
આ હિંગળાજ માતાના મંદિરની આજુબાજુ ગણેશદેવ, કાલીમાતા, ગુરુ ગોરખનાથ દૂની, બ્રહ્મ કુધ, તીર કુન્ડ, ગુરુનાનક ખારો, રામઝરૂખા બેઠક, ચોરાસી માઉન્ટન ઉપર આવેલ અનિલ કુંડ, ચંદ્રગુપ, ખારીનદી અને અઘોર પૂજા વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે.
હિંગળાજ ખૂબ શક્તિશાળી દેવી સ્વરૂપ છે. આ મંદિર જુદાં જુદાં નામથી ઓળખાય છે; જેમ કે હિંગુલા, હિંગાલાની, હિંગુલતા, સંસ્કૃત ભાષામાં હિંદુલતા તરીકે ઉલ્લેખ થયેલો છે. તે કોટ્ટારી અથવા કોટાવી તરીકે પણ ઓળખાય છે.
પાકિસ્તાનમાં કરાંચી ખાતે આવેલ ‘નંદ પંથી અખાડા’ કે જેઓ દર વર્ષે આ હિંગળાજ માતાજીની પદયાત્રા કાઢે છે. આ સિવાય હિન્દુઓ બસ, મોટર, મોટરસાઇકલ અને સાઇકલ માર્ગે ત્યાં દર્શન માટે જાય છે. નવરાત્રિના સમયગાળામાં આશરે 25,000થી 30,000 યાત્રાળુઓ ત્યાં દર્શન માટે આવે છે. 1947માં ભારત/પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે 14% હિન્દુઓ અને શીખ હતા. હાલમાં 1.6% જ રહ્યા છે. મોટે ભાગે હિન્દુઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં જ છે. જેઓ સરકારી નોકરી, વેપાર અને સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નવરાત્રિના મેળામાં આવનારા યાત્રાળુઓ માટે ખાવા-પીવા-રહેવા તેમજ ચિકિત્સા માટેની વ્યવસ્થા કરતા હોય છે.
પાકિસ્તાનમાં વસતા હિન્દુઓએ અહીં આવતા યાત્રાળુઓને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે 1980ની 5મી જાન્યુઆરીના રોજ ‘હિંગળાજ સેવા મંડળી’ ઊભી કરી છે.
પાકિસ્તાનના ‘વીજળી અને શક્તિ વિકાસ મંડળે’ હિંગોળી નદી ઉપર બંધ બાંધવાનું વિચારેલું, પરંતુ હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. આ મંદિર સામાન્ય નથી, એક શક્તિપીઠ છે માટે જો અહીં બંધ બાંધવામાં આવે તો મંદિર ડૂબમાં જાય. આમ દલીલને કારણે બંધ બાંધવાનું સ્થળ બદલવામાં આવ્યું.
ભારતમાં જુદાં જુદાં રાજ્યોમાં વસતા હિન્દુઓની કુળદેવી ‘હિંગળાજ માતા’ ગણાય છે. ગુજરાતમાં હિન્દુ જ્ઞાતિમાં સોની, ભાવસાર, હિન્દુ લોહાણા, ગોસાવી, ગોસ્વામી, ભણસાલી સમાજ, બ્રહ્મક્ષત્રિય સમાજ (હિન્દુ ખત્રી), સેપાઉ, રાજપુરોહિત,ચારણ-ગઢવી, મેર સમાજ, બારોટ સમાજના લોકોની આ કુળદેવી છે. આ સિવાય સિંધ, પંજાબ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યના હિન્દુઓ પણ આ કુળદેવીને માને છે.
શિવપુરાણમાં જણાવાયું છે કે દક્ષ–પ્રજાપતિ (રાજા) પોતાની દીકરી સતી માટે યોગ્ય કારકિર્દીવાળી વ્યક્તિ વિશે વિચારતા હતા, પરંતુ સતીએ તો પોતાના પિતાની પરવાનગી લીધા વગર શિવને પસંદ કર્યા હતા. સતીનો આ નિર્ણય રાજાને અનુકૂળ ન હતો. આથી તેમણે સતી માટે સ્વયંવર રચ્યો હતો. જેમાં શિવ સિવાય બધાને આમંત્રણ આપ્યું હતું. સતી ગુસ્સામાં આ અપમાન સહન ન કરી શક્યાં અને તેમણે સ્વયં પોતાનું બલિદાન કર્યું. શિવને પણ ન ગમ્યું. આથી દક્ષને શ્રાપ આપ્યો, પરંતુ તે પાછો ખેંચી લીધો હતો. શિવે સતીને પુનઃજીવન આપ્યું. વિષ્ણુ પોતે આ બાબતનું સમાધાન કરવા સતીનાં અંગોના 108 ભાગ પૃથ્વી પર પાછા લાવ્યા. તેમાંથી 52 ભાગ પૃથ્વી ઉપર પરત થયા અને બાકીના બ્રહ્માંડમાં વિખેરાઈ ગયા. આ અંગોના ભાગ વેરવિખેર પથરાયા તે શક્તિપીઠ તરીકે ઓળખાયા.
આ શક્તિપીઠ એટલે દેવીનું સ્થાન. જુદાં જુદાં પુરાણો અને શંકરાચાર્યએ જણાવેલાં પીઠની સંખ્યામાં એકરૂપતા નથી. શિવપુરાણમાં દર્શાવાયેલાં પીઠ જેમાં ભારતમાં 33 અને આ સિવાય બાંગ્લાદેશમાં 7, નેપાળમાં 4, પાકિસ્તાનમાં 3 તેમજ તિબેટ, શ્રીલંકા, ભુતાન અને અફઘાનિસ્તાનમાં એક એક દર્શાવાયા છે. પાકિસ્તાનમાં ત્રણ શક્તિપીઠ આવેલાં છે. તેમાં હિંગળાજ, શારદા અને શિવાહરકારી (Shivaharkaray) છે. હિંગળાજ શક્તિપીઠ કે જ્યાં ‘સતી’નું મસ્તક છે આથી તેનું મહત્ત્વ વધુ છે.
‘હિંગળાજ શક્તિપીઠ’ વિશે ઓનકારસિંઘ લખાવતે પુસ્તક લખ્યું છે. 2006ના વર્ષમાં શ્રી લખાવતે પ્રવાસ કર્યો હતો. તેમણે આ પુસ્તકમાં યાત્રા દરમિયાન થયેલા અનુભવો અને શક્તિપીઠ વિશે વિગતે વર્ણન કર્યું છે. આ પુસ્તક 2011માં પ્રગટ થયું છે. આ સિવાય બંગાળી ભાષામાં ‘મોરુતીર્થ હિંગોળી’ (Morutirth Hingoli) ફિલ્મ પણ બની છે. આ ફિલ્મમાં ઉત્તમકુમારે અભિનય આપ્યો છે. જ્યારે હેમંતકુમારે આ ફિલ્મના ગીતનું સ્વરાંકન કર્યું છે. તેલુગુ ભાષામાં પણ ફિલ્મ બની છે.
હિંગોળ નદી : પાકિસ્તાનના બલુચિસ્તાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલી નદી.
ભૌગોલિક સ્થાન : તે 25 22´ ઉ. અ. અને 65 30´ પૂ. રે.ની આજુબાજુ વહેતી નદી છે. બલુચિસ્તાનની સૌથી લાંબી નદી છે, જેના વહનમાર્ગની લંબાઈ 350 કિમી. જેટલી છે. આ નદી મકરાનના સમુદ્રકાંઠા તરફ આગળ વધતાં તે સિંધુ નદીને મળી જાય છે. સક્રિય પંક જ્વાળામુખીના વિસ્તારમાંથી વહેતી નદીનો માર્ગ પ્રમાણમાં સર્પાકાર છે. આ નદી બારમાસી નદી છે. જ્યારે પૂર આવે છે ત્યારે ધોવાણ કાર્ય વધુ કરે છે. મકરાનના કિનારે આવેલા ડુંગરાળ હારમાળાના ઊંચી કરાડના વિસ્તારોમાંથી વહે છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડતો હોવા છતાં તેનો પ્રવાહ સુકાતો નથી.
બલુચિસ્તાનના કિનારાના વિસ્તારોમાંથી કેચ, હબ, બાસોલ અને હિંગોળ નદી વહે છે. આ નદીઓમાં મગરનું પ્રમાણ અધિક હોય છે. આ નદીના ખીણવિસ્તારોનું રક્ષણ થાય તે માટે પાકિસ્તાન સરકારે અહીં ‘હિંગોળ રાષ્ટ્રીય ઉદ્યાન’ ઊભો કર્યો છે.
નીતિન કોઠારી