હાવેલ, વોકલાવ (જ. 5 ઑક્ટોબર 1936, પ્રાગ, ચેક પ્રજાસત્તાક) : 2003ના વર્ષનો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનાર ચેક પ્રજાસત્તાકના પૂર્વપ્રમુખ. ચેક પ્રજાસત્તાકના ગાંધી તરીકે ઓળખાતા વોકલાવ હાવેલ ‘નોખી માટીના નોખા માનવી’ છે. 1 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા અને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરી શકાય તેવા મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર માટે વિનમ્ર, મૃદુભાષી; શાંતિ, સદભાવના, સહઅસ્તિત્વ તથા ગાંધીવિચાર ધારામાં અપ્રતિમ વિશ્વાસ ધરાવનાર હાવેલની વરણી કરવામાં આવી હતી.
વોકલાવ હાવેલ
વ્યાવસાયિક કુટુંબના આ ફરજંદનું બૌદ્ધિક અને કલાપ્રિય માનસ ઘડવામાં માતાએ સારી એવી જહેમત ઉઠાવી હતી. 15 વર્ષની વયે કવિતા રચનાર અને 19 વર્ષની વયે નાટક અને સાહિત્યના ક્ષેત્રે લેખો લખી તેમણે ચેકોસ્લોવૅકિયાના સાહિત્યવર્તુળમાં પ્રવેશ મેળવ્યો હતો. કૌટુંબિક પરંપરાને કારણે ચેક સંસ્કૃતિની અસ્મિતા અને માનવમૂલ્યોના સંવર્ધન માટેના પ્રયાસો આદરનાર હાવેલ લૅબોરેટરી ટૅકનિશિયન, લશ્કરી સેવાઓ અને શ્રમિક તરીકેનાં વિવિધ ક્ષેત્રોનું ભાથું બાંધી આગળ વધતા હતા. પ્રાગ ખાતે નિવાસી લેખક તરીકે કામ કરી 36 સભ્યોનું ‘થર્ટી-સિક્સર્સ’ જૂથ રચી, ફ્રેંચ વિચારક લેખક કાફકાના પ્રભાવ હેઠળ તેમની કારકિર્દી શરૂ થઈ. 1963માં રચેલું ‘ધ ગાર્ડન પાર્ટી’ તેમનું નીવડેલું નાટક હતું. તેમાં દેશની સામ્યવાદી અમલદારશાહીના રોજિંદા ઘટનાક્રમ પર તેમણે ભારે વ્યંગ કર્યો હતો. આ અને તેમનાં અન્ય નાટકો દેશ-વિદેશમાં પ્રચંડ આવકાર પામ્યાં હતાં. તે દ્વારા તેમણે દેશની તત્કાલીન પરિસ્થિતિ સામે મશાલચી તરીકેની ભૂમિકા અદા કરી. 1964માં ઓલ્ગા સ્પાલિચાલૉવા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. તેમના અવસાન બાદ હાવેલે વેસ્કાર નૉવા સાથે બીજાં લગ્ન કર્યાં. 1969 સુધીમાં તેમનાં નાટકોનાં વિષયવસ્તુ અને તેજીલી જબાને જનજીવનમાં ખળભળાટ મચાવ્યો. તેમનું આ કાર્ય સામ્યવાદી સરકારને વિધ્વંસક જણાતાં 1979માં ચાર વર્ષ માટે તેમણે જેલવાસ વેઠ્યો. દેશમાં તેમનાં નાટકો પર પ્રતિબંધ મુકાયો, પણ યુરોપના અન્ય દેશોએ આ નાટકો આવકાર્યાં અને હાવેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નાટ્યલેખક બન્યા. 1980થી તેમનાં નાટકો દ્વારા નાટ્યકલાનો નવો યુગ આરંભાયો. તેમાં પ્રજાકીય અસ્મિતા સાથે વૈચારિક અને નૈતિક સમસ્યાઓ પ્રતિબિંબિત થઈ તે પછી લોકશાહી મૂલ્યોના જતન માટે માનવને ગરિમા પ્રદાન કરતાં શ્રેણીબંધ નાટકો અને નિબંધો દ્વારા પ્રજા સમસ્તની ચેતના તેમણે ઢંઢોળી. સામ્યવાદી સરકારના વ્યાપક દમનનો પ્રતિકાર તેમાં વ્યક્ત થયો. 1975માં દેશના રાષ્ટ્રપ્રમુખને ખુલ્લો પત્ર લખી તેમણે હકીકતોનું જાહેરમાં બયાન કરીને નૈતિક મૂલ્યોના પ્રખર પુરસ્કર્તા બનવાનો અને સત્ય કહેવાનો બગાવતી માર્ગ પસંદ કર્યો.
1977માં ‘ચાર્ટર 77’નું સંગઠન રચવા સાથે ‘કમિટી ફૉર ધ ડીફેન્સ ઑવ્ ધી અનજસ્ટલી પ્રોસિક્યૂટેડ’ની રચના કરી સામ્યવાદી સરકારના અન્યાય અને ત્રાસ સામે માથું ઊંચક્યું અને ગાંધીચીંધ્યા માર્ગે નૈતિક પ્રતિકાર દ્વારા સત્યની શક્તિનો પ્રયોગ કર્યો. આ સંદર્ભમાં તેમના ‘ધ પાવર ઑવ્ પાવરલેસ’ નિબંધે સત્તાધીશોને બેચેન બનાવી દીધા. ‘લિડોવ નૉવિની’ નામના ગુપ્ત સામયિકમાં સ્વતંત્ર વિચારસરણીને પોષતા લેખો તેમણે વહેતા મૂક્યા. ‘સિવિક ફૉરમ’ દ્વારા સત્તાના પ્રચંડ વિરોધની કામગીરી જલદ બનાવી. એથી ટૂંકો જેલવાસ મળ્યો; પરંતુ છેવટે સરકાર ઝૂકી, સત્ય સ્વીકાર્યું અને દેશમાં મુક્ત ચૂંટણીઓ યોજવામાં આવી. 1990માં આ સંગઠન અને તેની સાથે જોડાયેલા પક્ષોને ધારાસભામાં બહુમતી મળી. હાવેલ પ્રમુખ ચૂંટાયા અને તેઓ 1948 પછીના પ્રથમ બિનસામ્યવાદી પ્રમુખ બન્યા.
બિનપક્ષીય પ્રમુખ તરીકે તેઓ પ્રજાનું ભારે સન્માન પામ્યા. તેમણે નવા લોકશાહી સુધારા દાખલ કરી દેશમાં લોકશાહી ઢબની સરકારનો શુભારંભ કર્યો. માનવઅધિકારોની પ્રખર હિમાયત કરી. નાગરિકોને પાયાનું સ્વાતંત્ર્ય પૂરું પાડ્યું અને મુક્ત બજાર પર આધારિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી. ‘વેલ્વેટ રેવોલ્યૂશન’ના અગ્રણી બની રહ્યા. ચેકોસ્લોવૅકિયાના વિભાજનના વિરોધમાં તથા રાષ્ટ્રપ્રમુખ તરીકે કેટલીક ફરજો (વિભાજનની) અદા ન કરી શકે તેમ હોવાથી તેમણે 20 જુલાઈ, 1992ના રોજ રાજીનામું આપ્યું; પરંતુ એથી તેમની કામગીરી, માન્યતાઓ અને જાહેર જીવનનાં ધોરણો અંગે જે ચેતના પ્રગટી તેમાં સુસંવાદિતા પ્રતીત થઈ; કથની અને કરણીમાં એકસૂત્રતા દેખાઈ, આથી તેઓ પ્રજાની અસાધારણ ચાહનાના અધિકારી બન્યા અને ચેકોસ્લોવૅકિયાના વિભાજન બાદ જાન્યુઆરી, 1993માં નવા રચાયેલા ચેક પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ ચૂંટાયા અને ચેક પ્રજાસત્તાકના ગાંધી બની રહ્યા. ચેક પ્રજાસત્તાકમાં ‘તંદુરસ્ત લોકશાહી’ સ્થાપવાના ધ્યેય સાથે તેમણે કામગીરી આરંભી; પરંતુ પ્રમુખ તરીકેના તેમના જાહેર વ્યાખ્યાનમાં જ તેમણે સ્વીકાર્યું કે ‘સૌથી ખરાબ ઘટના તો એ છે કે આપણે નૈતિક રીતે મલિન અને ભ્રષ્ટ જગતમાં જીવીએ છીએ; વિચારીએ છીએ; તેનાથી કંઈક જુદું કહેવા ટેવાયેલા આપણે નૈતિક માંદગી પેદા કરીએ છીએ.’ તેમનાં આવાં વિધાનો આધુનિક જગત અંગેની નિરાશા, વ્યથા અને વેદનાને વાચા આપે છે. જનજીવનમાં સોપો પાડી દેતા તેમના આ વક્તવ્યની હકીકતોનો ઇનકાર કરી શકાય તેમ નહોતો.
તેઓ ઇરેસ્મસ પ્રાઇઝ (1986), ધ આલોફપામ પ્રાઇઝ (1989), યુનેસ્કો ઍવૉર્ડ (1990) જેવાં ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માનોથી વિભૂષિત છે. યૉર્ક યુનિવર્સિટી (ટોરૅન્ટો, કૅનેડા), કોલંબિયા યુનિવર્સિટી(ન્યૂયૉર્ક)એ તેમને 1982માં તેમજ હિબ્રૂ યુનિવર્સિટી (જેરૂસલેમ), ફેન્ટિસેક પાલાકી યુનિવર્સિટી, ચાર્લ્સ યુનિવર્સિટી, કોમેનિયસ યુનિવર્સિટી-(ચેકોસ્લોવૅકિયા)એ 1990માં તેમને માનાર્હ ડૉક્ટરેટની પદવીથી વિભૂષિત કર્યા છે. જાહેર જીવન દરમિયાન નાના કદનાં વર્તમાન-પત્રોના મલિન અભિયાનનો તેમને સામનો કરવો પડેલો. તેમનાં નાટકો, તત્વચિંતન અને રાજકીય કાર્યો વિશે વ્યાપક સાહિત્ય રચાયું છે. દેશની પ્રજાની અસાધારણ લોકચાહના મેળવનાર, નૈતિક મૂલ્યોનું જતન કરીને ગાંધીચીંધ્યા માર્ગે ચાલનાર આધુનિક યુગના ઋષિમનીષીને ભારત સરકારે મહાત્મા ગાંધી પુરસ્કાર એનાયત કરીને બિરદાવ્યા છે.
રક્ષા મ. વ્યાસ