હાવર્થ વૉલ્ટેર નૉર્મન (સર) (Haworth Sir Walter Norman)

February, 2009

હાવર્થ, વૉલ્ટેર નૉર્મન (સર) (Haworth, Sir Walter Norman) (જ. 19 માર્ચ 1883, લૅંકેશાયર; અ. 19 માર્ચ 1950, બર્મિંગહામ) : બ્રિટિશ રસાયણવિદ અને 1937ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સ્થાનિક શાળામાં અભ્યાસ કર્યા બાદ 14 વર્ષની ઉંમરે હાવર્થ પિતાના વ્યવસાયમાં જોડાયા, જેમાં રંગકો(dyes)નો ઉપયોગ થતો હતો. આના કારણે તેમને રસાયણવિજ્ઞાનમાં રસ જાગ્યો. ખાનગી અભ્યાસ કરીને તેમણે માન્ચેસ્ટર યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષા પસાર કરી. 1906માં તેઓ પ્રથમ વર્ગ સાથે યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા. ત્રણ વર્ષ સંશોધનકાર્ય બાદ સ્કૉલરશિપ મળતાં તેઓ ગોટિન્જન ગયા અને ગોટિન્જન યુનિવર્સિટીમાંથી 1910માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ માન્ચેસ્ટર પાછા ફર્યા, જ્યાંથી 1911માં તેમણે ડી.એસસી.ની પદવી મેળવી.

સર વૉલ્ટેર નૉર્માન હાવર્થ

હાવર્થ 1911માં ઇમ્પિરિયલ કૉલેજ, લંડનમાં ડેમૉન્સ્ટ્રેટર બન્યા. 1912માં તેઓ યુનિવર્સિટી ઑવ્ સેન્ટ એન્ડ્રૂઝ, સ્કૉટલૅન્ડમાં રસાયણના લેક્ચરર અને રીડર તરીકે નિમાયા અને 1920 સુધી ત્યાં રહ્યા. 1920માં તેઓ યુનિવર્સિટી ઑવ્ ડરહામમાં રસાયણના પ્રાધ્યાપક બન્યા તથા 1921માં ત્યાં જ ડિરેક્ટર તરીકે નિમણૂક પામ્યા. 1925માં તેઓ બર્મિંગહામ યુનિવર્સિટીમાં રસાયણવિજ્ઞાનના પ્રાધ્યાપક તથા રસાયણવિભાગના ડિરેક્ટર બન્યા, જે પદ તેમણે નિવૃત્તિ સુધી (1948) શોભાવ્યું. નિવૃત્તિ પછી પણ તેમણે કેટલાંક વિદ્યામંડળો (boards) અને સમિતિઓમાં સેવાઓ આપી હતી.

હાવર્થનું મુખ્ય સંશોધન દ્રાક્ષ-શર્કરાનાં વિવિધ સ્વરૂપો, શેરડીની ખાંડ, માલ્ટોઝ અને દુગ્ધ-શર્કરા, સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરેના અણુઓમાં પરમાણુઓની સ્થાનરચના અંગે હતું. સેન્ટ એન્ડ્રૂઝમાં હતા ત્યારે તેમણે બ્રિટિશ રસાયણવિદો સર જેમ્સ ઇરવીન અને થૉમસ પર્ડી સાથે આ અંગે સંશોધન કર્યું હતું. તેમણે એમિલ ફિશરનું સંશોધન આગળ ધપાવી શર્કરાના મિથિલેશન (methylation) દ્વારા શર્કરાના બંધારણ અંગેનું જ્ઞાન વિસ્તાર્યું. 1925માં તેમણે દર્શાવ્યું કે ગ્લુકોઝની સંરચના છ પરમાણુઓના વલયની બનેલી છે, જેમાં પાંચ કાર્બનના અને એક ઑક્સિજનનો હોય છે તેમજ એક કાર્બન પરમાણુ ઉપર કાર્બન ધરાવતી વધારાની ઉપશાખા હોય છે. આ સંરચનાને તેમણે (pyran ઉપરથી) પાયરેનોઝ નામ આપ્યું.

અન્ય સામાન્ય હેક્ઝોઝનાં બંધારણ પણ આ પ્રકારનાં જ હોય છે. ઓછાં સ્થાયી એવાં પેન્ટોઝ અને હેક્ઝોઝની સંરચના ફ્યુરેનોઝ [ફ્યુરાન (furan) ઉપરથી] પ્રકારની હોય છે.

કુદરતમાં કેટલીક શર્કરાઓ સંયોજિત અવસ્થામાં મળી આવે છે. તેમને જ્યારે અલગ પાડવામાં આવે છે ત્યારે તેઓ છ પરમાણુઓ ધરાવતી સામાન્ય અથવા પાયરેનોઝમાં પરિવર્તન પામે છે. સેલ્યુલોઝ જેવા પદાર્થોમાં પણ આવાં સાદા બંધારણીય એકમોવાળી શૃંખલાઓ હોય છે.

1925માં બર્મિંગહામમાં હતા ત્યારે હાવર્થે સાદી શર્કરાઓને મળતા આવતા વિટામિન સીના અભ્યાસ તરફ વળ્યા. 1928માં ઝેન્ટ જ્યૉર્જીએ (નોબેલ પુરસ્કાર વિજેતા, 1937) સંતરા(નારંગી)ના રસ તથા કોબીજ(cabbage)માંથી શર્કરાના ગુણધર્મો ધરાવતો એક ઉચ્ચ અપચાયક પદાર્થ અલગ પાડી તેને હેક્ઝ્યુરોનિક (hexuronic) ઍસિડ (અણુસૂત્ર C6H8O6) નામ આપ્યું હતું. પછીથી હાવર્થ અને ઝેન્ટ જ્યૉર્જીના સૂચન પરથી તેને એસ્કોર્બિક ઍસિડ નામ આપવામાં આવ્યું. 1934માં હાવર્થ બ્રિટિશ રસાયણજ્ઞ સર એડમન્ડ હર્સ્ટ સાથે આ વિટામિનનું સંશ્લેષણ કરવામાં સફળ નીવડ્યા. તેની દેહધાર્મિક સક્રિયતા કુદરતી પદાર્થ જેવી જ હતી. આમ એસ્કોર્બિક ઍસિડ અને વિટામિન સી બંને એક જ પદાર્થ છે તેમ સંશ્લેષણ દ્વારા પુરવાર થયું.

હાવર્થને તેમના કાર્બોહાઇડ્રેટો તથા વિટામિન-સી ઉપરના સંશોધન બદલ 1937નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પોલ કારર સાથે એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ કેમિકલ સોસાયટીના ફેલો તથા 1944–1946 દરમિયાન તેના પ્રમુખ હતા. 1928માં તેઓ રૉયલ સોસાયટીના ફેલો તથા 1947–48 દરમિયાન તેના ઉપપ્રમુખ હતા. આ ઉપરાંત બેલફાસ્ટ, ઝુરિક અને ઑસ્લો યુનિવર્સિટીઓએ પણ તેમને માનાર્હ પદવીઓ એનાયત કરી હતી. માન્ચેસ્ટર યુનિવર્સિટીએ પણ તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની માનાર્હ પદવીથી નવાજ્યા હતા. 1933માં તેમને કેમિકલ સોસાયટીનો લૉન્ગાસ્ટાફ ચંદ્રક, 1934માં રૉયલ સોસાયટીનો ડેવી ચંદ્રક તથા 1942માં રૉયલ ચંદ્રક અર્પણ થયેલા. 1947માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવેલો.

હાવર્થે ‘એડવાન્સીઝ ઇન કાર્બોહાઇડ્રેટ કેમિસ્ટ્રી’માં અનેક સંશોધનલેખો પ્રકાશિત કર્યા છે. તેમણે લખેલ પુસ્તક ‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઑવ્ શુગર્સ’ 1929માં પ્રકાશિત થયું હતું.

1922માં તેમણે લગ્ન કર્યા હતાં. તેમને બે પુત્રો હતા.

જ. પો. ત્રિવેદી