હાર્ડિકર, નારાયણ સુબ્બારાવ (જ. 7 મે 1889, હુબલી, જિલ્લો ધારવાડ; અ. 1975) : દેશભક્ત, સ્વાતંત્ર્યસૈનિક. સેવાદળના સ્થાપક અને વડા. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું. તે દરમિયાન ‘કેસરી’માં પ્રગટ થતા ટિળકના લેખો વાંચીને તેમનાથી પ્રભાવિત થયા અને દેશભક્ત થયા. શાળાના અભ્યાસ દરમિયાન તેઓ સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય રહેતા. બંગભંગની ચળવળ દરમિયાન તેમણે હુબલીમાં ‘આર્ય બાળ સભા’ સ્થાપી અને સ્વદેશી માલની દુકાન ખોલી. સ્વદેશી વસ્તુઓ વાપરવા તથા પરદેશી માલનો બહિષ્કાર કરવા તેમણે લોકોને વિનંતી કરી. ‘કેસરી’ અખબારમાંથી લેખો કન્નડમાં અનુવાદ કરીને તેઓ હુબલીમાં પ્રગટ કરતા હતા. કેટલીક વાર દેશમાં ક્રાંતિ કરવાની આવશ્યકતા સમજાવતા લેખો પણ તેઓ લખતા હતા.
નારાયણ સુબ્બારાવ હાર્ડિકર
ઇન્ટરમિડિયેટના અભ્યાસ પછી તેઓ ઔષધવિજ્ઞાન(Medicine)-ના અભ્યાસ માટે કોલકાતા ગયા અને ત્યાં એમ.સી.પી.એસ.નો અભ્યાસ પૂરો કર્યો. તે પછી મહારાષ્ટ્ર અને કર્ણાટકના રાષ્ટ્રવાદીઓએ ફાળો ભેગો કરી આપ્યો અને 1913માં હાર્ડિકર અમેરિકા વધુ અભ્યાસ માટે ગયા. તેઓ ત્યાં મિશિગન યુનિવર્સિટીમાં જોડાયા. 1916માં ત્યાં તેઓ ‘એક્સટેન્શન લેક્ચરર’ નિમાયા. તેથી તેમને પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવાની તક મળી. તેઓ ત્યાં હિંદુસ્તાન ઍસોસિયેશન ઑવ્ અમેરિકાની પ્રવૃત્તિમાં રસ લેતા અને 1915માં તે સંસ્થાના પ્રમુખ પણ બન્યા. પછી આશરે 40 માસ સુધી મહાન રાષ્ટ્રવાદી નેતા લાલા લજપતરાય સાથે કામ કરવાની તેમને તક મળી. અમેરિકાની ઇન્ડિયન હોમરૂલ લીગ 1917માં સ્થપાઈ. તેના પ્રમુખ લજપતરાય અને મહામંત્રી હાર્ડિકર બન્યા. આ હોદ્દા પર રહીને હાર્ડિકરે સમગ્ર અમેરિકાનો પ્રવાસ ખેડ્યો, જાહેર પ્રવચનો આપ્યાં અને સેમિનારોમાં હાજર રહીને ભારતની સ્વતંત્રતાની ચળવળની તરફેણમાં અમેરિકામાં લોકમત ઊભો કર્યો.
અમેરિકાથી પાછા ફરીને હાર્ડિકરે પોતાની પ્રવૃત્તિના કાર્યક્ષેત્ર તરીકે કર્ણાટક પસંદ કર્યું. કર્ણાટક પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના એક મંત્રી તરીકે તેઓ નિમાયા. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ વિકસાવવા તેમણે ‘ગણેશ મંડળ’, ‘પ્રબુદ્ધ વર્ગ’, ‘વાર્તા પ્રસારક સંઘ’, ‘ભગિની મંડળ’, ‘ટિળક કન્યાશાળા’, ‘ટિળક ગ્રંથ સંગ્રહ’ વગેરે સંસ્થાઓ સ્થાપી. હુબલીમાં તેમણે ‘નૅશનલ સ્કૂલ અને કૉમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરી. ભારતની સ્વતંત્રતાની ચળવળને હાર્ડિકરનું સૌથી મોટું પ્રદાન, 1923માં તેમણે સ્થાપેલ હિંદુસ્તાની સેવાદળ હતું. તેને સમગ્ર દેશમાં લોકપ્રિય બનાવવા તેમણે સખત પરિશ્રમ કર્યો. તે માટે તેમણે ‘વૉલંટિયર’ નામનું સામયિક પ્રગટ કરવા માંડ્યું. હિંદુસ્તાની સેવાદળના ઉપક્રમે, અખિલ ભારતીય ધોરણે સ્વયંસેવકોને તાલીમ આપવા વાસ્તે, તેમણે 1928માં બાગલકોટમાં ઑલ ઇન્ડિયા એકૅડેમી સ્થાપી. 1930માં આઝાદીની ચળવળમાં ભાગ લેવાને કારણે તેમને બે વાર જેલની સજા થઈ અને સેવાદળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કૉંગ્રેસે શરૂ કરેલી ચળવળોમાં હાર્ડિકરે ભાગ લીધો અને અનેક વાર તેમણે જેલની સજા ભોગવી હતી. કર્ણાટકમાં થતી સ્વતંત્રતાની બધી ચળવળોમાં તેઓ પ્રેરક બળ હતા. 1935માં હાર્ડિકરે ઘાટપ્રભામાં કર્ણાટક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપ્યું. તે વિકસીને હવે મહત્વની આરોગ્યની સંસ્થા બની છે. 1946માં દિલ્હીમાં યોજાયેલ ઑલ ઇન્ડિયા વૉલંટિયર કૉન્ફરન્સના પ્રમુખ તરીકે તેમને પસંદ કરવામાં આવ્યા. ભારત સ્વતંત્ર થયા પછી પણ તેઓ સત્તા તથા રાજકારણથી અલગ રહ્યા અને રચનાત્મક પ્રવૃત્તિમાં પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. 1950માં તેમની હીરક જયંતી ઊજવવામાં આવી. તે પ્રસંગે એક સૂવેનિયર પ્રગટ કરવામાં આવ્યું અને તેમને રૂ. 61,000/- ભેટ ધરવામાં આવ્યા. 1952માં તેઓ રાજ્યસભાના સભ્યપદે ચૂંટાયા અને 1962 પર્યંત તે સાંસદ રહ્યા. દેશની તેમણે કરેલી શ્રેષ્ઠ સેવાઓની કદર કરીને તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
તેઓ એક મહાન સંગઠક અને સમાજસેવક હતા. તેઓ આજીવન રાષ્ટ્રભક્ત રહ્યા. તેઓ ખૂબ સાદું જીવન જીવતા. સ્ત્રીઓ માટેના સમાન અધિકારોના અને વિધવાવિવાહના તેઓ હિમાયતી હતા અને તે માટે સંસ્થાઓ પણ સ્થાપી હતી. તેમણે સેવાદળ માટે પ્રથમ મરાઠીમાં (1931) અને પછી હિન્દી, કન્નડ અને ગુજરાતીમાં ‘રાષ્ટ્રધ્વજ’ આદિ પુસ્તકો પ્રગટ કર્યાં હતાં.
જયકુમાર ર. શુક્લ
બંસીધર શુક્લ