હાર્ડન, આર્થર (સર) (જ. 12 ઑક્ટોબર 1865, માન્ચેસ્ટર; અ. 17 જૂન 1940, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1929ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. માન્ચેસ્ટર અને અર્લાન્ગેન(જર્મની)માં અભ્યાસ કર્યા બાદ હાર્ડન માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં લેક્ચરર-ડેમૉન્સ્ટ્રેટર (1888–1897) બન્યા. 1897માં તેઓ જેનર ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્રિવેન્ટિવ મેડિસિનની રાસાયણિક અને પાણીની પ્રયોગશાળામાં જોડાયા. 1907માં તેઓ જૈવરસાયણ વિભાગના વડા બન્યા અને 1930 સુધી ત્યાં રહ્યા. 1912માં તેઓ યુનિવર્સિટી ઑવ્ લંડનમાં જૈવરસાયણના પ્રાધ્યાપક પણ બન્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ આ ઇન્સ્ટિટ્યૂટના હંગામી વડા હતા તથા પોષણ (nutrition) ઉપર સંશોધન કરેલું.

સર આર્થર હાર્ડન

શર્કરાઓના આલ્કોહૉલીય આથવણ ઉપરના તેમના સંશોધનકાર્યથી હાર્ડન વધુ જાણીતા છે. અગાઉ બુકનર (નોબેલ પુરસ્કાર-વિજેતા 1907) દ્વારા સુક્રોઝનું આથવણ ઝાઇમેઝ નામના એક ઉત્સેચક વડે થાય છે તેવી રજૂઆત થયેલી. હાર્ડને દર્શાવ્યું કે ઝાયમેઝ એ ઉત્સેચકોનું મિશ્રણ છે. જેમાંના દરેક ખાંડના આલ્કોહૉલમાં થતા બહુસોપાની (multi-step) રૂપાંતરમાંના એક એક તબક્કાને ઉદ્દીપિત કરે છે. વળી તેમાં (ઝાયમેઝમાં) પ્રોટીન ન હોય તેવા પણ ઉત્સેચકો હોય છે જે પ્રવિધિ માટે જરૂરી હોય છે. તેમણે એમ પણ દર્શાવ્યું કે આમાં આવશ્યક પ્રથમ તબક્કો એ સુક્રોઝનું ફૉસ્ફૉરિલેશન છે અને આ કાર્બોહાઇડ્રેટ ફૉસ્ફેટ ચાવીરૂપ મધ્યવર્તીઓ (intermediates) છે. આ સંકીર્ણ પ્રક્રિયા પૂરેપૂરી જાણવા માટે તેમને 20 વર્ષ લાગ્યાં હતાં. આ ઉપરાંત સ્નાયુઓમાં ગ્લાયકોજનના લૅક્ટિક ઍસિડમાં થતા રૂપાંતરણનો પણ તેમણે અભ્યાસ કર્યો છે. જીવાણ્વીય (bacterial) ઉત્સેચકો તેમજ ચયાપચય અંગે પણ તેમણે ઉત્કૃષ્ટ સંશોધન કર્યું છે.

હાર્ડનનાં પુસ્તકોમાં ‘આલ્કોહૉલિક ફર્મેન્ટેશન’ (1911) અને તે અગાઉ 1896માં એચ. ઈ. રોસ્કોના સહયોગમાં લખેલ ‘એ ન્યૂ વ્યૂ ઑવ્ ધ ઑરિજિન ઑવ્ ડોલ્ટન્સ ઍટમિક થિયરી’નો સમાવેશ થાય છે. 1913થી 1937 દરમિયાન તેમણે ‘બાયૉકેમિકલ જર્નલ’ના સહસંપાદક તરીકે સેવાઓ આપી હતી.

1909માં હાર્ડન રૉયલ સોસાયટી(લંડન)ના ફેલો બન્યા. 1936માં તેમને ‘સર’(Knighthood)ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ખાંડના આથવણ અંગેના અન્વેષણ તેમજ આથવણકારી ઉત્સેચકો પરના સંશોધનકાર્ય બદલ હાર્ડન તથા યુલર-ચેલ્વિનને 1929નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

જ. પો. ત્રિવેદી