હારિજ : પાટણ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 71° 54´ પૂ. રે.ની આજુબાજુનો 407 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.

હારિજ તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. તાલુકામાંથી સરસ્વતી નદી પસાર થાય છે. હારિજ તાલુકા અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પરથી બનાસ નદી વહે છે. તાલુકાની જમીનો ક્ષારવાળી તેમજ હલકા પ્રકારની છે. ભૂગર્ભ જળ ખારાં છે. અહીં હલકાં ધાન્યની ખેતી થાય છે, સારી ઊપજ માટે વધુ પાણી તેમજ ખાતરની જરૂર પડે છે. આ તાલુકાનો સમાવેશ અછતગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવેલો છે. આ તાલુકો કર્કવૃત્ત નજીક આવેલો હોવાથી ઉષ્ણકલ્પ આબોહવા ધરાવે છે. ઉનાળાનું અને શિયાળાનું સરેરાશ તાપમાન 46° સે. તથા 9° સે. જેટલું રહે છે. વરસાદ 100 મિમી.થી ઓછો પડે છે.

રણુંજ–હારિજ મીટરગેજ રેલમાર્ગ પરનું તે અંતિમ મથક છે. નજીકમાં આવેલું ચાણસ્મા રેલમાર્ગથી જોડાયેલું છે. તાલુકામાંથી રાજ્ય ધોરી માર્ગ નં. 10, 55 તેમજ 220 પસાર થાય છે. પાટણ જિલ્લાની અંદરનાં તેમજ જિલ્લા બહારનાં મહત્વનાં સ્થળો સાથે તે રાજ્ય-પરિવહનની બસોથી સંકળાયેલું છે.

હારિજ ખાતે ખેતપેદાશોનું મોટું માર્કેટ યાર્ડ કાર્યરત છે. તે કપાસ, કઠોળ, બાજરી અને ઘઉંનું વેપારી મથક છે. નગરમાં જિનિંગ તથા પ્રેસિંગ અને બરફનાં કારખાનાં આવેલાં છે. વેપારીઓની સુવિધા જાળવતી રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બૅંકો આવેલી છે. વળી તાલુકામથક હોવાથી અહીં વહીવટી કચેરીઓ આવેલી છે. નગરમાં દવાખાનું, પશુચિકિત્સાલય, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા સરકારી આરામગૃહ આવેલાં છે.

આ તાલુકામાં સરેરાશ દર ત્રણ વર્ષે એક વાર દુકાળની પરિસ્થિતિ ઊભી થાય છે. સિંચાઈની સગવડોનો અભાવ હોવાથી લોકોને હાડમારીભર્યું જીવન વિતાવવું પડે છે. નજીકના ભવિષ્યમાં અહીં નર્મદા નહેરનાં પાણી મળવાની શક્યતા છે, જેથી અછતની પરિસ્થિતિ હળવી થશે.

તાલુકામાં 39 ગામો અને 1 શહેર આવેલાં છે. 2001 મુજબ તાલુકાની વસ્તી 84,715; શહેરી (હારિજની) વસ્તી 18,388 અને ગ્રામીણ વસ્તી 66,327 જેટલી છે.

નીતિન કોઠારી